ચિત્તની એકાગ્રતા – (26)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય છઠ્ઠો : ચિત્તવૃત્તિ-નિરોધ
પ્રકરણ ૨૬ – ચિત્તની એકાગ્રતા

4. ધ્યાનયોગમાં ત્રણ બાબતો મુખ્ય છે. ૧. ચિત્તની એકાગ્રતા, ૨. ચિત્તની એકાગ્રતાને માટે જરૂરી જીવનની પરિમિતતા એટલે કે તેનું માપસરપણું અને ૩. સામ્યદશા અથવા સમદ્રષ્ટિ. આ ત્રણ બાબતો વગર સાચી સાધના થાય નહીં. ચિત્તની એકાગ્રતાનો અર્થ છે ચિત્તની ચંચળતા પર અંકુશ. જીવનની પરિમિતતા એટલે સર્વ ક્રિયાઓ માપસર હોય તે. અને સમદ્રષ્ટિ એટલે વિશ્વ તરફ જોવાની ઉદાર દ્રષ્ટિ. આ ત્રણ વાતો મળીને ધ્યાનયોગ બને છે. આ ત્રણે સાધનોની કેળવણીને માટે વળી બીજાં બે સાધનો છે. તે છે અભ્યાસ અને વૈરાગ્ય. આ પાંચે બાબતોની થોડી ચર્ચા કરીએ.

5. પહેલી ચિત્તની એકાગ્રતા. કોઈ પણ કામને માટે ચિત્તની એકાગ્રતા જરૂરી છે. વહેવારની વાતોમાં પણ એકાગ્રતા જોઈએ છે. વહેવારના ગુણો જુદા ને પરમાર્થના ગુણો જુદા એવું કંઈ નથી. વહેવાર શુદ્ધ કરવો તેનું જ નામ પરમાર્થ છે. કોઈ પણ વહેવાર કેમ ન હોય, તેમાંનો જશ – અપજશ, તમારી એકાગ્રતા પર આધાર રાખે છે. વેપાર, વહેવાર, શાસ્ત્રશોધન, રાજકારણ, મુત્સદ્દીગીરી ગમે તે લો, હરેકમાં જે સફળતા મળશે તેનો આધાર તે તે પુરૂષની ચિત્તની એકાગ્રતા પર છે. નેપોલિયનને વિષે એમ કહેવાય છે કે એક વખત યુદ્ધની વ્યવસ્થા બરાબર ગોઠવી દીધા પછી રણક્ષેત્ર પર તે ગણિતના સિદ્ધાંત ઉકેલવા બેસી જતો. તંબૂ પર ગોળા પડે, માણસો મરતાં હોય પણ નેપોલિયનનું ચિત્ત બસ ગણિતમાં મશગૂલ. નેપોલિયનની એકાગ્રતા બહુ જબરી હતી એમ મારૂં કહેવું નથી. એના કરતાં ઊંચા પ્રકારની એકાગ્રતાના દાખલા બતાવી શકાય. પણ તેની પાસે એકાગ્રતા કેટલી હતી તે જોવાનું છે. ખલીફ ઉમરની એવી જ વાત કહેવાય છે. લડાઈ ચાલુ હોય ત્યારે પણ પ્રાર્થનાનો વખત થતાંની સાથે ચિત્ત એકાગ્ર કરી ઘૂંટણિયે પડી રણાંગણમાં ભર લડાઈની વચ્ચે તે પ્રાર્થના કરવા માંડતો. અને પ્રાર્થનામાં તેનું ચિત્ત એટલું નિમગ્ન થઈ જતું કે કોનાં માણસો કપાય છે તેનો ખ્યાલ પણ તેને રહેતો નહીં. પહેલાં મુસલમાનોની આવી પરમેશ્વરનિષ્ઠાને લીધે, આ એકાગ્રતાને લીધે જ ઈસ્લામ ધર્મનો ફેલાવો થયો.

6. પેલે દિવસે એક વાત મારા સાંભળવામાં આવી. એક મુસલમાન સાધુ હતો. તેના શરીરમાં બાણ પેઠું. તે બાણને લીદે તેને ખૂબ વેદના થતી હતી. બાણ કાઢવા જાય તો હાથ લગાડતાંની સાથે વેદના વધારે થતી. આમ એ બાણ કાઢવાનું પણ બને એમ નહોતું. આજે નીકળી છે તેવી બેભાન કરવાની ક્લોરોફૉર્મ જેવી દવા પણ તે વખતે નહોતી. મોટો સવાલ ઊભો થયો. તે સાધુ વિષે જે લોકોને માહિતી હતી તેમાંના કેટલાક જણે આગળ આવીને કહ્યું, ‘ અત્યારે બાણ કાઢવાનું રહેવા દો. આ સાધુ પ્રાર્થનામાં બેસશે એટલે પછી તે બાણ કાઢીશું. ’ સાંજે પ્રાર્થનાનો વખત થયો. સાધુ પ્રાર્થનામાં બેઠો. એક પળમાં તેના ચિત્તની એવી એકાગ્રતા થઈ ગઈ કે પેલું બાણ તેના શરીરમાંથી ખેંચી કાઢ્યું તોયે તેને ભાન સરખું ન થયું. કેટલી બધી આ એકાગ્રતા !

7. સારાંશ, વહેવાર હો કે પરમાર્થ હો, તેમાં ચિત્તની એકાગ્રતા વિના જશ મળવો મુશ્કેલ છે. ચિત્ત એકાગ્ર થાય તો સામર્થ્ય કદી ઓછું નહીં પડે. તમે સાઠ વર્ષની ઉંમરે પહંચ્યા હશો તોયે એકાદ જુવાન આદમીના જેવો તમારો ઉત્સાહ ને તમારૂં સામર્થ્ય દેખાશે. માણસ જેમ જેમ ઘરડો થતો જાય તેમ તેમ તેનું મન કઠણ થતું જવું જોઈએ. ફળનું જુઓને ! પહેલાં તે કાચું, લીલું હોય છે. પછી પાકે છે, સડી જાય છે, કોહી જાય છે અને નાશ પામે છે. પણ પેલું અંદરનું બી કઠણ ને કઠણ થતું જાય છે. બહારનું કલેવર સડી જાય, ખરી જાય, પણ બહારનું કલેવર ફળનું સારસર્વસ્વ નથી. ફળનું સારસર્વસ્વ, તેનો આત્મા બી છે. શરીરનું પણ એવું જ છે. શરીર ઘરડું થાય તો પણ યાદદાસ્ત વદતી જ જવી જોઈએ. બુદ્ધિ તેજસ્વી થતી જ જવી જોઈએ. પણ એવું થતું નથી. માણસ કહે છે, ‘ હમણાં હમણાંનું કંઈ યાદ રહેતું નથી.’ કેમ ? ‘ હવે ઉંમર થઈ. ’ તારૂં જ્ઞાન, તારી વિદ્યા, તારી યાદદાસ્ત એ તારૂં બી છે. શરીર ઘરડું થતાં જેમ જેમ ઢીલું પડતું જાય તેમ તેમ અંદરનો આત્મા બળવાન થવો જોઈએ. એટલા સારૂ એકાગ્રતા જોઈએ.

Categories: ગીતા પ્રવચનો | 1 Comment

Post navigation

One thought on “ચિત્તની એકાગ્રતા – (26)

  1. BRIJESH PATEL

    VINOBA IS GREAT

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: