જીવનસિદ્ધાંત (૨) દેહાતીત આત્માનું ભાન (7)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બીજો – આત્મજ્ઞાન અને સમત્વ – બુદ્ધિ
પ્રકરણ ૭ – જીવનસિદ્ધાંત (૨) દેહાતીત આત્માનું ભાન

(6.) આવી દશામાં એકલી સ્વધર્મની નિષ્ઠાથી પહોંચી નહીં વળાય. એ માટે બીજા બે સિદ્ધાંતોનું ભાન જાગતું રાખવાની જરૂર છે. આજ મરે કે કાલ મરે એવો નબળો દેહ, હું નથી. શરીર કેવળ ઉપરનો નજીવો પોપડો છે, એમાંનો એક સિદ્ધાંત છે. હું કદીયે ન મરનાર અખંડ તેમ જ વ્યાપક આત્મા છું, એ એમાંનો બીજો સિદ્ધાંત છે. એ બંને મળીને એક સંપૂર્ણ તત્ત્વજ્ઞાન બને છે.
ગીતાને આ તત્ત્વજ્ઞાન એટલું બધું અગત્યનું લાગ્યું છે કે તેનું આવાહન તેણે પહેલું કર્યું ને પછી સ્વધર્મનો અવતાર કર્યો. કોઈ કોઈ પૂછે છે કે તત્ત્વજ્ઞાનના આ શ્લોકો શરૂઆતમાં શા માટે? પણ મને પોતાને એમ લાગે છે કે જેની જગ્યા બિલકુલ બદલી ન શકાય એવા ગીતાના કોઈ શ્લોક હોય તો તે આ શ્લોકો છે. આટલું તત્ત્વજ્ઞાન મનમાં બરાબર ઠસી જાય તો સ્વધર્મ અને તેનું પાલન જરાયે અઘરૂં નથી. એટલું જ નહીં પછી સ્વધર્મ સિવાય બીજી કોઈ બાબતનું પાલન કે આચરણ અઘરૂં થઈ જાય. આત્મતત્વનું અખંડપણું અને દેહનું નજીવાપણું એ બે વાતો સમજવી અઘરી નથી. કેમકે બંને સત્ય વસ્તુઓ છે. પણ એ બંને વાતોનો વિચાર કરતા રહેવું જોઈએ, તેમને વારંવાર ચિત્તમાં વાગોળવી જોઈએ. આપણી આ બહારની ચામડીનું મહત્ત્વ ઓછું કરી અંદર રહેલા આત્માને મહત્ત્વનો ગણતાં આપણે શીખવું જોઈએ.

7. આ દેહ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. બાળપણ, જવાની અને ઘડપણના ચક્રનો સૌને અનુભવ છે. આજના શાસ્ત્રજ્ઞો આગળ જઈને એટલે સુધી કહે છે કે સાત વરસમાં શરીર તદ્દન બદલાઈ જાય છે અને જૂના લોહીનું એક પણ ટીપું શરીરમાં બાકી રહેતું નથી. આપણા જૂના લોકો માનતા કે બાર વરસમાં જૂનું શરીર મરી જાય છે. અને તેથી પ્રાયશ્ચિત્તો, તપશ્ચર્યા, અધ્યયન વગેરેની મુદત એમણે બાર વરસની ઠરાવેલી. આપણે એવી વાતો સાંભળીએ છીએ કે ઘણાં વરસના વિયોગ પછી દીકરો માને મળ્યો ત્યારે તે તેને ઓળખી ન શકી ! તો શું આવો આ ક્ષણે ક્ષણે પલટાતો ને પ્રતિક્ષણે મરી જનારો દેહ એ તારૂં સાચું સ્વરૂપ છે કે ? રાત ને દિવસ જેમાં મળમૂત્રની નીકો વહે છે અને તારા જેવો જબરો ધોનારો મળેલો હોવા છતાં જેનું અસ્વચ્છતાનું વ્રત છૂટતું નથી તે તું છે કે ? તે અસ્વચ્છ, તું તેને સ્વચ્છ કરવાવાળો, તે રોગી, તું તેનાં દવાદારૂ કરવાવાળો, તે માત્ર સાડા ત્રણ હાથ જમીન પર પડી રહેનારો ને તું ત્રિભુવનવિહારી, તે નિત્ય પરિવર્તન પામનારો ને તું તેના પલટાઓનો જોવાવાળો સાક્ષી, તે મરવાવાળો ને તું તેના મરણની વ્યવસ્થા જોવાવાળો, આવો તારી ને તેની વચ્ચેનો ભેદ ચોખ્ખો હોવા છતાં તું સંકુચિત શેને રહે છે ? દેહના સંબંધો તેટલા જ મારા એમ શું કહ્યા કરે છે ? અને આવા આ દેહના મરણનો શોક શાને કરે છે ? ભગવાન પૂછે છે, ‘દેહનો નાશ એ વળી શોક કરવા જેવી બાબત હોય ખરી કે ?’

8. દેહ વસ્ત્ર જેવો છે. જૂનો ફાટી જાય છે તેથી તો નવો લઈ શકાય છે. આત્માને એકનો એક દેહ કાયમનો વળગી રહેતો હોત તો તેનું ઠેકાણું ન રહેત, બધોયે વિકાસ થંભી જાત, આનંદનો લોપ થાત અને જ્ઞાનની પ્રભા ઝાંખી પડી જાત. એથી દેહનો નાશ હરગિજ શોક કરવા યોગ્ય નથી. આત્માનો નાશ થતો હોત તો તે બીના ખરેખર ઘણો શોક કરવા જેવી થાત. પણ આત્મા તો અવિનાશી છે. આત્મા એક અખંડ વહેતો ઝરો છે. તેના પર અનેક દેહ આવે છે ને જાય છે. તેથી દેહની સગાઈમાં ફસાઈને શોક કરવો ને આ મારા ને આ પારકા એવા કકડા પાડવા એ તદ્દન ખોટું છે. બ્રહ્માંડ એક સુંદર વણેલું લૂગડું છે. નાનું છોકરૂં કાતર હાથમાં લઈ લૂગડાના કકડા કરે તે પ્રમાણે આ દેહ જેવડી કાતર લઈ આ વિશ્વાત્માના કકડા પાડવા એના જેવી બીજી કોઈ નાદાની છે ખરી કે ? જે ભારતભૂમિમાં બ્રહ્મવિદ્યાનો જન્મ થયો તે જ આ ભૂમિમાં નાનામોટા વાડાઓ અને નાનીમોટી ન્યાતોનો રાફડો ફાટી નીકળેલો જોવાનો મળે છે એ ખરેખર બહુ ખેદની વાત છે. અને અહીં મરણનો તો એટલો બધો ડર ઘર કરીને બેઠો છે કે તેટલો ભાગ્યે જ બીજે ક્યાંયે હશે. ઘણા લાંબા વખતથી ઊતરી આવેલી પરતંત્રતાનું એ પરિણામ છે એમાં જરાયે શક નથી, પણ મરણનો આવો ડર પરતંત્રતાનું એક કારણ છે એ વાત પણ ભૂલી ગયે ચાલે એવું નથી.

9. અરે ! મરણ શબ્દ કે તેનો ઉચ્ચાર પણ આપણે સહન કરી શકતા નથી ! મરણનું નામ લેવું આપણે ત્યાં અભદ્ર લેખાય છે. ‘अगा मर हा बोल न साहती । आणि मेलिया तरी रडती’ – અરે, મર એવો બોલ સહી શકતા નથી, અને મરે છે ત્યારે રડે છે, એવું જ્ઞાનદેવને બહુ દુઃખ સાથે લખવું પડ્યું. કોઈ મરી જાય ત્યારે આપણે ત્યાં કેવી રડારોળ ને કેવી બૂમાબૂમ થાય છે ! અને આપણને એમ કરવાનું જાણે ખાસ કર્તવ્ય લાગે છે ! રડવાવાળાંને મજૂરી આપીને ભાડે બોલાવવા સુધી આપણે ત્યાં વાત પહોંચી છે ! મરણ સામું આવી ઊભું હોય છતાં આપણે રોગીને તેની વાત કરતા નથી, દાક્તર કહે કે આ હવે બચે એમ નથી તો પણ માંદાને ભરમમાં રખાય છે, દાક્તર પણ ચોખ્ખું કહેતો નથી અને છેવટ સુધી ગળામાં દવા રેડ્યા કરે છે. રોગીને સાચી વાત જણાવી ધીરજ આપી તેને ઈશ્વરના સ્મરણ તરફ વાળીએ તો તેના પર કેટલો ઉપકાર થાય ! પણ સૌને એક જ ધાક કે ધક્કો લાગવાથી માટલું આગળથી ફૂટી જાય તો ? પણ ફૂટતાં પહેલાં માટલું કેવી રીતે ફૂટવાનું હતું ? અને બે કલાક પછી જે ફૂટ્યા વગર રહેવાનું નથી તે જરા વહેલું ફૂટી ગયું તોયે શું થવાનું હતું ? આનો અર્થ એવો નથી કે આપણે કઠોર અને પ્રેમશૂન્ય થવું. પણ દેહાસક્તિ કંઈ પ્રેમ નથી. ઊલટું, દેહાસક્તિમાંથી છૂટ્યા વગર ખરા પ્રેમનો કદી ઉદય થતો નથી. દેહાસક્તિ છૂટી જાય તો દેહ સેવાનું સાધન છે એ વાત સમજાય. અને પછી દેહને તેને લાયકની સાચી પ્રતિષ્ઠા પણ મળ્યા વગર નહીં રહે. પણ આજે દેહની પૂજાને જ આપણે સાધ્ય માની બેઠા છીએ. આપણું સાધ્ય સ્વધર્મનું આચરણ છે એ વાત આપણે સાવ વીસરી ગયા છીએ. સ્વધર્મનું આચરણ બરાબર થાય તે સારૂ દેહનું જતન કરવું જોઈએ અને તેને ખાવાનું ને પીવાનું આપવું જોઈએ. પણ જીભના ચસકા પૂરા કરવાની જરાયે જરૂર નથી. કડછી શિખંડમાં બોળો કે કઢીમાં બોળો, તેને તેનું સુખ નથી કે દુઃખ નથી. જીભનું એવું હોવું જોઈએ. તેને રસનું એટલે કે સ્વાદનું જ્ઞાન હોવું જોઈએ પણ તેનું સુખ કે દુઃખ ન હોવું જોઈએ. શરીરનું ભાડું શરીરને ચૂકવી દીધું કે કામ પત્યું. રેંટિયા પાસેથી સૂતર કંતાવવું છે માટે તેમાં તેલ પૂરવું જોઈએ. તેવું જ શરીર પાસેથી કામ લેવાનું છે માટે તેમાં કોલસો પૂરવો જોઈએ. આ ઢબે દેહનો ઉપયોગ કરવાથી તે અસલમાં ક્ષુદ્ર હોવા છતાં કિંમતમાં વધી શકે અને તેને પોતાને છાજતી પ્રતિષ્ઠા પણ મળે.

10. પણ દેહને સાધન તરીકે ન વાપરતાં આપણે તેમાં ડૂબી જઈ આત્માનો સંકોચ કરીએ છીએ. એથી મૂળમાં ક્ષુદ્ર એવો દેહ વધારે ક્ષુદ્ર બને છે. એથી જ સંતો ઠોકી ઠોકીને કહે છે કે ‘देह णि देहसंबंधें निंदावीं । ईतरें वंदावीं श्वानसूकरें ।’ દેહ એને દેહના સંબંધોને વખોડી કાઢો ને છોડો. નહીં તો કૂતરાં ને ડુક્કરની પૂજા કરવી શી ખોટી ? અરે જીવ ! દેહની અને દેહની સાથે જેમનો સંબંધ બંધાય છે તેમની જ આખો વખત પૂજા કર મા. બીજાંને પણ ઓળખતાં શીખ. સંતો આપણને આ રીતે આપણી જાતને વ્યાપક બનાવવાને આગ્રહ કરે છે. પણાં સગાંવહાલાં ને મિત્રો સિવાય બીજાંઓની પાસે પોતાનો થોડો સરખોયે આત્મા આપણે લઈ જઈએ છે ખરા કે ?
‘जीव जीवांत घालावा । आत्मा आत्म्यांत मिसळावा’ – જીવને જીવમાં પરોવવો ને આત્માને આત્મામાં ભેળવવો, એવું આપણે કરીએ છીએ ખરા કે? આપણા આત્મહંસલાને આ પિંજર બહારની હવા આપણે લગાડે છે ખરા કે ? મારા લીધેલા કૂંડાળાને ભેદીને કાલે મેં દસ નવા મિત્રો બનાવ્યા, આજે તેના પંદર થયા, કાલે પચાસ થશે. આમ કરતે કરતે એક દિવસ આખું વિશ્વ મારૂં ને હું આખાયે વિશ્વનો એવો અનુભવ કર્યા વિના હું રહેવાનો નથી. આવું કદી તમારા મનમાં થાય છે ખરૂં કે ? આપણે જેલમાંથી સગાંવહાલાંને કાગળ લખીએ છીએ તેમાં નવાઈ શી છે ? પણ જેલમાંથી છૂટેલા એકાદ નવા દોસ્તને, રાજદ્વારી કેદી નહીં, ચોર કેદીને એકાદ કાગળ લખશો કે ?

11. આપણો આત્મા વ્યાપક થવાને ખરેખર તરફડિયાં મારે છે. આખા જગતને ક્યારે ભેટું એમ તેને થયા કરે છે. પણ આપણે તેને ગોંધી રાખીએ છીએ. આત્માને આપણે કેદી બનાવી રાખ્યો છે. આપણને તે યાદ સરખો આવતો નથી. સવારથી માંડીને સાંજ સુધી આપણે દેહની સેવામાં મચ્યા રહીએ છીએ. એ દેહનું પોષણ કેટલું થયું, તે કેટલો વધ્યો કે તે કેટલો સુકાયો એ વગર આપણે બીજી ફિકર કરતા નથી. બીજો જાણે કે આપણા સારૂ કોઈ આનંદ જ નથી. ભોગ અને સ્વાદનો આનંદ તો જાનવરો પણ ભોગવે છે. હવે ત્યાગનો અને સ્વાદને તોડવાનો આનંદ કેવો હોય છે તે તારે જોવું છે કે નહીં? પોતાને કકડીને ભૂખ લાગી હોય છતાં સામેની ભરેલી થાળી બીજા કોઈ ભૂખ્યાને આપી દેવામાં કેવો આનંદ છે તેનો અનુભવ કરવા માંડ. એની મીઠાશ ચાખી જો. મા છોકરાને માટે ઘસાય છે ત્યારે તેને આ મીઠાશ થોડી સરખી ચાખવાની મળે છે. માણસ ‘મારૂં’ કહીને જે સાંકડું કૂંડાળું બનાવે છે તેમાંયે અજાણપણે આત્મવિકાસની મીઠાશ ચાખવાનો તેનો ઉદ્દેશ હોય છે. એ રીતે દેહમાં વીંટળાયેલો ને પુરાયેલો આત્મા થોડો ને થોડા વખત પૂરતો બહાર નીકળે છે. પણ એ બહાર નીકળવાનું કેવું છે? જેલની કોટડીમાં પુરાયેલા કેદીનું કામને બહાને જેલના ચોગાનમાં નીકળવાનું થાય તેવું. પણ એટલું બહાર નીકળવાથી આત્માનું કામ પાર પડતું નથી. આત્માને મુક્તાનંદ જોઈએ છે.

12. ટૂંકમાં, (૧) અધર્મ અને પરધર્મ એમ બંનેના આડા રસ્તા છોડી સાધકે સ્વધર્મનો સહેલો ને સીધો ધોરી રસ્તો પકડવો. સ્વધર્મની કેડ કદી ન છોડવી. (૨) દેહ ક્ષણભંગુર છે એ વાત બરાબર ગોખી રાખી તેને સ્વધર્મના પાલનને અર્થે વાપરવો અને સ્વધર્મને સારૂ જરૂર પડ્યે ફેંકી દેતાં જરાયે અચકાવું નહીં. (૩) આત્માના અખંડપણાનું અને વ્યાપકપણાનું ભાન સતત જાગૃત રાખી ચિત્તમાંથી સ્વ-પર ભેદ કાઢી નાખવો. જીવનના આ મુખ્ય સિદ્ધાંત ભગવાને બતાવ્યા છે. એને આચરનારો માણસ એક દિવસ ‘नरदेहाचेनि साधनें, सच्चिदानंद पदवी घेंणे’ – આ મનખા દેહના સાધન વડે સચ્ચિદાનંદ પદવી લેવાનો અનુભવ હાથ કરશે એમાં શંકા નથી.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: