વૃંદાવનમાં બંસી વાગી, ગોપી ઝબકી જાગી
આકુળ વ્યાકુળ મનમાં થાતી, જીવન જોવા ભાગી –ટેક
ચિત્તડાંની શુધ્ધ બુધ્ધ ભૂલી, ઓઢણી અવળી ઓઢી
ટીલી જગ્યાએ સેંથો પૂર્યો, માથે ટીલી ચોડી –1
હાથનાં કડાં પગમાં પહેર્યા, પગના ઝાંઝર હાથમાં
નાકની નથડી કાનમાં પહેરી, કાનની કળી નાકમાં –2
ગાયને દોહ્યા વિના ગોપીએ, વાછરૂ મેલ્યાં છોડી
ધાવતાં બાળક પડતાં મેલ્યા, મોહન મળવા દોડી –3
માથું ગુંથતી ભૂલી ગોપી, વેણીને વિસારી
આભૂષણ અવળાં પહેરી ચાલી, રાત અંધારી –4
વનમાં મીઠી બંસી બાજે, વગાડે વનમાળી
ભજનપ્રકાશ ગોપી સ્વામીને મળી, રજની રઢીયાળી –5