ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સાતમો : પ્રપત્તિ અથવા ઈશ્વરશરણતા
પ્રકરણ ૩૨ – ભક્તિનું ભવ્ય દર્શન
1. અર્જુનની સામે સ્વધર્મને વળગી રહેવાનો પ્રસંગ આવીને ઊભો રહેતાં પોતાનાં અને પારકાં એવા મોહમાં ફસાઈને તે સ્વધર્મનું આચરણ ટાળવા માગતો હતો. આ ખોટો મોહ પહેલા અધ્યાયમાં બતાવ્યો. તે મોહનું નિરસન કરવાને ખાતર બીજા અધ્યાયની શરૂઆત થઈ. અમર આત્મા બધે ભરેલો છે, દેહ નાશવંત છે અને સ્વધર્મ કદી ન છોડવો એ ત્રણ સિદ્ધાંતો ત્યાં રજૂ કર્યા છે અને એ સિદ્ધાંતોનો અમલ કેમ કરવો તે શિખવનારી કર્મફળત્યાગની યુક્તિ પણ બતાવી છે. આ કર્મયોગનું વિવરણ કરતાં તેમાંથી કર્મ, વિકર્મ ને અકર્મ એ ત્રણ બાબતો ઉત્પન્ન થઈ. કર્મવિકર્મના સંગમમાંથી પેદા થનારૂં બે પ્રકારનું અકર્મ આપણે પાંચમા અધ્યાયમાં જોયું. છઠ્ઠા અધ્યાયથી જુદાં જુદાં વિકર્મો સમજાવવાની શરૂઆત થઈ છે. ઉપરાંત, છઠ્ઠા અધ્યાયમાં સાધનાને માટે જરૂરી એકાગ્રતાની વાત કરી. આજે હવે સાતમો અધ્યાય છે. આ અધ્યાયમાં વિકર્મનો એક નવો જ ભવ્ય ખંડ ઊઘડે છે. સૃષ્ટિદેવીના મંદિરમાં, એકાદ વિશાળ વનમાં જેમ તરેહતરેહના મનોહર દેખાવો આપણને જોવાના મળે છે તેવું જ આ ગીતા ગ્રંથનું છે. છઠ્ઠા અધ્યાયમાં આપણે એકાગ્રતાનો ખંડ જોયો. હવે આપણે બીજા એક જુદા જ ખંડમાં દાખલ થઈએ.
2. એ ખંડ ઊઘડે તે પહેલાં આ મોહ પમાડનારી જગતની રચનાનું રહસ્ય સમજાવ્યું છે. ચિત્રકાર એક જ પીંછીથી એક જ કાગળ પર જાતજાતનાં ચિત્રો કાઢે છે. સતારનો વગાડનારો સાત સૂરમાંથી જ એનેક રાગ રેલાવે છે. સાહિત્યમાં માત્ર બાવન અક્ષરોની મદદથી આપણે નાનાવિધ ભાવના તેમ જ વિચાર પ્રગટ કરીએ છીએ. એવું જ આ સૃષ્ટિમાં પણ છે. સૃષ્ટિમાં અનંત વસ્તુઓ અને અનંત વૃત્તિઓ દેખાય છે. પણ આ આખીયે અંતર્બાહ્ય સૃષ્ટિ એક જ એક અખંડ આત્માના અને એકની એક અષ્ટધા પ્રકૃતિના બેવડા મસાલામાંથી નિર્માણ થઈ છે. ક્રોધી માણસનો ક્રોધ, પ્રેમાળ માણસનો પ્રેમ, દુખિયાનાં રોદણાં, આનંદી માણસનો આનંદ, આળસુ કે એદીનું ઊંઘવાનું વલણ, ઉદ્યોગી માણસનું કર્મસ્ફુરણ એ બધાંયે એક જ ચૈતન્ય શક્તિના ખેલ છે. આ એકબીજાથી વિરોધી ભાવોના મૂળમાં એક જ ચૈતન્ય ભર્યું છે. અંદરનું ચૈતન્ય જેમ એક જ છે તેમ બહારના આવરણનું સ્વરૂપ પણ એક જ છે. ચૈતન્યમય આત્મા અને જડ પ્રકૃતિના આવા બેવડા મસાલામાંથી આખીયે સૃષ્ટિ જન્મી છે એવું શરૂઆતથી જ ભગવાન કહી રહ્યા છે.
3. આત્મા અને દેહ, પરા ને અપરા પ્રકૃતિ બધે એક જ છે. આમ હોવા છતાં માણસ મોહમાં કેમ પડે છે ? તેને ભેદ કેમ દેખાય છે ? પ્રેમાળ માણસનો ચહેરો મીઠો લાગે છે અને બીજાનો કંટાળો આપે છે. એકને મળવાનું ને બીજાને ટાળવાનું મન કેમ થાય છે ? કાગળ એક જ, પેન્સીલ એક જ અને ચિત્રકાર પણ એક જ હોવા છતાં તરેહતરેહનાં ચિત્રોથી તરેહતરેહના ભાવો ઉત્પન્ન થાય છે. એમાં જ ચિત્રકારની કુશળતા છે. ચિત્રકારની, પેલા સતારના બજવૈયાની આંગળીઓમાં એવું કાબેલપણું રહેલું છે કે તમને રડાવે છે અને હસાવે છે. તેમની એ આંગળીઓમાં જ બધી ખૂબી છે. આ પાસે હોય, આ પાસે ન હોય, આ મારો છે, આ પારકો છે, એવા એવા જે વિચારો મનમાં આવે છે અને જેમને લીધે ઘણી વાર માણસ મોકા પર કર્તવ્યને પણ ટાળવા ચાહે છે તેનું કારણ મોહ છે. એ મોહ ટાળવો હોય તો સૃષ્ટિ નિર્માણ કરનારના હાથની આંગળીઓની કરામત ઓળખી લેવી જોઈએ. બૃહદારણ્યક ઉપનિષદમાં નગારાનું દ્રષ્ટાંત આપ્યું છે. એક જ નગારામાંથી જુદા જુદા નાદ નીકળે છે. તેમાંના કેટલાકથી હું ડરી જાઉં છું ને કેટલાક સાંભળીને હું નાચવા મંડી પડું છું. એ બધા જુદા જુદા ભાવને જીતવા હોય તો નગારાના વગાડનારને પકડવો જઓઈએ. તેને પકડી લીધો કે બધા અવાજો પકડાયા સમજો. ભગવાન એક જ વાક્યમાં કહે છે, ‘ જે માયાને તરી જવા માગે છે તેણે મારે શરણે આવવું, ’
येथ एक चि लीला तरले । जे सर्वभावें मज भजले
तयां ऐलीचि थडी सरलें । मायाजल
અહીં તે એકલા જ લીલા તરી ગયા છે જેમણે સર્વભાવથી મને જ એકને ભજ્યો છે. તે બધાને માટે આ પાર જ માયાજળ ઓસરી ગયું છે. આ માયા એટલે શું ? માયા એટલે પરમેશ્વરની શક્તિ, તેની કળા, તેની કુશળતા. પ્રકૃતિ અને આત્માના અથવા જૈન પરિભાષામાં કહીએ તો જીવ અને અજીવના આ મસાલામાંથી જેણે આ અનંદ રંગોવાળી સૃષ્ટિ રચી છે, તેની જે શક્તિ અથવા કળા તે જ માયા છે. જેલમાં જેમ એક જ અનાજમાંથી બનાવેલો એક જ રોટલો અને એક જ સર્વરસવાળી દાળ હોય છે તે પ્રમાણે એક જ અખંડ આત્મા અને એક જ અષ્ટધા શરીરમાંથી પરમેશ્વર તરેહતરેહની વાનગીઓ બનાવ્યા કરે છે. એ વાનગીઓ જોઈ આપણે નાના પ્રકારના વિરોધી તેમ જ સારાનરસા ભાવ અનુભવીએ છીએ. એ ભાવોની પાર જઈ સાચી શાંતિ અનુભવવી હોય તો એ વાનગીઓના બનાવનારને પકડવો જોઈએ, તેને ઓળખવો જોઈએ. તે ઓળખાણ થાય તો જ ભેદજનક, આસક્તિજનક મોહ ટાળવાનું બની શકે.
4. એ પરમેશ્વરને બરાબર ઓળકવાને માટેનું મહાન સાધન, એક મહાન વિકર્મ સમજાવવાને માટે આ સાતમા અધ્યાયમાં ભક્તિનો ભવ્ય ખંડ ઉઘાડ્યો છે. ચિત્તશુદ્ધિને માટે યજ્ઞ-દાન, જપ-તપ, ધ્યાન-ધારણા વગેરે અનેક વિકર્મો બતાવવામાં આવે છે. એ સાધનોને હું સોડા, સાબુ ને અરીઠાંની ઉપમા આપીશ. પણ ભક્તિ એટલે પાણી છે. સોડા, સાબુ ને અરીઠાં સ્વચ્છતા આણે છે પણ પાણી વગર તેમનું કામ નહીં થાય. પાણી ન હોય તો એ બધાંને શું કરવાં છે ? પરંતુ સોડા, સાબુ ને અરીઠાં નહીં હોય તો પણ એકલું પાણી નિર્મળપણું આપી શકે છે. પાણીની સાથે એ બધાં આવે તો ‘ अधिकस्य अधिकं फलम् ’ જેવું થાય, દૂધમાં સાકર ભળે. યજ્ઞયાગ, ધ્યાન, તપ એ બધાંમાં ઊંડો ઉમળકો ન હોય તો ચિત્તશુદ્ધિ કેવી રીતે થાય ? આ ઊંડો ઉમળકો તે જ ભક્તિ. બધા ઉપાયોમાં ભક્તિની જરૂર છે. ભક્તિ સાર્વભૌમ ઉપાય છે. સેવાનું આખું શાસ્ત્ર ભણેલો, ઉપચારોની બરાબર પૂરી માહિતીવાળો માણસ માંદાની સારવાર કરવા જાય ખરો પણ તેના મનમાં અનુકંપાની લાગણી નહીં હોય તો સાચી સેવા થશે ખરી કે ? બળદ જાડો, ખાસો જબરો છે. પણ તેને ગાડું ખેંચવાની ઈચ્છા જ નહીં હોય તો તે ગળિયો થઈને બેસશે, અરે અડિયલ થઈને ખાડામાં ગાડું લઈ જઈને નાખશે. દિલની ઊંડી લાગણી વગર કરેલા કર્મથી તુષ્ટિપુષ્ટિ થતી નથી.