મા વિશે ઉત્તમ ઊર્મિકવિતાથી માંડીને શ્રેષ્ઠ નવલકથા સુધીનું પારાવાર સાહિત્ય રચાયું છે. પ્રત્યેક સર્જકે જ્યારે જ્યારે મા વિશે લખવાનું નક્કી કર્યુ છે ત્યારે એની કલમમાં દૈવી રણકો આવી જ ગયો છે. હમણાં કોઈએ પૂછ્યું – ‘મા વિશેની શ્રેષ્ઠ ઉક્તિ કઈ હોઈ શકે?’ મારી જીભે એક યહૂદી કહેવત સહજભાવે આવી ગઈ. મેં એ કહેવત જ જવાબમાં કહી દીધીઃ ‘ભગવાન સર્વત્ર પહોંચી ન શકે, એટલા માટે એણે માતાનું સર્જન કર્યુ.’ થકરેની નવલકથા ‘વૅનિટી ફેર’ માં આ જ વાત જરા જુદી રીતે કહેવાઈ છે” ‘નાનાં બાળકના હોઠ અને હ્રદયમાં ભગવાનને સ્થાને માનું નામ હોય છે.’ વિ.સ.ખાંડેકરે પણ સહેજ જુદી રીતે કહ્યું છેઃ ‘દુનિયામાં બે બાબતો કદી ખરાબ નથી હોતીઃ એક આપણી માતા, બીજી આપણી જન્મભૂમિ.’
હમણાં મારા હાથમાં એક જૂની ડાયરી આવી. અમેરિકન પ્રકાશન હતું એટલે ત્યાં મનાવાતા દિવસોની યાદી તેમાં હતી. એમાંનો એક દિવસ છે ‘મધર્સ ડે’. દર મે મહિનાના બીજા રવિવારે અમેરિકામાં માનું સન્માન કરવા માટે, માનું ઋણ સ્વીકારવા માટે આ દિવસ ઊજવાય છે. ૧૯૦૮માં ફિલાડેલ્ફિયામાં સૌ પ્રથમ આ દિવસ ઉજવાયો હતો. હવે તો એ પશ્ચિમની દુનિયાનો સ્વીકૃત તહેવાર થઈ ગયો છે.
માનું સ્મરણ કરવા માટે, માના ઋણને માથે ચડાવવા માટે તહેવાર ઉજવાય એ વાત જ હ્રદયને સ્પર્શી ગઈ. ૧૯૮૪માં આઠમી મેના રોજ (મે મહિનાના બીજા રવિવારે) ‘માતૃદિન’ (મધર્સ ડે) ઉજવાશે. પશ્ચિમમાંથી આપણે ઘણું બધું લીધું છે. પોશાક, રીતભાત, છિન્ન કુટુંબ, ઘરડા ઘર વગેરે. હવે પશ્ચિમનો આ તહેવાર આપણા સંસ્કારને જાગૃત કરવા માટે પણ ઉછીનો લેવાની વેળા આવી પહોંચી છે. સંયુક્ત કુટુંબ છૂટા પડતાં જાય છે. ‘મા બાપે અમને જન્મ આપ્યો છેઃ અમને મોટા કરે એમાં શું? એટલી તો તેઓની ફરજ છે.’ — આવો મિજાજ ધીરે ધીરે આપણે ત્યાં પણ આવતો જાય છે. હજી માતાનો મહિમા સંસ્કૃતિમાં છે, ઍ તો રહેલો છે, પણ ધીરે ધીરે માનું સ્થાન લોપાઈ જાય એ પહેલાં વરસમાં એક દિવસ માતૃદિન ઉજવી માના ઋણનો જાહેરમાં સ્વીકાર કરીએ અને બાકીના ત્રણસો ચોસઠ દિવસ વ્યવહારમાં મૂકીએ તો કેવું?
ચન્દ્રવદન મહેતાએ એમના એક આશ્વાસન પત્રમાં લખ્યું હતું – ‘મા તે માની સ્મૃતિ હજી અ ગોઝારા ભારતમાં રહી છે, એ એની સંસ્કૃતિ છે.’ રવીન્દ્રનાથે એકવાર વિદેશમાં ખળખળ વહેતાં ઝરણાંને કાંઠે ઊભા રહીને કહ્યું હતું – ‘આ જળના વહેતા ધ્વનિમાં મને મારી માનો સાદ સંભળાય છે.’ એક લેખકે પોતાની મા પરના પત્રનો આરંભ કર્યો હતોઃ ‘તારા એક સ્મિત માટે હું લાખ લાખ જોજનનું અંતર કાપવા તૈયાર છું, મારી મા !’
મા માટેની આ આરત, આ આરઝૂને દરેક વાચા આપી શકતા નથી. કેટલાક તો પોતાના હ્રદયની લાગણીને વાચા જ આપી શકતા નથી. પરંતુ જેમ કોઈના જન્મદિને આપણે એ વ્યક્તિને ફુલો અર્પીએ, સુંદર ભેટ આપીએ એનો જ મહિમા છે. છોકરાઓ દૂર દૂર રહેતા હોય પણ તે દિવસે માને મળવા ન આવી શકે એ તાર કરે, પત્ર લખે. આખો વખત બાળકો વચે જીવન વીતાવી દેતી માને એ દિવસે એવી લાગણી થાય કે મારું પણ કંઈક મહત્વ છે.
એકવાર એક મિત્રે મને સરસ પ્રસંગ કહ્યો હતો. એમના કુટુંબમાં મા તરફ સૌને લાગણી. પણ બધા ભાઈઓ વ્યવસાયમાં પડી ગયેલા. કોઈને મા પાસે જવાનો સમય ન મળે. એકવાર એક ભાઈને તુક્કો સૂઝ્યો. તેણે માનો જન્મદિવસ ક્યારે આવે છે તે શોધવા કોશિષ કરી. માને તો યાદ હતો જ નહિ. બીજા કોઈ ને પણ ખબર નહિ. પણ તેણે એક યુક્તિ કરી. એક જૂની નોટબુક શોધી કાઢી. તેમાં કંઈક જૂના હિસાબો લખ્યા. અને એક પાના પર લખ્યું – ‘ચિ. કાશીનો જન્મ ચૈત્ર વદ… વગેરે વગેરે’ અને પછી સૌને લખ્યું – ‘મેં આપણા કુટુંબના જૂના કાગળોમાં સંશોધન કરી માનો જન્મદિન શોધી કાઢ્યો છે. આ વખતે આપણે સૌ એ દિવસ ઉજવીએ.’
માના ત્રણ દીકરા ને બે દીકરીઓ, ત્રણ પુત્રવધૂઓ અને બે જમાઈઓ તથા સંખ્યાબંધ પૌત્રો એકઠા થયા. બધા એક પછી એક માને પગે લાગ્યા. એક દીકરાએ પોતાનું ડૉક્ટરી સર્ટિફિકેટ માના ચરણમાં મૂકીને કહ્યું – “મા, તે મારી સંભાળ લીધી તો હું આટલો મોટો થયો!”. એ દીકરાની વહુએ પણ કહ્યું – ‘મા, તમે ન હોત તો આવો સરસ વર મને ક્યાંથી મળત? એક દીકરીએ કહ્યું – ‘મા, મને સાસરિયામાં કોઈ આંગળી ચીંધી શક્યું નથી. એ તારી કેળવણીને કારણે જ બન્યું છે.’ એક દીકરાએ કહ્યું – ‘હું તારા ખોળામાં રમીને જે શીખ્યો એમાં કૉલેજની કેળવણી કશો જ ઉમેરો કરી શકી નથી!’ મા બધાની વાત સાંભળી રહી. બધાએ માને હાર પહેરાવ્યા. જાતજાતની ભેટ સોગાદો આપી. ‘હૅપી બર્થડે ટુ યૂ’ નું ગીત ગાઈ માને હાથે કેક કપાવી. તાળીઓ પાડી. છેલ્લે કોઈએ કહ્યું – ‘હવે મા કૈંક બોલે !’
માના ગળે ડૂમો બાઝી ગયો હતો. તેણે કહ્યું – ‘દીકરાઓ, મને તો મે આ બધું કર્યું એની ખબર જ નથી. દેવે દીધેલા છોકરા-છોકરીઓને હસતાં-રમતાં મોટાં કર્યા એ ખરું, પણ એ તો દરેક મા કરે છે !’
જે છોકરાને માનો જન્મદિન ઉજવવાનો વિચાર આવ્યો હતો, તેણે કહ્યું – ‘પણ મા, એ જ માને એના ઘડપણમાં હસતાં-રમતાં હથેળીમાં રાખીએ તે અમારે સૌએ કરવાનું કામ છે અને અમારામાંથી કેટલા કરે છે?’
બધાં જ સંતાનોની આંખો એ ક્ષણે ભીની થઈ. આ દિવસને કે આવા કોઈ પણ દિવસને હું માતૃદિન કહું.
— હરિન્દ્ર દવે
(‘તીર્થોત્તમ માંથી સાભાર’)