ગતાંકથી આગળ…
અહીં એક તત્વનું સ્વરૂપ સમજાવવા માટે જે ભાષાનો ઉપયોગ કરવો પડે છે અને અજ્ઞાન દશામાં જે શબ્દો અને તેના અર્થો સમજાવવામાં આવે છે કે તેમાં જે શબ્દોનો અર્થ સમજાવવામાં ઉપયોગ કરવામાં આવે છે તે શબ્દો જ્ઞાન દશામાં નવા અર્થ માટે કામ આવી શકતા નથી.તેથી તે જ્ઞાનદશાના અર્થ સમજાવવા માટે મહાત્માઓ નવા નવા શબ્દો વાપરે છે. અને તેમાંથી જ ભજન વાણીના શબ્દો નવા નવા વપરાતા રહ્યા છે. અને પ્રવચનમાં પણ અલગ અલગ ઢંગથી કે રીતભાતથી શબ્દો વસ્તુને સમજાવવા મહાત્માઓ કહેતા હોય છે. અને તેવા શબ્દોથી તેના શિષ્યો તથા તે દશામાં જ રહેલા હોય તેને ફાયદો થાય છે. પરંતુ તે શબ્દો બીજાને ઉપયોગી થતા નથી. તે શબ્દો પૂર્ણ સમાજને કામ આવતા નથી. સમાજને પોતાના શબ્દોમાં નવા અર્થ જોઈએ છે અને તે કામ બરાબર બની શકતું નથી. અને ઇશ્વર કે પરમાત્મા એક છે છતાં ધર્મને નામે જુદા જુદા સંપ્રદાયો પરસ્પર મારા તારા ભગવાનનો ભેદ પાડીને લડતા હોય છે. જ્યારે જ્ઞાનની ભાષા સમજવાની અને નવા પ્રકારના વિચારોની ટેવ પાડવી જોઈએ.
આ સારું એ જગત આનંદમય અને ચૈતન્ય સ્વરૂપ છે સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વભાવવાળું છે છતાં અમને અસત જડ તથા દુ:ખરૂપ દેખાય છે કારણકે તે આપણે જે કાચથી
કે દુરબીનથી જગત કે કોઈ પણ વસ્તુ જોઈએ છે ત્યારે ત્યાં કાચ કે દુરબીન પોતાનો ધર્મ પ્રગટ કરે છે. દુરબીન એક તો દુરનું નજીક જેવું દેખાડે છે અને ઘણા કાચ નાની વસ્તુને મોટી કરીને દેખાડે છે તે વસ્તુનો ધર્મ નથી. પણ તે કાચનો ધર્મ છે. વસ્તુ વસ્તુ જ હોય છે. આપણે ક્યારે આપણા શરીરને કોઈ કાચમાં જોશું તો આપણા કદના માપ કરતા ઘણું મોટું તથા લાંબુ કે વિકૃતિવાળું દેખાશે ઘણા કાચમાં આપણું માથું મોટું છાતી પેટ ઘણા નાના મોટા વિકૃતિવાળા પગ કેડેથી ખુબ લાંબા દેખાય. કોઈકમાં ટૂંકા દેખાય અને કોઈમાં કેડથી ઉપરનો ભાગ ઘણો જ કદરૂપો દેખાતો હોય છે અને ઘણા કાચમાં આપણા બિંબ જેવું પ્રતિબિંબ દેખાતું હોય છે. તેથી તે સઘળો કાચનો ધર્મ છે તો આપણે જે જગત જોઈએ છે તેમાં આપણને જે ઇન્દ્રિયો મન બુદ્ધિ જે બતાવે છે તેટલું સાચું માનીએ છીએ. અને જગતનો જે જોયા વગરનો ભાગ છે તે કે જેની સાથે મન બુદ્ધિ તથા ઇન્દ્રિયોને સબંધ થયો નથી તે જગત નથી તેમ મનાય છે. એટલા માટે આપણે જેમ આપણા શરીરના કદમાં કે બિંબ પ્રતિબંબમાં કાચ પોતાનો ધર્મ બતાવે છે તે કાચનો ધર્મ પણ સમજવો પડે નહીંતર માન્યતામાં ભૂલ થાય તેમ અહીં પણ જગત સચ્ચિદાનંદ સ્વરૂપ કે સ્વભાવવાળું દેખાવાને બદલે અસત જડ તથા દુ:ખરૂપ દેખાય છે તેમાં અજ્ઞાન તથા માયા અને સત્ય કે પરમાત્માને સમજવા માટે આપણે દશા ફેરવવી પડે જે દશાથી જોઈએ છીએ તે દશાથી પરમાત્માને ન જોઈ શકાય કે સમજી શકાય.
જીવનમાં જો સાચો પ્રશ્ન થશે તેના સાચા ઉતર પણ મળશે. જ્યાં પ્રશ્ન થાય છે ત્યાં જ ઉતર છે. કારણ કે દુરબીન કે કાચમાં જે દેખાય છે તેની ભૂલ કયાં થાય છે તેનો ઉતર પણ ત્યાં દુરબીન કે કાચમાં જ છે. કારણ કે સમાન્યરૂપમાં જે દેખાતા પદાર્થોના વિરુદ્ધ સ્વભાવો તે તે દૃષ્ટિ કે દર્શન દુર થતાં દેખાતા નથી કે વિરુદ્ધ રહેતા નથી.
સામાન્ય રૂપમાં માણસ પોતાને હું હું કરતો ચાલે છે. તેમાં હું તેનો મુખ્ય વિષય તો ચૈતન્ય છે. છતાં દેહ ઇન્દ્રિયો તથા અંતઃકરણને વિષય બનાવીને જે હું હું કરતો હોય છે તે દુરબીન કે કાચમાંથી જોયેલો હું છું. ઇન્દ્રિયો મન બુદ્ધિ બધા સેળભેળ કરીને અનુભવ આત્મા સુધી પહોંચાડે છે અને તે હું જ્યારે જ્ઞાનદશા થાય છે તેમાં તે હું રહેતો નથી. આ વાતને આપણા અનુભવી મહાત્માઓ સારી રીતે સમજી શકે છે. તેવી જ રીતે સામાન્ય ભાષાના શબ્દોના બધા અર્થો પણ જ્ઞાનની દશામાં ફરી જાય છે. આત્માના કે પરમાત્માના ક્ષેત્રને માટે ભાવ કે રસ જ્યાં સુધી પેદા ન થાય ત્યાં સુધી તે ક્ષેત્ર ના ધર્મ કે અર્થ સમજાશે નહીં.
આ પરમાત્માના ક્ષેત્રમાં આખું સમષ્ટિ જીવન એક સાથે ચાલતું હંમેશા આપણી નજર આગળ રહે છે. અને તે જ દૃષ્ટિથી બહારની વસ્તુઓની આપણે કિંમત આંકીએ છીએ. અને તેવી ઉતમ દૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે પણ ટેવ પાડવી જોઈએ.
જે જગતમાં સુખ તથા સૌંદર્ય જોઈ શકતા નથી અને દુ:ખ તથા દીલગીરી જુવે છે તે ખરૂં સાચું જગત જોઈ શકતા નથી. તેમનું જોયેલું જગત તે પૂર્ણ જગત કે આખું જગત નતી. તે તેમનુ પોતાનું માનેલું જગત છે. આપણ જે જ્ઞાનથી ઓછી તથા અલ્પ વસ્તુ જોઈએ છે તે જ્ઞાનથી આપણે પૂર્ણ કે આખી વસ્તુ જોઈ શકશું નહીં. તેથી આપણા જીવનની શરૂઆતમાં આત્મજ્ઞાનની બહુ જ જરૂર છે. જો જ્ઞાન હશે તો વહેવાર અને પરમાર્થની એકતા સમભાવે સહજ રીતે કરી શકાશે.
વધુ આપણે કાલે જોઈશું…