ગીતાનું પ્રયોજન : સ્વધર્મવિરોધી મોહનો નિરાસ (૩)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પહેલો – અર્જુનનો વિષાદ
ગીતાનું પ્રયોજન : સ્વધર્મવિરોધી મોહનો નિરાસ (૩)

(11) અર્જુન એકલી અહિંસાની જ નહીં, સંન્યાસની ભાષા પણ બોલવા મંડ્યો હતો. આ લોહીથી ખરડાયેલા ક્ષાત્રધર્મ કરતાં સંન્યાસ સારો એવું અર્જુન કહે છે. પણ એ અર્જુનનો સ્વધર્મ હતો કે ? તેની વૃત્તિ એવી હતી ખરી કે ? સંન્યાસીનો વેશ અર્જુન સહેજે લઈ શક્યો હોત પણ સંન્યાસીની વૃત્તિ તે કેવી રીતે ને ક્યાંથી લાવે ? સંન્યાસનું નામ લઈ તે વનમાં જઈ રહ્યો હોત તો ત્યાં તેણે હરણાં મારવા માંડ્યાં હોત. તેથી ભગવાને સાફ કહ્યું, “ અરે અર્જુન, લડાઈ કરવાની ના પાડે છે એ તારો કેવળ ભ્રમ છે. આજ સુધીમાં તારો જે સ્વભાવ ઘડાયો છે તે તને લડાઈમાં ખેંચ્યા વગર રહેવાનો નથી. ”
અર્જુનને સ્વધર્મ વિગુણ એટલે કે ફીકો લાગે છે. પણ સ્વધર્મ ગમે તેટલો વિગુણ હોય તોયે તેમાં જ રહીને માણસે પોતાનો વિકાસ સાધવો જોઈએ. કેમકે સ્વધર્મમાં રહીને જ વિકાસ થઈ શકે છે. એમાં અભિમાનનો સવાલ નથી. વિકાસનું એ સૂત્ર છે. સ્વધર્મ મોટો છે માટે સ્વીકારવાનો હોતો નથી અને નાનો હોય માટે ફેંકી દેવાનો હોતો નથી. હકીકતમાં તે મોટોયે નથી ને નાનોયે નથી હોતો. તે મારા માપનો, લાયકનો હોય છે. ‘श्रेयान् स्वधर्मो विगुणः’ એ ગીતાવચનમાંના धर्म શબ્દનો અર્થ હિંદુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ બધામાં વપરાતા ધર્મ શબ્દના અર્થ જેવો નથી. દરેક વ્યક્તિનો ધર્મ અલગ અલગ હોય છે. અહીં મારી સામે બેઠેલા આ તમારા બસો લોકોના બસો ધર્મો છે. મારો ધર્મ પણ દસ વરસ પહેલાં હતો તે આજે નથી. અને આજનો દસ વરસ પછી રહેવાનો નથી. ચિંતનથી અને અનુભવથી વૃત્તિ પલટાતી જાય છે તેમ તેમ પહેલાંનો ધર્મ ખરતો જાય છે અને નવો આવી મળે છે. મમત કે જબરદસ્તીથી એમાં કંઈ કરવાપણું હોતું નથી.

12. બીજાનો ધર્મ સારામાં સારો લાગે તોયે તે સ્વીકારવામાં મારૂં કલ્યાણ નથી. સુરજનું અજવાળું મને ગમે છે. પ્રકાશથી પોષાઈને હું વધું છું. સૂર્ય મારે સારૂ વંદવાયોગ્ય પણ ખરો. પણ એટલા ખાતર મારૂં પૃથ્વી પરનું રહેવાનું છોડી હું તેની પાસે જવા નીકળું તો બળીને ખાખ થઈ જાઉં. એથી ઊલટું પૃથ્વી પર રહેવાનું વિગુણ લાગે, ફીકું લાગે, સૂર્યની આગળ પૃથ્વી ભલે તદ્દન તુચ્છ હોય, તે પોતાના તેજથી ભલે ન પ્રકાશતી હોય, તો પણ સૂર્યનું તેજ સહન કરવાની શક્તિ કે તેવું સામર્થ્ય મારામાં ન હોય ત્યાં સુધી સૂરજથી આઘે પૃથ્વી પર રહીને જ મારે મારો વિકાસ સાધવો જોઈએ. માછલીને કોઈ કહે કે, ‘પાણી કરતાં દૂધ કીમતી છે, દૂધમાં જઈને રહે,’ તો માછલી એ વાત કબૂલ રાખશે કે? માછલી પાણીમાં સલામત રહેશે ને દૂધમાં મરી જશે.

13. અને બીજાનો ધર્મ સહેલો લાગે તેથીયે સ્વીકારવાનો ન હોય. ઘણી વાર તો સહેલાપણાનો ખાલી ભાસ હોય છે. સંસારમાં સ્ત્રી-બાળકોનું જતન બરાબર થઈ શક્તું ન હોય તેથી થાકીને કે કંટાળીને કોઈ ગૃહસ્થ સંન્યાસ લે તો તે ઢોંગ થાય અને અઘરૂં પણ પડે. તક મળતાં વેંત તેની વાસનાઓ જોર કર્યા વગર નહીં રહે. સંસારનો ભાર ખેંચાતો નથી માટે ચાલ જીવ વનમાં જઈને રહું એવું વિચારી વનમાં જઈને રહેનારો સંસારી પહેલાં ત્યાં જઈને નાની સરખી ઝૂંપડી ઊભી કરશે. પછી તેના બચાવને માટે તેની ફરતે વાડ કર્યા વગર નહીં રહે. એમ કરતાં કરતાં ત્યાં તેને સવાયો સંસાર ઊભો કરવાનો વારો આવ્યા વગર પણ નહીં રહે. વૈરાગ્યવૃત્તિ હોય તો સંન્યાસમાં અઘરૂં શું છે? સંન્યાસ સહેલો છે એમ બતાવનારાં સ્મૃતિવચનો પણ ક્યાં નથી? પણ અસલ મુદ્દો વૃત્તિનો છે. જેની જેવી અસલ સાચી વૃત્તિ હશે, તે મુજબ તેનો ધર્મ રહેશે. શ્રેષ્ઠ કે કનિષ્ઠ, સહેલો કે અઘરો એ સવાલ નથી. સાચો વિકાસ થવો જોઈએ. સાચી પરિણતિ જોઈએ.

14. પણ કોઈ કોઈ ભાવિક સવાલ કરે છે, ‘યુદ્ધ કરવાના ધર્મ કરતાં સંન્યાસ કોઈ પણ સંજોગોમાં વધારે ચડિયાતો હોય તો ભગવાને અર્જુનને સાચો સંન્યાસી શા સારૂ ન બનાવ્યો? ભગવાનથી શું એ બને એવું નહોતું?’ તેનાથી ન બની શકે એવું કશું નહોતું. પણ પછી તેમાં અર્જુનનો પુરૂષાર્થ શો રહ્યો હોત? પરમેશ્વર બધી જાતની છૂટ આપનાર છે. મહેનત જેણે તેણે જાતે કરવી રહે છે. એમાં જ ખરી મીઠાશ છે. નાનાં છોકરાંને જાતે ચિત્ર કાઢવામાં મોજ પડે છે. તેમનો હાથ પકડી કોઈ ચિત્ર કઢાવે તે તેમને ગમતું નથી. શિક્ષક છોકરાંઓને ઝપાટાબંધ એક પછી એક દાખલા કરી આપે તો છોકરાંઓની બુદ્ધિ વધે ક્યાંથી? માબારે, ગુરૂએ, સૂચના કરવી. પરમેશ્વર અંદરથી સૂચના આપ્યા કરે છે. એથી વધારે બીજું કંઈ તે કરતો નથી. કુંભારની માફક ઈશ્વર ઠોકીને કે ટીપીને અથવા થાપીને હરેકનું માટલું ઘડે તેમાં સાર શો? અને આપણે કંઈ માટીનાં માટલાં નથી, આપણે ચિન્મય છીએ.

15. સ્વધર્મની આડે આવનારો જે મોહ છે, તેના નિવારણને માટે ગીતાનો જન્મ છે એ બીના આ બધા વિવેચન પરથી તમારા સૌના ખ્યાલમાં આવી હશે. અર્જુન ધર્મસંમૂઢ થયો હતો, સ્વધર્મની બાબતમાં તે મોહમાં ફસાયો હતો. શ્રીકૃષ્ણે આપેલા પહેલા ઠપકા પછી આ વાત અર્જુન જાતે કબૂલ કરે છે. એ મોહ, એ આસક્તિ, એ મમત્વ દૂર કરવાં એ જ ગીતાનું મુખ્ય કામ છે. આખી ગીતા સંભળાવી રહ્યા પછી ભગવાન પૂછે છે, “અર્જુન, મોહ ગયો?” અર્જુને જવાબ આપ્યો, “ભગવાન, મોહ મરી ગયો, સ્વધર્મનું ભાન થયું.” આમ ગીતાનો ઉપક્રમ અને ઉપસંહાર બંનેનો મેળ બેસાડીને જોતાં મોહનિરાકરણ એ જ ગીતાનું ફળ દેખાય છે. એકલી ગીતાનો નહીં, ખુદ મહાભારતનો પણ એ જ ઉદ્દેશ છે. વ્યાસે છેક મહાભારતના આરંભમાં કહ્યું છે કે લોકોના હ્રદય પર છવાયેલા મોહના પડદાને હઠાવવાને હું આ ઈતિહાસ-પ્રદીપ ચેતાવું છું.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: