ગતાંકથી આગળ
વળી કયારેક કયારેક આપણે જ્યારે બીજાના કલ્યાણ ભાવના લઈને જઈએ છીએ ત્યારે ઘણીવાર આપણે હલકા નીચા ભાવમાં આવવું પડે છે. નીચે ઉતરવું પડે છે. જે આપણી પાસે મારું કલ્યાણ થાય તેવી ભાવના લઈને આવનારની લાગણીઓ તથા તેના ભાવને સંતોષ આપવો પડે છે. અને લાગણીઓ પણ સંસારની ભાવનાવાળી પણ કયારેક હોય છે. સંસારમાં દુ:ખનાં કારણો પણ ઘણાં હોય છે. અને સઘળાં તે તે પ્રકારનાં દુ:ખોથી મુક્ત થવા ઇચ્છતાં હોય છે. અને તેથી કયારેક હલકી માગણીઓ કરતા હોય છે. અને આવી હલકી સંસારીક માગણીઓને સંતોષવા તે મહાપુરુષને પણ ઊંચા ભાવથી નીચે આવવું પડે છે. ઉતરવું પડે છે. અને જો તેવા સકામ શિષ્યોની તેવી હલકી માગણીઓને સંતોષવા જતા જો તેને પોતાનો ખ્યાલ ન રહે ધ્યાન ન રહે તો તે પણ નીચે આવીને પડે છે. કલ્યાણની ભાવના સારી છે. પરંતુ જે પોતાનું કલ્યાણ કરી શકયો નથી તે બીજાનું કલ્યાણ કરવા જશે તો ઉભય કલ્યાણને હારી જશે અને જે પોતાનું કલ્યાણ કરી ચૂકયો છે તેણે પણ ધ્યાન તો રાખવું ઘટે પોતાની જે ઊંચી સ્વરૂપ સ્થિતિ છે તેની નિષ્ઠામાં રહીને કરે તો ઠીક છે. અને ભરત મુનિની દયા જેવું થાય કે દયા જ ડાકણ બનીને ખાઈ જાય. ભરત મુનિનું તત્વ ચિંતન છોડાવી દીધું. જેમ હરણ બાળે તેમ તત્વ ચિંતન છૂટી જાય અને પદાર્થ ચિંતન શરૂ થઈ જાય. તેથી કલ્યાણની ભાવના સારી છે. પરંતુ પોતાનું અકલ્યાણ ન થઈ જાય તે ધ્યાનમાં રાખવું પડે છે. અને જેણે સમાજના કલ્યાણની ભાવના રાખીને તેને ઉંચે લાવવા માટે પોતાને કાયમ ઊંચો તથા મોટો ભાવ રાખીને ચાલવું પડે.
સેવા જેમ શરીરથી થાય છે તેમ વાણી અને મનથી પણ થાય છે. મન વાણીને શરીરની સેવામાં લઈ જવા કરતા મન વાણી અને શરીરને આત્મા કે પરમાત્માની સેવામાં લઈ જવા તે ઉતમ છે. તો મન વાણી તથા શરીરને આત્માની સેવામાં વાપરવા જોઈએ. અને ખરી સેવા તે જ છે. સેવાની પાછળ મેવાની ભાવના રાખવાવાળા સેવા કરી જ શકતા નથી. મેવાની ભાવના ન હોય છતાં પણ કયારેક માથે દેવું કરીને પણ સેવા કરનાર દેવા નીચે દબાઈ જાય છે. તેથી મુશ્કેલી ઊભી થાય છે. પછી સેવા રહેતી નથી. અને દેવાનું ચિંતન વધી જાય છે.
અંતઃકરણમાં જે ત્રીદોષ છે મલ, વિક્ષેપ તથા આવરણ તેને મલ નિવૃતિ માટે નિષ્કામ કરવાની જરૂર છે. વિક્ષેપની નિવૃતિ માટે ઉપાસના કર્મ કરવાની જરૂર છે. વિક્ષેપની સમાપ્તિ તથા સકામ હેતુથી ઘણા એવા ગુરુ પાસે કે મહાત્મા પાસે જતા હોય છે. ઉપરથી સેવાની ખુબ લાગણી પણ પ્રગટ કરતા હોય છે. સાંસારિક હેતુ કઈ રીતે સિદ્ધ થાય તેવા તેવા પ્રશ્નો પણ ઉઠાવતા હોય છે. કરતા હોય છે. અને મહાત્મા પણ લાગણીમાં આવી જતા ઘણી ઘણી વાર તે મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે. એક મહાત્માને ઘણા શિષ્ય તેમાં વારંવાર ગુરુને પૂછે કે હું લગ્ન કરું? હું લગ્ન કરું? અને ગુરુજીએ પણ લાગણીમાં આવી હા પાડી દીધી. પછી લગ્ન કર્યા. થોડો સમય તે વહેવાર ચાલ્યો. અકસ્માત તે શિષ્યનું મૃત્યુ થયું પછી તેના પત્નિ કાયમ મહાત્મા પાસે આવીને રડે કલ્પાંત કરે. મહારાજ પણ દુ:ખી થાય. માટે ક્યારેક આવી શિષ્યોની સકામ લાગણીને સંતોષવા જતા બંને ઊંચી સ્થિતિ ચૂકી જાય છે. વાસ્તવિકતામાં તો સમાજને ઉંચ સંસ્કાર આપીને ઉંચે ચડાવવા જોઈએ પરંતુ સમાજને હલકા લાભ જોઈએ તે માટે હલકા ભાવમાં ઉતરવું ન જોઈએ. આપણી અંદર ભગવાનનો ભાવ હશે તો પ્રયત્ન વગર જગત પણ ભગવાનરૂપે દેખાવા લાગશે.
મહાપુરુષો જીવનમાં સુખ અને સૌદર્યને જુવે છે શોધતા નથી. કારણ કે જે સત્ય છે તેનું નિત્ય હોવાપણું છે તેથી જ તેને સત્ય કહેવાય છે અને તે જ શિવ છે. કલ્યાણ સ્વરૂપ છે. અને તેનું સૌદર્ય છે. તેથી તે શોધતા નથી પરંતુ જુવે છે. જે જે કાંઈ પણ પ્રયત્ન કરતા હોય તો તે સુખ માટે અને તે માટે નવી નવી માન્યતાઓ ખ્યાલો પણ નવા નવા બાંધતા હોય છે. એક નવી માન્યતા બાંધી લેવી તે ઘણું સહેલું છે પરંતુ બાંધી લીધેલી જુની માન્યતાને ભૂલ માનીને દુર કરવી ઘણી કઠણ છે. આજે વર્તમાનમાં પણ ઘણા દેશભક્તો સત્યાગ્રહો કરતા હોય છે. પહેલાના જમાનામાં પણ સત્યાગ્રહો થતા હતા પરંતુ તે સત્યાગ્રહો સત્યને સમજયા પછી થતા હતા. પ્રહલાદનો સત્યાગ્રહ હિરણ્યશીપુ સાથે હતો તેમાં પ્રહલાદ સત્યને સમજયા હતા. અને પછી સત્યાગ્રહ કર્યો હતો તો ત્યાં પ્રહલાદના સત્ય પ્રમાણની આગળ હિરણ્યકશીપુને ઝુકવું પડયું. જે સત્યને જાણ્યા પછી સત્યના રક્ષણ માટે જે સત્યાગ્રહ થાય તેમાં અને સત્ય મેળવવા માટે જે સત્યાગ્રહ થાય તેમાં ફેર રહે છે. પ્રહલાદના સત્યાગ્રહ વખતે હિરણ્યકશીપુએ ખુબ જુલ્મ કીધો. મીરાને સત્ય છોડાવવા માટે રાણાએ ખુબ જુલમ કર્યો પરંતુ તે સત્યને જાણી ચૂક્યા હતા. એટલે તે જુલમ કરનારામાં પણ સત્ય પરમાત્માને જોઈ શકતા હતા. તેથી તેના ઉપર તે જુલમની અસર કાંઈ પણ થતી ન હતી. સત્યનું જ્ઞાન થયા પછી સત્યમાં હું તું તેવો ભેદ રહેતો નથી.
વધુ આપણે કાલે જોઈશું…