અકર્મદશાનું સ્વરૂપ – (18)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પાંચમો : બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ
પ્રકરણ ૧૮ – અકર્મદશાનું સ્વરૂપ

7. કર્મની સહજતા સમજવાને માટે એક જાણીતો દાખલો લઈએ. નાનું છોકરૂં પહેલવહેલું ચાલતાં શીખે છે તે વખતે તેને કેટલું કષ્ટ પડે છે ! તે ચાલે છે તેનું આપણે પણ કૌતુક કરીએ છીએ. આપણે કહીએ છીએ કે ભાઈ ચાલતો થયો ! પણ પછી તેનું ચાલવાનું સહજ થઈ જાય છે. એક તરફ ચાલે છે ને સાથે બીજી તરફથી વાતો કરતો જાય છે. ચાલવા તરફ તેને ધ્યાન સરખું રાખવું પડતું નથી. એવું જ ખાવાનું છે. નાના છોકરાને માટે આપણે પહેલું ખાતાં શીખવવાને અબોટણું એટલે અન્નપ્રાશન નામનો સંસ્કાર પણ કરીએ છીએ. કેમ જાણે ખાવાનું એ કોઈ મોટું કામ ન હોય ! પણ પછી એ ખાવાની ક્રિયા સહજ કર્મ બની જાય છે. માણસ તરતાં શીખે છે ત્યારે તેને કેટલી મહેનત પડે છે ? શરૂઆતમાં તરતાં તરતાં તે થાકી જાય છે. પણ પાછળથી બીજી મહેનત કરીને થાકે છે ત્યારે કહે છે, ચાલો જરા તરવા જઈએ તો થાક ઊતરશે ને સારૂં લાગશે. પછી તે તરવાનું કાર્ય મહેનતનું લાગતું નથી. શરીર સહેજે પાણી પર તરે છે. થાકવાનો ધર્મ મનનો છે. મન જે તે કામમાં ગૂંથાયેલું હોય ત્યારે તેનો થાક ચડે છે. પમ કર્મો સહજ થવા લાગે છે ત્યારે તેનો ભાર લાગતો નથી. કર્મ જાણે કે અકર્મ બને છે. કર્મ આનંદમય બની જાય છે.

8. કર્મનું અકર્મ બને એ આપણું ધ્યેય છે. એ ધ્યેય હાંસલ કરવાને સારૂ સ્વધર્માચરણરૂપી કર્મ કરવાનાં હોય છે. એ કર્મ કરતાં કરતાં દોષ દેખાય તે દૂર કરવાને વિકર્મને વળગી રહેવાનું છે. અને આવો અભ્યાસ પાડતાં પાડતાં મનની એક એવી બેઠક બંધાઈ જાય છે કે કર્મનો જરાસરકો ત્રાસ પડતો નથી. આપણે હાથે હજારો કર્મો થાય છતાં મન નિર્મળ, શાંત રહે છે. તમે આકાશને પૂછો, ‘ અરે ભાઈ આકાશ ! તું તડકાથી ચીમળાઈ જતું હશે ! ’ આકાશ શું કહેશે ? તે કહેશે, ‘ મને શું શું થતું હશે તે તમે જ નક્કી કરો. મને કશી ખબર નથી. ’

‘ पिसें नेसलें कीं नागवें । लोकीं येउन जाणावें । ’

ગાંડાએ પહેરેલું છે કે નાગો છે તે લોકોએ આવીને જાણવું. ગાંડા માણસે લૂગડું ઓઢ્યું છે કે નાગો છે તે લોકોએ નક્કી કરવું. ગાંડાને તેનું ભાન હોતું નથી. આખી વાતનો ભાવાર્થ એટલો કે સ્વધર્માચરણનાં કર્મો વિકર્મની સહાયથી નિર્વિકાર કરવાની ટેવ કેળવાતાં તે બધાં સ્વાભાવિક થઈ જાય છે. મોટા મોટા પ્રસંગો પણ પછી કઠણ લાગતા નથી. કર્મયોગની આવી આ કૂંચી છે. કૂંચી નહીં હોય તો તાળું તોડતાં હાથે ફોલ્લા ઊઠ્યા વગર નહીં રહે. પણ કૂંચી જડી કે એક ક્ષણમાં કામ ખલાસ ! કર્મયોગની આ કૂંચીને લીધે બધાં કર્મો નિરૂપદ્રવી લાગે છે. આ કૂંચી મનને જીતવાથી મળે છે. મનોજયને સારૂ એકધારી ને ચીવટથી કોશિશ કરવી જોઈએ. કર્મ આચરતાં આચરતાં મનના જે મેલ દેખાય તે બધા ધોઈ કાઢવાના પ્રયત્નમાં મંડ્યા રહેવું જોઈએ. એ પછી બાહ્ય કર્મો ત્રાસરૂપ લાગતાં નથી. કર્મનો અહંકાર ખુદ નાબૂદ થાય છે. કામક્રોદના વેગ નાશ પામે છે. કલેશનો ખ્યાલ સરખો રહેતો નથી. અરે, ખુદ કર્મ કર્યાનો ખ્યાલ પણ બાકી રહેતો નથી.

9. એક વાર મને એક ભલા માણસે કાગળ લખ્યો કે, ‘ અમુક આટલા રામનામના જપ કરવાના છે. તમે પણ તેમાં ભાગ લેજો અને રોજ કેટલા જપ કરશો તે તજણાવજો. ’ તે ભાઈ પોતાની સમજ મુજબ આ બધી મહેનત કરતા હતા. હું આ તેનો દોષ કાઢવાને નથી કહેતો. પણ રામનામ કંઈ ગણવાની ચીજ નથી. મા પોતાના બાળકની સેવા કરે છે. તે શું તેનો રિપોર્ટ પ્રસિદ્ધ કરે છે ? રિપોર્ટ પ્રસિદ્ધ કરે તો ‘ थेँक यू ’ કહીને તેના ઋણમાંથી તાબડતોબ છૂટા થવાય. પણ મા પોતાની સેવાનો રિપોર્ટ આપતી નથી. તે કહે છે, ‘ મેં શું કર્યું ? મેં કંઈ કર્યું નથી. મેં કર્યું તેનો શું મને કંઈ ભાર લાગ્યો ? ’ વિકર્મની મદદથી મન પરોવીને, હ્રદય રેડીને માણસ કર્મ કરે છે ત્યારે તે કર્મ જ રહેતું નથી. તે અકર્મ બને છે. પછી તેમાં કલેશ, કષ્ટ, વાંકુંચૂકું કશું રહેતું નથી.

10. આવી સ્થિતિનું વર્ણન કર્યું કરાય તેવું નથી. એ સ્થિતિની બહુ તો ઝાંખી કલ્પના આપી શકાય. સૂર્ય ઊગે છે. પણ હવે હું અંધારૂં દૂર કરીશ, પંખીઓને ઊડતાં કરીશ, લોકોને કામ કરવામાં પ્રવૃત્ત કરીશ, એવું બધું તેના મનમાં હોય છે ખરૂં કે ? તે ઊગે છે ને ત્યાં સામો આવીને ઊભો રહે છે. તેનું એ અસ્તિત્વ વિશ્વને ચાલના આપે છે. પણ સૂર્યને તેનું ભાન સરખું નથી. તમે સૂર્યને કહેશો કે, “ અરે સૂરજ, તારા ઉપકારનો પાર નથી. તેં કેટલું બધું અંધારૂં દૂર કર્યું ? ” તો તેથી સૂર્ય મૂંઝાશે. તે કહેશે, “ ચપટીભર અંધારૂં મને લાવીને બતાવો. પછી તેટલું જો હું દૂર કરી શકું તો કહું કે એમાં મેં કંઈક કર્યું છે. ” અંધારાને સૂર્યની પાસે લઈ જઈ શકાય ખરૂં કે ? સૂર્યની હયાતીથી અંધારૂં દૂર થતું હે, તેના અજવાળામાં કોઈ સદ્ગ્રંથ વાચતા હશે તો બીજા વળી કોઈ અસદ્ગ્રંથ પણ વાચતા હશે. કોઈ આગ લગાડતા હશે તો બીજા કોઈ વળી પરોપકારનાં કામો કરતા હશે. પણ એ બધાં પાપ પુણ્યની જવાબદારી સૂરજની નથી. સૂર્ય કહે છે, “ પ્રકાશ મારો સહજ ધર્મ છે. મારી પાસે પ્રકાશ નહીં હોય તો બીજું શું હોય ? હું પ્રકાશ આપું છું તેની મને ખબર નથી. મારૂં હોવું તેનું જ નામ પ્રકાશ છે. પ્રકાશ આપવાની ક્રિયાની મહેનત મેં જાણી નથી. હું કંઈક કરૂં છું એમ મને લાગતું નથી. ” સૂર્યનું આ પ્રકાશ આપવાપણું સ્વાભાવિક છે તેવું જ સંતોનું છે. તેમનું જીવવું એ જ પ્રકાશ આપવાપણું છે. તમે જ્ઞાની પુરૂષને જઈને કહેશો કે, ‘ તમે મહાત્મા, સત્યવાદી છો, ’ તો તે કહેશે, ‘ હું સત્યથી ન ચાલું તો બીજું શું કરૂં છું ? ’ જ્ઞાની પુરૂષમાં અસત્યપણું સંભવતું જ નથી.

11. અકર્મની આ આવી ભૂમિકા છે. સાધન એટલા નૈસર્ગિક તેમ જ સ્વાભાવિક બની જાય છે કે તે નીપજ્યાં ને ગયાં એનો ખ્યાલ પણ રહેતો નથી. ઈન્દ્રિયોને એવું સહજ વલણ પડી જાય છે, सहज बोलणें हित उपदेश – જે સહેજે બોલે તે હિતોપદેશ, એવું બને છે. આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે કર્મ અકર્મ બને છે. જ્ઞાની પુરૂષને સત્કર્મો સહજ થઈ જાય છે. કિલબિલ કિલબિલ કરવું એ પંખીઓનો સહજ ધર્મ છે, માની યાદ આવવી એ બચ્ચાંનો સહજ ધર્મ છે, તે જ પ્રમાણે ઈશ્વરનું સ્મરણ થવું એ સંતોનો સહજ ધર્મ બની જાય છે. પરોઢિયે કૂકરે કૂક કરવાનો કૂકડાનો સહજ ધર્મ છે. સ્વરોની સમજ આપતાં ભગવાન પાણિનિએ કૂકડાના બોલવાનો દાખલો આપ્યો છે. પાણિનિના જમાનાથી આજ સુધી કૂકડો પરોઢિયે બોલતો આવ્યો છે તેટલા સારૂ તેને શું કોઈએ માનપત્ર આપ્યું છે ? કૂકડાનો એ સહજ ધર્મ છે. એવી જ રીતે સાચું બોલવું, ભૂતમાત્ર પર દયા રાખવી, કોઈની ખામી ન જોવી, સર્વની સેવાચાકરી કરવી વગેરે સત્પુરૂષનું કર્મ સહજ ચાલ્યા કરે છે. તે કર્યા વગર તેનાથી જિવાશે નહીં. કોઈ જમે તેટલા સારૂ આપણે તેનું ગૌરવ કરીએ છીએ કે ? ખાવું, પીવું ઊંઘવું એ બધાં સંસારી માણસોનાં સહજ કર્મો છે. તેવાં જ સેવાકર્મો જ્ઞાનીનાં સહજ કર્મો છે. ઉપકાર કરવાનો તેનો સ્વભાવ થઈ જાય છે. હું ઉપકાર નહીં કરૂં એવું તે કહે તો પણ એ તેના માટે અશક્ય છે. એવા જ્ઞાની પુરૂષનું એ કર્મ અકર્મ દશાએ પહોંચ્યું છે એમ સમજવું. આ દશાને જ સંન્યાસી એવી અત્યંત પવિત્ર પદવી આપવામાં આવી છે. સંન્યાસ આવી પરમ ધન્ય અકર્મ સ્થિતિ છે. એ દશાને જ કર્મયોગ પણ કહેવો. કર્મ કરવાનું ચાલુ હોય છે માટે તે યોગ છે. પણ કરવા છતાં કરૂં છું એમ કરનારને લાગતું નથી. એટલે તે સંન્યાસ છે. તે કંઈક એવી તરકીબથી કર્મ કરે છે કે તેનાથી તે લેપાતો નથી માટે તે યોગ છે અને કરવા છતાં તેણે કંઈ કર્યું ન હોવાથી તે સંન્યાસ છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: