તરંગ ચોથો
ઉત્તમાધિકારી ઉપદેશ – નિરૂપણ
શુભ સંતતિ અને તેના ત્રણ પુત્રોની કથા
દોહા
ગુરુ શિષકે સંવાદકી, કહૂં વ ગાથ નવીન |
પેખિ જાહિ જિજ્ઞાસુ જન, હોત વિચાર પ્રવીન || ૧ ||
ગુરુ – શિષ્યના સંવાદ દ્વારા ગ્રંથ સારો સમજાય છે; માટે તે વિષે હું એક કલ્પિત નવીન કથા કહું છું એ વાત સાંભળવાથી જિજ્ઞાસુ મનુષ્યો વિચાર કરવામાં પ્રવીણ થશે. (૧)
તીન સહોદર બાલ સુભ, ચક્રવર્તી સંતાન |
શુભસંતતિ પિતુ તિહિંનમૈ સ્વર્ગપતાલ જહાન || ૨ ||
એક ચક્રવર્તી રાજાના ત્રણ સારા પુત્રો સગા ભાઈઓ હતા. તેમના પિતાનું નામ શુભસંતતિ હતું અને સ્વર્ગ, મૃત્યુ અને પાતાળના લોક તેને નમતા હતા; અર્થાત્ તે ત્રણે લોકમાં તેનું રાજ્ય હતું. (૨)
તત્વદૃષ્ટિ ઈક નામ અહિ, દૂજો કહત અદૃષ્ટ |
તર્કદૃષ્ટિ પુની તીસરો, ઉત્તમ, મધ્ય, કનિષ્ટ || ૩ ||
તે ત્રણ બાળકનાં નામઃ સૌથી મોટાનું નામ તત્ત્વદૃષ્ટિ હતું, બીજાનું નામ અદૃષ્ટ હતું અને ત્રીજાનું નામ તર્કદૃષ્ટિ હતું. તેઓ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ અધિકારી હતા. (૩)
ચૌપાઈ
બાલપનો સબ ખેલત ખોયો, તરુણ પાય પુનિ મદન બિગોયો |
ધારિ નારિ ગૃહ માર પ્રકાશી, ભોગ લહૈં તુહું સબ સુખરાશી || ૪ ||
તે રાજાએ પોતાનું બાળપણ રમતાં રમતાં ગુમાવ્યું. તે જુવાન થયો ત્યારે કામદેવે તેને સતાવવા માંડ્યો; તેથી તેણે સ્ત્રીનું પાણિગ્રહણ કર્યું અને કામદેવનો પ્રકાશ અનુભવ્યો. એવી રીતે ગૃહસ્થાશ્રમી થઈ સર્વ સુખ ભોગવવા લાગ્યો. (૪)
શુભસંતતિનો વૈરાગ્ય
દોહા
સ્વર્ગભૂમિ પાતાલ કે, ભોગહિં સર્વ સમાજ |
શુભસંતતિ નિજ તેજબલ, કરત રાજકે કાજ || ૫ ||
આ રીતે ત્રણ લોકનું રાજ્ય વૈભવ, સારાં સંતાન વગેરે પામીને શુભસંતતિ રાજા સુખ ભોગવતાં ભોગવતાં પોતાના પ્રતાપ વડે રાજ્યકાજ કરતો હતો. (૫)
લહિ અવસર ઈક તિહિં પિતા, નિજ હિય રચ્યો વિચાર |
સુખસ્વરુપ અજ આતમા, તાસૂં ભિન્ન અસાર || ૬ ||
ઇહિં કારન તજિ રાજ યહ, જાનૂં આતમરુપ |
સ્વર્ગભૂમિ પાતાલકે, તિહું પુત્રહિં કરિ ભૂપ || ૭ ||
એક દિવસ શુભસંતતિના મનમાં વિચાર આવ્યો કે, સુખરૂપ તો ફક્ત આત્મા છે; આત્માથી ભિન્ન તમામ વસ્તુઓ તુચ્છ (સાર વગરની) છે, આટલા માટે મારા ત્રણ છોકરાઓને ત્રણ લોકનું રાજ્ય વહેંચી આપીને હું આ રાજ્ય તજીને ચાલ્યો જઉં અને આત્માના સ્વરૂપનો અનુભવ કરું. (૬,૭)
અસ વિચાર શુભસંતતિ કીના, મંત્ર પેખિ તિહું પુત્ર પ્રવીના |
દેશ ઈકંત સમીપ બુલાયે, નિજ વિરાગકે બચન સુનાયે || ૮ ||
ભાખ્યો પુનિ યહ રાજ સંભારહુ, ઈક પતાલ ઈક સ્વર્ગ સિધારહુ |
અપર બસહુ કાશી ભુવિ સ્વામી, રહત જહાં શિવ અંતરયામી || ૯ ||
જિહિં મરતહિં સુનિ શિવ ઉપદેશા, અનયાસહિં તિહિં લોક પ્રવેશા |
ગંગ અંગ મનુ કીર્તિ પ્રકાશૈ, ઉત્તર વાહિની અધિક ઉજાસૈ || ૧૦ ||
આવો વિચાર કરીને પોતાના મંત્રીને એ વાત સમજાવી અને પછી ત્રણે પુત્રોને એકાંતમાં બોલાવી કહ્યું કે મને સંસાર ઉપરથી વૈરાગ્ય થયો છે; માટે હવે તમે ત્રણે જણ આ રાજ્ય સંભાળી લોઃ એક જણ સ્વર્ગનું, એક જણ પાતાળનું અને એક જણ કાશીનગરમાં રહીને ભૂલોકનું (મૃત્યુલોકનું) રાજ્ય કરજો.
કાશી નગરી અતિ ઉત્તમ છે. તેમાં અંતર્યામી મહાદેવજી નિવાસ કરી રહ્યા છે. એ નગરીમાં જે મરણ પામે છે, તેને મહાદેવજી મૃત્યુ વખતે તારકમંત્રનો ઉપદેશ કરે છે; તેથી અનાયાસે મહાદેવના લોક (કૈલાસ)માં જાય છે. ત્યાં આગળ ઉત્તર ભણી વહેનારી ગંગાનદીનાં શ્વેત પાણી, તે જાણે એ નગરીની કીર્તિનો પ્રકાશ ન કરી રહ્યાં હોય, તેવાં શોભે છે. (૮ – ૧૦)
વધુ આવતા અંકે