ગતાંકથી આગળ…
આપણા ઋષિ મુનિઓ તેમ કહે છે કે ભગવાનની પ્રાપ્તિ માટે જે સાધન ઉપયોગમાં લેવામાં આવે છે તે કરતા ભગવાન માટે જે પ્રેમની જરૂર છે તે સમજવાની વધુ જરૂર છે. કારણ કે ભગવાન કોઈ એકદેશીય કે એકકાલીય નથી કે સાધનથી સાધ્ય થાય. તે કોઈ સાધનનું સાધ્ય નથી. તેને માટે તેવા પ્રેમની જરૂર છે. શ્રદ્ધાળુ તથા આસ્તિક લોકો માને છે કે ભગવાનનો જો સબંધ થઈ જાય તો માણસ પરમ સુખી જ્ઞાની અને અમર થઈ જાય છે. આ બાબત શ્રદ્ધાથી સ્વીકારવી તે ખોટી માન્યતા નથી. કારણ કે આવી શ્રદ્ધાથી ઘણા આસ્તિક શ્રદ્ધાળુ માણસો પરમ સુખી જ્ઞાની તથા અમર થઈ ગયા છે. જેની ગાથાઓ ગવાય છે. પદો ગવાય છે અને તે પદોમાં પોતનો નિજ અનુભવ પણ પ્રગટ કરતા ગયા છે. પરમ સુખી થવાનો જ્ઞાની અને અમર થવાનો.પરંતુ આપણે ભગવાન ભગવાન કહીએ છીએ પણ ભગવાન શબ્દનો અર્થ શું થાય તેમાં પણ જુદા જુદા વિદ્વાનો જુદી જુદી રીતે કરતા હોય છે. માટે સમજનારને ભગવાન શબ્દથી કેટલી સમજણ આવે છે તે પહેલા તપાસવું જોઈએ. જયારે ભગવાન શબ્દથી સઘળી સમજ આવી જાય મતલબ કે જ્યાંરે કાંઈ પણ જાણવાની ઇચ્છા ન રહે અને જરૂર પણ ન રહે ત્યારે ભગવાન શબ્દનો અર્થ પૂરો સમજાયો તેમ કહેવાય. કારણ કે જેણે પહેલો વહેલો ભગવાન શબ્દ વાપર્યો હશે તેને ભગવાનનો જે બોધ કે જ્ઞાન થયું હશે. પછી ભગવાન શબ્દ વાપર્યો હશે. ત્યારે તે શબ્દમાં જે તેને બોધ મળેલો અને પહેલી વખત જ ભગવાન શબ્દનું ઉચ્ચારણ નીકળેલું તેવો બોધ આપણને પણ મળે ત્યારે માનવું જોઈએ કે ભગવાન શબ્દનો અર્થ સમજાયો છે.
પૂર્વે પહેલા જમાનામાં પણ ભગવાન શબ્દનો શું અર્થ કરતા હશે? કોઈ માનતા કે ઉપર બેઠો છે. કયાં આકાશમાં. કોઈ માનતા કે સ્વર્ગમાં ઉપર બેઠો છે. અને વાતવાતમાં પણ વહેવારમાં જ્યારે પોતાની બુદ્ધિ કંઈપણ નિર્ણય ન લઈ શકે ત્યારે પણ કહેતા હોય છે કે તે ઉપરવાળો જાણે હું કાંઈ પણ જાણતો નથી. ત્યાં પણ તેની કોઈ માન્યતા છે કે ઉપર કયાંક બેઠો છે. અને તેની ભુલને લઈને ભગવાન શબ્દનો અર્થ ન સમજવાને કારણ સૂર્ય વરૂણ અગ્નિ વાયું ઇત્યાદિકની ઉપાસના પણ કરતા હતા. ઘણા ભગવાનને કોઈ એક સ્થાનિય જગ્યાવાળા પણ માનતા હોય છે. ઘણા કર્મને પ્રધાન્યપણુ આપવાવાળા એમ પણ માનતા હોય છે કે સારા સારા કામ કરો ભવિષ્યમાં ભગવાન મળશે. ભગવાન ભવિષ્યમાં મળવાની વસ્તુ નથી. કોઈ તેમ કહે છે તે કોઈ પરિણામનું પરિણામ નથી કે તે રૂપાંતર પામે તે સઘળા કારણનું પણ કારણ છે. બધે વખતે વહેવાર અને પરમાર્થને એક કરવામાં મુશ્કેલી રહે છે. જેઓ વહેવારને પ્રાધાન્ય આપે છે તે પરમાર્થ સબંધમાં ભૂલ કરે છે. અને તે ગંભીર ભુલને કારણ ભગવાન શબ્દનો અર્થ પણ સમજાતો નથી. અને જેઓ પરમાર્થને પ્રાધાન્ય આપે છે કે મુખ્ય ગણે છે તેઓ જગત અને જગતના વહેવારની નિંદામાં રચ્યા પચ્યા રહે છે. આ મુશ્કેલી ચાલી આવે છે અને ચાલશે.
બંધન કોઈને પ્રિય નથી સમાજના બંધનો સમાજ પર નાખવાથી સમાજ કે મનુષ્ય સ્વતંત્ર થઈ શકતો નથી. અને જ્યાં સુધી સાચી સ્વતંત્રતા શું તે ન સમજાય ત્યાં સુધી સમાજ તરફ જોઈએ તેવું વર્તન રાખી શકે નહીં. જ્યાં સુધી જીવનમાં સમભાવ ન આવે ત્યાં સુધી રાગ તથા દ્વેષ જતા નથી. સઘળા ધર્મોમાં સર્વાત્મભાવ તથા અન્ય પ્રત્યે સમભાવની જરૂર માનેલી છે. પરંતુ સમભાવ રાગ દ્વેષ છોડયા વિના આવી શકતો નથી. સમાજમાં ઘણાને રાગ દ્વેષ છોડવાની અનુકૂળતા પણ મળે છે અને ઘણાને રાગ દ્વેષ વધારવાની અનુકૂળતા પણ મળે છે. જ્યાં રાગ દ્વેષ વધારવાના હોય ત્યાં તો મારા મારી સિવાય કશું હોય નહીં. વહેવાર અને પરમાર્થની એકતા કરવી મુશ્કેલ છે. અને જ્યાં સુધી વહેવાર તથા પરમાર્થ એક ન થાય ત્યાં સુધી પૂરું કામ થયું નથી. અથવા પૂરું જ્ઞાન થયું નથી તેમ જ માનવું રહ્યું. અને તેટલા માટે બધા માણસ માટે બધે વખતે કામ આવે તેવા નિયમો ઘડી શકાતા નથી. દરેક માણસે પોતાના સંજોગોનો વિચાર કરી અને જ્યારે એવા સંજોગો ઊભા થાય કે તમારી સામે બે ત્રણ ફરજો સાથે પાલન કરવાનું આવી પડે ત્યારે બે ત્રણ ફરજોનું સાથે પાલન ન થઈ શકે પરંતુ તેમાં જે ઊંચી ફરજો છે તેનો સ્વીકાર કરીને ચાલવું તેવું મહાપુરુષો બતાવી ગયા છે.
આપણે એ વાત ન ભૂલવી જોઈએ કે સ્વભાવથી સંજોગોને જીતવાના છે. આપણે માનવું જોઈએ કે આપણે મહાભારત કે કુરુક્ષેત્રનું યુદ્ધ જીતવાનું છે. તે બીજે કયાંય પણ નહીં પરંતુ આપણા જીવન વહેવારમાં જ. તો આપણે પહેલે વિચારવું જોઈએ કે મારે વહેવારનું સુખ જોઈએ છે પહેલાં કે પરમાર્થનું? જો વહેવારનું સુખ જોઈતું હશે તો સંજોગને કોઈ પણ પ્રકારે જીતી શકાશે નહીં. પરંતુ જ્યાં પોતાને સુખ જોઈતું નથી પણ બીજાને સુખ થાય તેવી ભાવના રહે અથવા બીજાને દુ:ખ આપ્યા વગર પોતાનું સુખ લેવાની ભાવના રહે તે સંજોગોને જીતી શકશે.
આપણા જીવનમાં આપણે શું જોઈએ છે તે પહેલાં નક્કી કરવું જોઈએ. અને તે પહેલે નક્કી કરવાની જરૂર રહે. અને જ્યાં સુધી સાંસારિક અલ્પ સુખમાં વૃતિ રહેશે ત્યાં સુધી સંજોગો જીતી શકાશે નહીં. આ બાબતને મહાત્માઓ તથા પુસ્તકો દ્વારા પણ ખુબ ખુબ સમજાવવામાં આવે છે. મહાત્માઓ પણ પોતાની વાણી દ્વારા પોકારી પોકારીને કહેતા હોય છે તેથી વધારે કહેવાની કે લખવાની જરૂર નથી. અને જે પરમાત્મા કે જેને આપણે ભગવાન કહીએ છીએ તે એક પૂર્ણ કે આખી વસ્તું છે. અને જે પૂર્ણ કે પ્રસિદ્ધ આખી વસ્તું છે તે મને ભવિષ્યમાં કે કોઈ જગ્યાએ છે અને મને તે મળશે. તેમ માનવું જ ભૂલ ભરેલું છે. જેમ આકાશ એક દૃષ્ટાંત તરીકે વિભૂ મનાય છે કે તેને પૂર્ણ માનીએ તો તે કયાં નથી. સર્વ જગ્યાએ છે તેમાં કોઈ વખતથી કે દેશથી અથવા જગ્યાથી ભેદ પડતો નથી. તેથી તે કોઈ જગ્યાએ છે અને મને ભવિષ્યમાં મળશે તેમ માનવું તે જ ભૂલ ભરેલું કહેવાય. તેથી જગત કેવું હતું અને કેવું થશે તેવો વિચાર ન કરતા જગત કેવું છે તે વિચારવું જરૂરી છે. જગત કેવું છે તે સમજ્યા વગર તેને સુધારવા જશું તો તેને બગાડવા જેવું વધુ થશે. આ જગત જેવું છે તેમાં આપણને જે તત્વ ન સમજાયું હોય તેની ખોજ કરવી અને જાણી લેવું જોઈએ. અને તે છે આપણો આત્મા આપણું સ્વરૂપ અને જ્યારે આપણને આપણું સ્વરૂપ કે આત્મા સમજાયો કે જ્ઞાન થયું પછી જગતમાં કોઈ પણ દોષો દેખાશે નહીં. સઘળું સારું નિર્દોષ અને શુદ્ધરૂપમાં દેખાશે. કારણ કે જે જગત આપણને અજ્ઞાન દશામાં દોષરૂપ દુ:ખરૂપ ઇત્યાદિ જે લાગે છે તે જ્ઞાન દશામાં તે જગત આત્મા કે પરમાત્માથી ભિન્ન જણાતું નથી. પણ એક અદ્વૈત સ્વરૂપમાં અનુભવાય છે. સંસાર અને પરમાત્મા એક જ દેખાય છે.
વધુ આપણે કાલે જોઈશું…