ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સાતમો : પ્રપત્તિ અથવા ઈશ્વરશરણતા
પ્રકરણ ૩૩ – ભક્તિ વડે થતો વિશુદ્ધ આનંદનો લાભ
5. આવી ભક્તિ હશે તો તે મહાન ચિત્રકારની કળા જોવાની મળશે. તેના હાથમાં રહેલી તે પીંછી જોવાની મળશે. તે ઉગમનો ઝરો અને ત્યાંની અપૂર્વ મીઠાશ એક વાર ચાખ્યા પછી બાકીના બધા રસો તુચ્છ ને નિરસ લાગશે. અસલ કેળું જેણે ખાધું છે તે લાકડાનું રંગીન કેળું ક્ષણભર હાથમાં લેશે, મજાનું છે એમ કહેશે અને બાજુએ મૂકી દેશે. ખરૂં કેળું ચાખેલું હોવાથી લાકડાના નકલી કેળા માટે તેને ઝાઝો ઉત્સાહ રહેતો નથી. તે જ પ્રમાણે મૂળના ઝરાની મીઠાશ જેણે એક વાર ચાખી છે તે બહારના મીઠાઈમેવા પર વારી નહીં જાય.
6. એક તત્વજ્ઞાનીને એક વખત લોકોએ જઈને કહ્યું, “ ચાલો મહારાજ, શહેરમાં આજે મોટી રોશની છે. ” તે તત્વજ્ઞાનીએ કહ્યું, “ રોશની એટલે શું ? એક દીવો, તેની પછી બીજો, તેની પછી ત્રીજો, એ પ્રમાણે લાખ, દશ લાખ, કરોડ, જોઈએ તેટલા દીવા છે એમ માનો. મેં તમારી રોશની જોઈ લીધી. ” ગણિતની શ્રેણીમાં ૧+૨+૩ એમ અનંત સુધી સરવાળો મુકાય છે. બે સંખ્યા વચ્ચે રાખવાનું અંતર જાણ્યું ને સમજાયું પછી બધી સંખ્યા માંડી જવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે પેલા દીવા એક પછી એક મૂકી દીધા. પછી એમાં એટલું બધું તલ્લીન થઈ જવા જેવું છે શું ? પણ માણસને એવી જાતના આનંદ લેવાનું ગમે છે. તે લીંબુ લાવશે, ખાંડ લાવશે, બંનેને પાણીમાં ભેળવશે ને પછી લહેજતથી કહેશે, ‘ શું મજાનું શરબત છે ! ’ જીભને ચાખ ચાખ કર્યા વગર બીજો ધંધો નથી. આને તેમાં ભેળવો, તેને આમાં ભેળવો, આવી બધી સેળભેળ ખાવામાં જ બદું સુખ. નાનપણમાં એક વાર હું સિનેમા જોવા ગયો હતો. જતી વખતે સાથે ગૂણપાટ લેતો ગયો હતો. મારો આશય એ કે ઊંઘ આવે તો તેના પર સૂઈ જવું. પડદા પર આંખને આંજી નાખનારી આગ હું જોવા લાગ્યો. બેચાર મિનિટ સુધી તે ઝગઝગતી આગનાં ચિત્રો જોઈ મારી આંખો થાકી ગઈ. હું ગૂણપાટ પાથરીને સૂઈ ગયો ને મેં કહ્યું કે પૂરૂં થાય એટલે ઉઠાડજો. રાતને પહોરે ખુલ્લી હવામાં આકાશમાંના ચંદ્ર ને તારા વગેરે જોવાનું છોડીને, શાંત સૃષ્ટિમાંનો પવિત્ર આનંદ છોડીને એ બંધિયાર થિયેટરમાં આગનાં ઢીંગલાં નાચતાં જોઈને લોકો તાળીઓ પાડે છે. મને પોતાને એ કંઈ સમજાતું નથી.
7. માણસ આટલો નિરાનંદ કેમ ? પેલાં નિર્જીવ ઢીંગલાં જોઈ આખરે બિચારો બહુ તો ક્ષણભર આનંદ મેળવે છે. જીવનમાં આનંદ નથી એટલે પછી માણસો કૃત્રિમ આનંદ શોધતાં ફરે છે. એક વાર અમારી પડોશમાં થાળી વાગવાનો અવાજ શરૂ થયો. મેં પૂછયું, ‘ આ થાળી શેની વાગી? ’ મને કહેવામાં આવ્યું, ‘ છોકરો આવ્યો ! ’ અલ્યા ! દુનિયામાં તારા એકલાને ત્યાં જ છોકરો આવ્યો છે ? છતાં પણ થાળી વગાડીને દુનિયાને જાહેર કરે છે કે મારે ત્યાં છોકરો આવ્યો ! કૂદે છે, નાચે છે, ગીત ગાય છે ને ગવડાવે છે, શાં માટે ? તો કે છોકરો આવ્યો તેથી ! આવો આ નાદાનીનો ખેલ છે. આનંદનો જાણે કે દુકાળ છે. દુકાળમાં સપડાયેલા લોકો ક્યાંક ભાતના દાણા દીઠા કે ઝડપ મારે છે. તેમ છોકરો આવ્યો, સરકસ આવ્યું, સિનેમા આવ્યો કે આનંદના ભૂખ્યા આ લોકો કૂદકા મારી નાચવા મંડી પડે છે. પણ આ ખરો આનંદ છે કે ? ગાયનના સૂરનાં મોજાં કાનમાં પેસી મગજને ધક્કો આપે છે. આંખમાં રૂપ દાખલ થવાથી મગજને ધક્કો લાગે છે. વા મગજને લાગતા ધક્કાઓમાં જ બિચારાઓનો આનંદ સમાયેલો છે. કોઈ તંબાકુ વાટીને નાકમાં ખોસે છે. કોઈ વળી તેની બીડી વાળી મોંમાં ખોસે છે. એ તપકીરનો કે બીડીના ધુમાડાનો આંચકો લાગતાંની સાથે એ લોકોને જાણે આનંદની થાપણ મળી જાય છે ! બીડીનું ઠૂંઠું મળતાં તેમના આનંદને જાણે સીમા રહેતી નથી. ટૉલ્સ્ટૉય લખે છે, ‘ એ બીડીના કેફમાં તે માણસ સહેજે કોઈકનું ખૂન પણ કરશે. ’ એક જાતનો નશો જ છે. આવા આનંદમાં માણસ કેમ તલ્લીન થઈ જાય છે ? સાચા આનંદનો તેને પત્તો નથી તેથી. માણસ પડછાયાથી ભૂલીને તેની પાછળ પડયો છે. આજે પંચજ્ઞાનેન્દ્રિયોના આનંદનો જ તે ઉપભોગ કરે છે. જોવાની આંખની ઈન્દ્રિય ન હોત તો તે એમ માનત કે દુનિયામાં ઈન્દ્રિયોના ચાર જ આનંદ છે. કાલે મંગળના ગ્રહ પરથી છ જ્ઞાનેન્દ્રિયોવાળો મારણસ પૃથ્વી પર ઊતરે તો આ પાંચ જ્ઞાનેન્દ્રિયવાળાં દિલગીર થઈને રડતાં રડતાં કહેશે, ‘ અરે ! આને મુકાબલે આપણે કેટલા દૂબળા ! ’ સૃષ્ટિમાં રહેલો સંપૂર્ણ અર્થ પંચજ્ઞાનેન્દ્રિયોને ક્યાંથી સમજાશે ? તેમાંયે વળી પંચવિષયોમાંથી પોતાની ખાસ પસંદગી કરી માણસ બિચારો તેમાં રમમાણ થઈ જાય છે. ગધેડાનું ભૂંકેલું કાનમાં પેસે છે તો કહે છે, અશુભ કાનમાં પેઠું ! અને તારૂં દર્શન થવાથી તે ગધેડાનું કંઈ અશુભ નહીં થાય કે ? તને માત્ર નુકસાન થાય છે, તારે લીધે બીજાને નુકસાન થતું હોય કે ? માની લે છે કે ગધેડાનું ભૂંકેલું અશુભ છે ! એક વખત હું વડોદરાની કૉલેજમાં હતો ત્યારે યુરોપિયન ગવૈયા આવ્યા હતા. સારા ગાનારા હતા. પોતાની કળા બતાવવામાં કમાલ કરતા હતા. પણ હું ત્યાંથી ક્યારે નાસવાનું મળે તેની વાટ જોતો હતો ! તે ગાયન સાંભળવાની મને ટેવ નહોતી. એટલે તેમને મેં નાપાસ કરી નાખ્યા. આપણા ગવૈયા ત્યાં જાય તો કદાચ ત્યાં નાપાસ થાય. સંગીતથી એક જણને આનંદ થાય ચે ને બીજાને થતો નથી. એટલે એ સાચો આનંદ નથી. એ નકલી આનંદ છે. ખરા આનંદનું દર્શન નથી થયું ત્યાં સુધી આપણે એ છેતરનારા આનંદ પર ઝોલાં ખાતા રહીશું. સાચું દૂધ મળ્યું નહોતું ત્યાં સુધી અશ્વત્થામા પાણીમાં ભેળવેલો લોટ દૂધ સમજીને પી જતો. તે જ પ્રમાણે સાચું સ્વરૂપ તમે સમજશો, તેનો આનંદ એક વાર ચાખશો એટલે પછી બીજું બધું ફીકું લાગશે.
8. એ ખરા આનંદને શોધી કાઢવાનો ભક્તિ ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. એ રસ્તે આગળ જતાં જતાં પરમેશ્વરી કુશળતા સમજાશે. તે દિવ્ય કલ્પના આવ્યા પછી બાકીની બીજી બધી કલ્પનાઓ આપોઆપ ઓસરી જશે. પછી ક્ષુદ્ર આકર્ષણ રહેશે નહીં. પછી જગતમાં એક જ આનંદ ભરેલો દેખાશે. મીઠાઈની સેંકડો દુકાનો હોય છતાં મીઠાઈનો આકાર એકનો એક જ હોય છે. જ્યાં લગી સાચી વસ્તુ મળી નથી ત્યાં સુધી આપણે ચંચળ ચકલાંની માફક એક દાણો અહીંથી ખાશું, એક ત્યાંથી ખાશું, ને એમ ને એમ કરતા રહીશું. સવારે હું તુલસીરામાયણ વાંચતો હતો. દીવાની પાસે જીવડાં એકઠાં થયાં હતાં. ત્યાં પેલી ગરોળી આવી. મારા રામાયણનું તેને શું ? જીવડાં જોઈ તેના આનંદનો પાર નહોતો. તે જીવડું ઝડપી લેવા જતી હતી ત્યાં મેં જરા હાથ હલાવ્યો એટલે જતી રહી. પણ તેનું બધું ધ્યાન તે જીવડાંમાં ચોંટેલું હતું. મેં મારી જાતને પૂછ્યું, અલ્યા, પેલું જીવડું ખાશે કે ? એને જોઈને તારા મોંમાં પાણી આવે છે કે ? મારા મોંમાં પાણી છૂટ્યું નહોતું. મને જે રસ હતો તેનો એ ગરોળીને થોડો જ ખ્યાલ હતો ? તેને રામાયણમાંનો રસ ચાખતાં આવડતું નહોતું. તે ગરોળીના જેવી આપણી દશા છે. તરેહતરેહના અનેક રસોમાં આપણે ડૂબેલા છીએ. પણ સાચો રસ મળે તો કેવી મજા આવે ? એ સાચો રસ ચાખવાનો મળે તે માટેનું એક સાધન ભક્તિ છે. તે ભગવાન હવે બતાવે છે.