કર્મને વિકર્મનો સાથ હોવો જોઈએ – (14)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય ચોથો : કર્મયોગ – સહકારી સાધના : વિકર્મ
પ્રકરણ ૧૪ – કર્મને વિકર્મનો સાથ હોવો જોઈએ

ભાઈઓ,

૧૪. પાછલા અધ્યાયમાં આપણે નિષ્કામ કર્મયોગનું વિવેચન કર્યું. સ્વધર્મને અળગો કરી બીજો ધર્મ સ્વીકારવાથી નિષ્કામપણાનું ફળ મળવું અસંભવિત જ છે. સ્વદેશી માલ વેચવાનો વેપારીનો સ્વધર્મ છે. પણ એ સ્વભાવ છોડી સાત હજાર માઈલ દૂરથી આણીને તે પરદેશી માલ વેચે છે ત્યારે તેની નજર સામે માત્ર વધારે નફો કરવાનો ખ્યાલ હોય છે. પછી તેના એ કામમાં નિષ્કામતા ક્યાંથી હોય ? એથી જ કર્મ નિષ્કામ રહે તેટલા ખાતર સ્વધર્મના આચરણની ખૂબ જરૂર રહે છે. પણ આવું સ્વધર્માચરણ પણ સકામ હોય એમ બને. આપણે અહિંસાની જ વાત લઈએ. અહિંસાના ઉપાસકને હિંસા વર્જ્ય છે એ સાફ છે. પણ બહારથી અહિંસક દેખાતો છતાં તે હિંસક હોય એમ બને, કેમકે હિંસા મનનો ધર્મ છે. બહારનું હિંસાકર્મ ન કરવા માત્રથી મન અહિંસામય થઈ જાય એવું નથી. હાથમાં તલવાર લેવાથી લેનારની હિસાવૃત્તિ સાફ દેખાય છે. પણ તલવાર છોડી દેવાથી માણસ અહિંસામય થઈ જ જાય એવું નથી. સ્વધર્માચરણની વાત બરાબર આના જેવી છે. નિષ્કામતાને માટે પરધર્મથી અળગા રહેવું જોઈએ. પણ એ માત્ર નિષ્કામતાની શરૂઆત થઈ ગણાય. તેથી સાધ્ય સુધી પહોંચી ગયા એમ માની લેવાનું નથી. નિષ્કામતા મનનો ધર્મ છે. મનનો એ ધર્મ પ્રગટ થાય તે માટે એકલું સ્વધર્માચરણનું સાધન પૂરતું નથી. બીજાં સાધનોનો આધાર લેવાની પણ જરૂર રહે છે. માત્ર તેલ ને દિવેટથી દીવો થતો નથી. સાથે જ્યોતની જરૂર પડે છે. જ્યોત હોય તો જ અંધારૂં મટે. એ જ્યોત કેવી રીતે ચેતાવવી ? એ માટે મનનું સંશોધન જરૂરી છે. આત્મપરીક્ષણ કરી ચિત્તનો મળ ધોઈ કાઢવો જરૂરી છે. ત્રીજા અધ્યાયને છેડે આ મહત્ત્વની સૂચના ભગવાને કરી છે. એ સૂચનામાંથી ચોથા અધ્યાયનો જન્મ થયો છે.

2. ગીતામાં कर्म એ શબ્દ स्वधर्म ના અર્થમાં વપરાયો છે. આપણે ખાઈએ છીએ, પીએ છીએ અને ઊંઘીએ છીએ એ બધાં પણ કર્મો છે. પણ ગીતામાં વપરાયેલા कर्म શબ્દ વડે એ ક્રિયાઓ સૂચવાઈ નથી. કર્મ શબ્દનો અર્થ સ્વધર્માચરણ કરવાનો છે. પણ સ્વધર્માચરણરૂપી એ કર્મ કરતાં કરતાં નિષ્કામતા કેળવવાને સારુ બીજી એક મહત્ત્વની મદદ લેવી જરૂરની છે. એ મદદ છે કામ અને ક્રોધને જીતવાની વાતની. ચિત્ત ગંગાજળ જેવું નિર્મળ ને પ્રશાંત ન થાય ત્યાં સુધી નિષ્કામતા કેળવાતી નથી. આ રીતે ચિત્તના સંશોધનને માટે જે કર્મો કરવાનાં હોય છે તેને ગીતાએ વિકર્મ નામ આપેલું છે. કર્મ, વિકર્મ અને અકર્મ એ ત્રણ શબ્દો આ ચોથા અધ્યાયમાં મહત્ત્વના છે. કર્મ એટલે બહારની સ્વધર્માચરણની સ્થુળ ક્રિયા. આ બહારની ક્રિયામાં ચિત્ત રેડવું તેનું જ નામ વિકર્મ છે. બહારથી આપણે નમસ્કાર કરીએ છીએ. પણ બહારની એ માથું નમાવવાની ક્રિયાની સાથોસાથ અંદરથી મન નમ્યું નહીં હોય તો બહારની ખાલી ક્રિયા ફોગટ છે. અંતર્બાહ્ય એક થવું જોઈએ. બહારથી શંકરના લિંગ પર એકસરખી ધાર કરીને હું અભિષેક કરૂં છું. પણ પાણીની એ ધારની સાથોસાથ માનસિક ચિંતનની અખંડ ધાર ચાલતી નહીં હોય તો એ અભિષેકની કિંમત શી ? પછી તો સામેનું શિવનું લિંગ એ એક પથ્થર ને હું પણ પથ્થર. પથ્થર સામે પથ્થર બેઠો છે એટલો જ અર્થ થાય. બહારના કર્મની સાથે અંદરનું ચિત્તશુદ્ધિનું કર્મ જોડાય તો જ નિષ્કામ કર્મયોગ પ્રાપ્ત થાય.

3. निष्काम कर्म શબ્દપ્રયોગમાં કર્મ પદના કરતાં નિષ્કામ એ પદનું મહત્ત્વ વધારે છે. જેમ अहिंसात्मक असहकार શબ્દપ્રયોગમાં અસહકાર શબ્દના કરતાં અહિંસાત્મક એ વિશેષણનું મહત્ત્વ વધારે છે.અહિંસાને કાઢી નાખી પોકારવામાં આવેલો અસહકાર ભયંકર વસ્તુ બની જાય, તે પ્રમાણે સ્વધર્માચરણનું કર્મ કરતાં કરતાં મનનું વિકર્મ સાથે નહીં હોય તો મોટું જોખમ રહે છે. આજકાલ સાર્વજનિક સેવા કરનારા લોકો સ્વધર્મનું જ આચરણ કરે છે. જે વખતે લોકો ગરીબીમાં અને વિપત્તિમાં ઘેરાયેલા હોય તે વખતે તેમની સેવા કરી, તેમને સુખી કરવાનો ધર્મ સમાજસ્થિતિના ચાલુ પ્રવાહમાંથી આપોઆપ આવી મળે છે. પણ એટલી વાત પરથી જાહેર કામગીરી અદા કરનારા બધાયે લોકો કર્મયોગી બની ગયા એવું અનુમાન કાઢી નહીં શકાય. લોકસેવા કરતી વખતે મનમાં શુદ્ધ ભાવના નહીં હોય તો તે લોકસેવા ભયાનક નીવડવાનો પણ સંભવ રહે છે. પોતાના કુટુંબની સેવા કરવામાં જેટલો અહંકાર, જેટલો દ્વેષ-મત્સર અને જેટલો સ્વાર્થ આપણે જગાડીએ છીએ તેટલો બધો લોકસેવામાં પણ આપણે જગાડીશું; અને આ વાતનો પરચો આજના લોકસેવકોના સમૂહમાં જોવામાં પણ આવે છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: