ગતાંકથી આગળ…
સર્વને ઋતુ હોય છે માણસને પશુને પક્ષીઓને પૃથ્વીને. પૃથ્વીમાં પણ જ્યારે વસંત રુતું આવે કે વૃક્ષો ખીલવા માંડે પોતાની પ્રસન્નતા અને સૌદર્યમાં વધારો કરવા લાગે પક્ષીઓના પણ ગાયન કિલ્લોલ શરૂ થવા લાગે છે. ખરા પ્રેમમાં પોતાના પ્રેમીને સુખ આપવાની ઇચ્છા હોય છે સુખ લેવાની ઇચ્છા હોતી નથી. અને પ્રેમની રીત પણ એવી છે કે પ્રેમ આપી શકાતો ન હોય તો લઈ પણ શકાતો નથી. તે પણ તેની વાસ્તવિકતા છે જે પ્રેમ આપી શકે છે તે જ પ્રેમ પણ લઈ શકે છે. પ્રેમ લક્ષણા ભક્તિ તે ભગવાનની રસમયી ઉપાસના છે. ભગવાન પોતે પણ રસોવૈસઃ છે. રસ સ્વરૂપ છે. અને પરમાત્માની સાથેનો જેટલો નિકટનો સબંધ લાગે અને લાગતો જાય તેટલો પ્રેમ પણ ગાઢ થતો જાય છે. જ્ઞાની પુરુષો પોતાના અંતરાત્મા સાથે પ્રેમ કરીને તે પરમાત્માનો અનુભવ પોતાની અંદરમાં જ લઈ શકે છે. બીજાઓને કાંઈક આધાર લેવો પડે છે. કેટલાક મૂર્તિનો આધાર લે છે કેટલાક સમાજને ભગવાન કે પરમાત્માનું સ્વરૂપ માનીને આધાર લે છે. અને સમાજને ભગવાનની મૂર્તિ માને છે પરંતુ ભક્તિમાં કે પ્રેમમાં જેનો આધાર લીધો છે તે આધાર સાથે આપણો સબંધ કેવા પ્રકારનો છે તે પહેલા નક્કી કરવું પડે છે. માનો કે રાજા અને નોકરનો સબંધ છે સ્વામી સેવકનો સબંધ છે ત્યાં માનો કે રાજા ખુબ જ દયાળુ છે કૃપાળું છે પ્રેમાળ છે. ઉદાર છે. આવા ગુણ વિશિષ્ટ હોવા છતાં તેનું જે ઐશ્વર્ય જોઈને તેની સેવા કરવાની કે ગુણનો લાભ લેવાની કે પાસે જઈને સ્પર્શ કરવાની પણ હિંમત ચાલતી ન હોય
એવી જ રીતે ઇશ્વર પણ અનંત ઐશ્વર્યવાળા તથા અનંતગુણોવાળા. જ્યારે વિચાર આવે ત્યારે જરૂર ત્યાં આપણને અલ્પજ્ઞપણાની કે અલ્પશક્તિપણાનો અનુભવ થવા લાગે છે અને તેથી જ ભક્તો પોતાને શક્તિહીન માને છે. આમાં શ્રદ્ધા રહે છે પણ સબંધ પ્રાપ્ત થતો નથી. સબંધ તેને કહેવાય બે વસ્તુનું તાદાત્મ્ય એકતા અભિન્નતા માણસ જીવભાવે પોતે ભગવાનનો અંશ છે ભગવાન અંશી છે તેમ માનવાથી દાસભાવ ભક્તોને સુલભ પડે છે. તેથી ઘણા પોતાના નામની પાછળ દાસ શબ્દ પણ લગાડે છે. કોઈ તો દાસાનુદાસ ભાવ પણ રાખે છે. દાસભાવમાં ખાસ તે ખ્યાલ રહે છે જ્ઞાન રહે છે કે ભગવાન મારા સ્વામી છે. હું તેનો દાસ છું તેમાં દાસને દર્શન દેવા કે નહીં તે સ્વામીમાં સ્વતંત્રતા રહે છે તેથી દાસ કહે છે જે સ્વામીની ઇચ્છા તે મારી ઇચ્છા. તેથી આ ભાવથી પણ ઘણા ભક્તોને મૂર્તિમાં ભગવાનના દર્શન થતા નથી. કાંઈક સંભ્રમ ભય સંકોચ રહે છે. અને તેનાથી પણ ઉતમ સખાભાવ છે મિત્રભાવ છે તેમાં ભગવાનનું ઐશ્વર્ય છુપાઈ જાય છે. રાજાનો કે સ્વામીનો પ્રભાવ તેના સેવક ઉપર નોકર ઉપર કે દાસ ઉપર પડે છે. તેથી દાસ ભાવમાં સંભ્રમ ભય તથા સંકોચ રહે છે પણ જે રાજાના મિત્રો હોય છે તેના ઉપર પડતો નથી. કૃષ્ણનો પ્રભાવ અર્જુન ઉપર પડતો ન હતો. તેથી ભગવાન શ્રીકૃષ્ણને જેમ તેમ તે રીતે બોલાવતો હતો અને તે પ્રભાવ તો મહાભારતના યુદ્ધ વખતે પડયો જે સમૃદ્ધિવાળા અંનત ઐશ્વર્યવાળા ભગવાન જ્યારે મિત્રના સારથી બનીને એક નોકરની માફક આજ્ઞાંકિત બનીને કામ કરતા હોય રથ ચલાવતા હોય ત્યારે શું પ્રભાવ? પરંતુ જ્યારે ગીતાજ્ઞાન આપે અને વિશ્વરૂપના દર્શન કરાવે ત્યારે અર્જુનને ખબર પડી કે કૃષ્ણ ભગવાન છે તેમ રાજાનો પણ પોતાના મિત્રો પાસે પ્રભાવ પડતો નથી. મિત્ર ભાવમાં સમાનતાછે. તેથી ઘણા ઘણા પોત પોતાના સમોવડી સાથે મૈત્રી ભાવ રાખે છે. છતાં મિત્રોમાં પરસ્પરમાં પ્રેમની અપેક્ષા રહે છે. તેમાં વારંવાર હ્રદય પલટા થવાનો પણ સંભવ રહે છે. અને થતા રહે છે ત્યારે પરસ્પરનો પ્રેમ પણ ભયમાં મૂકાઈ જાય છે એક થોડો ઉદાસ દેખાય કે બીજો પણ તુરત ઉદાસીન બની જાય છે. અને કોઈ એવા કારણો ઊભા થાય કે થવાનો સંભવ છે કે પરસ્પર પરસ્પરને પ્રેમ આપતા બંધ થઈ જાય અને મૈત્રી ભાવ પણ તુટી જાય તેથી તેવા મિત્રોને પણ સતત હ્રદય પલટા તરફ લક્ષ રહે છે. પ્રેમ ભયમાં હોય છે એવી રીતે કયારેક ભગવાન પાસેથી પણ ભક્તને જવાબ ન મળે તો ભક્ત પણ ગભરાય જાય છે કયારેક એકાંતે રડવા લાગે છે. ભગવાન પાસે રડી લે છે. અને ભગવાન તૈયાર હોય ત્યારે ભક્ત તૈયાર હોતો નથી તો ત્યારે ભગવાનને સંકોચ રહે છે. કે હું તો મળવા તૈયાર છું પણ તે જ મને મળવા તૈયાર નથી તો ભગવાન પણ સંકોચ અનુભવીને ભક્તની તૈયારીની પ્રતિક્ષા કરે છે.
સ્ત્રી પુરુષમાં પણ તેમ જ હોય છે. એક પ્રેમ આપવા તૈયાર ન હોય તો બીજું પણ રોકાય જાય છે માટે બંનેમાં એક વખતે પ્રેમ હોવો જોઈએ. અને તેમ ન હોય તો ખરો પ્રેમ મળતો નથી. મિત્ર પ્રેમમાં પણ ન્યુનતા રહી જાય છે. અને મિત્ર ભાવે મૂર્તિ દર્શન આપે અને ન પણ આપે. મિત્ર પ્રેમથી અધિક વાત્સલ્ય પ્રેમ છે. જે માતાપિતાનો છે. માબાપ અને પુત્ર વિશે વિશેષ પ્રેમ રહે છે તેમાં નિરપેક્ષભાવ જરૂર રહે છે. માતા પિતા પુત્ર પાસેથી પ્રેમની અપેક્ષા રાખ્યા વગર પુત્ર ઉપર પ્રેમ કરતા હોય છે. પુત્રના સુખને માટે પોતાના સુખનો ત્યાગ કરે છે. મા બાપને સતત તેનું જ ચિંતન રહે છે કે મારો પુત્ર કેમ અધિક સુખી થાય અને તેને સુખી કરવામાં જ તેનું ચિત્ત પ્રસન્ન રહે છે. જ્યારે ભક્ત અને ભગવાન વચ્ચે આવો સબંધ થાય અને જેમ રામકૃષ્ણ પરમહંસ મૂર્તિની મા માની અને મા તરીકે સેવા કરતા હતા અને ત્યાં જેમ દીકરો ઘણી ભૂલો કરે અપરાધ કરે પરંતુ તે દીકરાના અપરાધ કે ભૂલો સામે માતા પિતા જોતા નથી અને તે ભૂલો ને ભૂલી જાય છે. અને સેવા કરતા કરતા પણ ભૂલ થાય તો પણ ભગવાનને તે રૂપે દર્શન આપવાની ફરજ પડી જાય છે. રામકૃષ્ણ પરમહંસની આ માતાજીની ભક્તિ વિશે સર્વ કોઈ જ્ઞાત છે કે તે માતાજી સાથે વાતો પણ કરી શકતા હતા. જ્યાં વાસ્તલ્ય પ્રેમ છે ત્યાં ભગવાન પણ પરતંત્ર થઈ જાય છે. ભકતના દોષ જોતા નથી. તેમાં સેવા પ્રમાણે ફલ નથી પણ ભાવ પ્રમાણે ફલ છે.
પોતાના સંતાનો પાસે પુત્ર હોય કે પુત્રી હોય પરંતુ માતા પિતા પોતાનું સુખ સંતાનો પાસે પહેલા માગતા નથી છતાં વાત્સલ્ય પ્રેમમાં પણ કાંઈક ન્યુનતા રહી જાય છે અને ઉંમરમાં પણ તફાવત રહે છે અને કર્તવ્ય અકર્તવ્યનો પણ વિચાર રહે છે. અને સાથે મર્યાદાનો પણ સંકોચ રહે છે. જ્યાં કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કે મર્યાદાનો વિચાર રહે છે ત્યાં સુધી વિશુદ્ધ પ્રેમ ઉત્પન્ન થતો નથી. કાંઈક અંશે સ્વાર્થની પણ માત્રા રહે છે. વિશુદ્ધ પ્રેમમાં તો પોતાના પ્રિયતમને પ્રસન્ન કરવા તે જ કાર્ય રહે છે. જેના ઉપર આપણને પ્રેમ છે તે પ્રસન્ન કેમ રહે. બસ તેવા જ કાર્ય કરવા અને તેને અનુકૂળ રહીને કાર્ય કર્યા કરવું એ જ વિશુદ્ધ પ્રેમમાં કાર્ય રહે છે. અને એ જ પરમ ધર્મ પણ છે. શરીર ભગવાનનું કામ કરે વાણી તેના ગુણોનું વર્ણન કરે મન તેનું સતત સ્મરણ કરે અને બદલામાં પોતે પોતાના સુખ માટે કાંઈ પણ ન માગે કે પોતે સુખની અપેક્ષા ન કરે તેને વિશુદ્ધ અથવા મધુર પ્રેમ કહે છે. મધુરભાવમાં ભક્ત માત્ર મારો પ્રભુ મારો ભગવાન કેમ મારાથી પ્રસન્ન રહે સુખી રહે ગોપીઓનું જ્વલંત ઉદાહરણ મળે છે. મધુરભાવ કે અને ભગવાન શ્રી કૃષ્ણને પણ ગોપીઓ ને કહેવું પડયું કે હે ગોપીઓ તમે તમારા તન મન ધન સર્વસ્વ અર્પણ કરીને કે બદલામાં કાંઈ પણ ન માંગીને મને કાયમને માટે ઋણી બનાવ્યો છે. હું કોઈ પ્રકારે આપના પ્રેમનો બદલો આપી શકું તેમ નથી. પછી આખો દિવસ તે ભક્ત મૂર્તિમાં પણ તે પ્રેમ ભાવથી સુખની જ ભાવના કે ચિંતન કરતો હોય છે. પછી ભક્ત એ જેનો આશ્રય કે આધાર લીધો હોય તે પછી તેની જ તેને ચિંતા રહે છે પછી તે ગુરુ હોય કે ગોવિંદ હોય કે પોતાનો અંતરાત્મા હોય. જ્યાં ભગવાન જોવાની ટેવ પડી છે ત્યાં પછી આધાર ઉપર આધાર નથી પણ ભાવ પર આધાર છે. પછી વસુદૈવ કટુંબકમની ભાવના રાખવાવાળા પણ બધાને સુખ આપવાની વૃતિવાળા હોય છે. સર્વ પ્રત્યે સમભાવ રાખે છે. પણ પોતાના સુખની ઇચ્છા જરાપણ કરતા નથી.
વધુ આપણે કાલે જોઈશું…