અર્જુનની ભૂમિકાનો સંબંધ (2)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પહેલો – અર્જુનનો વિષાદ
પ્રકરણ ૨ – અર્જુનની ભૂમિકાનો સંબંધ

6. કેટલાક લોકોને એવું લાગે છે કે ગીતાનો આરંભ બીજા અધ્યાયથી ગણવો જોઈએ. તો પછી બીજા અધ્યાયના અગિયારમા શ્લોકથી ઉપદેશની સીધી શરૂઆત થાય છે ત્યાંથી જ આરંભ સમજવામાંયે શો વાંધો છે ? એક જણે તો મને એટલે સુધી કહેલું, “ અક્ષરોમાં ખુદ ભગવાને પોતે ઈશ્વરી વિભૂતિ ગણાવી છે. ‘अशोच्यानन्वशोचस्त्वं’ ના આરંભમાં અનાયાસે જ અકાર આવ્યો છે એટલે ત્યાંથી જ આરંભ ગણવો સારો! ” આ શબ્દચમત્કારને બાજુએ રાખીએ તો પણ એ આરંભ ઘણી રીતે યોગ્ય છે એમાં શંકા નથી. આમ છતાં તેની આગળના પ્રાસ્તાવિક ભાગનુંયે મહત્વ છે. અર્જુન કઈ ભૂમિકા પર છે, કઈ વાત કહેવાની એકંદરે ગીતાની પ્રવૃત્તિ છે એ બધું આ પ્રાસ્તાવિક કથાભાગ વગર બરાબર ધ્યાનમાં આવે એવું નથી.

7. અર્જુનની નામરદાઈ દૂર કરી તેને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાને સારૂ ગીતાનો ઉપદેશ કરવામાં આવ્યો છે એવું વળી કેટલાક લોકોનું કહેવું છે. તેમના અભિપ્રાય મુજબ ગીતામાં કર્મયોગનો ઉપદેશ છે એટલું જ નહીં, તેમાં યુદ્ધયોગનો પણ ઉપદેશ છે. થોડો વિચાર કરવાથી આ વાતમાં રહેલી ભૂલ દેખાશે. અઢાર અક્ષૌહિણી સેના લડવાને તૈયાર ઊભી હતી. તો શું આપણે એમ કહીશું કે આખી ગીતા સંભળાવીને શ્રીકૃષ્ણે અર્જુનને તે સેનાની લાયકાતનો બનાવ્યો ? અર્જુન ગભરાઈ ગયો હતો, તે સેનાને ગભરાટ થયો નહોતો. એટલે શું તે સેનાની લાયકાત અર્જુન કરતાં વધારે હતી ? આવો તો વિચાર સરખો થાય એમ નથી. અર્જુન બીકણ હતો તેથી લડાઈથી મોઢું ફેરવીને ઊભો રહ્યો હતો એવું નથી. સેંકડો લડાઈઓ ખેલી ચૂકેલો તે મહાવીર હતો. ઉત્તરગોગ્રહણ એટલે કે વિરાટની ગાયો છોડાવવાને પ્રસંગે તેણે એકલાએ એકલે હાથે ભીષ્મ, દ્રોણ અને કર્ણને હરાવી તેમનું બળ હરી લીધું હતું. હંમેશ વિજય મેળવનારની અને બધા નરમાં એક જ સાચા નર તરીકેની તેની ખ્યાતિ હતી. તેના રોમરોમમાં વીરવૃત્તિ ભરેલી હતી. અર્જુનને ચીડવવા માટે તેને નામરદાઈનો ટોણો તો કૃષ્ણે પણ મારી જોયો હતો. એ બાણ જોકે ફોગટ ગયું ને પછી જુદા જ મુદ્દાઓ પર જ્ઞાન-વિજ્ઞાનનાં કેટલાંયે ભાષણો આપવાં પડ્યાં. તેથી નામરદાઈ કાઢવા જેવું સરળ તાત્પર્ય ગીતાનું નથી એ બીના ચોખ્ખી છે.

8. બીજા કેટલાક કહે છે કે અર્જુનની અહિંસાવૃત્તિ દૂર કરી તેને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાને સારૂ ગીતાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. મારી સમજ પ્રમાણે આમ કહેવું બરાબર નથી. એ કેવી રીતે તે જોવાને આપણે અર્જુનની ભૂમિકા ઝીણવટથી તપાસવી પડશે. એ માટે પહેલો અધ્યાય અને બીજાની શરૂઆતમાં પેઠેલો અખાત જેવો ભાગ ઘણો કામનો છે. અર્જુન રણમેદાન પર લડવાનો પાકો નિશ્ચય કરી કર્તવ્યની ભાવનાથી ઊભો રહ્યો હતો. ક્ષાત્રવૃત્તિ તેના સ્વભાવમાં હતી. યુદ્ધમાંથી ઊગરી જવાની પૂરેપૂરી કોશિશ કરવા છતાં તે ટાળી શકાયું નહોતું. સમજૂતીને માટે કૌરવો ઓછામાં ઓછી માગણી ને શ્રીકૃષ્ણ જેવા મધ્યસ્થી બંને ફોગટ ગયાં હતાં. આ સંજોગોમાં દેશદેશના રાજાઓને એકઠા કરી, કૃષ્ણ પાસે પોતાનું સારથિપણું કરવાને સ્વીકારાવી તે રણમેદાન પર ઊભો રહે છે અને વીરવૃત્તિના ઉત્સાહથી કૃષ્ણને કહે છે, “કોણ કોણ મારી સાથે લડવાને એકઠા મળ્યા છે તે બધાનાં મોઢાં એક વાર હું જોઈ લઉં તેટલા માટે બંને સેનાની વચ્ચોવચ્ચ મારો રથ લઈ જઈ ઊભો રાખો.“ કૃષ્ણ તેના કહેવા મુજબ કરે છે અને અર્જુન ચારેકોર નજર ફેરવે છે ત્યારે તેને શું દેખાય છે ? બંને બાજુ પર પોતાના સ્વજનોનો, સગાંવહાલાંનો પ્રચંડ જમાવ ઊભો છે. ‘બાપ ને બેટા, દાદા, પોતા વળી ઘણા’ એમ આપ્ત સંબંધની ચાર-ચાર પેઢી મારવાને ને મરવાનો છેવટનો નિશ્ચય કરી એકઠી મળી છે એવું તેણે જોયું. આ વાતનો ખ્યાલ તેને નહીં આવ્યો હોય એવું નથી. પણ સ્થિતિ પ્રત્યક્ષ નજરે પડે છે ત્યારે તેની અસર જુદી જ થાય છે. એ આખો સગાંવહાલાંનો સમૂહ જોતાંવેત તેનું દિલ ડહોળાવા માંડે છે. તેને બહુ ખરાબ લાગે છે. અત્યાર સુધીમાં અનેક લડાઈઓમાં તેણે અનેક વીરોનો સંહાર કર્યો હતો ત્યારે કોઈ વખતે તેને ખરાબ લાગ્યું નહોતું, તેનું ગાંડીવ તેના હાથમાંથી સરી પડ્યું નહોતું, તેના શરીરમાં કંપારી આવી નહોતી અને તેની આંખ ભીની થઈ નહોતી. ત્યારે આ વખતે જ આમ કેમ ? તેનામાં શું અશોકની માફક અહિંસાવૃત્તિનો ઉદય થયો હતો ? ના. આ બધી સ્વજનાસક્તિ હતી. એ ઘડીએ પણ સામા ગુરૂ, ભાઈઓ ને સગાંવહાલાં ન હોત તો તેણે રમતમાં દડા ઉછાળે તેમ શત્રુઓનાં માથાં ઉડાવ્યાં હોત. પણ આસક્તિથી જન્મેલો મોહ તેની કર્તવ્યનિષ્ઠાને ગળી ગયો હતો. અને પછી તેને તત્ત્વજ્ઞાન યાદ આવ્યું. કર્તવ્યનિષ્ઠ માણસ મોહમાં પડે તોયે ખુલ્લેખુલ્લી કર્તવ્યચ્યુતિ તેનાથી સહન થઈ શક્તી નથી. તે પોતાની કર્તવ્યચ્યુતિને એકાદ સારા વિચારનો વેશ ઓઢાડે છે. અર્જુનનું પણ એવું જ થયું. યુદ્ધ મૂળમાં જ પાપ છે એવા ઉછીના લીધેલા વિચારોનું તે હવે પ્રતિપાદન કરવા લાગ્યો. યુદ્ધથી કુળનો ક્ષય થશે, સ્વૈર આચાર બેફામ બનશે, વ્યભિચારવાદ ફેલાશે, દુકાળ આવી પડશે, સમાજ પર આફતો ઊતરશે, એવા એવા કેટલાયે મુદ્દા તે ખુદ શ્રીકૃષ્ણને સમજાવવા બેઠો !

9. મને અહીં એક ન્યાયાધીશની વાત યાદ આવે છે. એક ન્યાયાધીશ હતો. સેંકડો ગુનેગારોને તેણે ફાંસીની સજા કરી હતી. પણ એક દિવસ તેના પોતાના દીકરાને ખૂની તરીકે તેની સામે ખડો કરવામાં આવ્યો. દીકરા પર મુકાયેલો ખૂનનો આરોપ સાબિત થયો ને તેને ફાંસીની સજા કરવાનું એ ન્યાયાધીશને માથે આવ્યું. પણ તેમ કરતાં તે ન્યાયાધીશ અચકાયો. એટલે તેણે બુદ્ધિવાદભરી વાતો કરવા માંડી. “ફાંસીની સજા અમાનુષી છે, એવી સજા કરવાનું માણસને શોભતું નથી. માણસના સુધરવાની આશા એને લીધે રહેતી નથી. ખૂન કરનારે લાગણીના આવેશમાં આવી ખૂન કર્યું પણ તેની આંખ પરનાં લોહીનાં પડળ ઊતરી ગયાં પછી પણ ગંભીરતાથી તે માણસને ઊંચકીને ફાંસીએ લટકાવીને મારવાનું કામ સમાજની માણસાઈને નીચું જોવડાવનારૂં તેમ જ ડાઘ લગાડનારૂં છે.” આ ને આવા મુદ્દા ન્યાયાધીશે રજૂ કરવા માંડ્યા. આ છોકરો સામો આવ્યો ન હોત તો મરતાં સુધી ન્યાયાધીશસાહેબ ખાસા ફાંસીની સજાઓ ટીપતા રહ્યા હોત. દીકરા પરના મમત્વને લીધે ન્યાયાધીશ આ પ્રમાણે બોલવા લાગ્યો. તેનું એ બોલવું અંતરનું નહોતું. તે આસક્તિજન્ય હતું. ‘આ મારો દીકરો છે’ એવા મમત્વમાંથી નિર્માણ થયેલું એ સાહિત્ય હતું.

10. અર્જુનની ગતિ એ ન્યાયાધીશ જેવી થયેલી. તેણે રજૂ કરેલા મુદ્દા ખોટા કે ભૂલભરેલા નહોતા. ગયા મહાયુદ્ધનાં આવાં અચૂક પરિણામ દુનિયાએ જોયાં છે. પણ વિચારવા જેવી વાત એટલી છે કે અર્જુનની ફિલસૂફી એ નહોતી. એ તેનો પ્રજ્ઞાવાદ હતો. શ્રીકૃષ્ણને એની બરાબર ખબર હતી. તેથી એ મુદ્દો જરાયે ધ્યાનમાં ન લેતાં તેમણે સીધો મોહનાશ માટેનો ઈલાજ અખત્યાર કર્યો. અર્જુન ખરેખર અહિંસાવાદી બન્યો હોત તો બીજાં આડ જ્ઞાન-વિજ્ઞાન ગમે તેણે ગમે તેટલાં સમજાવ્યાં હોત તોયે મૂળ મુદ્દાનો જવાબ મળ્યા વગર તેને સમાધાન થયું ન હોત. પણ આખી ગીતામાં ક્યાંયે એ મુદ્દાનો જવાબ નથી. અને છતાં અર્જુનને સમાધાન થયેલું છે. આ બધી વાતનો સાર એટલો કે અર્જુનની લાગણી અહિંસાવૃત્તિની નહોતી, તે યુદ્ધપ્રવૃત્ત જ હતો. તેની દ્રષ્ટિએ યુદ્ધ તેનું સ્વભાવપ્રાપ્ત અને અપરિહાર્ય ઠરેલું કર્તવ્ય હતું. મોહમાં ફસાઇને એ કર્તવ્ય તે હવે ટાળવા માગતો હતો. અને ગીતાનો મુખ્ય હુમલો એ મોહ પર છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | 1 Comment

Post navigation

One thought on “અર્જુનની ભૂમિકાનો સંબંધ (2)

  1. Bhalchandra Barot

    I read Gita for the last 45 years and every time it gives me new perspective. I agree Gita’s main purpose is to cut off selfish attachment and perform the duty with wisdom and total dedication. I have observed great men in India, in religion or politics, have handed over the power to their daughters, because of selfish attachment. Gandhiji is the only exception!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: