ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બીજો – આત્મજ્ઞાન અને સમત્વ – બુદ્ધિ
પ્રકરણ ૬ – જીવનસિદ્ધાંત (૧) – દેહ વડે સ્વધર્માચરણ
(4) બીજા અધ્યાયમાં જીવનના ત્રણ મહાસિદ્ધાંત રજૂ થયેલા છે. (૧) આત્માની અમરતા ને અખંડતા. (૨) દેહની ક્ષુદ્રતા અને (૩) સ્વધર્મની અબાધ્યતા. આવા આ ત્રણ સિદ્ધાંતો છે. આમાંનો સ્વધર્મનો સિદ્ધાંત કર્તવ્યરૂપ છે એટલે કે આચરણમાં મૂકવાનો છે. અને બાકીના બે જ્ઞાતવ્ય છે એટલે કે જાણવાના છે. ગયે વખતે સ્વધર્મની બાબતમાં મેં થોડું કહ્યું હતું. આ સ્વધર્મ આપણને કુદરતી રીતે આવી મળે છે. સ્વધર્મને શોધવો પડતો નથી. એવું કંઈ નથી કે આપણે આકાશમાંથી પડ્યા ને ભૂમિનો આધાર મળતાં ખડા થઈ ગયા. આપણો જન્મ થયો તે પહેલાં આ સમાજ હસ્તીમાં હતો. આપણાં માબાપ હતાં ને આપણાં પડોશી પણ હતાં. આમ આપણો જન્મ આ ચાલુ પ્રવાહમાં થાય છે. જે માબાપને પેટે મેં જન્મ લીધો તેમની સેવા કરવાનો ધર્મ જન્મથી જ મને પ્રાપ્ત થયો છે.
જે સમાજમાં હું જન્મ્યો તેની સેવા કરવાનો ધર્મ મને ચાલતા આવેલા પ્રવાહમાંથી આપોઆપ આવી મળે છે. બલકે તે આપણા જન્મની આગળથી આપણે માટે તૈયાર હોય છે એમ કહેવુંયે ખોટું નથી. એનું કારણ એ કે તે આપણા જન્મનો હેતુ છે. તે પાર પાડવાને આપણે જન્મ્યા છીએ. કોઈ કોઈ લોકો સ્વધર્મને પત્નીની ઉપમા આપે છે. અને પત્નીનો સંબંધ અવિચ્છેદ્ય એટલે કે તોડ્યો તોડી ન શકાય એવો મનાયો છે તેમ સ્વધર્મનો ને આપણો સંબંધ અવિચ્છેદ્ય છે એવું તેનું વર્ણન કરે છે. મને આ ઉપમા ગૌણ લાગે છે. હું સ્વધર્મને માની ઉપમા આપું છું. મારી માની પસંદગી મારે આ જન્મમાં કરવાની બાકી રહેલી નથી. તે આગળથી થઈ ચૂકેલી છે, સિદ્ધ છે. મા ગમે તેવી હો, મા મટી શક્તી નથી. એવી જ સ્થિતિ સ્વધર્મની છે. આ જગતમાં આપણને સ્વધર્મ વગર બીજો કોઈ આશ્રય કે આધાર નથી. સ્વધર્મને ટાળવાની કોશિશ કરવી એ ‘સ્વ’ ને ટાળવા જેવું આત્મઘાતકીપણું છે. સ્વધર્મને આશ્રયે જ આપણે આગળ જઈ શકીએ છીએ. અને તેથી એ આશ્રય અથવા આધાર કોઈએ કદી પણ છોડવાનો હોય નહીં. આ જીવનનો એક મૂળભૂત સિદ્ધાંત ઠરે છે.
5. સ્વધર્મ એવો સહેજે આવી મળનારો છે કે માણસને હાથે સહેજે તેનું આચરણ અથવા પાલન થયા વગર રહે નહીં. પણ તરેહ તરેહના મોહને લીધે એમ થતું નથી, અથવા તેમાં પાર વગરની મુશ્કેલી પડે છે, અને પાલન થાય છે તોયે તેમાં ઝેર ભેળવેલું હોય છે. સ્વધર્મના રસ્તામાં કાંટા પાથરનારાં મોહનાં બાહ્ય રૂપોની સંખ્યાનો પાર નથી. છતાં તે બધાં રૂપોનું પૃથક્કરણ કરતાં તે બધાંના મૂળમાં જે એક મુખ્ય વાત જોવાની મળે છે તે સંકુચિત તેમ જ છીછરી એવી દેહબુદ્ધિની છે. હું અને મારી સાથે મારા શરીરસંબંધથી બંધાયેલા માણસો, તેટલી જ મારી વ્યાપ્તિ હોય છે. એની બહારના તે બધા મારા નહીં, પારકા અથવા દુશ્મન એવી દીવાલ આ સંકુચિત ને છીછરી એવી દેહબુદ્ધિ ઊભી કરે છે. અને એ દેહબુદ્ધિ મારી પોતાની બાબતમાં અથવા જેમને મેં મારા માન્યા હોય તેમની બાબતમાં પણ શરીરને જ જુએ છે. દેહબુદ્ધિના આ બેવડા કૂંડાળામાં ફસાઈને આપણે આપણા જીવનનાં જાતજાતનાં ખાબોચિયાં બનાવીએ છીએ.
ઘણુંખરૂં સૌ કોઈ એ ખાબોચિયાં બાંધવાના ધંધામાં જ મંડ્યા રહે છે. કોઈનાં ખાબોચિયાં નાનાં તો કોઈનાં મોટાં એટલો જ ફેર. પણ આખરે એ બધાં મોટાં કે નાનાં પણ ખાબોચિયાં જ રહે છે. આ શરીરની ચામડીથી એ ખાબોચિયાનું ઊંડાણકે ફેલાવો આગળ વધતો નથી. કોઈ કુટુંબના અભિમાનનું બંધિયાર ખાબોચિયું બાંધી તેમાં મગ્ન રહે છે તો કોઈ વળી દેશાભિમાનના જરા મોટા ખાબોચિયા સુધી પહોંચે છે. બ્રાહ્મણ-બ્રહ્મણેતરનાં ખબોચિયાં, હિંદુ-મુસલમાનનાં ખાબોચિયાં એમ એક યા બીજે નામે ખાબોચિયાંનો સુમાર નથી. જ્યાં જોશો ત્યાં આ બંધિયાર નાનાં કે પછી મોટાં ખાબોચિયાં વગર બીજું જોવાનું નહીં મળે. અરે, આ જેલમાં સુદ્ધાં આપણે રાજદ્વારી કેદીઓ ને ઈતર કેદીઓ એવાં ખાબોચિયાં બનાવ્યા વિના રહ્યા નથી! કેમ જાણે એ વગર આપણને જીવવાનું ફાવતું જ નથી! પણ એનું પરિણામ શું આવે છે? એક જ. હલકા વિચારોનાં જંતુઓ ફેલાયા કરે છે અને સ્વધર્મરૂપી તંદુરસ્તીનો નાશ થયા કરે છે.