હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ, સહુજન મંગલ, મન મારું ઉલ્લાસી
હું ગુર્જર ભારતવાસી.
અર્બુદ- અરબસમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી, વિધ વિધ પ્રજા સુહાસી
હું ગુર્જર ભારતવાસી.
ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી, રહો જ ચિત્ત ઉપાસી
હું ગુર્જર ભારતવાસી.
અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
‘સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર એ રહો પ્રકાશી
હું ગુર્જર ભારતવાસી.
ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી
સદાજાગરૂક, જગતનાગરિક, સાગરતીર્થનિવાસી.
હું ગુર્જર ભારતવાસી.
ખુબજ સુંદર કાવ્ય… દરેક શબ્દોમાં સત્યતાના અખંડ દીવા પ્રગટી રહ્યાં છે અને એક-એક પંક્તિ વાંચતા રોમ-રોમ જાગી ઊઠે છે ..
આ કાવ્ય સૌજન સુધી પહોંચાડવા આપનો ખુબ આભાર..
Frithi ” Kavy-Darshn ” Karavava Badal Abhar