માનો ગુણ – દલપતરામ

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

લઈ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?
મને કોણ મીઠાં મુખે ગીત ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતતણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

મને કોણ કે’તું પ્રભુ ભક્તિ જુક્તિ,
ટળે તાપ-પાપ, મળે જેથી મુક્તિ;
ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચા’તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

તથા આજ તારું હજી હેત તેવું,
જળે માછલીનું જડ્યું હેત તેવું;
ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

અરે ! એ બધું શું ભલું જૈશ ભૂલી,
લીધી ચાકરી આકરી જે અમૂલી;
સદા દાસ થૈ વાળી આપીશ સાટું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

અરે ! દેવતા દેવ આનંદદાતા !
મને ગુણ જેવો કરે મારી માતા;
સામો વાળવા જોગ દેજે સદા તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

શીખે સાંભળે એટલા છંદ આઠે,
પછી પ્રીતથી જો કરે નિત્ય પાઠે;
રાજી દેવ રાખે સુખી સર્વ ઠામે,
રચ્યા છે રૂડા છંદ દલપતરામે.

Categories: મારી વહાલી મા | Tags: | 3 Comments

Post navigation

3 thoughts on “માનો ગુણ – દલપતરામ

 1. Sahil

  Most soulful lyrics written by દલપતરામ જી

 2. રૂપેશ સલોત

  ખૂબ સરસ…..મારા બાળકો ક્યારે આ વાંચશે …એ વિચારું છું

 3. Harshad Vegda

  જી, મને પણ આ વાંચી ખુબજ ભાવ સાથે મા ના પાવન ચરણો પખાળવા અગણિત અશ્રુઓ વહ્યા. બીજું ઘણી જગ્યા એ  વાંચી પણ 3 થી 5 જ કડીઓ જોઈ જયારે અહીં આવતા પુરેપુરી કવિતા વાંચતા વિશેષ આનંદ થયો.
  બે હાથ જોડી ને ખુબ ખુબ આભાર, …હર્ષદ વેગડા નોંધઃ  આ ગીત ગાતો એક બહુજ  સરસ વિડિઓ છે પણ અહીં કેવી રીતે પોસ્ટ કરી શકાય એનું જ્ઞાન નથી, જો કોઈ જણાવશે તો જરૂર થી પોસ્ટ કરીશ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: