કારતકે કૃષ્ણના મન કોડ, થઇ મારે શ્યામ સરખી જોડ
હેડું બાંધી બેઠું હોડ, પ્રીતુ પ્રીતમ સાથે જોડ
દિવસ દોહ્યલા રે –1
માગશરે મનડું બહું મુંઝાય, મોહન મળવા માટે ધાય
વાલમ વિના નવ રહેવાય, અંતર ઉદાસી બહુ થાય
દિવસ દોહ્યલા રે –2
પોષે પુરુષોતમ પધારો, અવગુણ ઉર પ્રભુ નવ આણો
પ્રીતુ પુરવની પ્રભુ પાળો, દુઃખડા દાસીનાં મીટાડો
દિવસ દોહ્યલા રે –3
મહાએ માધવરાયની ટેક, મનડું મૂકે નહી હવે નેક
ગોપીએ પહેર્યો ભગવો ભેખ, જેવા લખ્યા વિધિના લેખ
દિવસ દોહ્યલા રે –4
ફાગણ ફૂલ્યો મોટે ફૂલ, જોબન જાય મોંઘા મૂલ
એવી કઇ અમારી ભૂલ, અવસર જાવે આ અણમૂલ
દિવસ દોહ્યલા રે –5
ચૈત્ર મહીને ચિત્તનો ચોર, અંતર બેઠો આઠે પહોર
વિરહ વેદના વ્યાપી ઘોર, કાળજ કૃષ્ણજી નવ કોર
દિવસ દોહ્યલા રે –6
વૈશાખે વિશ્વંભર વિશ્વાસ, આવશે અંતર એવી આશ
જીવન જોયે તારી વાટ, મહેલે નાવો શાને માટ
દિવસ દોહ્યલા રે –7
જેઠે જીવન જપીએ જાપ, અંતર તપે વિરહ તાપ
સેજ શૂળી સમ સંતાપ, નેણે નિંદ નાવે નાથ
દિવસ દોહ્યલા રે –8
અષાઢ મહીને આંસુ એલી, હ્રદયે હાલ્યો વિરહ રેલી
ગોપી થઇ છે જોબનઘેલી, દાસી શિદને વિસરી મેલી
દિવસ દોહ્યલા રે –9
શ્રાવણે ગોકુળ ગામની ગોપી, વિરહે હ્રદયે ઘણું રોતી
અન્નજળ ત્યાગી હરતી ફરતી, મનમાં મોહન મોહન કરતી
દિવસ દોહ્યલા રે –10
ભાદરવો મચ્યો ભરપૂર, ધીરજ રહે નહીં હવે ઉર
પ્રાણ વિત્યા પછીની પ્રીત, એ નહીં પ્રીતની જો રીત
દિવસ દોહ્યલા રે –11
આસો એ શરદ પુનમની રાત, રાસ રમ્યા મિલાવી હાથ
સોઇ મારા પ્રીતમની સંગાથ, પ્રેમે ગાવે ગુણ ભજનપ્રકાશ
દિવસ દોહ્યલા રે –12