રાગઃ- રામ ભજન વિના નહી વિસ્તારા
વેપારી હાલ્યો વણજે સંતો, હેતે વહાણ હંકાર્યા
દેશમેલી વિદેશ વણિકે, ધન કમાવા દિલ ધર્યાં –ટેક
ખાનદાન ખારવાને ખેપે લીધો, નવાં વહાણ નિહાર્યા
હીરા માણેક મોતી ભરીને, વિદેશમાં વહેવડાવ્યાં –1
મધદરિયે મામલો મચ્યો, સાગરે તોફાન વધાર્યા
વંટોળે વહાણ વમળે લેતાં, આગળમાં અટકાવ્યાં –2
ચેતન ખારવો ખવે ચડીને, ધીરજ સઢ ધરાયાં
નાવ નાંગર નાડા નાખી, ઠીક કરી ઠેરાવ્યાં –3
મિટ્યો મામલોને વાયુ વિસમ્યા, તોફાન સાગર સમાયાં
સદ્બોધ સુકાની સુકાન સંભાળી, સન્મુખ વહાણ ચલાવ્યાં –4
ખેપ કરતાં વણિક તણાં વહાણ, સાગર તીર તરાયાં
વિદેશ જઇ વાપરતાં ભજનપ્રકાશ, અજબ ધન કમાયા –5