સકામ ભક્તિ પણ કીમતી છે – (34)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સાતમો : પ્રપત્તિ અથવા ઈશ્વરશરણતા
પ્રકરણ ૩૪ – સકામ ભક્તિ પણ કીમતી છે

9. ભગવાને ભક્તના ત્રણ પ્રકાર કહ્યા છેઃ ૧. સકામ ભક્તિ કરનારો, ૨. નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારો અને ૩. જ્ઞાની એટલે સંપૂર્ણ ભક્તિ કરનારો. નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારાઓમાં પાછા ત્રણ પ્રકાર છેઃ ૧. આર્ત, ૨. જિજ્ઞાસુ અને ૩. અર્થાર્થી. ભક્તિવૃક્ષની આવી જુદી જુદી શાખાઓ છે. સકામ ભક્તિ કરનારો એટલે શું ? કંઈક ઈચ્છા મનમાં રાખી પરમેશ્વર પાસે જનારો. આ ભક્તિ ઊતરતા પ્રકારની છે એથી હું તેની નિંદા નહીં કરૂં. ઘણા લોકો માનઆબરૂ મળે એટલા સારૂ સાર્વજનિક સેવામાં જોડાય છે. તેમાં બગડ્યું શું ? તમે તેને માન આપો, સારૂં સરખું માન આપો. માન આપવાથી કંઈ બગડવાનું નથી. એવું માન મળતું રહેવાથી આગળ ઉપર એ લોકો સાર્વજનિક સેવામાં સ્થિર થઈ જશે. પછી એ કામમાં જ તેમને આનંદ પડવા માંડશે. માન મળવું જોઈએ એવું લાગે છે તેનો અર્થ શો ? એનો અર્થ એટલો કે આપણે જે કામ કરીએ છીએ તે સારામાં સારૂં છે એવી માન મળવાથી ખાતરી થાય છે. પોતાની સેવા સારી છે કે નરસી એ સમજવાને જેની પાસે અંદરનું સાધન નથી તેને આ બહારના સાધન પર ભરોસો રાખીને ચાલવું પડે છે. મા દીકરાને શાબાશી આપે છે એટલે તેને માનું વધારે કામ કરવાની લાગણી થાય છે. સકામ ભક્તિનું એવું જ છે. સકામ ભક્ત સીધો ઈશ્વરને જઈને કહેશે, ‘ આપ. ’ ઈશ્વર પાસે જઈને બધું માગવું એ વાત સામાન્ય નથી. એ અસામાન્ય વાત છે. જ્ઞાનદેવે નામદેવને પૂછ્યું, ‘ જાત્રાએ આવે છે કે ? ’ નામદેવે પૂછ્યું, ‘ જાત્રા શા સારૂ ? ’ જ્ઞાનદેવે કહ્યું, ‘ સાધુસંતોને મળવાનું થશે. ’ નામદેવે કહ્યું, ‘ દેવને પૂછી આવું. ’ નામદેવ મંદિરમાં જઈ દેવની સામે ઊભો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. દેવનાં બંને ચરણ તરફ તે તાકી રહ્યો. છેવટે રડતાં રડતાં તેણે પૂછ્યું, ‘ દેવ, હું જાઉં ? ’ જ્ઞાનદેવ પાસે જ હતા. આ નામદેવને શું તમે ગાંડો કહેશો ? ઘેર સ્ત્રી ન હોય તેટલા માટે રડનારા કંઈ ઓછા નથી. પણ ઈશ્વરની પાસે જઈ રડનારો ભક્ત સકામ હશે તોયે તે અસામાન્ય છે. ખરેખર માગવા જેવી વસ્તુ તે માગતો નથી એ તેનું અજ્ઞાન છે. પણ તેથી તેની સકામ ભક્તિ ત્યાજ્ય સાબિત થતી નથી.

10. સ્ત્રીઓ સવારે વહેલી ઊઠીને નાના પ્રકારનાં વ્રતો કરે છે, દીવો કરી આરતી ઉતારે છે, તુળસીની પ્રદક્ષિણા કરે છે. શાને સારૂ ? મરી ગયા પછી ઈશ્વર કૃપા કરે તે સારૂ. એમની એ સમજ ગાંડીઘેલી હશે. પણ તેટલા ખાતર તે વ્રત, ઉપવાસ અને તપ વગેરે કરે છે. એવાં વ્રતશીલ કુળમાં મોટા પુરૂષો જન્મ લે છે. તુલસીદાસના કુળમાં રામતીર્થ જન્મ્યા. રામતીર્થ ફારસી ભાષાના વિદ્વાન હતા. કોઈએ કહ્યું, ‘ તુલસીદાસના કુળમાંના તમે અને તમને સંસ્કૃત ન આવડે એ કેવું ? ’ રામતીર્થના મન પર આ વચનની અસર થઈ. કુળની સ્મૃતિમાં એટલું સામર્થ્ય હતું. આગળ ઉપર રામતીર્થે એ પ્રેરણાથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. સ્ત્રીઓ જે ભક્તિ કરે છે તેની ઠેકડી ન ઉડાવીએ. ભક્તિના આવા કણકણનો જ્યાં સંઘરો થાય છે ત્યાં તેજસ્વી સંતતિ પેદા થાય છે. તેથી ભગવાન કહે છે, ‘ મારો ભક્ત સકામ હશે તો પણ હું તેની ભક્તિ દ્રઢ કરીશ. તેના મનમાં ગોટાળા પેદા નહીં કરૂં. હે ઈશ્વર ! મારો રોગ મટાડ એવું તે તાલાવેલીથી કહેશે તો તેની આરોગ્યની ભાવના કેળવીને હું તેનો રોગ મટાડીશ. ગમે તે મિષે તે મારી પાસે આવશે તોયે હું તેની પીઠ પર હાથ ફેરવી તેની કદર કરીશ. ’ ધ્રુવની વાત યાદ કરો. બાપના ખોળામાં બેસવાનું મળ્યું નહીં એટલે તેની માએ તેને કહ્યું કે ‘ ઈશ્વર પાસે માગ. ’ તેણે ઉપાસના કરવા માંડી. ઈશ્વરે તેને અવિચળ પદવી આપી. મન નિષ્કામ નહીં હોય તોયે શું થયું ? માણસ કોની પાસે જાય છે ને કોની પાસે માગે છે એ વાત મહત્વની છે. દુનિયાની આગળ મોઢું લાચાર કરવાને બદલે ઈશ્વરને આજીજી કરવાની વૃત્તિ મહત્વની છે.

11. કોઈ પણ બહાને ભક્તિના મંદિરમાં એકવાર પગ મૂક એટલે પત્યું. શરૂઆતમાં કામનાના માર્યા આવશો તોયે આગળ ઉપર નિષ્કામ થયા વગર રહેશો નહીં. પ્રદર્શનમાં નમૂનાઓ ગોઠવીને સંચાલક કહે છે, ‘ અરે જરા આવીને જુઓ તો ખરા, કેવી મજાની ખાદી નીકળવા માંડી છે ! આ જુઓ જુદા જુદા નમૂના. ’ પછી માણસ ત્યાં જાય છે. તેના મન પર અસર થયા વગર રહેતી નથી. એવું જ ભક્તિનું છે. ભક્તિના મંદિરમાં એક વાર દાખલ થશો એટલે ત્યાંનું સૌંદર્ય અને સામર્થ્ય ઓળખવાનું મળશે. સ્વર્ગમાં જતી વખતે ધર્મરાજ યુધિષ્ઠિરની સાથે એકલો કૂતરો રહ્યો. ભીમ, અર્જુન બધાં રસ્તામાં ગળી પડ્યાં. સ્વર્ગને બારણે પહોંચતાં ધર્મને કહેવામાં આવ્યું, “ તને દાખલ થવા દેવાશે, કૂતરાને મનાઈ છે.” ધર્મે કહ્યું, “ મારા કૂતરાને દાખલ થવાનું નહીં મળતું હોય તો મારેયે દાખલ થવું નથી. ” અનન્ય સેવા કરનારો ભલે કૂતરો કેમ ન હોય પણ બીજા મૂછ પર લીંબુ ઠેરવનારા કરતાં ચડિયાતો છે. તે કૂતરો ભીમ ને અર્જુન કરતાં પણ ચડિયાતો સાબિત થયો. પરમેશ્વરની પાસે જનારૂં જીવડું કેમ ન હોય પણ તે તેની પાસે ન જનારા ભલભલા મોટાઓ કરતાં પણ મોટું છે. મંદિરમાં પેસતાં જ જોશો તો કાચબો બેસાડેલો હોય છે, પોઠિયો હોય છે. પણ સૌ કોઈ નમસ્કાર કરે છે. તે સામાન્ય બળદ નથી. તે ઈશ્વરની સામે બેસનારો છે. બળદ હશે તોયે તે ઈવરનો છે એ વાત ભૂલી નહીં શકાય. ભલભલા અક્કલવાળા ડાહ્યા કરતાં તે ચડિયાતો છે. ઈસ્વરનું સ્મરણ કરનારો મૂરખ જીવ વિશ્વને વંદન કરવા લાયક બને છે.

12. એક વખત હું રેલવે ગાડીમાં જતો હતો. ગાડી જમનાના પુલ પર આવી. મારી પાસે બેઠેલા ઉતારૂએ દિલમાં ઉમળકો આવ્યો એટલે એક પૈસો નદીમાં નાખ્યો. પાસે બીજા એક ચીકણા ટીકાખોર ગૃહસ્થ બેઠા હતા. તે બોલ્યા, “ મૂળમાં દેશ આપણો ગરીબ અને આવા લોકો નકામા પૈસા ફેંકી દે છે. ” મેં તેમને કહ્યું, “ તમે એ ભાઈનો હેતુ સમજ્યા નથી. જે ભાવનાથી તેણે એ પૈસો ફેંક્યો તેની કિંમત બેચાર પૈસા ખરી કે નહીં ? બીજા સારા કામમાં એ પૈસા તેણે વાપર્યા હોત તો વધારે સારૂં દાન થાત. પણ એ બધી વાત પછી. પરંતુ આ નદી એટલે જાણે કે ઈશ્વરની કરૂણા વહી રહી છે એમ માની એ ભાવિકના મનમાં કંઈક ભાવના ઉત્પન્ન થઈ અને તેણે ત્યાગ કર્યો. એ ભાવનાને તમારા અર્થશાસ્ત્રમાં કંઈ સ્થાન ખરૂં કે ? પોતાના મુલકની એક નદીના દર્શનથી તેનું દિલ પીગળ્યું. એ ભાવના તમને સમજાશે પછી હું તમારી દેશભક્તિની પરખ કરીશ. ” દેશભક્તિ એટલે શું કેવળ રોટલો ? દેશની એક મહાન નદી જોઈને લાવ બધી સંપત્તિ તેમાં ડુબાવી દઉં, તેના ચરણમાં અર્પણ કરૂં એવું મનમાં થાય એ કેવડી મોટી દેશભક્તિ છે ! એ બધાયે પૈસા, પેલા ધોળા, લાલ ને પીળા પથરા, પેલા દરિયાના જીવોની વિષ્ટામાંથી બનેલાં મોતી ને પરવાળાં, એ બધાંયની પાણીમાં ડુબાડવા જેટલી જ કિંમત છે. પરમેશ્વરના ચરણ પાસે એ બધી ધૂળને તુચ્છ લેખજો. તમે કહેશો, નદીનો ને ઈશ્વરના ચરણનો આ સંબંધ વળી ક્યાંથી લાવ્યા ? તમારી સૃષ્ટિમાં ઈશ્વરનો સંબંધ ક્યાંય છે ખરો કે ? નદી એટલે શું ? ઑક્સિજન અને હાઈડ્રોજન. સૂર્ય એટલે કિટસનની ઘણી મોટી બત્તીનો એક નમૂનો. તેને નમસ્કાર કેવા કરવાના ? નમસ્કાર એક તમારા રોટલાને. તો પછી તમારા એ રોટલામાંયે શું છે ? એ રોટલો એટલે પણ આખરે એક ધોળી માટી જ ને ? તેને માટે શા સારૂ મોંમાં પાણી આણો છો ? આવડો મોટો આ સૂર્ય ઊગ્યો છે, આવી આ સુંદર નદી દેખાય છે, એમાં પરમેશ્વરનો અનુભવ નહીં થાય તો ક્યાં થશે ? પેલો અંગ્રેજ કવિ વર્ડઝવર્થ દુઃખી દિલથી ગાય છે, ‘ પહેલાં હું મેઘધનુષ જોતો તેયારે નાચી ઊઠતો. મારા દિલમાં ઉમળકો આવતો. આજે હવે હું કેમ નાચી ઊઠતો નથી ? પહેલાંના જીવનની માધુરી ખોઈને હું જડ પથરો તો નથી બની ગયો ? ’ ટુંકમાં, સકામ ભક્તિ અથવા અણઘડ માણસની ભાવનાનું પણ ઘણું મહત્વ છે. સરવાળે તેમાંથી મહાન સામર્થ્ય નીપજે છે. જીવ ગમે તે હોય ને ગમે તેવડો હોય પણ પરમેશ્વરના દરબારમાં એક વાર પેઠો એટલે તે માન્ય થયો. અગ્નિમાં ગમે તેવું લાકડું નાખશો પણ તે સળગી ઊઠ્યા વગર નહીં રહે. પરમેશ્વરની ભક્તિ એ અપૂર્વ સાધના છે. સકામ ભક્તિની પણ ઈશ્વર કદર કર્યા વગર રહેતો નથી. આગળ ઉપર તે જ ભક્તિ નિષ્કામ થઈને પૂર્ણતા તરફ જશે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | 1 Comment

Post navigation

One thought on “સકામ ભક્તિ પણ કીમતી છે – (34)

  1. BRIJESH PATEL

    This gives lot of good feeling and respect to all devotees

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: