Monthly Archives: October 2008

વિતવું તે શું ? – (2)


ગતાંકથી આગળ


આ સૃષ્ટિમાં ઘણી વસ્તુ એવી છે કે જેનો આરંભ જોઈ શકાતો નથી પણ અંત જોઈ શકાય છે. ઘણી વસ્તુનો આરંભ જોઈ શકાય છે પણ અંત જોઈ શકાતો નથી. ઘણી વસ્તુ એવી છે કે જેનો આરંભ પણ જોઈ શકાય છે અને અંત પણ જોઈ શકાય છે. તેમાં વેદાંત માન્યતા પ્રમાણે તો એક જ બ્રહ્મ જ અનાદિ તથા અનંત છે. બાકી તો માયાથી લઈને અનાદિ સાંત જેવા છે. મહાપ્રલયમાં માયા, જીવ તથા ઇશ્વરનો સબંધ કે તેનો ભેદ ઇત્યાદિ કશું પણ રહેતું નથી. એક બ્રહ્મ જ સતા સામાન્યરૂપે રહે છે તેથી સઘળું નામરૂપવાળું વખતના વહેણમાં તણાય જાય છે. અને અંતે વખત કે કાલ જેવું પણ કશું રહેતું નથી. વખત વખત રહેતો નથી. તેથી સઘળું વખતમાં વીતતું ચાલે છે. અને વખત પણ વખતથી અતીત તત્વમાં ઓગળી જાય છે. અનાદિકાલથી ઇતિનો હાસ થતો જોતા આવીએ છીએ. સૃષ્ટિના સર્ગારંભથી કંઈક મન્વન્તરો ચાલ્યા ગયા સઘળાને વખતે વિતાવી નાખ્યા, વિતાવે છે અને વિતાવશે. એક કવી પીંગળશીએ સુંદર કાવ્ય કહ્યું છે કે આ ધરામાં કંઈક કંઈક એવા કે જેને માથે છત્ર ચામર ઢળતા હતા. હાથીઓની અંબાડી ઉપર ફરતા હતા. છડીદારો છડી પોકારતા હતા તેવા તેવા મહિપતિ મનાતા ચાલ્યા ગયા. જોઈએ તે કાવ્ય.

1. ધરા બીચરાવ હુવા માંધાતા – ગંજ ગ્રામદાતા સબે શાસ્ત્ર જ્ઞાતા
નવ ખંડ કીનો ભૂમી કાજે સુહાગી – તથાપી રહ્યાના યથા દેહત્યાગી

2. ઉજૈની હુવા વીર વિક્રમ ઐસા -પરાર્થે લગાયા અહો કોટી પૈસા
સદા આનંદકારી વિહારી સુહાગી – તથાપી રહ્યાના યથા દેહત્યાગી

3. રતિવંત દેખ્યા હુવા ભોજરાજા – મતિવંશ દાનેશ્વરી વંશ માજા
રિદ્ધિ સમૃદ્ધિ દ્વારા વિદ્વાન રાગી – તથાપી રહ્યાના યથા દેહત્યાગી

4. પૃથુરાજ હુવા દિલ્હીપતિ મર્દપુરા – ચડે સોલ સામંત અરૂ સંત સુરા
લડયા સંગ ગૌરી ભૂમી કાજ લાગી – તથાપી રહ્યાના યથા દેહત્યાગી

5. હુવા અકબર દુશ્મન કું હઠાયા – જહાંગીરને હુકમ ઐસા જમાયા
મહાવીર ઠાઠે રહે માફ માગી – તથાપી રહ્યાના યથા દેહત્યાગી

6. શિવાજી ભયા કીના રાજ સિતારા – દીયા દામ હસ્તિ કવીકું હજારા
ઉમાનાથ જેસા ઝરે ક્રોધ આગી – તથાપી રહ્યાના યથા દેહત્યાગી

7.રહ્યાના કો અનાદિ અંબે કોના રહેગા-કવિલોગ સતકીર્તિ આગે કહેગા
પઢે કવી પીંગળ છંદ ગોવિંદ ગ્રાગી – વૃથા હે જગત સબ બનો વૈરાગી
તથાપી રહ્યાના યથા દેહત્યાગી

આવા આવા પણ સઘળા વખતના વહાણાં વીતી ગયા છે અને વિતતા રહેશે. વ્યક્તિ સતત બહિર્મુખ રહીને વહેવાર કરતો હોય, ઘર પરિવાર તેના પાલન પોષણમાં અને તેની ચિંતામાં તેને ખબર હોતા નથી કે વખત કેટલો વીતી ગયો. મને વખતે કેટલો વિતાવી નાખ્યો તે તેને ખ્યાલ જ હોતો નથી. જન્મથી લઈને બાલ્યાવસ્થા તરૂણવસ્થા યૌવનકાલ અને જુવાની પણ કેમ વખતમાં સરકી જાય છે અને કેમ વૃદ્ધાવસ્થા આવે છે તેના ખબર પડતા નથી. જ્યારે કાંઈક ગુડા ભાંગવા લાગે, ગોઠણથી પગ વળે નહીં, શરીર પર કરચલી પડી જાય, કાયમથી કાયમ શરીર કૃશ થતું ચાલે, શક્તિ હાલવા ચાલવાની જોવાની સઘળી ક્ષીણ થાય, દાંત પડવા લાગે, શરીર પર વાળ સફેદ થવા લાગે અને જ્યારે હાથમાં લાકડીનો ટેકો લેવો પડે ત્યારે ખબર પડે કે વખતે વિતાવ્યા. પછી તો મૃત્યુ પણ નજીક દેખાવા લાગે ત્યારે વિચારતો હોય કે ચાલો કયાંક વખત વિતાવી આવીએ. તે પણ ખબર હોતા નથી કે વખતે આટલા તો વિતાવી નાખ્યા હવે વખતને તું શું વિતાવીશ? દુ:ખના દિવસો જલદી પસાર થતા નથી. ચારે બાજુથી પરાધિનતા ઘેરી લે છે, કરેલા કાળા ધોળાનો પસ્તાવો થાય છે. પરિવારના કોઈ કહેવું માને નહીં પછી દુ:ખી દુ:ખી થઈ જાય છે. અને આખર પણ છેલ્લે પસ્તાવો તથા ધોખો લઈને જાય છે.


વધુ આપણે આવતીકાલે જોશું


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

ભક્તિ કાયરથી ન થાય – (24)

રાગઃ- કર મન ભજનનો વેપાર

ભક્તિ કાયરથી ન થાય, દીલ જેના દુબજામાં ડોળાઇ –ટેક

કરણીના કાચા રેણીના રૂઠા, નર વિષયમાં વલપાઇ
વૃત્તિ વમળે વહે ઘણી, એથી થીર કેમ થવાય –1

અંતરમાં જેને આળસ ઘણું, જેને અતિ ઉર અધિરાઇ
અધવચમાં તે અટકી પડે, તેથી પાર કેમ પહોંચાય –2

ભક્તિ તણી વાત ભાળીને, ભીતરથી ભાગી જાય
સતગુરુ એને સાંપડે તોયે, લાભ ક્યાંથી લેવાય –3

ભક્તિ વિના નર ભટકે ઘણો, ચોરાસીની માંય
કઠણ પદ કિરતારનું ઇ, પુણ્ય વિના ન પમાય –4

મરજીવા નર મોજુ માણે, ઇ કાયર કંપી જાય
ભજનપ્રકાશ ન પગલાં પાછાં, કદી ભક્તિમાં ભરાય –5

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

વિતવું તે શું ? – (1)

તો આપણે જોયું કે સંસારના જેટલાએ નામરૂપ પદાર્થો છે તે વખતની સાથે સાથે ચાલવાવાળા છે. કોઈ પણ દેશમાં સ્થાનીય પદાર્થનું સ્થાન અને વખત જેમ સરકતા રહે છે તેમ પદાર્થ પણ પરિણામ કે રૂપાન્તરને પ્રાપ્ત થતો રહે છે. વખત વખતની રીતે વર્તે છે. વખત કોઈને કાંઈ પણ કહેતો નથી કે હું વખત છું. અને વખતને જે આપણી સામે પરિસ્થિતિ કે ઘટના ઘટે છે કે આવે છે તેના પણ ખબર નથી કે શું પરિસ્થિતિ અને શું ઘટના કોના માટે ઘટી. વળી વખતને સંજોગોના પણ ખબર નથી કે કોના માટે કયો સંજોગ સારો કે ખરાબ. સંજોગ પણ સંજોગ બનીને રહે છે. સંજોગને પણ ખબર નથી કે હું કોનો છું. આ સઘળી માનવ વ્યક્તિ વિશેષના મનની માન્યતાઓ છે તે આપણે વખતના વિચારમાં જોયું.

હવે વખત તો વખતની રીતે વર્તે છે. આપણે એક અખંડકાલથી કે વખતથી લઈને ખંડકાલનું સ્વરૂપ એક નાના ત્રસરેણુંને સૂર્યનો પ્રકાશ પસાર કરે વહાવે અને જેટલો સમય કે વખત થાય તેને ત્રુટી કહે અને ત્યાંથી આપણે બ્રહ્માજીના પૂર્વાર્ધ તથા ઉતરાર્ધ સુધીના આયુની ગણના આપણા ઋષી મુનિઓએ કરી છે તે સૃષ્ટિના આરંભથી લઈને યુગાન્તરો વિતતા ચાલ્યા છે કે જેમાં યુગોના વિતવાની સાથે કંઈક નામરૂપવાળા પદાર્થો પણ વિતતા ગયા અને તે યુગોના વહેણમાં આજ દિવસ સુધી કેટલા પરિવર્તનો થયા. પહાડો હોય ત્યાં સમુદ્રો થઈ ગયા અને સમુદ્રની ખાઈઓ પુરાઈને ત્યાં પર્વતો થઈ ગયા. કંઈક પદાર્થો ધરતીના પેટાળમાં પુરાઈ ગયા પૂરાય છે અને પુરાતા રહેશે. કંઈક જલના પ્રવાહમાં તણાઈ ગયા કંઈક અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા કે કંઈકને વાયુએ વીંખી નાખ્યા અને વળી કાંઈક નવા નવા રૂપમાં પ્રગટ થવા લાગ્યા. તે સઘળાની પણ આખર તેજ દશા થતી રહે છે. તેમ સઘળા પાંચ ભૌતિક પદાર્થ તેના કારણમાં વ્યક્ત અવ્યક્ત થતા રહે છે. કયારેક દેખાય છે તો નવા રૂપમાં દેખાય છે વળી અવ્યક્તમાં ચાલ્યા જાય છે. જેને આપણે પુરાનું રૂપ આપીએ છીએ તેમ નવા જુનું થતું રહે છે.

તેમાં સ્થાવર જંગમ જીવો કે જે કાંઈક નામરૂપી સંજ્ઞા સાથે સંવેદના પણ ધરાવે છે. જે પાંચ ભુતના થતા પરિણામો અને રૂપાન્તરો તેની અસરોને અનુભવી શકે છે. સુખમાં કે દુ:ખમાં જે સુખમાં કે દુ:ખમાં અનુભવી શકે છે તેને આપણે જંગમ જીવો કીધા અને જે તે પરિણામોની અસરને અનુભવી શકાત નથી તેને સ્થાવર કે જડ કીધા. પહેલાને જંગમ કે ચેતન કીધા પરંતુ તે ચેતન કે જંગમ જીવોમાં પણ તે ભુતોથી થતી માઠી અસરોથી બચવા પ્રયાસ તો કરતા હોય છે. બચાવની પ્રક્રિયા તો દરેક જંગમ જીવ જીજીવિષાને કારણે ધરાવતો પણ હોય છે. અને બસ તે જીજીવિષા જ સઘળી પ્રવૃતિ કરાવતી હોય છે. તેમ કયારેક સારી અસરોનો પણ અનુભવ કરતા હોય છે અને તે કાયમ રહે તેમ ઇચ્છતા પણ હોય છે. જીવ પછી સ્થાવર હોય કે જંગમ, જડ હોય કે ચેતન પરંતુ દુ:ખ સર્વને ત્યાજ્ય તથા હેય છે. પરંતુ આ સઘળામાંથી મુક્ત થવા માટેનો ઉપાય કોઈ પણ નથી. એક મનુષ્ય પ્રાણી જ આ સઘળામાંથી મુક્તિનો ઉપાય શોધી શકે છે. વિચારી શકે છે. અને ઉપાય શોધીને મુક્ત પણ થઈ શકે છે. છતાં વ્યક્તિ ઉપર તે ઉપાયનો પણ આધાર છે. માણસને પરમાત્મા શું? તેનું સુખ શું? તે છે કે નહીં? અને હોય તો કેવો હશે? કયાં હશે? તેનું સ્વરૂપ શું હશે? ઇત્યાદિક સંશયમાં જ હોય છે. બહુજન સમાજ તો ઇશ્વર કે પરમાત્માનો ખ્યાલ છોડીને શરીર સુખ માટે, પ્રાણ સુખ માટે તથા મનના સુખ માટે પ્રયત્ન કરતો હોય છે. ચોથા સુખના તો ખબર પણ હોતા નથી.

વખત કોઈના પણ સુખનો વિચાર કરતો નથી. કે કોણે કયું શરીર સુખ લીધું કે ભોગવ્યું, પ્રાણ સુખ લીધું કે ભોગવ્યુ, મનનું સુખ લીધું કે ભોગવ્યું, વખત તો વખતમાં વર્તે છે. માનવના મનની ધારેલ ઇચ્છા પરિપૂર્ણ ન થઈ તો કહે છે મારે માટે વખત સારો નથી. અને જો ઇચ્છા ઠીક સંતોષાણી તો કહે છે મારે માટે વખત સારો છે. કોની ઇચ્છા સંતોષાય છે અને કોની ઇચ્છા સંતોષાતી નથી તેની વખતને ખબર નથી. પરંતુ સઘળા વખતને નિમિત બનાવીને ચાલે છે. આ સઘળું જો વખતથી નિયત હોત તો નિયત જ રહેત પણ તેમ સઘળું રહેતું નથી. તે આપણે વખતના વિચારમાં જોઈ ગયા. તે સઘળું વ્યક્તિની ઇચ્છા, ધારણા અને લાગણી ઉપર ફરતું રહે છે. જેને કોઈ પદાર્થની ઇચ્છા જ નથી કાંઈ મેળવવાની ધારણા જ નથી અને કશામાં પણ લાગણી ચોંટતી નથી તેને કંઈ ફરતું નથી. સઘળું એક સરખુ અને સમાન લાગે છે. તો આ સમષ્ટિ જગતના જીવો સઘળા વાસનાગત ઇચ્છા અને તેથી મળતા ફલોમાં દૃષ્ટિ રાખીને સઘળા શરીર સુખ, પ્રાણ સુખ તથા મનના સુખ માટે પુરુષાર્થ કરતા હોય છે. અને તેમાં વખતને નિમિત બનાવીને ચાલતા હોય છે કારણ કે સઘળા કાર્યોના જે નવ સાધારણ કારણ છે

1.ઇશ્વર,
2.તેની ઇચ્છા,
3.જ્ઞાન,
4.પ્રયત્ન,
5.દેશ,
6.કાલ,
7.અદૃષ્ટ,
8.પ્રાગભાવ અને
9.પ્રતિબંધનો અભાવ

આ નવ કારણ સર્વ જગતના કાર્યોના સાધારણ કારણ છે. પરંતુ ઇશ્વર જગતનું સાધારણ કારણ હોવા છતાં ઇશ્વર આનંદ સ્વરૂપ છે. તેથી તેને દુ:ખની ખબર જ નથી, સુખ દુ:ખ તો જીવની કલ્પના છે. તેમ વખત પણ વખત જ છે. પરંતુ ઇશ્વર ચેતન છે વખત જડ છે, તે ન ભૂલવું જોઈએ. પરમાર્થની અપેક્ષાએ તો સઘળું ચેતન છે કાંઈ પણ જડ નથી. પરંતુ વહેવારમાં જડ ચેતનનો વિભાગ કરીને વહેવાર કરવો પડે છે. તેથી ઇશ્વર ઇત્યાદિ નવ સાધારણ કારણ હોવાથી કોઈ ઇશ્વરને દોષ દેતા હોય છે, કોઈ વખતને. કોઈ કહે ઇશ્વરની ઇચ્છા છે તેમાં મારું શું ચાલે? કોઈ ઇશ્વરના પ્રયત્નને, સઘળું ઇશ્વર જ કરી રહ્યો છે, સઘળાને ઇશ્વર જાણે છે. આ સઘળું અદૃષ્ટરૂપ પાપ પુણ્ય જ કરાવે છે. ઇશ્વરને સઘળું કરવામાં કોઈ પ્રતિબંધ નથી. તે તો કર્તુ અકર્તુ અન્યથા કર્તુ ઇત્યાદિ ઇત્યાદિથી તે સઘળાને નિમિત બનાવી ને ચાલતા હોય છે.

પરંતુ ભાગ્યે જ કોઈ તેવું વિચારતા હશે કે હું જીવું છું શા માટે? મારા જીવનનો હેતુ શું? મારે શું જોઈએ છે? આનો કોઈ પણ વિચાર કરતું નથી. અને અધિકથી અધિક વખતને કર્મને તથા ઇશ્વરને દોષ દઈને જ ચાલતા હોય છે. પરંતુ વખત કે કાલ શું છે તેનો કે હું કામ શા માટે કરું છું? મારે શું જોઈએ છે? અને ઇશ્વર જો મારો કાંઈ પણ કશો આમાં હિસ્સો ન હોય તો મને નિર્દોષને શા માટે અનેક યાતનાઓ તથા ક્લેશોથી પીડીત કરે છે? અને તેમ પીડીત કરવામાં ઇશ્વરને શું રસ? આવી નિર્દયતા ઇશ્વર શા માટે કરે? કોઈને સુખ ને કોઈને દુ:ખ આપે. આ તો પક્ષપાતિ વલણ કહેવાય. અને તેમાં ઇશ્વરની ઇશ્વરતા શું? આ આવી કલ્પના કે તર્ક જ વ્યર્થ છે. કારણ કે ઇશ્વર સૃષ્ટિકર્તા જરૂર છે પરંતુ ઇશ્વર પણ નિરપેક્ષ થઈને સૃષ્ટિ કરતા નથી. જો જગતમાં કોઈ પણ જીવ કે કર્મનો કર્તા ન હોય તો ફલ દાતા ઇશ્વરનું શું? તેથી જીવોના અદૃષ્ટ જોઈને ઇશ્વર સૃષ્ટિ કરે છે. અને જીવોના અદૃષ્ટ પ્રમાણે સુખ દુ:ખ નિર્માણ થાય છે. તેમાં ઇશ્વર તો સાધારણ કારણ થાય છે. જેમ વરસાદ સઘળા બીજોને ઉગવામાં સાધારણ કારણ થાય છે અને પછી દરેક બીજોમાં રહેલું અસાધારણ સામર્થ્ય તે તે બીજનું કારણ થાય છે કોઈ જવ તો કોઈ ડાંગર તો કોઈ બાજરો, જુવાર ઘઉં ઇત્યાદિ ઇત્યાદિથી ભેદ પડે છે. તેમાં બીજનો સ્વભાવ પોત પોતાને રીતે અસાધારણ કારણ બનતો હોય છે. વરસાદ તો વરસી ગયો ભૂમિ ભીની કરી ગયો અને બીજો સઘળા પોત પોતાનો અસાધારણ સ્વભાવ કારણ લઈને પોત પોતાના ગુણધર્મ પ્રગટ કરવા લાગ્યા. તેમ ઇશ્વર પણ જગતના સ્થાવર જંગમ જીવોમાં સાધારણ કારણ છે તેથી ઇશ્વર સંપૂર્ણપણે તેમાં નિર્દોષ છે. તેથી આપણે જોશું કે ઇશ્વરની માફક વખત પણ સઘળા પદાર્થોનું સાધારણ કારણ છે.

Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

ભક્તિ કરવી જો હોય તો – (23)

ભક્તિ કરવી જો હોય તો, ભીતરથી કુડ કોરે કરો
રામશરણમાં રતિ રાખો, સતગુરુ શરણ ગ્રહો –ભક્તિ

મરજીવા થઇને પડો મેદાને, કાયરતાને કોરે કરો
માયલાસે મચાવો મામલો, પગલાં પાછાં ના ભરો –ભક્તિ

હિંમત હથિયાર હરદમ બાંધી, સત સમસેર ચલાવો
બોધ બખતર ધારી અંગે, લડતાં હિંમત ન હારો –ભક્તિ

ષટ શત્રુ તન વસે સુરાળા, પાંચ પચીસકો પડકારો
ત્રણ નરને તીરે વિંધો, જીત નિશાન ધરાવો –ભક્તિ

જીવીને મરે મરીને જીવે, તે કદી ના મરવાનો
ભજનપ્રકાશ સોઇ નર જુગ જુગ, અમરપટો લઇ ફરવાનો –ભક્તિ

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

પ્રભુજી હું તમારો તું હમારો – (22)

રાગઃ આસાવરી

પ્રભુજી હું તમારો તું હમારો, તુજમેં મુજમેં ના જુદાઇ –ટેક

આદિમેં મૈં તુજસે ઉપન્યો, તુજમે મુજમેં ક્યાં બિલગાઇ
તુજમેં વિશ્વ વિશ્વમેં તું રહ્યો, ઘટ પટ ત્યું દરસાઇ –1

સાગર બુંદમેં ક્યાં બિલગાઇ, દ્રષ્ટિ સે કુછ ભિન્નતાઇ
બુંદ સાગરમેં મિલા જાકર, તબ સાગર રૂપ હો જાઇ –2

બિલગ બિલગ ઘાટ હેમના, નામ રૂપસે જૂજવા જણાઇ
શ્રુતિ સાખે અંતમાં તે, હેમનું હેમ હો જાઇ –3

રવિ તેજ રવિમાં રહ્યું, કૂવાકી છાયા કુવે સમાઇ
ભજનપ્રકાશ નહીં ભગવાનસે ભિન્ન, તેજમેં તેજ હો જાઇ –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

અજ્ઞાતમાં ડૂબકી પ્રશ્નઃ 2

રવિવાર
તા.9-2-2003
પ્રશ્નઃ- હે મુનિ રાગીપુરૂષની પેઠે બહુજ નાચ્યા કરતા એ કૃતાંતનું(કાળ) નિયતી(સર્વદા ફલનું નિશ્ચિતપણું) રૂપ સ્ત્રીમાં અત્યંત કામી પણું જોવામાં આવે છે. સંસારરૂપી વક્ષસ્થળ ઉપર ચંદ્રની કળા જેવો ધોળો શેષનાગ ને ત્રણે લોકમાં વહેંચાયેલો ગંગાનો પ્રવાહ એ બન્ને દૈવરૂપી કાપાલીકના સવ્ય તથા અપસવ્ય જનોઇરૂપે છે.

પ્રત્યુત્તરઃ- સવ્ય તથા અપસવ્ય જે શબ્દો છે તેમાં દૈવનું કાપાલીકરૂપમાં વર્ણન કરીને તે સવ્ય તથા અપસવ્ય જનોઇરૂપે કહ્યા છે. તેમાં જનોઇ ડાબે-જમણે બદલાતી હોય છે. એક જગ્યાએ શ્રીમદ ભગવદ ગીતામાં અર્જુનના નામો છે તેમાં એક અર્જુનનું નામ સવ્યસાચીન છે. તેનો અર્થ એ થાય કે સવ્ય એટલે ડાબે હાથે અને સાચીન એટલે સંધાન કરનાર. ધનુષ્યનું ડાબે હાથે સંધાન કરે તેને સવ્યસાચીન કહે. તેથી સવ્ય શબ્દ અને અપસવ્ય બંને સવ્ય એટલે ડાબું અને અપસવ્ય એટલે ડાબું નહીં પણ જમણું એવો અર્થ થાય. બાકી તો મારા પ્યારા ભક્તો હું પણ કાંઇ વ્યાકરણ શાસ્ત્રી નથી. કોઇનો અર્થ ન પણ સમજી શકાય. છતા જે મને સમજાશે તે કહેતો રહીશ. તેવા શબ્દો ગૌણ છે. છતાં પુછતું રહેવું. આપણે તત્વ સમજવું છે. જરૂર પુછતા રહેશો. પ્રત્યુત્તર આપતો રહીશ.

લી. આપનો ભજનપ્રકાશાનંદ

Categories: અજ્ઞાતમાં ડૂબકી | Leave a comment

ઈચ્છાશક્તિ – (સ્વામી વિવેકાનંદ)

sv3


(અત્રે ઈચ્છાશક્તિ વિષેના સ્વામી વિવેકાનંદના થોડાં વિચારો જોશું.)


૧. મહાન કાર્યો કદી આસાનીથી થઈ શક્યાં છે? સમય, ધૈર્ય અને અદમ્ય ઇચ્છાશક્તિ પોતાનું પરિણામ બતાવી આપશે જ.

૨. સફળ થવા માટે તો તમારામાં જબરદસ્ત ખંત હોવું જોઈએ, પ્રબળ ઈચ્છાશક્તિ હોવી જોઈએ, “હું સાગર આખો પી જઈશ, મારી ઈચ્છાશક્તિના જોરે પર્વતોના ચૂરા થઈ જશે,” ખંતીલો જીવ એમ બોલે. એ પ્રકારનો ઉત્સાહ રાખો, એ જાતની ઈચ્છાશક્તિ કેળવો તો તમે ધ્યેયે પહોંચશો જ.

૩. ક્ષણવારને માટે પણ ડરને સ્થાન આપશો નહીં; સઘળું બરાબર થઈ રહેવાનું છે. ઈચ્છાશક્તિ જ જગતને ચલાવે છે.

૪. ઈચ્છાશક્તિ દ્વારા જ સઘળું કાર્ય સિદ્ધ થઈ શકશે.

૫. પરિવર્તનથી ઈચ્છાશક્તિ વધુ મજબૂત થતી નથી; તે નિર્બળ બને છે અને પરિવર્તનને વશ થાય છે.પણ આપણે હંમેશા સંગ્રહણવૃત્તિ વાળા થવું જોઈએ. સંગ્રહણવૃત્તિથી ઈચ્છાશક્તિ મજબૂત થાય છે.

૬. બીજી બધી વસ્તુઓ કરતાં ઈચ્છાશક્તિ વધુ બળવાન છે. એની આગળ બીજું બધું શિર ઝૂકાવે છે. કારણ કે ઈચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વંય પરમાત્મા. પવિત્ર અને પ્રબળ ઈચ્છાશક્તિ સર્વ શક્તિમાન છે.

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: | 2 Comments

જીરે સંતો અધ્યાત્મ જ્ઞાને કરી – (21)

રાગઃ લોયણના ભજનનો

જીરે સંતો અધ્યાત્મ જ્ઞાને કરી અંતર ગાળો જીરે
ત્યાં મૂલે તપાસો જોને માયા હાં

જીરે સંતો એક છે આસુરી બીજી છે સુરી હોજી
જેથી જગત દ્વૈત રચાયાં હાં

જીરે સંતો આસુરીથી અજ્ઞાન અતિ ઉર ઉપજે જીરે
વધે દંભ મોહ માયા હાં

જીરે સંતો આનંદ ઉપજાવી શાંતિ થાવે જી હોજી
સુરી કરે સુખ છાંયા હાં

જીરે સંતો ત્રિગુણી માયામાં આ જગત બંધાણું જી
જેનાથી ત્રણ લોક રચાયાં હાં

જીરે સંતો જીવની જાતો ઘણો ભવસાગર ભટકેજી
ફેર ફેર જનમ મરણ પાયાં હાં

જીરે સંતો આસુરી માયાને જ્યારે દૈવી જીતેજી
ત્યારે નહીં અભિમાન સ્પર્શાયા હાં

જીરે સંતો કહે રે ભજનપ્રકાશ જે નર જ્ઞાને ગળિયા
અહં મમ માયા નહીં એને ખાયા હાં.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

“સનાતન ધર્મ” – (20)

જીરે સંતો આદિરે ધરમને તમે ઓળખો હોજી
તમે સાધો જોગ સારો હાં

જીરે સંતો અસલ ધરમને જે કોઇ જાણે હોજી
એનો મીટે મોહ તણો ભારો હાં

જીરે સંતો પંડિત પુરાણી એનો પાર ન પામેજી
પહોંચે નહીં વેદ વિચારો હાં

જીરે સંતો શેષ મહેશ જેને સમજી સમે હોજી
સદગુરુ બાવનસે બારો હાં

જીરે અષ્ટાવક્ર પાસેથી ઉપદેશ સુણીજી
કીધો વિદેહ આતમ ઉધારો હાં

જીરે સંતો બ્રહ્માના પુત્રો સનકાદિક જેવા હોજી
ગુરુ વિના એનો ન ઉધારો હાં

જીરે સંતો હંસના મુખનો ઉપદેશ લઇને જી હોજી
સદા બ્રહ્મજ્ઞાન ગુજારો હાં

જીરે સંતો પીંડ બ્રહ્માંડમાં ભરપૂર ભર્યોજી હોજી
સભર સકલ બ્રહ્મ સારો હાં

જીરે સંતો કહેરે ભજનપ્રકાશ કોઇ નર ભીતર જાગોજી
સકલ ધરમને પારો હાં

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

વખત એટલે શું?


ગતાંક થી ચાલુ


ચોપાઈઃ-
આકર ચારી લક્ષ ચોરાશી – યોનિ ભ્રમત હે જીવ અવિનાશી
ફિરત સદા માયા કર પ્રેરા – કાલ કર્મ સ્વભાવ ગુન ઘેરા

અનંત યોનિયોમાં શા માટે ભ્રમણ છે તેનું કારણ તપાસવું જોઈએ અને જેનાથી ભ્રમણ છે અથવા જેનાથી પ્રેરાય છે અને જે પ્રેરાય છે તો શા માટે કયા પ્રયોજન માટે પ્રેરાય છે તે પણ જાણવું રહ્યું. એક તો જીવ પોતે અવિનાશી છે અને છતાં પોતાને વિનાશી માને છે. તે પણ માયા કહેવાય. કારણ કે જે વસ્તુની વાસ્તવિકતા હોય તેવું દર્શન ન કરતા તેથી ઉલટું દર્શન કરવું તે જ માયા કે ભ્રાંતિ, અવિદ્યા, અજ્ઞાન ઇત્યાદિ સઘળા પર્યાય શબ્દો છે. તો જે અવિનાશી છે, ચેતન તથા આનંદ જેનો સ્વભાવ છે તે સ્વભાવને ન સમજીને પોતાના સચ્ચિદાનંદ સ્વભાવને ભૂલીને ત્યાં માયાના સ્વભાવનો સ્વીકાર કરીને ચાલવું કે રહેવું તે પણ માયા છે. તો માયાના સ્વભાવમાં આવીને માયાના કાર્યરૂપ અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ગંધ છે. તે પદાર્થની ભાવનાવાળો થઈને તેમાં સુખની ભાવના કરીને તે પ્રયોજન ઊભું કરીને તે માટે પ્રવૃતિ કરવી તે પણ માયા છે. કારણ કે ચૈતન્ય જેનો સ્વભાવ છે, આનંદ જેનો સ્વભાવ છે, તેનું જડ પદાર્થો કઈ રીતે પ્રયોજન સિદ્ધ કરી શકશે? જે આનંદ સ્વભાવવાળો છે, તેને કોણ આનંદ આપી શકશે? તેને દુ:ખી પણ કોણ કરી શકશે?

તેથી આ સઘળી માયા અને આવી માયાને આધિન થવું તે જ જીવનું જીવપણું છે, બીજું કોઈ પણ જીવ પણું નથી. અને માયા કે પ્રકૃતિ ત્રિગુણાત્મક સ્વભાવવાળી છે. અને ગુણો ત્રણે બદલાતા રહે છે અને તે ગુણોના પ્રભાવ નીચે દબાઈને જીવ ચાલે છે. કયારેક સત્વગુણથી ક્યારેક રજોગુણથી કયારેક તમોગુણથી દબાઈને ચાલે છે. અને જે ગુણ નીચે દબાય તેવો તે થઈને ચાલે છે. અને તે ગુણોનો સંગ તેને સારી નરસી યોનિઓમાં ભ્રમણ કરાવે છે. કયારેક ઉપર તો કયારેક મધ્યમાં તો કયારેક નીચે અધોમાં, તેમ જીવાત્મા ભટકતો રહે છે. પછી જે ગુણથી પ્રભાવિત થાય તેના ગીત ગાયા કરે. કયારેક સત્વગુણથી પ્રભાવિત થઈને જ્ઞાન તથા સુખના ગીત ગાવે. રજોગુણથી પ્રભાવિત થઈને દુ:ખના રોદણાં રોયા કરે. તમોગુણથી દબાઈને પોતાને હલકો જ॰ પ્રકૃતિનો છે માયાનો છે ગુણનો છે તેમ કાલને નિમિત બનાવીને કર્મ કરતો રહે છે. આજે આ કામ કર્યું, કાલે તે કામ કરવાનું છે. પહેલે આટલા દિવસો પહેલા આ કામ કર્યું, તેમાં આવી ભૂલ કરી તેનું આ ફળ મળ્યું. પહેલું કામ બહુ સારું થયું ઇત્યાદિ ઇત્યાદિ કંઈક ભૂતકાલના સ્મરણો અને ભવિષ્યના આયોજનો પ્રયોજનો નો વિચાર કરીને કર્મ કરતો રહે છે અને જે જે કર્મ કરે છે તે તે કર્મ કોઈને કોઈ પ્રકારના સંજોગો કે પરિણામ ઊભું કરે છે. અને વસ્તુ પદાર્થ કે સંજોગોનો કડવો મીઠો અનુભવ આપે છે, તેનો સંસ્કાર પડે છે. અને તે તે સંસ્કારની સ્મૃતિઓ થયા કરે છે. તેમ ફરી સ્મૃતિથી ક્રિયા, ક્રિયાથી તે તે સંજોગોનું જ્ઞાન અનુભવ તેમ યંત્રવત જીવની યાત્રા માયા તથા કાલ, કર્મ અને સ્વભાવથી ચાલે છે. કર્મ કરવામાં કાલ નિમિત બને છે. કર્મથી સંસ્કારો સંચિત થાય છે. સંચિત સંસ્કારોથી સ્મરણ ચિંતન થયા કરે છે. અને જેનું અધિક રાત દિવસનું જે વસ્તુ પદાર્થનું ચિંતન હોય તેવી પ્રકૃતિ કે સ્વભાવ ઘડાય છે. પછી તે સ્વભાવથી વ્યક્તિ પરાધિનતા સ્વીકારી લે છે. જ્યાં સતત સતસંગ, સેવા, સ્મરણ, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ છે ત્યાં સત્વગુણ પ્રધાન બને છે અને સુખ તથા જ્ઞાનની સાથે જોડે છે.

પરંતુ જ્યાં અર્થ સંપાદનની જ ભાવના છે મારી પાસે આટલું છે આટલું હોય તો ઠીક આ હોય તો ઠીક. પરંતુ આટલું આટલું કરતા આટલાનો જ અંત નથી. આટલું આટલું કરતા કેટલું જોઈએ તે પ્રશ્ન જ તેવો ને તેવો રહી જાય છે. અને રાત દિવસના અર્થ ચિંતનની પાછળ કાલ વ્યતિત કરે છે. કર્મ કરવામાં વિવેક રહેતો નથી. બસ ગતિ ગતિ અને ગતિ જ હોય છે. ત્યાં સુખની આશા કયાંથી? ત્યાં રુદન સિવાય કશું પણ હોતું નથી. આપત્તિ, પીડા તથા ક્લેશને વારંવાર તે નિમંત્રણ આપે છે. ત્યાં રજોગુણ પ્રધાન હોય છે અને જ્યાં વ્યક્તિને કર્તવ્ય અકર્તવ્યનું પણ ભાન જ્ઞાન રહેતું નથી અને આળસ તથા પ્રમાદનો આશ્રય લઈને જીવનારાને જડતા ઘેરી લે છે. અને અધિકથી અધિક નીચે નીચે જતો જાય છે. ત્યાં તમોગુણ પ્રધાન છે.

તો આ કાલ કર્મ તથા સ્વભાવને જીતવા જોઈએ. તેમ પહેલે પણ કીધું કે જીતી શકાય છે. તમોગુણને રજોગુણથી જીતી શકાય છે. રજોગુણને સત્વગુણથી જીતી શકાય છે. અને સત્વગુણને આત્માના સચ્ચિદાનંદ સ્વભાવથી જીતી શકાય છે. જ્યારે આપણે સચ્ચિદાનંદ સ્વભાવમાં જીવવા લાગીએ છીએ ત્યારે કાલ પણ અકાલ થઈ જાય છે. મતલબ કે એક સરખો રહે છે. કર્મ અકર્મ થઈ જાય છે. અને પ્રકૃતિનો ગુણ સ્વભાવ છે તે સચ્ચિદાનંદ સ્વભાવમાં એકરૂપ થઈ જાય છે. જેને ગુણાતિત અવસ્થા પણ કહે છે. નિષ્કામ થયા પહેલાના કર્મમાં પરિણામ પાછળથી આવે છે. નિષ્કામ થયા પછીના કર્મમાં પરિણામ શરૂઆતમાં આવે છે. પહેલામાં કર્મનું ફલ દેખાય છે. બીજી દશામાં કર્મનું કારણ દેખાય છે. કે આ કારણને લઈને કર્મ થાય છે. જેને અંતરમાં કોઈ પણ કામના નથી તેવા નિષ્કામી મહાત્મા પુરુષોની દૃષ્ટિમાં જેવું જગત છે તેવું બરાબર છે. પહેલે જેવું હતું તેવું બરાબર હતું. અને જેવું થશે તેવું બરાબર થશે. જગત સાથેનો જગત વહેવાર કરીને કોઈ વધારે સંતોષ લેવાનો હોતો નથી જે છે તેથી તેમાં સંતોષ રહે છે.

કેટલાક માણસો કહે છે કે પુરુષ બળવાન નથી. પણ વખત બળવાન છે. અને જ્યારે પણ ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામમાં ગયા તે પછી અર્જુન કૃષ્ણ ભગવાનની પટરાણીઓને લઈને હસ્તિનાપુર જતા હતા અને અર્જુનને કાબાઓએ લૂંટયા ત્યાં અર્જુન પાસે તે જ ગાંડીવ હતું કે જેનાથી સઘળી જગ્યાએ વિજય પ્રાપ્ત કર્યો હતો. અને અર્જુન પણ તે જ હતો પરંતુ સાથે શ્રીકૃષ્ણ ન હતા તેથી અર્જુનનો અવાજ નીકળી ગયો હશે કે તે દોહો પ્રચલિત છે.

સમય સમય બળવાન છે. – નહીં પુરુષ બળવાન
અર્જુનને કાબાએ લૂંટીયો – વહી ધનુષ વહી બાણ

કારણ કે વખત ત્યાં બળવાન છે. જે જ્યાં માણસને પોતાનું ધાર્યું કરવું હોય જ્યારે પોતાનું ધાર્યું થતું નથી અને સુખ જોઈએ છે તે સુખ માટે વખત પણ જોઈએ તે સુખ માટે વખતની પણ જરૂર પડે પછી તે વખત નીચે વ્યક્તિ દબાય જાય છે. ત્યારે તે વખતને બળવાન માનવા લાગે છે. પરંતુ જે વ્યક્તિ કે માણસને પોતાના સુખ માટે કોઈ પણ સંસારના નામરૂપ પદાર્થમાં કે વ્યક્તિ વિશેષમાં સુખ કે વખત જોતો નથી તેને માટે સમય કે વખત બળવાન નથી પરંતુ પુરુષ બળવાન છે. વખત વખત છે તે સર્વને માટે સામાન્ય છે તેને કોઈમાં રાગ દ્વેષ નથી પક્ષપાત પણ નથી કે તેની પાસે ધર્મ કરાવું તેની પાસે અધર્મ કરાવું દરેક વ્યક્તિ જેમ સૂર્યના પ્રકાશમાં સઘળો વહેવાર કરે છે તેમાં નિમિત સૂર્ય છે, સઘળાના વહેવારમાં. પરંતુ સૂર્યને તે ખબર નથી કે મારા પ્રકાશમાં કોણ શું શું કેવા કર્મ કે વહેવાર કરે છે? તે તો પ્રકાશ આપે છે. તેમ વખત કોઈને પાપમાં કે પુણ્યમાં ધર્મ કે અધર્મમાં પ્રેરતો નથી, કે કરાવતો નથી પરંતુ વખતની છાયામાં રહીને વ્યક્તિ, કર્મ પોતાની વાસનાના બળે કરે છે અને સર્વ કોઈ વખતને દોષ આપે છે કે શું જમાનો કઠણ આવ્યો છે, પુણ્ય કરો પાપથી અટકો. અધર્મથી અટકો, ધર્મ કરો. વાસ્તવિકતામાં ધર્મમાં કે પુણ્યમાં વૃતિ થવાથી વખતની પણ દિશા ફરી જાય છે. અને સાચી દિશા મળે છે તેથી તે દશામાં વખત કે કાલની ગતિ વિધ્ન કરતી નથી. પણ મદદ કરે છે. સહાયક થાય છે.

વાસ્તવિક રીતે કે ખરી રીતે જોતા તો આપણું શરીર છૂટી ગયા પછીનું જીવન આપણા સામાન્ય વખત કે કાલથી માપી શકાય નહીં. જે માણસને સુખ હોય આનંદ હોય તો આપણા સો વર્ષો સો કલાક જેવડા લાગે અને જો દુ:ખ હોય તો સો કલાક યુગાન્તરો વિતતા હોય તેવું લાગે છે. અને કાયમ પ્રાર્થના કરતા હોય છે કે હે ભગવાન હવે મને લઈ લે. મને સંભાળી લે. મારાથી હવે દિવસો જતા નથી હવે શરીર છૂટી જાય તો સારું. અને તેથી કયારેક કયારેક કોઈ આપધાતનો પણ આશ્રય કરે છે. તેથી એમ જણાય છે કે મરણમાં પણ સુખ છે.

આપણા જીવનમાં આપણે જે વખતને મીનીટ, કલાક, દિવસ, માસ, ઋતુ, અયન અને વર્ષથી માપીએ છીએ તે આપણો વખત કે કાલ છે. અને તે ખરો વખત કે કાલ નથી. કારણ કે તે કાલનો અંત જ્યારે આપણું શરીર છૂટે કે મૃત્યુ થાય ત્યારે તે વખતનો ત્યાં અંત મૃત્યુ પહેલાની દશાના વખતથી માપી શકાય નહીં. મૃત્યુ વખતે એક પ્રકારના વખતનો અંત આવે છે. અને મરણ પછી જેવી વાસના રહે છે અને જેવા સંસ્કાર રહે છે કે હોય છે તે પ્રમાણે જીવ પોતાનો વખત ફરીથી તૈયાર કરે છે. જીવનમાં જો બ્રહ્મજ્ઞાન થાય કે આત્મજ્ઞાન થાય અને કોઈ પણ પ્રકારની ઇચ્છા ન રહે તો ઇચ્છા જ નથી તો તેને પૂરી કરવાનો વખત પણ જોતો નથી. ત્યાં વખત કે કાલની જરૂર પડતી નથી.

કીડાને ભમરી પકડીને લઈ આવે પછી માટીના દરમાં પૂરીને રાખે અને વાંરવાર ડંખ મારે તે ડંખની વેદના અને ભમરીનું ચિંતન અને તે ચિંતનના પરિપાકે દૃઢતા થયે ઇયળમાં જે જાત્યંતર પરિણામ થાય છે કે તેને પાંખો ફૂટે છે અને ઉડવા લાગે છે. ઇયળ મટીને ભમરી થાય છે. આ અનુભવ કેટલાક માણસો જાણે છે. તો કીડાનો ઇયળનો વખત અને ભમરીનો વખત એક નથી. તે જીવ એક ચક્કરની ગતિ ઉપરથી ઉતરીને બીજા પ્રકારના ચક્કરની ઉપર પડે છે.

જેમ આપણા શરીરના અંગ જુદા જુદા હોય છે તેમ વખત, કાલ પણ જુદા જુદા પ્રકારની ગતિના હોય છે. જેમ ઘડીયાળના ચક્રો એક આ દિશામાં ફરતું હોય છે પહેલુ બીજી દિશામાં ફરતું હોય તેમ. શરીરનો વખત કે કાલ તે પ્રાણનો વખત કે કાલ નથી. કારણ કે શરીરનો એક નાનો ભાગ આંગળી કે હાથ કપાઈ જાય તો પણ પ્રાણને કાંઈ થતું નથી અને પ્રાણનો વખત કે કાલ તે મનનો વખત કે કાલ નથી. ઉંઘમાં મન ચાલતુ બંધ થઈ જાય છે. પ્રાણ ચાલતા હોય છે. મનનો કાલ કે વખત તે આત્માનો વખત કે કાલ નથી. મનના સંકલ્પથી સ્વપ્નમાં જીવ બીજે ગામ જાય છે. ત્યાં બે પાંચ દિવસ કામ કરે છે. પરંતુ જ્યારે ઉઠે છે ત્યારે તે પોતાના ઘરમાં પોતાના બિછાનામાં પથારીમાંથી ઉઠે છે તેથી જણાઈ આવશે કે આત્માને મનના સંકલ્પથી ઉઠતા દેશ તથા વખતની અસર થતી નથી. આત્માના કાલને કે વખતને શાસ્ત્રોમાં સ્વકાલ કહે છે.

આટલા પ્રકારના કાલ કે વખત હોવા છતાં માણસ વિચારની ટેવથી એક જ પ્રકારના વખતમાં ગુંથાયેલો રહે છે. આપણા સમાજમાં એક કહેવત છે કે શાક બગડયું તેનો દિવસ બગડયો અથાણું બગડયું તેનું વરસ બગડયું અને જેની ઘરવાળી બગડી તેનો ભવ બગડયો. પરંતુ જેને કોઈ પણ વસ્તુની ઇચ્છા નથી કે કોઈપણ વસ્તુ જોતી નથી તેનું કંઈ પણ બગડતું નથી. તેનો વખત પણ બગડતો નથી. આવી ભાવનાઓથી વખતના વિચાર રહે છે અને વખતની ખરી ગતિ કે વખતની ખરી દિશા અને વખતનો સ્વભાવ સમજાતા નથી.

આપણા સુખના ચાર ક્ષેત્ર છે. શરીરનું સુખ, પ્રાણનું સુખ, મનનું સુખ, અને આત્માનું સુખ. આ ચાર ક્ષેત્રમાંથી કયા ક્ષેત્રમાંથી કયુ સુખ જોઈએ છે જે આપણે પહેલે જોઈ ગયા છે. ત્રણ ક્ષેત્રના સુખ અર્થમય પુરુષાર્થનું સુખ, કામમય પુરુષાર્થનું સુખ અને ધર્મમય પુરુષાર્થનું સુખ અને ચોથું મોક્ષમય પુરુષાર્થનું સુખ. તો આ ચાર ક્ષેત્રમાંથી જે જે ક્ષેત્રનું વધારે પ્રમાણમાં સુખ જોઈતું હોય તો તે ક્ષેત્ર માટે તેવો વખત ગ્રહણ કરવો પડે છે. કાયમના માટે નિયમ છે કે જો નબળા તથા હલકા વિચાર આવે તો જીવનમાં નબળાઈ તથા હલકાપણું આવે. વિચાર કે ચિંતન તે જ માણસનું જીવન છે. અને પછી તે નબળા તથા હલકા વિચાર પ્રમાણે પરાણે પરવશ થઈને પણ તેવા કર્મ કરવા પડે તે જ ખરું મૃત્યુ છે. બીજું કયુ મૃત્યું છે? તે દશામાં પછી વખત પોતાનો પોતાની સ્વાધિનતામાં રહી શકતો નથી. તેને પછી વખતની પાછળ પાછળ ચાલવું પડે છે તે વખતની આગળ ચાલી શકતો નથી. માને છે વખત મારો હજી આવ્યો નથી વખત આવ્યે વખત વખતનું કામ કરશે તેમ વખતની પાછળ પાછળ ચાલનાર પોતે પોતાના પુરુષાર્થથી ઢીલો તથા શિથીલ થઈ જાય છે, કાયર થઈ જાય છે, પ્રારબ્ધવાદી થઈ જાય છે. અને વખતથી હારીને ચાલે છે. પરંતુ આપણે આપણા જીવનમાં જ્ઞાન તથા શક્તિ વધે તેવા કર્મ કરવા જોઈએ. અને તેવા કર્મ કરવાથી માણસ સઘળા ભયમાંથી મુક્ત થાય છે. કારણ કે આનંદ કે સુખ વધવાથી વખત પણ ટૂંકો થઈ જાય છે. તેથી કયાં કર્મ કરવા લાયક છે તે જાણવા કરતા કેવા જ્ઞાનથી કર્મ કરવા જોઈએ તે જાણવું વધારે જરૂરનું છે.

સૃષ્ટિમાં એક વખત નથી અને તેથી સૃષ્ટિની ઉત્પતિ થઈ છે કે નહીં અથવા કયારે થઈ તે નક્કી કરવું હોય તો કયા ભાવે? કયારે? કેવા જ્ઞાનથી? કયારે શું જોયું? તે નક્કી કરવું જોઈએ. તે રીતે જોતા જણાશે કે દરેકને પોતાની કલ્પનાની સૃષ્ટિ દેખાય છે. અને તે સૃષ્ટિ તેની કલ્પના સુધી જ હોય છે અથવા સ્વપ્નાને જ્યાં સુધી જુવો છો ત્યાં સુધી જ છે. બાદ અજ્ઞાત કાંઈ નથી વેદાંતને જ્ઞાન સૃષ્ટિ જ માન્ય છે. અને વિચારતા વાત પણ બિલકુલ સત્ય લાગે છે. તેથી દૃષ્ટિ વખતે જ સૃષ્ટિની પણ પ્રતીતિ છે. જે કોઈ પણ અભિનેતા નાટક ભજવનાર હોય તેને એક જ વખતે આખુ નાટક નજર સામે દેખાતું હોય છે. પણ જોનાર પ્રેક્ષકોમાં ત્રણ ભાગ પડી જાય છે, પાડી નાખે છે. તેને માટે કાંઈક જોયું તે ભૂતકાલ, કાંઈક જોવાય છે તે વર્તમાનકાલ અને હજી જોવાશે તે ભવિષ્યકાલ થયો. એવી વૃતિઓ ઉત્પન્ન થાય છે. તેવી વૃતિઓ નાટક ભજવાવનાર પરમાત્મા પણ એક મોટા નાટકકાર છે. તેથી તે નટવર સર્વ નટોમાં શ્રેષ્ઠ કહેવાય છે. આત્મા નૃતક તેની દૃષ્ટિમાં બધુ પોતાનું સ્વરૂપ છે. જેને બીજું દેખાય છે તે ત્રણકાલની કલ્પના કરી બેસે છે.

કોઈ જગ્યાએ સ્ટુલ ટેબલ ઉપર કીડીઓની હાર ચાલી જતી હોય પછી આપણે ત્યાં આપના હાથના પાંચ આંગળા જરા પહોળા કરીને મૂકીએ કે રાખીએ ત્યારે કીડી પાંચ વિભાગે ફરવા લાગશે. અને તેને પાંચ કુંડાળા કે વર્તુળ જેવું જણાશે થશે. અને ત્યારે તે કીડીઓ એવી રીતે પણ માને કે તેના જગતમાં પાંચ જીવ જન્મ્યા અને આપણે પાંચ આંગળા ઉપાડી લઈએ ત્યારે તે એમ પણ કદાય માને કે પાંચ મરી ગયા. પરંતુ આપણે જાણીએ છીએ કે તે કલ્પના ખોટી છે. તેવી જ રીતે અહીંથી જે મરી ગયા આપણને લાગે છે તે બીજી જગ્યાએ પોત પોતાના કર્મ પ્રમાણે જીવન ગાળતા હોય અથવા જેમ બ્રહ્મજ્ઞાનની દૃષ્ટિમાં લાગે છે તેમ બધુ એક બ્રહ્મમાં કલ્પિત છે. મતલબ કહેવાનું કે જે દ્વૈત બુદ્ધિથી જીવન જીવતા હોય છે તે જીવન બ્રહ્મજ્ઞાનથી બાધ પામે છે. અને બાધ પામે છે તેથી તે જીવનને સાચા જીવન તરીકે માની શકાય નહીં. જે ગામમાં બધા આંધળાને બહેરા હોય તો તે ગામ કેવું છે તેમ કોણ કહી શકે અને કોણ સાંભળી શકે. અને દુનિયામાં એક જ માણસ હોય અને બીજી કોઈ વસ્તુ જ ન હોય તો તે પોતે કેવડો મોટો કહેવાય અથવા કયારે ઉત્પન્ન થયો તે કોણ કહી શકે કે કહેવાય. આપણે ચોમાસામાં જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે એકી સાથે દેડકા ઉત્પન્ન થઈને ડ્રાઉં ડ્રાઉં કરતા હોય છે. અને પાછા મરી પણ જતા હોય છે તેથી માણસના પચાસ વર્ષમાં દેડકાના પચાસ જન્મ થયા કહેવાય. માણસના જીવનમાં પણ દુ:ખ હોય તો એક કલાક પણ લાંબો લાગે. ઘડીકમાં જતો નથી. અને જો સુખ હોય તો પાંચ કલાક પણ જતાં વાર લાગતી નથી કેમ જતા રહે તે ખબર પડતી નથી. તેથી જીવની લાગણી ઉપર વખત ફરે છે. અને એમ પણ બોલાય છે કે અમુક માણસના માથા ઉપર કાલ ફરે છે.

રવિવાર સોમવાર કે મંગળવાર ઇત્યાદિ વાર બાળકની દૃષ્ટિમાં નથી. મરેલાને પણ નથી ગાંડાને પણ નથી. ઉંઘતા માણસને માટે પણ નથી. પશુ પક્ષીને માટે પણ નથી. અને બ્રહ્મજ્ઞાનીને માટે પણ નથી. મુસલમાનો શુક્રવારને પવિત્ર માને છે. અંગ્રેજો રવિવારની રજા પાડે છે. અને હિંદુઓ સોમવારને પવિત્ર માને છે. તેથી માણસના વાર માણસની કલ્પનામાં છે.

એક માણસને સ્વપ્ન આવ્યું તેમાં તેણે પર્વતો નદીયો ઇત્યાદિ ઘણુ ઘણું જોયું તેણે માન્યું કે આ પર્વત ઇત્યાદિ ઘણા વખતથી અહીં છે. અને હું હમણાં અહીં આ જોવા આવ્યો છું. જોઉં છું હવે જાગીને જો વિચાર કરે તો ત્યાં તે સ્વપ્નાનો પર્વત ઇત્યાદિ જે કાંઈ હતું તે પહેલાં તે ઘણા વખતથી ન હતું. તે પર્વત ઇત્યાદિમાં જે સ્થિરતા માની હતી ઘણા વખતની તે ખોટી હતી. ત્યાં સ્વપ્નનો જીવ વાસ્તવિક રીતે પહેલો હતો. તેમ જાગૃતમાં પણ બધા એમ માને છે કે આ જગત મારી પહેલાનું છે કારણ કે સ્વપ્નનું જગત તેની પોતાની કલ્પનામાંથી નીકળેલ છે તેમ આ જાગૃત વખતે જણાતું જગત પણ આત્મા પહેલે ન હતું. આપણે તેમ માની બેસીએ છીએ કે મારો જન્મ હમણાં થયો છે. આ જગત તો કયારનું મારી પહેલાનું છે. ખરા અર્થમાં તો જન્મ દેહનો થાય છે. મૃત્યુ પણ દેહનું થાય છે. આત્મા જન્મતો પણ નથી મરતો પણ નથી. તેથી આપણે જેમ સ્વપ્ન જગત પહેલાના છીએ તેમ આ જાગૃતમાં જણાતા જગતની પણ પહેલાનું આપણું સ્વરૂપ છે આ જગત ન હતું ત્યારે પણ હું હતો. આ જગત છે તો પણ હું છું આ જગત નહીં હોય ત્યારે પણ હું હઈશ તેવું મારું ત્રિકાલાબાધિત સ્વરૂપ છે. જેમ ઘડામાં રહેલું ઘટાકાશ તેમાં આકાશને વખત કે કાલ નથી વખત કે કાલ ઘડાને છે તેમ દેહને વખત કે કાલ છે પરંતુ મારા આત્માને વખત કે કાલ નથી. તેવું મારું કાલાતિત સ્વરૂપ છે. આપણે અહીં વખતનો વિચાર પૂર્ણ કરીશું

ૐ ૐ ૐ

Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

Create a free website or blog at WordPress.com.