રાગઃ- મારા જીવનના મોંઘા મહેમાન
મારી સાંભળોને વાતલડી એક સર્વે ખોટું છે
આ સ્વપ્નું જાણોને સંસાર નામ એમાં મોટું છે –ટેક
ભાઇ નિંદ્રાને સ્વપ્નામાં ભૂપતિ બન્યા,
કંઇક હાકમ હજુરી ચરણે નમ્યા
વિત્યું સ્વપ્નુંને હતા તેના તે –સર્વે
પુત્ર પારણે વાંઝણી ઝુલાવતી રહે,
રૂડાં ગીતલડાં મુખથી ગાતી રહે
તોયે માતાનો કહેનાર ન કોઇ –સર્વે
ખીલી રહ્યો બગીચો આકાશે ઘણો,
મનકલ્પનાને માળીએ પોષાણો ઘણો
એનો બને નહીં ફૂલડાંનો હાર –સર્વે
મસ્તાની માયામાં મન ઘેલાં બન્યા,
ઉર અહંકાર થકી કોઇને ન નમ્યા
પછી જીવનનો આવી ગયો અંત –સર્વે
માટે જાગો આ જીવન તો જાતું રહેશે,
આવશે મૃત્યુંને મનને પસ્તાવો થશે
પછી આંખોમાં આંસુની ધાર –સર્વે
કરો ભક્તિ ભગવાનની ભાવે કરી,
બધી દીલડાંની દુબજાને કોરે કરી
સાચા ભક્તોના સાથી ભગવાન –સર્વે
ગુણ ગાંઉ હું તુજમાં મસ્તાનો બની,
કરૂં વિનતિ પ્રભુને શરણે નમી
ભજનપ્રકાશને ઉતારો ભવ પાર –સર્વે