વખત વિત્યાની પહેલા શું? – (8)


ગતાંકથી આગળ…


શુક્રાચાર્ય જેવા ગુરુનું ગુરુપણું પણ બલિરાજા જેવા ઉદાર સમર્પિત દાતાને શિષ્યને સંસારનો લાભ દેખાડે છે. અને આત્માના લાભથી વિમુખ કરે છે. આ ઉપરથી જણાશે કે સાચી માન્યતા બાંધવામાં ત્રણ બાબતની જરૂર પડે છે. એક તો ખોટી માન્યતા દુર કરવી. પરમાત્માના લાભથી દુર રાખે તેવી માન્યતાથી દુર રહેવું અને બીજું સત્ય કોને કહેવું તે કોઈ અનુભવી આત્મજ્ઞાની મહાપુરુષની અનુભવથી જાણવું. અને ત્રીજું જ્ઞાન કોને કહેવું તે સમજવું. ઉત્તમજ્ઞાન કયું છે જે જગતના પદાર્થો અને જીવો પરમાત્માની સાથે એક રૂપમાં જણાય જે જ્ઞાનથી તેને સાત્વિક જ્ઞાન કહેલું છે. અને જે જ્ઞાનથી સઘળું જુદું જુદું અને ભિન્ન ભિન્ન ભેદ યુક્ત જણાય તે જ્ઞાન રાજ્સ જ્ઞાન છે. અને જે જ્ઞાનથી જીવનનો હેતુ જ સમજવામાં ન આવતો હોય અને સંસારની આસક્તિની વૃદ્ધિ કરે તે જ્ઞાન તામસ જ્ઞાન છે. સાત્વિકજ્ઞાન તેજ સાચું જ્ઞાન છે. ભલે આપણે વહેવાર કરતા હોઈએ પણ વહેવાર વખતે પણ જાગૃતિ રહેવી જોઈએ કે હું સચ્ચિદાનંદરૂપ છું. ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. અને જો આવી જાગૃતિ રહેશે તો નાની નાની ક્રિયા થશે તેમાં પણ ઘણું જ સૌદર્ય લાગશે.

સંસાર ખરાબ નથી આપણી દૃષ્ટિ ખરાબ છે. આપણું મન ખરાબ છે. સંસારમાં પ્રભુના દર્શન કરવાની ટેવ પાડવી જોઈએ તો સઘળું સારું દેખાશે. અને સુંદર દેખાશે. અને સંસારમાં અદભુત સૌદર્યના દર્શન થશે. જ્ઞાનના આવા ત્રણ પ્રકાર થવાનું કારણ તે છે કે ઘણીવાર જ્યારે મન એક વસ્તુ માગતું હોય છે ત્યારે પ્રાણ બીજુ વસ્તુ માગે છે. મન કહે છે ધર્મનુ સુખ દે પ્રાણ કહે છે કામનું સુખ દે. ત્યારે શરીર ત્રીજુ માગે છે. અર્થ સુખને પરંતુ મનને જ્યારે એવું સમજાય કે ભગવાન પહેલા છે આ સૃષ્ટિના પદાર્થો ન હતા ત્યારે પણ ભગવાન હતા અને આ પદાર્થો નહીં હોય ત્યારે પણ ભગવાન હશે. ભગવાન સૌની પહેલા છે અને સઘળું જે ચાલે છે તે તેની સતાથી ચાલે છે. છતાં પ્રાણ અને શરીર આપણી પાસે પહેલી તે વસ્તુ મૂકે છે. મન પ્રાણ તથા શરીર ત્રણે જુદા ન લાગે પણ આત્મામાં એકરૂપ લાગે આત્માનો અનુભવ લાગે. પ્રાણ અને શરીરના ધર્મ સામાન્ય રીતે મનને એવી રીતે મનાવવાનો પ્રયત્ન કરે છે કે જેટલું આ જગત દેખાય છે તે સાચું છે. અને તેથી પ્રાણ સુખ અને શરીરના સુખ સિવાય સંસારમાં કશું પણ નથી. પછી તેમાં સામાન્ય સ્વભાવવાળું મન પણ મદદ કરવા લાગે છે. તેથી ત્યાં જ્ઞાન જ ઉપયોગી થશે. કે જયારે મન પ્રાણ તથા શરીર સુખને પ્રાપ્ત કરવા માટે મદદ કરે ત્યારે મનને જ્ઞાનથી સમજાવવું તે જ્ઞાનનું કામ પહેલું છે કે તેને જીવનનો હેતુ શું છે શા માટે જીવન છે જીવવાનો મતલબ શો? વગેરે વગેરે અને તેવા જ્ઞાનથી મનને પણ તેવી ખાત્રી થવી જોઈએ વિશ્વાસ બંધાવો જોઈએ કે જેથી પ્રાણ તથા શરીર પણ પોતાનો વિરુદ્ધ સ્વભાવ છે તે બતાવે નહીં અને તેવી માગણી છોડી દે છે.

પ્રાણ અને શરીરના સ્વભાવ ફેરવવા કે બદલાવવા માટે જ ધ્યાન છે અને તે માટે ધ્યાન કરવાની જરૂર છે પરંતુ ધ્યાન કેમ કરવું કેટલું કરવું કેટલા કલાક કરવું? આ સમજવા માટે આપણે ધ્યાન વગરનો જે સમય છે તે કેવો કાઢીએ છીએ કેમ કાઢીએ છીએ તેના ઉપર આધાર છે. અને તે સમયે કેમ ગાળવો તે શીખવું પડે છે. તેમાં પણ મનને કેળવવું પડે છે. અને તે સમય ગાળતા આવડવું જોઈએ. જો તે સમયે પ્રસન્ન નહીં રહી શકીએ તો ધ્યાન વખતે પણ વિક્ષેપ થશે. વાસ્તવિકતામાં તો સાચું ધ્યાન તે છે કે જેમાં પ્રયત્ન ન કરવો પડે પણ ઉલટાનું ધ્યાન છોડવામાં કે ધ્યાનથી બહાર આવવામાં તકલીફ પડે તે સાચું ધ્યાન છે. અને જો આવી સ્થિતિ હોય તો તે વિકાસનું લક્ષણ છે. તેમ જાણવું. ઘણા માણસો એટલે કે સાધકો ધ્યાનમાં બેઠા હોય ત્યારે તેને ખુબ આનંદ જનક દશાનો અનુભવ લેતા પણ હોય છે. જગતને પણ ભુલી જતા હોય છે. પરંતુ જો કોઈ માણસ તેના ધ્યાનમાં વિક્ષેપ કરે કે ભંગ કરે તો બહુત ક્રોધિત થઈ જાય છે. ભંગ કરનાર ઉપર ધૃણાની તથા તિરસ્કારની દૃષ્ટિથી જુવે છે. અણગમો ઉભો કરે છે અને જાણે શત્રુ કેમ હોય તેવું જણાય છે. જાણે ધ્યાન કરીને ભગવાનનું માગણું કે દેવું કેમ ચુકવતો હોય તેવું જણાય છે. ધ્યાન કરવું એટલે ભગવાનનું દેવું ચૂકવવાનું નથી. આપણા તન મનને ઠીક કરવા માટે ધ્યાન કરીએ છીએ અને ધ્યાનમાંથી ઉઠયા પછી પણ ભગવાનનો અનુભવ કરવાનો છે. ધ્યાનમાં ભગવાનનો અનુભવ લેવા માટે બેઠા હતા આંખ બંધ કરીને તે પછી ખુલી આંખે પણ અનુભવ કરવાનો છે. આપણા જીવનની નાનામાં નાની ક્રિયા થતી હોય તે પણ ભગવદ ભાવમાં ફેરવવાની છે. આવી સ્થિતિ બંધાય જીવનની ત્યારે કાંઈ પણ આ સંસારમાં નિરઉપયોગી નથી. ધ્યાન વખતે જે સત્વગુણી સાત્વિકજ્ઞાન થયું હોય તે વહેવાર વખતે પણ પ્રાણ અને શરીર તે જ્ઞાનમાં ભેદ ન પડાવે તેની સંભાળ રાખવાની જરૂર પડે છે.

જગતનો વહેવાર પોતાના જાગૃત ચૈતન્યથી ગ્રહણ કરવો જોઈએ. વળી તે પણ સમજવાની જરૂર છે કે પ્રાણના ધર્મ અને શરીરના ધર્મ આત્માના મૂળ સ્વરૂપને કાંઈ પણ હાની કે બગાડી શકતા નથી કે તેનાથી આત્માનું સ્વરૂપ બગડતું નથી. તે તો સ્વરૂપથી જેવો ને તેવો રહે છે. પરંતુ જ્યારે પ્રાણના ધર્મ તથા શરીરના ધર્મ પોતાના સ્વાર્થનું સુખ પહેલું માગે છે. અને સાચી સમજણ જો ન હોય કે આંતર જાગૃતિ ન હોય તો આત્માનો અનુભવ થઈ શકતો નથી. આત્મા કે પરમાત્માનો થયો ન હોય તો પણ કેટલાક ભક્ત પરમાત્માના ગુણનું વર્ણન કરે છે તે જરા પણ ખોટું નથી. કારણ કે તે પરમાત્માના ગુણો અનુભવ વખતે ઉત્પન્ન થતા નથી. અને અનુભવ પછી જતા રહેતા નથી. કાયમને માટે જે વસ્તુ નિત્ય છે. તે શરૂઆતમાં પણ હાજર છે. અને તે શ્રદ્ધા તથા પ્રેમથી જ અનુભવમાં આવે છે. અનુભવ વિના પરમાત્માનું જ્ઞાન થતું નથી. પણ અનુભવ માટે કેટલુંક જ્ઞાન શ્રદ્ધાથી તથા પ્રેમથી જ અનુભવમાં આવે છે. અનુભવ વિના પરમાત્માનું જ્ઞાન થતું નથી. પણ અનુભવ માટે કેટલુંક જ્ઞાન શ્રદ્ધાથી માની લેવું પડે છે. તેથી ગુરુ અને શાસ્ત્રની જરૂર પડે છે કે જેથી સાચી માન્યતાની શરૂઆત કરી શકાય.

જીવનનો હેતુ પ્રાપ્ત થયા પહેલા સમજીને માની લેવામાં ફાયદો છે. નુકસાન નથી. અને તે માન્યતા વગર જ્ઞાનની વાતો પણ સમજાશે નહીં. બધા જન્મે છે અને બધા મરે છે. તેટલુ તો સૌ કોઈ સમજે છે. અને વાતો પણ કરે છે તેથી માત્ર તેટલું જ જીવન જોવાથી જીવનની ખરી કિંમતનો વિચાર કર્યા વિના જીવનનું સાચું ફળ દેખાશે નહીં. તેથી જીવનની સાચી કિંમત સમજાવનારા ધર્મો અને સંપ્રદાયોની જરૂર છે. માણસ કપડાં ઘરેણા પહેરે પછી તે માને છે કે મને મારા કપડા ઘરેણા શોભા આપે છે. પરંતુ કપડા ઘરેણા માણસને શોભા આપતા નથી. કપડા ઘરેણાને માણસ શોભા આપે છે. અને જે લોકોને આત્માનો અનુભવ થયો હોય છે તેઓ પોતાનો માર્ગ સામાન્ય માણસને સમજાવવા માટે એક જાતની રીત કે પદ્ધતિ ગ્રહણ કરે છે. તે પદ્ધતિ વખત જતા સંપ્રદાય અથવા ધર્મનું રૂપ ધારણ કરે છે. વળી માણસની પ્રકૃતિ પ્રમાણે સમજાવવાની પદ્ધતિમાં ફેર પડવાથી જુદા જુદા કેટલાક સંપ્રદાયો થાય છે અને તે પણ સત્ય છે કે સંપ્રદાય વિના સત્ય સમજવાની પદ્ધતિ મળશે નહીં. પરંતુ ત્યાં મુખ્ય બાબત તે છે કે જે હેતુથી અને જે અનુભવથી સંપ્રદાયના મૂળ પુરુષે સંપ્રદાય ઊભો કર્યો છે તે અનુભવ ઉપર દૃષ્ટિ રાખવી જોઈએ. નહીંતર ખોટી રુઢિઓમાં ફસાવાનું જરૂર થાય છે. જે અનુભવ માટે સંપ્રદાય ઉત્પન્ન થયો હોય તે અનુભવ ન મળે ત્યારે સંપ્રદાય ફેરવવાનું મન પણ થાય છે. કેટલાક એમ કહે છે કે સંપ્રદાયથી ધર્મના વાડા બંધાય છે. અને તેથી સત્ય સમજવાની મુશ્કેલી વધે છે. જેમ જેમ વાડા વધતા જાય તેમ તેમ સત્ય ઢંકાતુ જાય છે. જ્યાં સુધી જીવનનો હેતુ નક્કી થયો ન હોય કે સમજાયો ન હોય ત્યાં સુધી તેને સંપ્રદાયની વળી શી જરૂર. પશુને પોતાના જીવનના હેતુની ખબર નથી તેથી તેને સંપ્રદાયની શી જરૂર. અને જરૂર જણાતી પણ નથી. જેને મન જીવન એક એવી નદી હોય કે જેનો છેડો પણ ન હોય અને જેનો અંત પણ ન હોય તો સંપ્રદાયની શી જરૂર. પરંતુ જીવનનો કોઈ અર્થ છે નિરર્થક નથી રહસ્ય છે અને સંપ્રદાય જીવનનો અર્થ સમજાવે છે. રહસ્ય બતાવે છે. સંપ્રદાય એટલે સારી રીતે જે સારું પ્રદાન કરે આપે તે સંપ્રદાય કહેવાય. એટલે સંપ્રદાય જીવનનો અર્થ બતાવે છે. અને તેટલું જ નહીં પણ સંસારનું મૂળ તથા અંત પણ બતાવે છે. અને સંસાર તથા જીવન કે જે શાશ્વત જીવન છે. તે બંનેને મૂળમાં એક કરીને બતાવે છે.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: