ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય ચોથો : કર્મયોગ – સહકારી સાધના : વિકર્મ
પ્રકરણ ૧૫ – બંનેના સંયોગથી અકર્મ રૂપી સ્ફોટ
4. કર્મની સાથે મનનો મેળ હોવો જોઈએ. આ મનના મેળને જ ગીતા વિકર્મ કહીને ઓળખાવે છે. બહારનું તે સાદું કર્મ; અંદરનું આ વિશેષ કર્મ તે વિકર્મ. આ વિશેષ કર્મ જેની તેની માનસિક જરૂર મુજબ જુદું જુદું હોય છે. વિકર્મના એવા અનેક પ્રકાર ચોથા અધ્યાયમાં દાખલારૂપે બતાવેલા હોઈ તે જ વાતનો વિસ્તાર આગળ છઠ્ઠા અધ્યાયથી કરેલો છે. આ વિશેષ કર્મનું આવું માનસિક અનુસંધાન કર્મની જોડે રાખીએ તો જ નિષ્કામતાની જ્યોત સળગશે. કર્મની સાથે વિકર્મની જોડ બંધાવાથી ધીરે ધીરે નિષ્કામતા કેળવાતી જાય છે. શરીર અને મન બંને જુદી જુદી ચીજો હોય તો તે બંનેને માટે સાધનો પણ અલગ અલગ જોઈએ. એ બંનેનો મેળ બેસતાંવેંત સાધ્ય હાંસલ થાય છે. મન એક બાજુ અને શરીર બીજી બાજુ એવી સ્થિતિ ન થાય માટે શાસ્ત્રકારોએ બેવડો રસ્તો બતાવ્યો છે. ભક્તિયોગમાં બહાર તપ અને અંદર જપ બતાવ્યો છે. ઉપવાસ વગેરે બાહ્ય તપસ્યા ચાલતી હોય ત્યારે અંદર માનસિક જપ ચાલુ નહીં હોય તો તે બધું તપ ફોગટ ગયું જાણવું. જે ભાવનાથી હું તપ કરતો હોઉં તે અંદર એકસરખી સળગતી રહેવી જોઈએ. ઉપવાસ શબ્દનો અર્થ મૂળમાં ઈશ્વરની પાસે બેસવું એવો છે. ચિત્ત પરમેશ્વરની પાસે રહે તે સારૂ બહારના ભોગોને મનાઈ હોવી જોઈએ. પણ બહારના ભોગ વર્જ્ય કરી મનમાં ભગવાનનું ચિંતન નહીં હોય તો તે બાહ્ય ઉપવાસનો અર્થ શો ? ઈશ્વરનું ચિંતન કરવાને બદલે મનમાં ખાવાપીવાની ચીજોનું ચિંતન કરીએ તો એ બહુ ભયાનક ભોજન નીવડે. આ મનમાં થતું ભોજન, મનમાં થતું વિષયચિંતન એના જેવી ભયાનક ચીજ બીજી નથી. તંત્ર સાથે મંત્ર જોઈએ. કેવળ બહારના તંત્રનું મહત્વ નથી. કેવળ કર્મહીન મંત્રનું પણ મહત્વ નથી. હાથમાં સેવા હોવી જાઈએ, તેવી હ્રદયમાં પણ સેવા હોવી જોઈએ. એ રીતે જ આપણે હાથે સાચી સેવા થાય.
5. હ્રદયની ભીનાશ બાહ્ય કર્મમાં નહીં હોય તો તે સ્વધર્માચરણ સૂકું રહેશે. તેને નિષ્કામતાનાં ફળફૂલ નહીં બેસે. ધારો કે આપણે માંદાની સારવારનું કામ માથે લીધું. પણ એ સેવાકર્મની સાથોસાથ દિલમાં કોમળ દયાભાવ નહીં હોય તો રોગીની સેવાનું એ કામ કંટાળો આપનારૂં અને નીરસ થઈ જશે. એ એક બોજો લાગશે. ખુદ રોગીને પણ તેનો ભાર લાગશે. એ સારવારમાં મનનો સહકાર નહીં હોય તો એ સેવામાંથી અહંકાર પેદા થયા વગર નહીં રહે. હું આજે એને ઉપયોગી થાઉં છું માટે એણે મને ઉપયોગી થવું જોઈએ, એણે મારાં વખાણ કરવાં જોઈએ, લોકોએ મારી કદર કરવી જોઈએ, એવી એવી અપક્ષા ચિત્તમાં ઉત્પન્ન થશે. અથવા આપણે આટલી આટલી સેવા કરીએ છતાં આ રોગી નાહક ચિડાઈને કચકચ કર્યા કરે છે એમ આપણે કંટાળીને બબડયા કરીશું. માંદો માણસ કુદરતી રીતે ચીડિયો થઈ જાય છે. તેની કચકચ કરવાની આદતથી જેના મનમાં સાચો સેવાભાવ નહીં હોય તેવા સેવા કરવાવાળાને કંટાળો આવશે.
6. કર્મની જોડે આંતરિક મેળ હશે તો તે કર્મ જુદું જ પડે. તેલ ને દીવેટની જોડીની સાથે જ્યોત ભળવાથી પ્રકાશ પડે છે. કર્મની સાથે વિકર્મ જોડાવાથી નિષ્કામતા કેળવાય છે. દારૂગોળાને આંચ લગાડવાથી ભડકો થાય છે. એ દારૂગોળામાં શક્તિ નિર્માણ થાય છે. કર્મ આ બંદૂકના દારૂ જેવું છે. તેમાં વિકર્મની આંચ લાગતાંવેંત કામ પાર પડે છે. વિકર્મ દાખલ થયું ન હોય ત્યાં સુધી એ કર્મ જડ રહે છે. તેમાં ચૈતન્ય હોતું નથી. વિકર્મની ચિનગારી જડ કર્મમાં પડતાંની સાથે તે કર્મમાં જે સામર્થ્ય ઉત્પન્ન થાય છે તેનું વર્ણન થઈ શકે એવું નથી. ચપટીભર દારૂને ખીસામાં રાખી સકાય છે, હાથમાં રમાડી શકાય છે. પણ તેને આંચ લગાડતાની સાથે શરીરના ફુરચેફુરચા ઊડી જાય છે. સ્વધર્માચરણમાં રહેલું અનંત સામર્થ્ય એવું જ ગુપ્ત હોય છે. તેને વિકર્મનો સાથ આપી જુઓ. પછી કેવી ઊથલપાથલ થાય છે તે જોજો. અહંકાર, કામ, ક્રોધ એ બધાના એ ધડાકાથી ફુરચેફુરચા ઊડી જશે અને તેમાંથી પછી પરમ જ્ઞાનની નિષ્પત્તિ થશે.
7. કર્મ જ્ઞાનને ચેતાવનારી આંચ છે. લાકડાની એકાદ ડગળી ખાલી પડી રહે છે. પણ તેને સળગાવો. તે ધગધગતો અંગાર બને છે. પેલી લાકડાની ડગળી અને આ ધગધગતો દેવતા બેમાં કેવો ફેર હોય છે ! પણ એ લાકડાનો જ એ અગ્નિ છે એમાં કંઈ શક છે કે ? કર્મમાં વિકર્મ રેડવાથી કર્મ દિવ્ય દેખાવા માંડે છે. મા દીકરાની પીઠ પર હાથ ફેરવે છે. એક વાંસો અને વાંસા પર એક વાંકોચૂકો હાથ ફરે છે. પણ એટલા સાદા કર્મથી તે મા-દીકરાના દિલમાં જે ભાવના ઊછળે છે તેનું વર્ણન કોણ કરી શકશે ? આટલી લંબાઈ-પહોળાઈની આવી એક પીઠ પર આવો, આટલા વજનનો એક સુંવાળો હાથ ફેરવવાથી પેલો આનંદ નિર્માણ થશે એવું સમીકરણ કોઈ બેસાડવા જાય તો તે એક મજાક ગણાશે. હાથ ફેરવવાની એ નજીવી ક્રિયા છે. પણ તે ક્રિયામાં માએ પોતાનું હ્રદય ઠાલવેલું છે. તે કર્મમાં આ વિકર્મ રેડેલું હોવાથી પેલો અપૂર્વ આનંદ મળે છે. તુલસીરામાયણમાં એક પ્રસંગ આવે છે,
राम कृपा करि चितवा सबही । भये बिगतस्रम वानर तबही ।।
– રાક્ષસો સાથે લડયા પછી વાનર પાછા આવે છે. તે બધા જખમી થયેલા હોય છે. તેમનાં શરીરમાંથી લોહી વહેતું હોય છે. પણ પ્રભુ રામચંદ્રે માત્ર તેમના બધાના તરફ પ્રેમપૂર્વક જોયું તેની સાથે તે બધાયની વેદના શાંત થઈ ગઈ. તે વખતે રામે ઉઘાડેલી આંખનો ફોટો પાડી લઈ તે પ્રમાણે બીજું કોઈ પોતાની આંખ ઉઘાડે તો તેવી અસર થાય ખરી કે ? એવું કોઈ કરે તો હસવાનું થાય.
