કર્મયોગ-વ્રતમાં અંતરાય – (13)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય ત્રીજો – કર્મયોગ
પ્રકરણ ૧3 – કર્મયોગ-વ્રતમાં અંતરાય

11. કર્મયોગી પોતાનુ કર્મ બીજાઓના કરતાં વધારે સારી રીતે કરશે. તેને સારૂ કર્મ ઉપાસના છે, કર્મ પૂજા છે. મેં દેવની પૂજા કરી. તે પૂજાનો નૈવેદ્ય મેં પ્રસાદ તરીકે લીધો. પણ એ નૈવેદ્ય તે પૂજાનું ફળ છે કે ? નૈવેદ્ય પર નજર રાખી પૂજા કરનારને પ્રસાદનો ટુકડો તાબડતોબ મળશે એમાં શક નથી. પણ કર્મયોગી પોતાના પૂજાકર્મ વડે પરમેશ્વરદર્શનનું ફળ મેળવવા માગે છે. ખાવાને મળનારા નૈવેદ્ય જેટલી નજીવી કિંમત તે પોતાના કર્મની કરતો નથી, પોતાના કર્મની કિંમત ઓછી આંકવા તે તૈયાર નથી. સ્થૂળ માપથી તે પોતાના કર્મને માપતો નથી. જેની દ્રષ્ટિ સ્થૂળ તેને સ્થૂળ ફળ મળશે. ખેતીવાડીની એક કહેવત છે. ‘खोलीं पेर पण ओलीं पेर’ – ઊંડું ઓર પણ ભીનામાં ઓર. એકલું ઊંડું ખેડ્યે કામ નહીં થાય. નીચે જમીનમાં ભેજ પણ જોઈશે. ઊંડી ખેડને જમાનમાં ભેજ, બંને હશે તો અનાજનાં કણસલાં કાંડાં જેવાં માતબર થશે. કર્મ ઊંડું એટલે કે સારામાં સારૂં કરવું જોઈએ. વધારામાં તેમાં ઈશ્વરભક્તિની, ઈશ્વરાર્પણતાની ભાવનાની ભીનાશ પણ જોઈએ. કર્મયોગી ઊંડાણથી કર્મ કરી તે ઈશ્વરને અર્પણ કરે છે. આપણા લોકોમાં પરમાર્થના ગાંડાઘેલા ખ્યાલો પેદા થયા છે. જે પરમાર્થી હોય તેણે હાથપગ હલાવવાના હોય નહીં, કામકાજ કરવાનું નહીં, એવું લોકો માને છે. જે ખેતી કરે છે, ખાદી વણે છે તે ક્યાંનો પરમાર્થી, એવું પુછાય છે. પણ જે જમે છે તે ક્યાંનો પરમાર્થી ? એવો સવાલ કોઈ કદી પૂછતું નથી ! કર્મયોગીનો પરમેશ્વર તો ઘોડાને ખરેરો કરતો ઊભો છે; રાજસૂય યજ્ઞ પ્રસંગે તે હાથમાં છાણ લઈ એઠવાડ કાઢે છે ; વનમાં ગાયો ચારવા જાય છે; દ્વારકાનો રાજા ફરી કોઈ વાર ગોકુળ જતો ત્યારે મોરલી વગાડીને ગાયો ચારતો. આ ઘોડાની ચાકરી કરવાવાળો, ગાયો ચારવાવાળો, રથ હાંકવાવાળો, છાણ થાપનાર કર્મયોગી પરમેશ્વર સંતોએ ઊભો કર્યો છે. અને સંતો પણ કોઈ દરજીકામ તો કોઈ કુંભારકામ, કોઈ કાપડ વણવાનું કામ તો કોઈ માળીકામ, કોઈ દળવાનું કામ તો કોઈ વાણિયાનું કામ, કોઈ હજામનું કામ તો કોઈ મરેલાં ઢોર ખેંચી જવાનું કામ કરતાં કરતાં મુક્ત થઈ ગયા છે.

12. આવા આ કર્મયોગના દિવ્ય વ્રતમાંથી બે કારણે માણસ ચળી જાય છે. ઈન્દ્રિયોનો ખાસ સ્વભાવ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. ‘અમુક જોઈએ ને અમુક નહીં’ એવા દ્વંદ્વમાં ઈન્દ્રિયો વીંટળાયેલી હોય છે. જે જોઈએ તેના પર રાગ એટલે પ્રીતિ અને જે ન જોઈએ તેના પર દ્વેષ પેદા થાય છે. આવા આ રાગદ્વેષ અને કામક્રોધ માણસને ફાડી ખાય છે. કર્મયોગ કેટલો સુંદર, કેટલો રમણીય ને કેવો અનંત ફળ આપનારો છે ! પણ આ કેમક્રોધ ‘આ લે ને પેલું ફેંકી દે’ એવી લપ વળગાવીને કાયમ આપણી પાછળ પડ્યા છે. એમની સંગત છોડો એવી જોખમની ચેતવણી આપતી સૂચના આ અધ્યાયને છેડે ભગવાન આપે છે. સ્થિતપ્રજ્ઞ જેવો સંયમની મૂર્તિ છે તેવા જ કર્મયોગી પુરૂષે થવું જોઈએ.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: