ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય ચોથો : કર્મયોગ – સહકારી સાધના : વિકર્મ
પ્રકરણ ૧૬ – અકર્મની કળા સમજવાને સંતો પાસે જાઓ
10. કર્મનું આમ અકર્મ કેવી રીતે બનતું હશે ? એ કળા કોની પાસે જોવાની મળશે ? સંતો પાસેથી. આ અધ્યાયને છેડે ભગવાન કહે છે, “ સંતોની પાસે જઈને બેસ અને પાઠ લે. ” કર્મનું અકર્મ કેવી રીતે થઈ જાય છે તેનું વર્ણન કરતાં ભાષા પૂરી થઈ જાય છે. તેનો ખ્યાલ મેળવવાને સંતોને ચરણે બેસવું જોઈએ. પરમેશ્વરનું વર્ણન સાંભળ્યું છે ને કે शान्ताकारं भुजगशयनम्. પરમેશ્વર હજાર ફેણવાળા શેષ પર પોઢેલો હોવા છતાં શાંત છે. સંતો હજારો કર્મોમાં ગૂંથાયેલા હોવા છતાં જરા સરખો ક્ષોભતરંગ પોતાના માનસ-સરોવરમાં ઊઠવા દેતા નથી. આ ખૂબી સંતોને ઘેર ગયા વગર સમજી શકાતી નથી.
11. આજના વખતમાં ચોપડીઓ સોંઘી થઈ છે. આના-બેઆનામાં ગીતા, मनाचे श्लोक વગેરે ચોપડીઓ મળે છે. ગુરૂ જોઈએ તેટલા છે. શિક્ષણ ઉદાર અને સોંઘું છે. વિશ્વવિદ્યાલયો જ્ઞાનની ખેરાત કરે છે. પણ જ્ઞાનામૃતભોજનની તૃપ્તિનો ઓડકાર કોઈને આવતો દેખાતો નથી. પુસ્તકોના આવા ઢગલાના ઢગલા જોઈને દિવસે દિવસે સંતોની સેવાની જરૂર વધારે ને વધારે ભાસતી જાય છે. જ્ઞાન, પુસ્તકોની મજબૂત કાપડની બાંધણીની બહાર નીકળતું નથી. આવે પ્રસંગે મને એક અભંગ હમેશ યાદ આવે છે.
कामक्रोध आड पडिले पर्वत । राहिला अनंत पैलीकडे ।।
આડા પડ્યા કામક્રોધના પહાડ ને અનંત રહ્યો પેલી પાર. કામક્રોધના પર્વતોની પેલી કોર નારાયણ વસે છે. તે પ્રમાણે આ ચોપડાઓના ઢગની પાછળ જ્ઞાનરાજા લપાઈને બેઠો છે. પુસ્તકાલયો ને ગ્રંથાલયોનો રાફડો ફાટ્યો છે. પણ માણસ હજી બધે સંસ્કાર વગરનો ને જ્ઞાન વગરનો વાંદરો રહી ગયેલો દેખાય છે. વડોદરામાં એક મોટી લાયબ્રેરી છે. એક વખત એક ગૃહસ્થ તેમાંથી એક ખાસું મોટું પુસ્તક લઈને જતા હતા. તે પુસ્તકમાં બાવલાં – ચિત્રો હતાં. અંગ્રેજી પુસ્તક છે એવું માની તે ભાઈ લઈ જતા હતા. મેં પૂછ્યું, ‘ આ શાનું પુસ્તક છે ? ’ તેમણે જવાબ દેવાને બદલે તે સામું ધર્યું. મેં કહ્યું, ‘ આ તો ફ્રેંચ છે. ’ તે ગૃહસ્થ બોલ્યા, ‘ અરે, ફ્રેંચ આવી ગયું લાગે છે ! ’ પરમ પવિત્ર રોમન લિપિ, સુંદર ચિત્રો, મજાનું બાઈંડિંગ, પછી જ્ઞાનની ખોટ હોય ખરી કે !
12 અંગ્રેજી ભાષામાં દર સાલ દસ દસ હજાર નવાં પુસ્તકો તૈયાર થઈને બહાર પડે છે. બીજી ભાષાઓમાં પણ એવું જ છે. જ્ઞાનનો આટલો બધો ફેલાવો હોવા છતાં માણસનું માથું ખાલી ખોખું કેમ રહ્યું છે ? કોઈ કહે છે યાદદાસ્ત ઘટી છે. કોઈ કહે છે એકાગ્રતા થઈ શકતી નથી. કોઈ કહે છે જે જે વાંચીએ છીએ તે બધું જ સાચું લાગે છે અને કોઈ વળી કહે છે વિચાર કરવાનો વખત જ રહેતો નથી. શ્રીકૃષ્ણ કહે છે, “ અરે અર્જુન, તરેહતરેહની વાત સાંભળીને ગોટાળે ચડેલી તારી બુદ્ધિ સ્થિર થયા વગર યોગ તને હાથ લાગવાનો નથી. સાંભળવાનું ને વાંચવાનું પતાવીને હવે સંતોને શરણે જા. ત્યાં જીવનનો ગ્રંથ તને વાચવાનો મળશે. ત્યાંનું મૂંગું પ્રવચન સાંભળી તું છિન્નસંશય થશે. એકધારાં સેવાનાં કર્મો કરતાં રહેવા છતાં અત્યંત શાંત કેમ રહેવું, બહારનાં કર્મોનું ઝાજું જોર હોવા છતાં હ્રદયમાં અખંડ સંગીતની સિતાર કેમ મેળવવી એ ત્યાં જવાથી સમજાશે. ”