8. કર્મની સાથે વિકર્મની જોડી બંધાવાથી શક્તિસ્ફોટ થાય છે અને તેમાંથી અકર્મ નિર્માણ થાય છે. લાકડું બળી જવાથી રાખ નીપજે છે. પેલી પહેલાં લાકડાની ખાસી મોટી ડગળી હતી પણ તેની આખરે ચપટીભર નિરૂપદ્રવી રાખ બની રહે છે. પછી હાથમાં લઈ તેને ખુશીથી શરીરે ચોળો. કર્મને વિકર્મની આંચ લગાડવાથી અકર્મ નીપજે છે. પેલું લાકડું ક્યાં ને પેલી રાખ ક્યાં ? कः केन संबंधः ! તે બંનેના ગુણધર્મમાં હવે જરાયે સરખાપણું નથી. પણ પેલી ડગળીની જ એ રાખ બની છે એમાં કંઈ શંકા છે કે ?
9. કર્મમાં વિકર્મ રેડવાથી અકર્મ નીપજે છે એ વાતનો અર્થ શો ? એનો અર્થ એટલો કે કર્મ કર્યા જેવું લાગતું નથી, તેનો ભાર લાગતો નથી. ક્રિયા કરવા છતાં અકર્તા થવાય છે. ગીતા કહે છે કે મારવા છતાં તમે મરતા નથી. મા દીકરાને મારે છે માટે તમે જરા મારી જોજો વારૂ ! તમારૂં મારવું છોકરો સહન નહીં કરે. મા મારશે તોયે તે તેના પાલવમાં માથું મારતો જશે. એનું કારણ છે. માના એ બાહ્ય કર્મમાં ચિત્તશુદ્ધિ છે. તેનું મારવું નિષ્કામ હોય છે. એ કર્મમાં તેનો સ્વાર્થ નથી. વિકર્મને લીધે, મનની શુદ્ધિને લીધે, કર્મનું કર્મપણું ઊડી જાય છે. રામની પેલી નજર આંતરિક વિકર્મને લીધે કેવળ પ્રેમસુધાસાગર બની હતી. પણ રામને તે કર્મનો થાક નહોતો લાગ્યો. ચિત્તશુદ્ધિથી કરેલું કર્મ નિર્લેપ હોય છે. તેનું પાપ કે પુણ્ય કંઈ બાકી રહી જતું નથી. નહીં તો વિચાર કરો કે કર્મનો કેટલો બોજો આપણી બુદ્ધિ પર ને હ્રદય પર પડે છે ! તેની કેટલી બધી તાણ પહોંચે છે ! આવતી કાલે બધા રાજદ્વારી કેદીઓ છૂટવાના છે એવી હમણાં બે વાગ્યે ખબર આવે પછી કેવું બજાર ભરાય છે તે જોજો. ચારે બાજુ બસ ધાંધલ, ધાંધલ. કર્મના સારા-નરસાપણાને કારણે આપણે વ્યગ્ર હોઈએ છીએ. કર્મ આપણને ચારેકોરથી ઘેરી લે છે. કર્મ જાણે કે આપમી બોચી પર ચડી બેસે છે. સમુદ્રનો પ્રવાહ જોરથી જમીનમાં પેસી જઈ જેમ અખાત નિર્માણ કરે છે તે પ્રમાણે કર્મનો પસારો ચિત્તમાં ફેલાઈ, ઘૂસી જઈ તેમાં ખળભળાટ મચાવે છે. સુખદુઃખનાં દ્વંદ્વો નિર્માણ થાય છે. બધીયે શાંતિ નાશ પામે છે. કર્મ થયું, અને થઈ ગયું હોવા છતાં તેનો વેગ બાકી રહી જાય છે. કર્મ ચિત્તનો કબજો કરી બેસે છે. અને પછી કર્મ આચરનારને ઊંઘ આવતી નથી. પણ આવા આ કર્મમાં વિકર્મ મેળવવાથી ગમે તેટલું કર્મ કરવા છતાં થાક લાગતો નથી. ધ્રુવની માફક મન શાંત, સ્થિર અને તેજોમય રહે છે. કર્મમાં વિકર્મ રેડવાથી તે અકર્મ બની જાય છે. કર્મ કરવા છતાં તે જાણે ભૂંસી નાખ્યું હોય તેવી સ્થિતિ થાય છે.