શ્રી વિચારસાગર એ મહાત્મા નિશ્ચલદાસજીકૃત વેદાંતનો મહાન ગ્રંથ છે. આ વિચારસાગરમાં કુલ સાત તરંગોમાં દોહરાઓ, સોરઠાઓ,ચોપાઈઓ તથા કવિતના માધ્યમથી પ્રાકૃત ભાષામાં વેદાંતનો ગહન વિષય સમજાવવામાં આવ્યો છે. આપણે રોજ ક્રમે ક્રમે આમાંથી થોડા થોડા દોહરાઓ જોશુ. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય દ્વારા ગુજરાતીમાં શ્રી વિચારસાગર નામનો વિસ્તૃત ગ્રંથ બહાર પાડવામાં આવ્યો છે. આ ગ્રંથનું ઉંડાણથી અધ્યયન મુમુક્ષુઓ અને જીજ્ઞાસુઓને ઘણું જ ઉપયોગી થઈ પડશે.
શ્રી વિચારસાગર
તરંગ પહેલો – અનુબંધ સામાન્ય નિરૂપણ
વસ્તુ નિર્દેશરુપ મંગલાચરણ
દોહા
જો સુખ નિત્ય પ્રકાશ વિભુ, નામ રુપ આધાર |
મતિ ન લખૈ જિહિં મતિ લખૈ, સા મૈં શુદ્ધ અપાર || ૧ ||
જે પરમાત્મા સુખરૂપ, નિત્ય, પ્રકાશરૂપ (જ્ઞાનરૂપ) અને વ્યાપક છે, જે નામ અને રૂપમાત્રનો આધાર છે તથા બુદ્ધિ વડે જે જાણી શકાય તેવો નથી, પરંતુ બુદ્ધિ જેની સત્તાથી બીજા પદાર્થો જાણી શકવાને સમર્થ થાય છે, તે અનંત અને શુદ્ધ ચૈતન્ય મારું સ્વરૂપ છે.
અબ્ધિ અપાર સ્વરુપ મમ, લહરી વિષ્ણુ મહેશ |
વિધિ રવિ ચન્દા વરુણ યમ, શક્તિ ધનેશ ગણેશ || ૨ ||
મારું સ્વરૂપ અનંત સમુદ્ર જેવું છે; વિષ્ણુ, મહેશ્વર, બ્રહ્મા, સૂર્ય, ચંદ્ર, વરુણ, યમ, શક્તિ, કુબેર અને ગણપતિ એ સઘળા મારા અપાર ચૈતન્યસ્વરૂપ સમુદ્રના તરંગો છે.
જા કૃપાલુ સર્વજ્ઞકો, હિય ધારત મુનિ ધ્યાન |
તાકો હોત ઉપાધિતૈં, મોભૈં મિથ્યા ભાન || ૩ ||
જે કૃપાળુ સર્વજ્ઞ (ઈશ્વર) નું મુનિઓ હ્રદયમાં ધ્યાન કરે છે, તે ઈશ્વરનું માયા ઉપાધિથી જેમ રજ્જુમાં સર્પાદિનું અને સ્વપ્નમાં નગરાદિનું ભાન થાય છે, તેમ મારા સ્વરૂપમાં (પ્રત્યક્ આત્મતત્વમાં) મિથ્યા જ ભાન થાય છે; માટે મારા મંગળથી ઈશ્વરાદિક સર્વના મંગળની સિદ્ધિ થાય છે.
વ્હૈ જિહિં જાનૈ બિન જગત,
મનહુ જેવરી સાપ |
નસૈં ભુજંગ જગ જિહિં લહૈ, સોઅહં આપે આપ || ૪ ||
જેમ દોરડાને જાણ્યા વિના સાપ પ્રતીત થાય છે, તેમ જે બ્રહ્મને જાણ્યા વિના જગત પ્રતીત થાય છે, અને જેમ દોરડાને જાણવાથી સાપ નિવૃત્તિ પામે છે, તેમ જે બ્રહ્મને જાણવાથી આ જગતનિવૃત્ત થાય છે, તે અધિષ્ઠાનરૂપ શુદ્ધ બ્રહ્મ હું પોતે જ છું.
બોધ ચાહિ જાકો સુકૃતિ, ભજત રામ નિષ્કામ |
સો મેરો હૈ આતમા, કાકૂં કરું પ્રણામ || ૫ ||
જે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પુણ્યશાળી પુરુષો કામનારહિત થઈને જે રામચંદ્રજી(ઈશ્વર)ને ભજે છે, તે રામચંદ્રજી તો મારો આત્મા જ છે; હવે હું કોને પ્રણામ કરું?
ભર્યો વેદ સિદ્ધાંત જલ, જામૈં અતિગમ્ભીર |
અસ વિચારસાગર કહું, પેખિ મુદિત વ્હૈ ધીર || ૬ ||
આ વિચારસાગર એટલે વિચારનો સમુદ્ર એવો છે કે જેમાં વેદ ના સિદ્ધાંતરૂપી અતિ ઊંડું પાની ભરેલું છે. એ વિચારસાગર હું (નિશ્ચળદાસ) કહું છું કે જેને જોઈને (વિચારીને-સમજીને) બ્રહ્મચર્ય વગેરે સાધનસંપત્તિવાળા ધીર પુરુષો આનંદ પામશે.
સૂત્ર ભાષ્ય વાર્તિક પ્રભૃતિ, ગ્રંથ બહુત સુરબાનિ |
તથાપિ મૈં ભાષા કરું, લખિ મતિમન્દ અજાનિ || ૭ ||
જો કે સૂત્ર, ભાષ્ય અને વાર્તિક વગેરે સંસ્કૃત ભાષાના ગ્રંથો અનેક છે, તથાપિ તે સંસ્કૃત ગ્રંથોથી મંદબુદ્ધિવાળા અજ્ઞાની માણસોને બોધ થઈ શકે નહિ એમ જાણીને હું આ ભાષાગ્રંથની રચના કરું છુ.
ગ્રંથ મહિમા
કવિજનકૃત ભાષા બહુત, ગ્રન્થ જગત વિખ્યાત |
બિન વિચારસાગર લખૈ, નહીં સંદેહ નસાત || ૮ ||
કવિલોકોએ વેદાંત વિષયક ગ્રંથો ઘણા કર્યા છે અને તે ગ્રંથો પ્રસિદ્ધ પણ છે; તથાપિ વિચારસાગર ગ્રંથ જાણ્યા વિના બીજા ભાષાગ્રંથોથી આત્મવસ્તુ વિષેનો સંદેહ દૂર થઈ શકતો નથી.
અનુબંધનું સ્વરૂપ
નહીં અનુબન્ધ પિછાનૈ જૌલૌં, વ્હૈ ન પ્રવૃત્ત સુઘરનર તૌલોં |
જાનિ જિનૈ યહ સુનૈ પ્રબન્ધા, કહૂં વ યાતૈં તે અનુબન્ધા || ૯ ||
કોઈ પણ પુસ્તકનો અનુબંધ જાણ્યા સિવાય વિચારશીલ માણસો તે પુસ્તક વાંચવાને પ્રવૃત્ત થતા નથી. પણ અનુબંધ જાણ્યા પછી પુસ્તક વાંચવામાં પ્રવૃત્ત થાય છે; માટે આ ગ્રંથનો અનુબંધ પ્રથમ કહીએ છીએ.
સોરઠા
અધિકારી સંબંધ, વિષય પ્રયોજન મેલિ ચવ |
કહત સુકવિ અનુબન્ધ, તિનમૈં અધિકારી સુનહુ || ૧૦ ||
અધિકારી, સંબધ, વિષય અને પ્રયોજન – એ ચારેને એકઠા કરીને (એટલે એ ચારેને) વિદ્વાનો અનુબંધ કહે છે. તેમાંથી પ્રથમ અધિકારીનું સ્વરૂપ સાંભળો
(વધુ આવતા અંકે)