મિત્રો,
શ્રી વિનોબાજીએ ભગવદ ગીતા ઉપર સુંદર પ્રવચનો આપ્યાં હતાં જે ગીતા પ્રવચનો તરીકે ઓળખાય છે. આપણે અહીં ક્રમે ક્રમે તે માણવાનો પ્રયત્ન કરશું. આવું અમુલ્ય સાહિત્ય બહુજન હિતાય બહુજન સુખાય અનેક લોકો સુધી કોમ્યુટરના માધ્યમ દ્વારા દેશ – વિદેશમાં વંચાય એ જ એક માત્ર હેતુ તેને અહીં પ્રકાશીત કરવાનો છે. આ પુસ્તકના બધા જ હકો જે તે પ્રકાશકોના જ છે અહીં તો માત્ર કોઈપણ જાતના આર્થિક લાભ મેળવ્યા વગર આ જ્ઞાનને વહેંચવાનો જ ઉદ્દેશ છે.
(અતુલ જાની)
બે બોલ
‘गीता प्रवचनो ‘એ હવે ભારતીય જનતાનું પુસ્તક થયું છે. ભૂદાનયજ્ઞનું વાતાવરણ નિર્માણ કરવાના કામમાં તેનો ઉપયોગ થતો હોવાને લીધે તેની નકલો ગામેગામ અને ઘેરેઘેર જાય છે.
ગીતાની માફક આ પ્રવચનો પણ પ્રત્યક્ષ કર્મક્ષેત્રમાં પ્રગટ થયાં છે. ઓગણીસસો બત્રીસની સાલમાં ધૂળિયાની જેલમાં અનાયાસે ઘણા સંત-મહંતો અને સેવકોનો મેળો જામ્યો હતો. તેમની સેવામાં આ પ્રવચનો રજૂ થયેલાં. એથી સ્વાભાવિક રીતે રોજેરોજના વહેવારમાં ઉપયોગી વાતોની એમાં ચર્ચા આવે છે. જેમનો જીવન સાથે સંબંધ ન હોય એવા કોઈ પણ ખાલી વિચારના વાદો આમાં પેઠા નથી. મને પાકો ભરોસો છે કે શું ગામડાંમાં કે શું શહેરોમાં, સામાન્ય મજૂરી કરી જીવન ગુજારનારાં શ્રમજીવીઓને આમાંથી મનનું સમાધાન મળશે, એટલું જ નહીં, એમાંથી તેમને થાક ઉતારવાનું સાધન પણ મળી રહેશે.
આ પ્રવચનોને બહાને ગીતાની સેવા કરવાની ખાસ તક ઈશ્વરે મને આપી એ તેની હું મોટી કૃપા ગણું છું. આ બધાં પ્રવચનો લખી લેવાને સાને ગુરૂજી જેવા સિદ્ધહસ્ત કાબેલ સત્પુરૂષ મળ્યા એ પણ તેની જ કૃપા. હિંદુસ્તાનભરમાં જ્યાં જ્યાં આ પ્રવચનો પહોંચ્યાં છે, તે બધે ઠેકાણે એમનાથી સૌ કોઈને હ્રદયશુદ્ધિ અને જીવનના વહેવારમાં પલટો કરવાની પ્રેરણા મળી છે. મને એવી વાસના રહે છે કે ઘેરઘેર આ પ્રવચનોનું શ્રવણ, પઠન અને મનન થાઓ! આમાં મારૂં કંઈ નથી. હું તો તુકારામના શબ્દોમાં કહું છું કે,
शिकवुनि बोल । केलें कवतुक नवल
आपणियां रंजविलें । बापें माझिया विठ्ठलें
શીખવીને બોલ, કર્યું કૌતુક નવલ
રીઝવ્યો પોતાને, બાપ મારા વિઠ્ઠલે
પરંધામ, પવનાર ( વિનોબા )
૨૨-૧-‘૫૧
વધુ આવતા અંકે
શ્રી અતુલભાઈ તમે તો મારી આંખ ઉઘાડી દીધી, આટલા આભુષણો સાથે વિનોબાજીને શણગાર્યા એથી આનંદ થયો.
આભાર
કાંતિલાલ પરમાર
હીચીન