અજ્ઞાતમાં ડૂબકી (3)

તા.9-2-2003, રવિવવાર (શિષ્યો)
(રાણાકાકાની શંકા)
ચન્દ્રકાન્ત ભાગ – 1 (સત્સંગ પ્રતાપ)

સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણે લોકોના અને મોક્ષના સર્વે સુખોને એક પલ્લામાં મૂકીએ અને બીજા પલ્લામાં એક ક્ષણભર સત્સંગ સુખને મુકીને તોળીએ, તો સત્સંગના સુખવાળું પલ્લું નીચું નમશે. અર્થાત બીજા બધા સુખો સત્સંગની તોલે આવી શકશે નહીં, એવો સત્સંગનો મહિમા અગાધ છે. સત્સંગનું મહાત્મ્ય કહેવાને શેષ અને શંકર પણ અસમર્થ છે. મહાત્મા પુરૂષો કહી ગયા છે કે ‘સત્સંગ સબન કો સાર’ એ સત્ય જ છે.

પ્રશ્નઃ-(3) ઉપરોક્ત ફકરામાં મોક્ષ શબ્દ આવતાં શંકા થાય છે કે મોક્ષ થયા પછી, પરિપૂર્ણતા આવતાં ત્યાં પછી કંઇ બાકી રહેતું નથી. તો મોક્ષનું સુખ અને સત્સંગનું સુખ તે દ્વન્દ રહેતા જ નથી. તો મોક્ષ અને સત્સંગનું સુખ બંને સમજાતા નથી તે જણાવશો.


તા.16-02-2003, રવિવવાર (સ્વામી ભજનપ્રકાશાનંદજી)

ૐ નમો નારાયણાય

પ્રત્યુત્તરઃ-(3) રાણાભાઇનો પ્રશ્ન બહુજ સુંદર છે. કારણકે મોક્ષનું સુખ તથા લવ સત્સંગનું સુખ તે બંનેના વિભાગને સમજવા માગે છે. આપણે રામચરિત માનસમાં જે સુંદરકાંડમાં ચોપાઇ ગોસ્વામી તુલસીદાસજીએ આપી છે તેમાં જ રાણાભાઇને શંકા છે, તે સમજાતું નથી. તો એ ચોપાઇ સુંદરકાન્ડમાં જ્યારે હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે જાય છે અને લંકાના દ્વાર પર જાય છે. ત્યારે ત્યાં લંકીની નામની રાક્ષસીનો પહેરો હતો. તે કોઇને પણ પ્રવેશ કરવા ન દેતી. અને મહામાયાવી હતી. હનુમાનજી મચ્છરનું નાનું રૂપ ધરી પ્રવેશ કરવા જાય છે ત્યારે લંકીની તુરત હનુમાનજીને જોઇ જાય છે. અને તેને પોતાનું ભક્ષ્ય માનીને રસ્તા પર લંકીની રોકે છે ત્યારે હનુમાનજી એકજ મુઠીનો ઢીકો મારે છે. અને લંકીની લોહી, ઓકતી પડી જાય છે. થોડા સમય બાદ ભાનમાં આવે છે ત્યારે તે શબ્દ બોલે છે કે મને બ્રહ્માનું વચન યાદ આવે છે. અને મને કહ્યું હતું કે જ્યારે હે લંકીની તને કોઇપણ આવીને મુઠી મારે અને તું મુર્છિત થઇ જા ત્યારે માનજે કે લંકાનો નાશ થશે. માટે રામના દુત એવા આજે તમે મળ્યાં, હું ધન્ય ભાગ્ય થઇ ગઇ. અને પછી તે સંત-સમાગમનો, સતસંગનો મહિમા ગાતા જે લંકીનીએ શબ્દો કહ્યા તે એક ચોપાઈમાં જોઇએ.

દોહોઃ-
તાત સ્વર્ગ અપવર્ગ સુખ, ધરીયે તુલા એક અંગ
તુલન તાહી સકલ મીલી, જો સુખ લવ સતસંગ.

હનુમાનજીને લંકીની કહે છે કે હે તાત સ્વર્ગનું સુખ કે અપવર્ગ(મોક્ષ)નું સુખ એકજ ત્રાજવામાં મુકીયે અને લવ સતસંગનું સુખ બીજા ત્રાજવામાં મુકીયે તેમા લવ સતસંગનું સુખ છે તેનું પલ્લું વજનદાર થઇ જાય છે, હોય છે. ભુમીને અડકી જાય છે. તેવો સતસંગ તથા સતસંગના સુખનો મહિમા છે.

તેમાં આપણે પહેલા જોશું કે માનવ ઇષ્ટ, પુર્ત, દત્ત ઇત્યાદિ કર્મો કરીને સ્વર્ગમાં તે સકામ કર્મનું સુખ ભોગવવા જાય છે તે સુખ પણ શુધ્ધ, દોષ વગરનું નિર્મલ નથી. સ્વચ્છ નથી. કારણ કે જેમ અહી સુખીઓ પ્રત્યે પરસ્પરમાં નાના મોટાનો ભેદ, સ્પર્ધા, મત્સર તથા રાગ-દ્વેષ રહે છે તેમ સ્વર્ગના સુખમાં પણ તેવું રહે છે. તે આપણે યોગવશિષ્ઠમાં પ્રથમ જ રાજા તપશ્ચર્યા કરતો હતો અને સ્વર્ગથી ઈન્દ્રે દુતને વિમાન લઇને સ્વર્ગમાં લેવા માટે મોકલ્યો હતો ત્યારે તે રાજાએ ઇન્દ્રના દુતને ત્યાના સુખમાં અને સ્વર્ગના દેવોમાં ગુણ-દોષ વિષે પુછયું હતુ. તો તેમાં પણ અહીના માનવમાં જેમ છે તેમ ત્યાં પણ છે. માત્ર ભોગમાં વિશેષતા, શરીરના બંધારણમાં વિશેષતા, આયુની વિશેષતા ઇત્યાદિથી અધિક કશું નથી. અને ત્યાંથી નીચે પડી જવાનો, પુણ્ય ક્ષીણ થઇ જવાનો પણ સતત ભય રહે છે. તેથી તે સુખ માનવ કરતાં દેવોને માનવની અપેક્ષાએ અધિક છે પરંતુ તે પણ સુખ નથી.

“પુણ્ય કરી અમરાપર પામ્યા, અંતે ચોરાશી માંહી”. પુણ્ય ક્ષીણ થાય પછી નીચે પડવુ થાય છે. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं, क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति । (શ્રીમદ ભગવદગીતા અધ્યાય 9, શ્લોક 21). તેથી સ્વર્ગના સુખની કોઇ પણ કીંમત નથી.

હવે જોઇએ અપવર્ગ (મોક્ષ) સુખ. મોક્ષ શબ્દ મુક્તનો કે મુક્તિનો પર્યાય છે અને બંધ સાપેક્ષ છે. મોક્ષની ઇચ્છા કોણ કરે? જે બંધાયેલો હોય તે. બંધાવુ તે એક મોટુ દુઃખ છે. પરાધિનતા જેવું કોઇ પણ આ સંસારમાં દુઃખ નથી. અને તેથી પરાધિન કે દુઃખી માણસ, બંધાયેલો માણસ કે પશુ કોઇ પણ જીવને બંધન પ્રિય નથી. અને તે છુટવાના પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. આપણે કોઇ પણ ગુનાવશાત ગુનેગાર સિધ્ધ થયા અને જેલમાં કેદી તરીકે સરકારે કે રાજાએ બંધ કરી દીધા. બૈરી, છોકરાં, પરિવાર તથા પોતાનાં વહાલાં સગાથી જે જુદાઇ અને વિયોગ તથા કંઇ પણ કરવામાં પરતંત્ર બનાવી દીધા. બધ્ધ થઇ ગયાં. હરવા ફરવામાં, ખાવાપીવા કે દરેક આપણી કૃતિમાં આપણે સ્વતંત્ર ન રહ્યા. તેથી કઇ રીતે મુક્ત થાઉ, કઇ રીતે છુટું તેના ઉપાયો સતત થતા રહે. અને તે કરતા પ્રયત્નમાં આપણો પ્રયત્ન સફલ થાય. ગુનામાં કે કેસમાં નિર્દોષ સાબીત થઇએ અને પછી જેલમાં જે કેદી તરીકે જે બંધાઇને રહ્યા હતા તેમાંથી મુક્તિ મળી જાય. અને જેલમાંથી બહાર નીકળીયે ત્યારે જે સુખ થાય છે તે મુક્તિનું છે. મોક્ષનું છે. પરંતુ તે બંધ સાપેક્ષ છે. બંધનથી છુટ્યા તેનું સુખ તો થયું, પરંતુ હજી આપણે જેલથી બહાર આવ્યા છે અને પછી આપણે આપણા ઘરે આવીયે અને પરિવારને સગાં વહાલાંને મળીયે. અને મારે ઘરે આવ્યો નિશ્ચિંત થઇ ગયો.

તેમ વેદાંતમાં બે પ્રકારનો મોક્ષ માન્યો છે. આત્યતિંક દુઃખની નીવૃતિ અને પરમાનંદની પ્રાપ્તિ. તેમાં જે આત્યતિંક દુઃખની નીવૃતિ છે તે બંધનમાંથી છુટ્યા જેવી છે. અને પરમાનંદની પ્રાપ્તિ છે તે ઘરમાં નિશ્ચિંત થઇને નિંરાતે બેઠા જેવી છે. આ પણ મોક્ષ છે. પરંતુ વેદાંતમાં તો મોક્ષરૂપ પણ પરમાત્મા જ છે. કારણ કે સંસારમાં પરમાત્મા સિવાય અન્ય કોઇપણ વસ્તુ નથી. તો વેદાંતમાં અધ્યાસની નિવૃતિ અધિષ્ઠાનરૂપ જ માનેલ છે. તેથી અજ્ઞાન, માયા અને તેના કાર્યની નિવૃતિ થતાં બ્રહ્મ જ અવશેષમાં રહે છે. અને તે જ મોક્ષ છે. અને તે આનંદ કે મોક્ષ કે તે સુખ તો સમાન જ છે. ન વધે ન ઘટે એકસરખું રહે તેવું મોક્ષસુખ છે.

પરંતુ અન્ય આચાર્યોના મતે મોક્ષના વિષયોમાં મત મતાન્તર છે. ભક્તિના આચાર્યો ચાર પ્રકારનો મોક્ષ કે મુક્તિ માને છે. સાલોક્ય, સામિપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય તેવા ભેદ માનેલા છે. કોઇના મતે બ્રહ્માના કલ્પ પુરતો મોક્ષ માનેલ છે. તેમાં મત મતાન્તર છે. બ્રહ્માકુમારીને તો મોક્ષનો જ સ્વીકાર કરતાં નથી. જીવનું આવાગમન માને છે. આત્માનો ઇશ્વરથી ભેદ માન્યો છે. તેથી મોક્ષ જો નિત્ય જેમ વેદાંત કહે છે તેમ શાશ્વત ન હોય, નિત્ય ન હોય તો તેવા મોક્ષનું સુખ પણ ચડઉતરનું એકાબીજાથી રહે.

એક જગ્યાએ મોક્ષના સુખના ભેદોનું વર્ણન કરતાં જણાવેલ છે કે કાલભેદથી અને આત્માને કે પરમાત્માને પરમાત્મા ન સમજતાં અન્યમાં ઇન્દ્રિય ઇત્યાદિમાં આત્માની ભ્રાંતિ કરવાથી મોક્ષ મળે છે, પરંતુ કેટલો કાળ તે બતાવ્યુ છે.

દશમન્વન્તરાણીહ તિષ્ઠતીન્દ્રિયચિન્તકાઃ.
ભૌતિકાસ્તુ શતંપુર્ણં ઈતિ સહસ્ત્રં ત્વાભિમાનકાઃ ..
બૌધ્ધા દશ સહસ્ત્રાણિ તિષ્ઠન્તિ વિગતજ્વરાઃ.
પુર્ણં શત સહસ્ત્રં તુ તિષ્ઠન્ત્યવ્યક્તચિન્તકાઃ ..
પુરુષં નિર્ગુણં પ્રાપ્ય કાલં સંખ્યા ન વિદ્યતે .

ઇન્દ્રિયોને આત્મા માનનાર દશ મન્વંતર સુધી મોક્ષનો અનુભવ કરે છે. અને પાંચ ભુતોમાં કોઇ ભુતોને આત્મા માનનાર પુરા સો મન્વન્તર સુધી. અહંકારનું આત્મારૂપે ચિંતન કરનાર એક હજાર મન્વન્તર સુધી. અને બુધ્ધિને આત્મા માનનાર દશ હજાર મન્વન્તર સુધી. અને નિર્ગુણ પુરુષને આત્મા માનનારની કોઇ કાલ સંખ્યા કરી નથી – અનંત કાલ. આ થઇ મોક્ષની તથા મોક્ષના સુખની વાત.

સ્વર્ગનું સુખ પણ જોયું. મોક્ષનું સુખ પણ ભિન્ન ભિન્ન આચાર્યના મત તથા આત્માને આત્મા ન માનતાં અન્યને આત્મા માનીને ચિંતન કરનારના પણ કાલની ન્યુનાધિકરૂપે ભેદ જોયા. હવે લવ સતસંગનું સુખ કેમ સ્વર્ગ કરતાં અપવર્ગ મોક્ષ કરતાં પણ અધિક તે જોઇએ. સ્વર્ગસુખ કે અથવા તપ ઇત્યાદિક દાન કે કોઇને લોકલોકાન્તરના સુખો મળે છે તે મોક્ષ સુખની અપેક્ષાએ નાશવંત અથવા ક્ષણિક છે. હવે સતસંગ એક લવ કહેતાં આંખનું મટકું મારીયે તેવા અલ્પકાલ પણ સતસંગ થાય તો તેટલાં સતસંગનું સુખ પણ ઇતર સુખો કરતા અધિક છે. એક તો સતસંગનો અર્થ થાય છે સત + સંગ = સતસંગ. સતસંગ શબ્દમાં બે પદ છે. સત તથા સંગ. એટલે કે સતનો સંગ થાય તે સાચો સતસંગ. અને તેવો જે સતસંગ છે તે ક્યાં મળે અથવા કોણ કરાવે તે પ્રશ્ન મહત્વનો છે. કે જેણે પોતાના જીવનમાં સાધનભજન, તપશ્ચર્યા ઇત્યાદિક સંયમ, નિયમ, વિવેક, વૈરાગ્ય, ષટસંપતિ, મુમુક્ષુતા, શ્રવણ, મનન, નિદિધ્યાસન અને તત્વં પદાર્થના શોધન કરીને ગુરૂના ઉપદેશથી બોધથી જે ઉપદિષ્ટ થયો છે. બોધિત થયો છે. આત્મા પરમાત્માની અભિન્નતાનો બોધ થયો છે. અને જે પોતાના નિજ બ્રહ્મસ્વરૂપમાં પ્રતિષ્ઠિત નિષ્ઠાવાન થઇ ચુક્યો છે. સત્યમાં પુર્ણ પ્રતિષ્ઠિત તેવો સંત માયા તથા બ્રહ્મ બંને ઉભયનો સારો એવો અંત તપાસ્યો છે કે જાણી ચુક્યો છે.

તે જે સતસંગ કરાવે તેવા સંત કે ગુરૂ સતસંગરૂપ જ છે અને તેવા સંતને જોતાં આપણું દિલ શાંત થઇ જાય, કલેજું ઠંડુ થઇ જાય, જાણે હિમાલય પાસે બેઠા હોય તેવી શાન્તિ આપે, સુખ આપે તેને જોતાં જ નેન ઠરે આવા સંતના દર્શન જ અનુપમ સુખ આપે છે તો પછી તે બોલે અને સત્યના શબ્દો કહે કે સતસંગ કરાવે ત્યારે કેટલું સુખ થાય તે અનુભવથી સમજાય તેવું છે. પરંતુ આવો સતસંગ કે સંત સમાગમ, સંત કે ગુરૂની પ્રસન્નતા વગર કે કૃપા વગર મળતો નથી. સંત કૃપા કરે તો જ મળે છે. અને તે પણ જેમ ખુબ સુંદર ઘાટી વનરાઇ હોય અને ચોમાસાનું વાદળું ઉપરથી પસાર થાય અને તે વનરાઇ મેઘને આકર્ષે તેમ કોઇ ભક્ત, જીજ્ઞાસુ, સત્યના પિપાસુ હોય તે સંતની કૃપા તથા પ્રસન્નતાને ભક્તનો નિર્મલ પ્રેમ છે તે આકર્ષે છે. કૃપારૂપી વાદળીને વરસવું જ પડે છે. અને પછી તે પ્રસન્નતામાંથી જે શબ્દો નીકળે છે તે અદ્ભુત હોય છે. પછી ભલે થોડા શબ્દ હોય. એક કે બે શબ્દો પણ ઘણું ઘણું કહીં નાખે છે. અને તે તેવા સંતોષકારક હોય છે કે તેથી જે તુષ્ટી પુષ્ટી થાય છે તે સુખ અવર્ણિય હોય છે અને તે અનુભવ ગમ્ય હોય છે. આવા સંતોનો સતસંગ મળવો પણ દુર્લભ કહ્યો છે.

સુંદરદાસજીએ સુંદરવિલાસમાં સંત સમાગમનો મહિમા ગાતા એક છંદમાં કહ્યું છેઃ

तात मीले पुनी मात मीले सुत,
भ्रात मीले युवति सुखदाइ ।
राज मीले गज बाजी मीले सब,
साज मीले मनवांच्छित पाइ ।।
लोक मीले सुरलोक मीले विधि,
लोक मीले वैकुंठ हु जाइ ।
सुंदर और मीले सबही सुख,
संत समागम दुर्लभ भाइ ।।

બાપ આવીને મળશે, મા અને છોકરાં આવીને મળશે, ભાઇ આવીને મળશે, સુખ આપનારી સ્ત્રી આવીને મળશે, રાજ મળશે, હાથી અને ઘોડા એ બધું મળશે, બીજા પણ સાજ સામગ્રી મળશે અને મનમાં જે જે ઇચ્છા હશે તે મળશે, બધી જાતના લોક મળશે, ઇન્દ્રલોક મળશે, બ્રહ્મલોક મળશે અને વૈકુંઠપણ મળશે. સુંદરદાસ કહે છે કે બીજું પણ બધું મળશે પણ હે ભાઇ, સંત સમાગમ દુર્લભ, મળવો કઠણ છે. ઉપરના બધાં સુખોથી પણ સંત સમાગમનો મહિમા વધારે કહ્યો છે.

આવા સંતોનો આ સૃષ્ટિમાં અભાવ નથી. પૃથ્વી સંત વગરની ક્યારે પણ રહી નથી. આ ધરા કાયમ કોઇને કોઇ સંત ઉત્પન્ન કરતી રહી છે. તેથી સંત તો કાયમ તેવા આ પૃથ્વી ઉપર છે. તો આપણને થાય કે દુર્લભ કેમ? દુર્લભતાનું કારણ છે આપણાં તેવાં પુણ્ય કે સતકર્મ નથી કે તેવા સંત પાસે આપણે જઇ શકીયે કે પાસે બેસી શકીયે. અને કદાચ તેની પાસે જઇ શકીયે, પરંતુ બેસી ન શકીયે. અકસ્માત પણ જઇ શકાતું હોય છે. પરંતુ બહિર્મુખ વૃતિને કારણ ત્યાં ઉપેક્ષા થતી હોય છે. કદાચ પુણ્ય તેવાં છે કે બેસી શકીયે પરંતુ જોઇએ તેવી શ્રધ્ધા ન કરી શકીયે. તેથી તેવા સંતનો સમાગમ પુણ્ય વગર સુલભ નથી. કંઇ જન્મથી તપ, તિર્થ, દાન, પુણ્યકર્મ, ઉપાસના કરતે કરતે તે સઘળાના પુણ્યના ફલરૂપે તેવા સંત મળે છે. અને તેવાનો સમાગમ થતાં પછી જે સત્યના શબ્દો તે સંતના મુખમાંથી નીકળે છે તે અનુભવવાણી હોય છે. એક શબ્દ પણ ભિતર ભાંગી નાખે, જીવનને પલટાવી નાખે, સુતાને જગાડે, જાગેલાને બેઠા કરે, બેઠા થયેલાને ચાલતો કરે અને ચાલતા થયેલાને લક્ષ્ય સુધી પહોંચાડે તેવો મહિમા છે સતસંગનો. અને તે લવ પણ ઘણો છે. તે આગ છે. શિષ્યના સઘળા પાપોને બાળીને ભસ્મ કરનાર છે. સાચો સતસંગ દજાડ્યા વગર રહે નહીં. ક્ષણ પણ સાચો સતસંગ થાય, સત્યની નીકટ જઇ શકાય કે સ્પર્શી શકાય તો ઘણું છે.

તેમાં સંસારના અન્ય સુખોથી, તપના કે ઇત્યાદી સિધ્ધીઓનાં સુખોથી પણ લવ સતસંગનું સુખ અધિક છે. તેની એક કથા પુરાણમાં છે – વિશ્વામિત્ર તથા વશિષ્ઠની. વિશ્વામિત્ર તથા વશિષ્ઠના સંબધો બગડેલા હતા. વેરઝેર ચાલતા હતા. આ-તે, કથા પુરાણમાં પ્રચલિત છે તેથી અધિક ન લખતાં એક વખત, વિશ્વામિત્રને થયું કે આ વશિષ્ઠ મને બ્રહ્મર્ષિ કહેતા નથી. બ્રાહ્મણોમાં મારું અપમાન કરે છે. તો તેનો જ કાંટો કાઢી નાખવો જોઇએ. તેવો વિચાર કરીને વિશ્વામિત્ર વશિષ્ઠને આશ્રમ આવ્યા છે. ધનુષબાણ લઇને મારવા માટે આશ્રમના ઉપવનમાં છુપાયા છે. એવે સમયે સાયંકાલના વિતતી રાત્રીને સમયે ભોજન પ્રસાદથી નિવૃત થઇને વશિષ્ઠજી આસન પર લાંબા પડ્યા છે. અરૂંધતી સેવા કરતાં કરતાં પુછે છે. પુર્ણિમાની રાત્રી હતી. પુનમનો નિર્મલ ચંદ્ર આકાશમાં ઉંચે ચડી રહ્યો હતો પુર્ણ કલામાં. અને અરૂંધતી પુછે છે, મહારાજ કહો આ પુર્ણિમાના ચંદ્ર જેવું કોઇનું ઉજ્જવલ તપ હશે? નિર્મલ તપ હશે? કોણ એવો તપસ્વિ ચંદ્રમાં જેવો શોભતો હશે આ વિશ્વમાં? વશિષ્ઠ મહારાજે કહ્યું, હા અરૂંધતી છે. તેવું તપ વિશ્વામિત્રનું. તેના જેવો તપસ્વિ કોઇપણ આ વિશ્વમાં નથી. ત્યારે વશિષ્ઠના મુખે વિશ્વામિત્રના વખાણ તથા પ્રશંસા સાંભળી અરૂંધતી આશ્ચર્ય પામ્યા છે. તમે આ વાત કોની કરો છો? ત્યારે વશિષ્ઠ કહે છેઃ સતી, વિશ્વામિત્રની કરુ છું. કોઇ કારણને લીધે વાંધો હોય તે એક વાત જુદી છે. પરંતુ સત્યને સત્ય કહેવું પડે. તેના જેવો તપસ્વિ કોઇ નથી. તે મારી પાસે બ્રહ્મર્ષિ કહેવડાવવા માગે છે. હું કહેતો નથી તેનું કારણ તે છે કે તેનો હજી ક્ષત્રી સ્વભાવ મટ્યો નથી. તેમાં સતી તપ છે, પરંતુ સતસંગ નથી. તેથી વેરવૃતિ રાખીને ફરે છે. પરંતુ સાચો બ્રાહ્મણ ક્ષમાશીલ બને તો બ્રહ્મર્ષિ જ છે. બસ અરૂંધતિ અને વશિષ્ઠનો આ વાર્તાલાપ વિશ્વામિત્રે સાંભળ્યો. વિશ્વામિત્રનું અંધારુ જતુ રહ્યું. ગેરસમજ દુર થઇ અને ધનુષબાણ વશિષ્ઠના ચરણમાં નાખીને વંદન કર્યા. ત્યારે વશિષ્ઠે પણ આવકાર્યા કે આવો બ્રહ્મર્ષિ.

બસ ત્યારથી સંબધો સારા થયા અને પરસ્પરમાં આવજાવ પણ થવા લાગી. ક્યારેક વિશ્વામિત્ર, વશિષ્ઠને આશ્રમે આવે. ક્યારેક વશિષ્ઠ, વિશ્વામિત્રને આશ્રમે જાય. અને જેમ મહાત્માઓમાં પણ પરસ્પર એકબીજાને આશ્રમે જાય અને ત્યાંથી નીકળે ત્યારે વિદાય આપે. કોઇ પૈસા, કપડા, શાલ ઇત્યાદી તેમ વિદાય પણ આપે. એક વખત વશિષ્ઠ, વિશ્વામિત્રને આશ્રમે ગયા. નીકળતી વખતે વિશ્વામિત્ર, વશિષ્ઠ મહારાજને વિદાય આપે છે. તેમાં વિશ્વામિત્રે કહ્યું કેઃ હું આપને મારા એક હજાર વર્ષનું તપ છે, તે તપનું પુણ્ય વિદાયમાં આપું છું. વિશ્વામિત્ર તપસ્વિ હતા અને વશિષ્ઠ મહારાજે કીધું કે બહુ સારૂં. પછી વિશ્વામિત્ર વશિષ્ઠને ત્યાં આવ્યા અને નીકળતી વખતે વશિષ્ઠે પણ વિદાયમાં કહ્યું કેઃ હું મારા લવ સતસંગનું પુણ્ય આપુ છું. ક્યાં લવ સત્સંગનું પુણ્ય? અને ક્યાં હજાર વર્ષના તપનું પુણ્ય? વશિષ્ઠ સતસંગી હતા. તે સતસંગનો મહિમા જાણતા હતા. અને મહાત્માઓમાં પણ જેમ વિદાય ઓછી વધતી થાય, એક કહે હું તેને અધિક આપું છું મારે આશ્રમે આવે ત્યારે અને તે મને ઓછી આપે છે. તેવું પણ ઘણી જગ્યાએ થતું હોય છે.

વિદાયના ભુખ્યાઓની આ વાત છે. પરંતુ અહીં પણ વિશ્વામિત્રે વિવાદ ઉભો કર્યો. ક્યાં મારૂં હજાર વર્ષનું તપનું પુણ્ય અને ક્યાં તમારા લવ સતસંગનું પુણ્ય? કોનું અધિક તેમાં વિવાદ ચાલ્યો. વશિષ્ઠ કહે મારૂં અધિક છે, વિશ્વામિત્ર કહે મારૂં અધિક છે. આપણને પણ લાગે ક્યું અધિક તો આપણે પણ વિશ્વામિત્રનું અધિક લાગે. કારણકે ક્યાં એક હજાર વર્ષનું તપ અને ક્યાં લવ સતસંગ અલ્પકાલ. બંનેમા કોઇ નિશ્ચિત ન કરી શક્યાં, તેનું સમાધાન પરસ્પર ન કરી શક્યા તેથી મોટા માણસોને પુછવા નિકળ્યાં.

બ્રહ્મા પાસે ગયા, બંનેનો વૃતાંત કહ્યો. ક્યું ફલ અધિક એક હજાર વર્ષનું તપ તેનું કે લવ સતસંગનું? બ્રહ્માએ પણ વિચાર કર્યો બંને ઋષિ છે, તપસ્વિ સિધ્ધ પુરૂષો છે, તેના સ્વભાવને પણ બ્રહ્મા જાણે છે. વિચાર કરીને બ્રહ્માએ કહ્યું મારે નિર્ણય ન આપવો જોઇએ. જેને કહીશ કે તારૂં અધિક તો તુરત સામે પક્ષે વિરોધ થશે. અને કંઇ થઇ જાય તેના કરતાં વિષ્ણુ પાસે જ મોકલું. બ્રહ્માએ ના કહી, વિષ્ણુ પાસે ગયા. ત્યાં પણ તે જ વાત કહી. વિષ્ણુએ પણ બંનેના સ્વભાવ ઇત્યાદિકનો વિચાર કરી ના કહી, હું ન્યાય ન આપી શકું. પછી શંકર પાસે આવ્યાં તેણે પણ ના કહી અને શેષનાગ પાસે મોકલ્યાં. ત્યાં આવ્યા. શેષનાગ પોતાની હજાર ફણાવાળા મસ્તકથી પૃથ્વીને ધારણ કરી રહ્યા હતા. ત્યાં જઇને સઘળો વૃતાંત કહ્યો વિદાયનો. તેમાં વિશ્વામિત્ર કહે મેં એક હજાર વર્ષ તપનું પુણ્ય આપ્યું. વશિષ્ઠ કહે મેં લવ સતસંગનું પુણ્ય આપ્યું. તેમાં અધિક કોનું તે કહો. બ્રહ્મા, વિષ્ણુ, શંકરે તો સમાધાન ન આપ્યું. આપની પાસે ન્યાય માટે આવ્યા છીયે. ત્યારે શેષે કહ્યું ભાઇ તમે બંને મુનિ જુઓ છો કે મારે માથે પૃથ્વીનો બોજ છે. તેથી હું આપની સાથે વાર્તાલાપ ન કરી શકું. જરા તમે તમારા તપના પ્રભાવથી કે સતસંગના પ્રભાવથી હળવો કરો તો હું ન્યાય આપું. વિશ્વામિત્રને કહ્યું તમે તમારા એક હજાર વર્ષના તપનું પુણ્ય મુકો અને પૃથ્વી તોળાય અધર તો હું ન્યાય આપું. વિશ્વામિત્રે સંકલ્પ કરી એક હજાર વર્ષ તપનું પુણ્ય મુક્યું છતાં પૃથ્વી તોળાય નહીં. પછી વશિષ્ઠને કહ્યું તમે તમારા લવ સતસંગનું પુણ્ય મુકો. વશિષ્ઠએ તેમ સંકલ્પ કરીને મુક્યું અને પૃથ્વી અધ્ધર તોળાઇ ગઇ અને ન્યાય વશિષ્ઠને મળી ગયો.

આ જ પેલી ઉપરની ચોપાઇનું રહસ્ય છે. ગોસ્વામી તુલસીદાસે કાંઇક આ પ્રસંગને અનુલક્ષીને અને બીજો સતસંગનો મહિમા કેવો છે તે જણાવ્યું છે. અહીં મોક્ષ સુખને ગૌણ ગણેલ છે. લંકીનીને ભગવાનના દુતનું દર્શન થયું અને તેના એક મુઠીનો ઢીકો લાગવાથી ઘણું ઘણું ભુત ભવિષ્યનું દર્શન થયું.

તેથી મોક્ષ કરતાં પણ સંત દર્શનનું સુખ અધિક છે. સંત દર્શન તો દુર્લભ છે જ. પરંતુ સંત સમાગમથી જે સુખ થાય છે તે મહાન છે. તો પ્યારે ભક્તો, રાણાભાઇના તે પ્રશ્નમાં જે મોક્ષ કરતાં સતસંગનું સુખ અધિક કેમ? તો મોક્ષ તે શું અને સતસંગનું સુખ તેમાં ફરક શું તે વિશે સમજ વધુ પડે તે માટે મને વિસ્તૃત વર્ણન કરવાની આવશ્યકતા લાગી તેથી થોડું લંબાયુ છે. બુધ્ધિ મતે જણાવ્યું છે. બાકી તો મોક્ષ વ્યક્તિને જ્ઞાન કાલે અનુભવાય છે. ત્યારે વ્યક્તિ, વ્યકિત રહેતી નથી. અવ્યક્તમાં અનુભવાય છે. વ્યુત્થાન દશામાં મન,
બુધ્ધિનો આશ્રય કરી પછી અનુભવે છે. અને સતસંગ તો સામું સ્વયં બ્રહ્મ સ્વરૂપ સદગુરૂ મૂર્તરૂપમાં સામે બેસીને કરાવતા હોય છે. તેથી તેનું સુખ અધિક હોય છે. સત્યનું સુખ ક્ષણ હોય કે લવ હોય તેનો મહિમા છે. વ્યક્તિ ક્ષણ કે લવ માત્ર પણ જો સત્યનો સ્પર્શ કરે તો, જન્માન્તરનાં પાપ દોષોથી મુક્ત થઇ જાય છે. બસ આ મહિમા છે.

પ્રજ્ઞા બેટા, ચંદ્રકાન્ત પણ ઠીક ગુરૂ-શિષ્યનો તેમાં પણ સંવાદ છે. તેથી તેમાં પણ તત્વજ્ઞાન સારી રીતે દ્રષ્ટાંતોથી યુક્તિપુર્વક સમજાવેલ છે. પરંતુ જ્યાં ઉપાધિ શબ્દ કે ઉપાદાન શબ્દ અન્યને ઓછા સમજાય તો આપને તથા લીલાભાઇ કેશવાલા, લક્ષ્મણ, પરબતજી સાહેબ ઇત્યાદીને તો સમજાવ્યું છે મેં. તેવા શબ્દો ઉપર આપની ભક્તોની પરસ્પરની બુધ્ધિ પહોંચે તે પ્રમાણે બને તેટલું વિસ્તૃત કરવું, તેથી આપણી બુધ્ધિ પણ કસાતી ચાલે, અભ્યાસ વધે, સાથે જ્ઞાનમાં પણ બુધ્ધિ કુશલ થતી ચાલે. ભારતિનો પણ તેમાં અભ્યાસ છે. બસ આપનો હિતેચ્છુ, આત્મન

લિ.આપનો ભજનપ્રકાશાનંદ.

Categories: અજ્ઞાતમાં ડૂબકી | 2 Comments

Post navigation

2 thoughts on “અજ્ઞાતમાં ડૂબકી (3)

  1. Ramesh Patel

    સતસંગનો મહિમા..
    Enjoyed the deep Rushi chintan.

    Ramesh Patel(Aakashdeep)

  2. Ashokbhai

    ચંદ્રકાંત ભાગ-૧’૨’૩ વાંચન માટે ક્યાંથી મળી શકે ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: