માતૃત્વઃ પૃથ્વી પરની સર્વોત્તમ કળા – મીરા ભટ્ટ


દિવ્ય જીવન સંઘ, ભાવનગર શાખા વતી બહાર પાડવામાં આવેક પુસ્તક ‘મારી વહાલી મા’ ની પ્રસ્તાવના


પૃથ્વી પરનો સૌથી મધુર શબ્દ અને સૌથી મધુર ધ્વનિ છે – મા! સ્વામી શ્રી ત્યાગવૈરાગ્યાનંદજીએ આ સંકલનમાં પૃથ્વી પરની આ મધુરિમાની પુનિત પ્રસાદી ચખાડવાનો સુંદર પ્રયાસ કર્યો છે. માતૃમહિમા અપરંપાર છે, એનાં જેટલાં ગુણગાન-સ્તુતિગાન ગાઓ, કાયમ તે ઓછાં જ પડે! મા વિષે કહેવાય તેટલું કહી નાખીએ, ત્યાર પછી અંતે સૌને આમ જ કહેવું પડે કે – હવે વધું કશું કહી શકાય તેમ નથી, તેમ છતાંય જે કહેવાનું છે તે તો હજુ બાકી જ રહી જાય છે.

માતૃત્વ એ પ્રેમનો એવો અખંડ સ્ત્રોત છે, જેના પ્રકાશમાં આપણને પ્રભુની ઝાંખી થઈ શકે. ક્યાં પરમપિતા પરમેશ્વર અને ક્યાં પૃથ્વી પરની માટીમાંથી ઉદભવેલી મા? તેમ છતાંય મા એ હિમાલય સમા ઉત્તુંગ નગાધિરાજની ભૂમિ પર ઊગેલું એક તરણું છે – આ તરણાના શ્વાસેશ્વાસમાં પ્રભુતાની માટીની સુગંધ વહે છે. આ પુણ્યગંધથી માનવતા પોષાતી આવી છે. માનવતાએ હજુ અગણિત સાંસ્કૃતિક આરોહણ કરવાનાં બાકી છે. માત્ર માતૃમહિમા ગાઈને બેસી રહેવાનું નથી, માતૃત્વમાં પ્રગટ થતાં ગુણધર્મને પ્રત્યેક વ્યક્તિત્વમાં વાવવાના છે.

માતૃધર્મને વિકસવાની બે દિશા છે. સૌથી પહેલી સમજ તો એ ઊગવી જોઈએ કે માતૃત્વને દેહ સાથે એટલો સંબધ નથી, જેટલો અંદરના ગુણવિકાસ સાથે છે. દૈહિક માતૃત્વ પામ્યા વગર પણ મનુષ્ય માતૃત્વના ગૌરીશિખર આંબી શકે. બુદ્ધ-મહાવીર, ઈશુ-ગાંધીમાં આ વિશાળ માતૃત્વ પ્રગટ થઈ શક્યું હતું, તેના પ્રતાપે જ તેઓ મહાન બન્યા. એટલે માતૃત્વ વિકાસની પ્રથમ દિશા આ છે કે માએ વ્યાપક બનવું રહ્યું. ‘પંડના જ પોતીકાં અને અન્ય સૌ પારકાં’ – આ વૃત્તિ માતૃત્વ માટે લાંછનરૂપ છે. પાણી નાનકડા પ્યાલામાં હોય કે વિશાળ ગંગાપટમાં, એના ગુણધર્મ એક સમાન હોય છે. એ રીતે સંતાન પંડના હોય કે પારકાનાં, માતૃત્વને પોતાના ગુણધર્મ પ્રગટાવવા રહ્યા.

બીજી દિશા છે – હજુ વધું ઊંડા ઊતરવાની. માતૃત્વ એ નિત્ય વિકાસશીલ વિભાવના છે. જેમને માતૃત્વનું ક્ષેત્ર ખેડવું છે, તેમણે સમજવું પડશે કે પૃથ્વી પર માતૃત્વનું જે સૌંદર્ય અને પાવિત્ર્ય પ્રગટ થયું છે, તે તો માત્ર એક મહાન પર્વતના શિખરનું ઉપરનું ટોચકું માત્ર છે. આ વિશાળ પર્વતનો ઘણો મોટો ભાગ હજુ અપ્રગટ છે, વણખેડાયેલો છે. વિલ ડ્યુરાંએ લખ્યું છે કે ભવિષ્યની માતાઓ માતૃત્વને એક કળારૂપે ખીલવશે અને એ કળામાં જેમ જેમ પારંગત થતી જશે તેમ તેમ એ અનુભવશે કે માતૃત્વ એ પૃથ્વી પરની સૌથી મહાન અને સૌથી વધુ રમણીય કળા છે. આ કળાને સેવીને મનુષ્ય વધાર સશક્ત બનશે કુશાગ્ર બુદ્ધિમતા પામશે અને કદી ય ન કરમાય તેવા જીવનસૌંદર્યને પામશે.

હિંસા, આતંક અને યુદ્ધથી ઘેરાયેલા આજના જગત માટે તારક અને ઉદ્ધારક ચીજ કોઈ હોય તો તે છે આ – માતૃશક્તિ. માતૃશક્તિ એટલે નિરવધિ પ્રેમનું પ્રાગટ્ય. માનું રૂદ્ર રૂપ માણસમાં પડેલાં વિકૃત તત્ત્વોને ઉખાડી ફેંકશે અને માંનું ભદ્ર રૂપ માનવતામાં છૂપાયેલાં શુભ તત્ત્વોને પાળી પોષી વિશાળ વૃક્ષ બનાવશે. માણસે પોતાના માત્ર સાડા ત્રણ હાથના શરીરમાં સીમિત થઈને જીવવાનું ન હોય, સતત વિસ્તરતા રહેવામાં જ માણસાઈનો વિકાસ છે. સત્તા, સંપત્તિ, ઉપભોગ એ કાંઈ વિકાસનાં લક્ષણ નથી. પોતાના અહંકેન્દ્રમાંથી બહાર નીકળી માણસ બીજા કોઈ ચેતના કેન્દ્ર તરફ કેટલો આગળ વધે છે – આ છે વિકાસયાત્રા. માનો મહિમા આપણે એટલા માટે ગાઈએ છીએ કે પોતાના પ્રત્યક્ષ આચરણ દ્વારા મા પોતાની વિકાસયાત્રા સિદ્ધ કરી બતાવે છે.

સ્વામીજીએ માની આ વિકાસયાત્રાને જુદી જુદી નજરે સંપાદિત કરીને રજૂ કરી છે. આવું કરવા માટે તેઓ અધિકારી પણ છે, કારણ કે એમના પોતાના જીવનમાં માતૃસેવા એક તીર્થધામ બનીને પ્રગટ્યું છે. જગદગુરુ શંકરાચાર્ય અને ભગવાન મહાવીરનાં નામ ઘણાં મોટાં પડે પણ કહી શકાય તેમ છે કે ‘મહેશ’માંથી ‘ત્યાગવૈરાગ્યાનંદ’ નામ ધારણ કરવામાં વચ્ચે જે કાળગંગા વહી, તે કાળતીર્થનું નામ છે – મહેશભાઈની મા ! આવી પુણ્યશાળી માના આશીર્વાદે વાચકોને માતૃમહિમાનો મધુર પ્રસાદ-થાળ પ્રાપ્ત થાય છે તો આવો, આપણે સૌ પણ એ પવિત્ર માતૃત્વનાં ચરણોમાં શત-શત પ્રણામ નિવેદિત કરીએ.

– મીરા ભટ્ટ


શ્રી મીરાબહેન ભટ્ટ વિશે વધુ જાણવા અહી ક્લિક કરશો.


Categories: મારી વહાલી મા | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: