દોહા
કરહુ રાજ ઈમ ભિન્ન તિહું, પાલહુ નિજ નિજ દેશ |
બિન વિભાગ ભ્રાતાન કો, ભૂમિ કાજ વ્હૈ ક્લેશ || ૧૧ ||
તમે ત્રણ તે પ્રમાણે જુદા જુદા દેશમાં રાજ્ય કરજો અને પોતપોતાના દેશનું રક્ષણ કરજો. પૃથ્વી માટે ભાઈઓમાં ટંટો ન થાય, માટે આ રીતે મેં વહેંચણી કરી આપી છે. (૧૧)
સવૈયા
રાજસમાજ તર્જૌ સબ મૈં અબ, જાન હિયે દુઃખ તાહિ અસારા |
ઔર તુ લોક દુઃખી અપને દુઃખ, મૈં ભુગત્યો જગક્લેશ અપારા ||
જે ભગવાન પ્રધાન અજાન, સમાન દરિદ્રન તે જન સારા |
હેતુ વિચાર હિયે જગકે ભગ, ત્યાગિ લખું નિજરુપ સુખારા || ૧૨ ||
હવે રાજકાજ વગેરેમાં જે અનેક દુઃખ રહ્યાં છે, તે જાણીને તથા તેને અસાર સમજીને હું તેને છોડી દેવા ઈચ્છું છું; કેમ કે બીજા લોકો તો માત્ર પોતપોતાનાં દુઃખથી દુઃખી હોય છે, પણ હું તો મારા પોતાના તથા આખા જગતના દુઃખે દુઃખી થઈ રહ્યો છું. જે મનુષ્ય મોટા ઐશ્વર્યવાન છતાં પણ અજ્ઞાની હોય તે માણસો દરિદ્રી માણસોના જેવા જ જાણવા. આવો વિચાર કરીને જગતનું ઐશ્વર્ય છોડીને હવે સુખરૂપ આત્માનો જ અનુભવ કરવા હું ઈચ્છું છું. (૧૨)
ત્રણે રાજપુત્રોનો વિચાર
વાક્ય અનંત કહૈ ઈમ તાત, સુને તિહું ભ્રાત સુબુદ્ધિ નિધાના |
બૈઠી ઈકંત વિચાર અપાર, ભનૈ પુનિ આપસમાંહિ સુજાના ||
દે દુઃખમૂલ સમાજ હમૈ યહ, આપ ભયો ચહ બ્રહ્મ સમાના |
સો જન નાગર બુદ્ધિકસાગર, અગર દુઃખ તજૈ જુ જહાના || ૧૩ ||
આવી રીતે પિતાશ્રીએ અનંત વાતો કહી, તે ત્રણે પુત્રોએ સાંભળી અને તેઓ મોટા બુદ્ધિમાન હતા, તેથી તે ત્રણે જણ એકાંતમાં વિચાર કરવા ગયા; અને વિચાર કરીને એકબીજાને કહેવા લાગ્યા કે, પિતાશ્રી આ દુઃખના મૂળરૂપ સંસાર આપણને આપીને પોતે બ્રહ્મરૂપ થવા ઈચ્છે છે; માટે જે માણસ આ દુઃખની ખાણરૂપ સંસાર છોડી દે, તે જ માણસ ચતુર અને બુદ્ધિનિધાન સમજવો. (૧૩)
ત્રણે રાજપુત્રોનો ગૃહત્યાગ તથા ગુરુ-સમાગમ
દોહા
યાતૈં તજિ દુઃખ મૂલ યહ રાજ, કરૌ નિજકાજ |
કરિ વિચાર ઈમ ગેહેતૈં, નિકસ્યો ભ્રાતસમાજ || ૧૪ ||
તિહું ખોજત સદગુર ચલે, ધારી મોક્ષ હિય કામ |
અર્થ સહિત કિય તાતકો, શુભસંતતિ યહ નામ || ૧૫ ||
માટે આ દુઃખના મૂળરૂપ રાજ્યને છોડી, આપણે આપણું કામ કરવું, એ જ ઉત્તમ છે, એવો વિચાર કરી ત્રણે ભાઈઓ ઘરેથી ચાલી નીકળ્યા અને મનમાં મોક્ષ મેળવવાની ઈચ્છાથી કોઈ સદગુરુની શોધ કરતા કરતા પ્રવાસ કરવા લાગ્યા. તેઓ આવા સુપુત્ર હોવાથી તેમણે પોતાના પિતાના શુભસંતતિ (સારી સંતતિવાળા) એ નામને સાર્થક કર્યું. (૧૪, ૧૫)
ખોજત ખોજત દેશ બહુ, સુર સરિ તીર ઈકંત |
તરુપલ્લવ શાખા સઘન, બન તામૈ ઈક સંત || ૧૬ ||
બૈઠ્યો બટબિટપહિં તરૈ, ભદ્રામુદ્રા ધારિ |
જીવ બ્રહ્મકી એકતા, ઉપદેશત ગુન ટારી || ૧૭ ||
ઘણાં દેશ શોધતાં શોધતાં એક વખતે ગંગા નદીના કાંઠા ઉપર એકાંતમાં એક વન હતું, ત્યાં તેઓ આવી પહોંચ્યા. તે વનમાં ઘણાં વૃક્ષો હોવાથી તે વન શોભી રહ્યું હતું; વૃક્ષોને અનેક ડાળાં-ડાળીઓ હોવાથી વૃક્ષો શોભી રહ્યાં હતાં. એવા સઘન વનમાં એક વડના ઝાડ નીચે એક સંત ભદ્રામુદ્રા કરીને બેઠા હતા તથા પાસે બેઠેલા શિષ્યોને જીવ-બ્રહ્મની એકતાનો ઉપદેશ કરી રહ્યા હતા અને ત્રિગુણાત્મક માયાનું મિથ્યાત્વ સમજાવી રહ્યાં હતા. (૧૬, ૧૭)
શિષ્યના દસ દોષ
દોષ રહિત એકાગ્રચિત્ત, શિષ્યસંઘપરિવાર |
લખિ દૈશિક ઉપદેશ હિય, ચહુધા કરત વિચાર || ૧૮ ||
મનહુ શંભુ કૈલાસમૈં, ઉપદેશત સનકાદિ |
પેખિ તાહિ તિહિં લહિ શરન, કરી દંડવત્ આદિ || ૧૯ ||
કિયો માસ ષટમાસ પુનિ, શિષ્યરીતિ અનુસાર |
કરી અધિક ગુરુસેવ તિહું, મોક્ષ કામ હિય ધાર || ૨૦ ||
વ્હૈ પ્રસન્ન શ્રી ગુરુ તબૈ, તે પુછે મૃદુ બાનિ |
કિહિં કારણ તુમ તાત તિહું, બસહુ કૌન કહ આનિ || ૨૧ ||
તત્વદૃષ્ટિ તબ લખિ હિયે, નિજ અનુજનકી સૈન |
કહૈ ઉભય કર જોરી નિજ, અભિપ્રાય કે બૈન || ૨૨ ||
તેમની પાસે બેઠેલા શિષ્યો બધા દોષરહિત હતા; એટલે કે નૃસિંહતાપિની ઉપનિષદમાં જે દસ દોષ કહ્યા છે, તે દોષો તેમનામાં નહોતા.
તે દોષો આ પ્રમાણે છેઃ
(૧) ચોરી, જારી, હિંસા – આ ત્રણ શરીરના દોષ છે.
(૨) નિંદા, જૂઠ, કઠોર ભાષણ અને વાચાળતા – આ ચાર વાણીના દોષ છે.
(૩) તૃષ્ણા, ચિંતા અને બુદ્ધિની મંદતા – એ ત્રણ મનના દોષ છે.
આવા દોષરહિત અને એકાગ્ર ચિત્તવાળા શિષ્યોના સમૂહ તથા ગુરુનો ઉત્તમ ઉપદેશ જોઈને ત્રણે રાજપુત્રોને એમ લાગ્યું કે, કૈલાસમાં વડના ઝાડ નીચે દક્ષિણામૂર્તિ મહાદેવજી બેઠા છે અને સનકાદિક શિષ્યોને ઉપદેશ કરી રહ્યા છે.
આ સઘળું જોઈને તે રાજપુત્રો એ જ ગુરુને શરણે ગયા તથા તેમને દંડવત્ પ્રણામ આદિ કરીને ત્યાં જ છ માસ પર્યંત શિષ્યની રીતિ પ્રમાણે રહ્યા. તેમણે મોક્ષ મેળવવાની ઈચ્છા મનમાં રાખીને ગુરુની ઘણી ઘણી સેવા કરી. એક વખત શ્રી ગુરુ પ્રસન્ન થઈને તેમને પૂછવા લાગ્યાઃ હે પુત્રો! તમે અહીં કેમ આવી રહ્યા છો? તમે કોણ છો? અને તમે કોના પુત્ર છો? (૧૮ – ૨૨)
વધુ આવતા અંકે