ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બીજો – આત્મજ્ઞાન અને સમત્વ – બુદ્ધિ
પ્રકરણ ૯ – ફળત્યાગનાં બે ઉદાહરણ
16. સંતોએ પોતાના જીવનથી આ વાત ચોખ્ખી બતાવી છે. તુકારામની ભક્તિ જોઈ શિવાજી મહારાજને તેમને માટે ઘણા માનની લાગણી હતી. એક વખત પાલખી વગેરે મોકલી તેમણે તેમનું સન્માન કરવાનું શરૂ કર્યું. પોતાનો સ્વાગતનો આવો ઠાઠ જોઈ તુકારામને ખૂબ દુઃખ થયું. તેમણે પોતાના મનમાં વિચાર કર્યો, “આ મારી ભક્તિનું ફળ ? આને સારૂ હું ઈશ્વરની ભક્તિ કરૂં છું ?” તેમને થયું કે માન સન્માનનું ફળ બતાવી ઈશ્વર જાણે કે પોતાને અળગા કરવા માગે છે. તેમણે કહ્યું,
“ जाणूनि अंतर । टाळिशील करकर ।
तुज लागली हे खोडी । पांडुरंगा बहु कुडी ।।”
– મારૂં અંતર જાણી લઈ તું મારી કચકચ ટાળવાના પ્રયાસ કરીશ. હે પાંડુરંગ, તને આ બહુ બૂરી ટેવ છે. હે ઈશ્વર, તારી ટેવ સારી નથી. તું આવી નજીવી લોભામણી બતાવી મને કાઢવા કાઢવા માગતો હશે. તારા મનમાં તું કહેતો હશે કે આ બલા બારણેથી ટળે તો સારૂં ! પણ હું કંઈ કાચો નથી. હું તારા પગ જોરથી પકડીને બેસીશ. ભક્તિ ભક્તનો સ્વધર્મ છે અને ભક્તિને બીજાં ફળોના ફણગા ફૂટવા ન દેવા એ જ તેની જીવનકળા છે.
17. પુંડલિકનું ચરિત્ર ફળત્યાગનો આનાથીયે વધારે ઊંડો આદર્શ બતાવે છે. પુંડલીક માબાપની સેવા કરતો હતો. એ સેવાથી પ્રસન્ન થઈ પાંડુરંગ તેને મળવાને દોડી આવ્યા. પણ પાંડુરંગને છંદે ચડીને હાથમાંની સેવા પડતી મૂકવાનો તેણે ઈન્કાર કર્યો. માબાપની આ સેવા તેની ઊંડી અંતરની મમતાવાળી ઈશ્વરભક્તિ હતી. કોઈક દીકરો બીજાંને લૂંટીને માબાપને સુખસગવડ લાવી આપતો હશે. અથવા કોઈક દેસસેવક બીજા દેશોનો દ્રોહ કરી સ્વદેશની ચડતી કરવા ધારતો હશે. પણ એ બંનેની એ ભક્તિ નહીં કહેવાય, આસક્તિ કહેવાશે. પુંડલીક એવી આસક્તિમાં ફસાયો નહોતો. ઈશ્વરની મૂર્તિ સામે આવી ઊભી રહી પણ પરમેશ્વર તેવડો જ હતો કે ? એ રૂપનું દર્શન થયું તે પહેલાં સૃષ્ટિ ખાલી મડદું હતી કે ? પુંડલીકે ઈશ્વરને કહ્યું, “હે ભગવાન, તું સાક્ષાત્ ઈશ્વર મને મળવાને સામો ચાલીને આવ્યો છે તે હું સમજું છું. પરંતુ હું ‘પણ-સિદ્ધાંત’ માનવાવાળો છું. તું એકલો ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું પણ ઈશ્વર છે ને આ મારાં માબાપ પણ મારે સારૂ ઈશ્વર છે. એમની સેવામાં હું છું તે વખતે તારા તરફ ધ્યાન આપી શક્તો નથી માટે તું મને માફ કરજે.” આમ કહી પંડુરંગને ઊભા રહેવાને તેણે એક ઈંટ આગળ સરકાવી અને પોતે પોતાના સેવાકાર્યમાં મશગૂલ થઈ ગયો.
તુકારામ કૌતુક અને વિનોદમાં કહે છે,
“कां रे प्रेमें मातलासी । उभे केलें विठ्ठलासी ।।
ऐसा कैसा रे तूं धीट । मागें भिरकाविली वीट ।।”
– અલ્યા પ્રેમથી કેવો ફાટ્યો છે ! ખુદ વિઠ્ઠલને પણ ઊભો રાખ્યો ! અને ધીટ પણ કેવો કે પાછું ફરીને જોયા વગર તેને ઊભા રહેવાને પાછળ ઈંટ ફેંકી !
18. પુંડલીકે વાપરેલો આ ‘પણ – સિદ્ધાંત ’ ફળત્યાગની તરકીબનું એક અંગ છે. ફળત્યાગી પુરૂષની કર્મસમાધિ જેમ ઊંડી હોય છે તેમ તેની વૃત્તિ વ્યાપક, ઉદાર અને સમ હોય છે. એથી તરેહતરેહનાં તત્ત્વજ્ઞાનોની જંજાળમાં તે ફસાતો નથી અને પોતાનું જે હોય તેને છોડતો નથી. ‘नान्यदस्तीवादिनः‘ ‘આ જ છે એને બીજું નથી,’ એવા વાદવિવાદમાં પણ તે પડતો નથી. ‘આ પણ છે અને તે પણ છે. પરંતુ મારા પૂરતું આ જ છે,’ એવી તેની નમ્ર તેમ જ નિશ્ચયી વૃત્તિ રહે છે. એક વખત એક સાધુ પાસે જઈને એક ગૃહસ્થે તેને પૂછ્યું, “ મોક્ષને માટે શું ઘર છોડવું જ પડે ? ” સાધુએ કહ્યું, “એવું કોણ કહે છે?” જનક જેવાએ રાજમહેલમાં રહીને મોક્ષ મેળવ્યો. પછી તારે જ ઘર છોડવાની જરૂર શી ? “ ત્યાર બાદ બીજો એક ગૃહસ્થ આવીને સાધુને પૂછવા લાગ્યો, “મહારાજ, ઘર છોડ્યા વગર મોક્ષ મળે ખરો કે ?” સાધુએ કહ્યું કે “કોણ કહે છે ? ઘરમાં રહીને એમ આરામથી મોક્ષ મળી જતો હોય તો શુક જેવાએ ઘર છોડ્યું તે શું બેવકૂફ હતા ?” પછી એ બેઉ ગૃહસ્થોનો ભેટો થયો અને તેમની વચ્ચે ઝઘડો પડ્યો. એક કહે સાધુએ ઘર છોડવાનું કહ્યું છે. બીજો કહે ઘર છોડવાની જરૂર નથી એવું કહ્યું છે. બંને સાધુ પાસે પાછા આવ્યા. સાધુએ કહ્યું, “બંને વાત સાચી છે. જેવી જેની વૃત્તિ તેવો તેને માટે રસ્તો. અને જેવો જેનો સવાલ તેવો તેને જવાબ. ઘર છોડવાની જરૂર નથી એ પણ ખરૂં છે અને ઘર છોડવાની જરૂર છે એ પમ ખરૂં છે. ” આનું નામ ‘પણ – સિદ્ધાંત’ છે.
19. પુંડલીકના દાખલા પરથી ફળત્યાગ કેટલી હદ સુધી પહોંચે છે એ જોવાનું મળે છે. ઈશ્વર તુકારામને જે લોભામણી આપીને ટાળવા માગતો હતો તેની સરખામણીમાં પુંડલીકને આપવા ધારેલી લોભામણીની ચીજ કેટલીયે મોહક હતી. પણ તેનાથીયે તે ભરમાયો નહીં. ભરમાઈ જાત તો ઠગાઈ જાત. એક વખત સાધનનો નિશ્ચય થઈ ગયા પછી છેવટ સુધી તેનું પાલન અને તેનો આચાર ચાલુ રહેવો જોઈએ. વચમાં સાક્ષાત્ ઈશ્વરનું દર્શન આડું આવીને ઊભું રહે તો તેને ખાતર સાધન છોડવાનું હોય નહીં. આ દેહ બાકી રહ્યો હોય તો સાધનને માટે છે. ઈશ્વરનું દર્શન તો જ્યારે જોઈએ ત્યારે હાથમાં જ છે. તે ક્યાં જવાનું હતું ? ‘सर्वात्मकपण माझें हिरोनि नेतो कोण? मनीं भक्तिची आवडी’ – મારૂં સર્વાત્મકપણું હરી જનારૂં કોણ છે ? મનમાં ભક્તિની રૂચિ છે. તે ભક્તિ પૂરી કરવાને આ જન્મ છે. ‘मा ते संगोडस्त्वकर्मणि’ એ ગીતાવચનના અર્થમાં એવી અપેક્ષા છે કે નિષ્કામ કર્મ કરતાં કરતાં અકર્મની એટલે કે છેવટની કર્મમુક્તિની એટલે જ મોક્ષની વાસના પણ રાખવી નહીં. વાસનામાંથી છુટકારાનું નામ જ મોક્ષ છે. મોક્ષને વાસનાની શી જરૂર ? ફળત્યાગથી આટલો પંથ કાપ્યો એટલે જીવનની કળા સોળે કળાએ સિદ્ધ થઈ જાણવી.