રાગઃ- બેલીડા બેદલનો સંગ નવ કરીએ
જોજો આ માયા છે મસ્તાની –ટેક
રાવણ જેવા રાજવીની, ન રહી નામ નિશાની
સીતાજીની ચોરી કરતાં, લંકા થઇ ધૂળ ધાણી –1
દ્રૌપદી સતીના ચીર ખેંચ્યા, કૌરવ સભામા આણી
કૌરવ કુળમાં રહ્યું ન કોઇ, પીવડાવવા એને પાણી –2
સુરના સ્વામી ઇંદ્રની મતિ, અહલ્યામાં ઓરાણી
કામી નર કલંક પામ્યાં, એની નામની નિંદવાણી –3
કાચના કૂડા નરની ઇ, અંતમાં ઓળખાણી
કામી નર તો કુટાઇ ગયા, કહેવા ન રહ્યું કહાની –4
સમજુ નર તો ચેત્યા જેની, જુવાની જરવાણી
ભજનપ્રકાશ એની વધામણીની, વાતુ વૈંકુંઠમાં વંચાણી –5