ગીતાની પરિભાષા (5)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બીજો – આત્મજ્ઞાન અને સમત્વ – બુદ્ધિ
(બધો ઉપદેશ ટૂંકમાં )
પ્રકરણ ૫ – ગીતાની પરિભાષા

ભાઈઓ,

(1) ગયે વખતે આપણે અર્જુનનો વિષાદયોગ જોયો. અર્જુનના જેવી ઋજુતા અને હરિશરણતા હોય તો વિષાદનો પણ યોગ બને છે. એને જ હ્રદયમંથન કહે છે. સંકલ્પકારોની માફક ગીતાની આ ભૂમિકાને અર્જુન-વિષાદયોગ એવું વિશેષ નામ ન આપતાં મેં વિષાદ-યોગ એવું સર્વસામાન્ય નામ આપ્યું છે. કેમકે ગીતાને માટે અર્જુન કેવળ એક નિમિત્ત છે. પંઢરીના પાંડુરંગનો અવતાર એકલા પુંડલીકને સારૂ થયો છે એવું નથી. પુંડલીકને નિમિત્ત બનાવી તે આપણા જડ જીવોના ઉદ્ધારને સારૂ આજ હજારો વરસોથી ઊભો છે એ આપણે જોઈએ છીએ. એ જ પ્રમાણે ગીતાની કૃપા અર્જુનને નિમિત્તે થઈ હોવા છતાં તે આપણા સૌના સારૂ છે. એથી ગીતાના પહેલા અધ્યાયને વિષાદ-યોગનું સામાન્ય નામ જ શોભે છે. અહીંથી ગીતાનું વૃક્ષ વધતું વધતું છેલ્લા અધ્યાયમાંના પ્રસાદયોગરૂપી ફળ સુધી પહોંચવાનું છે. ઈશ્વરની ઈચ્છા હશે તો આપણી આ જેલની કારકિર્દીમાં આપણે પણ ઠેઠ ત્યાં જઈ પહોંચીશું.

2. બીજા અધ્યાયથી ગીતાની શીખનો આરંભ થયો છે અને શરૂઆતમાં જ ભગવાન જીવનના મહાસિદ્ધાંતો બતાવે છે. જેના પર જીવનની ઈમારત ઊભી કરવાની છે તે જીવનનાં મુખ્ય તત્ત્વો પહેલાં ગળે ઊતરી જાય તો પછી આગળનો રસ્તો સહેલો થઈ જાય એવી દ્રષ્ટિ એમાં રહેલી છે. ગીતાના બીજા અધ્યાયમાં સાંખ્યબુદ્ધિ શબ્દનો અર્થ હું જીવનના મૂળભૂત સિદ્ધાંત એવો કરૂં છું. એ મૂળ સિદ્ધાંત હવે આપણે જોવાના છે. પણ તે પહેલાં આ સાંખ્ય શબ્દના પ્રયોગથી ગીતામાં વપરાયેલા પારિભાષિક શબ્દોના અર્થની બાબતમાં થોડો ખુલાસો કરી લેવો સારો.
જૂના શાસ્ત્રીય શબ્દો નવા અર્થમાં વાપરવાની ગીતાની ખાસિયત છે. જૂના શબ્દો પર નવા અર્થોની કલમ બાંધવી એ વિચારક્રાંતિની અહિંસક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં વ્યાસની ખાસ હથોટી બેસી ગયેલી છે. આથી ગીતામાં વપરાયેલા શબ્દોને વ્યાપક સામર્થ્ય મળ્યું હોઈ ગીતા તાજી, નરવી ને પ્રફુલ્લિત રહી છે અને અનેક વિચારકો પોતપોતાની જરૂર તેમ જ પોતપોતાના અનુભવ પ્રમાણે તેમાંથી અનેક અર્થ ઘટાવી શક્યા છે. એ બધા અર્થો જેની તેની ને જે તે ભૂમિકા પરથી સાચા હોઈ શકે, ને તે અર્થોનો વિરોધ કરવાની જરૂર ન રહેતાં આપણે સ્વતંત્ર અર્થ કરી શકીએ છીએ એવી મારી પોતાની દ્રષ્ટિ છે.

3. આ સંબંધમાં ઉપનિષદમાં એક મજાની વાત છે. એક વખત દેવ-દાનવ અને માનવ ઉપદેશ લેવાને પ્રજાપતિ પાસે પહોંચ્યા. પ્રજાપતિએ ત્રણેને ઉપદેશમાં ‘द’ એટલો એક જ અક્ષર આપ્યો. દેવોએ કહ્યું, “અમે દેવો કામી રહ્યા. અમને ભોગવિલાસનો ચસકો પડી ગયેલો. અમને પ્રજાપતિએ ‘द’ અક્ષરથી દમન કરો એમ શીખવ્યું.” દાનવોએ કહ્યું, “અમે દાનવો ક્રોધી, દયાથી અમે આઘા રહેલા. પ્રજાપતિએ ‘द’ અક્ષર વડે અમને દયા કરો એમ શીખવ્યું.” માનવોએ કહ્યું, “અમે માનવો લોભી, અમે સંઘરો કરવા પાછળ પડેલા. ‘द’ અક્ષરથી દાન કરો એવું પ્રજાપતિએ અમને શીખવ્યું.” પ્રજાપતિએ બધાયના અર્થ સાચા ગણ્યા કેમકે બધાયને તે પોતપોતાના અનુભવથી લાધ્યા હતા. ગીતામાં આવતી પરિભાષાનો અર્થ કરતી વખતે ઉપનિષદમાંની આ વાર્તા આપણે ખસૂસ ધ્યાનમાં રાખવી.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: