રાગઃ- ગંગાસતીના ભજન પ્રમાણે
વચન વિચારી સંતો ચાલજોને,
રાખી રેણીની રૂડી રીત
ગુરુજીના વચનમાં વિશ્વાસ રાખીને
પાળવું પ્રેમે રાખી પ્રીત –વચન
વચનથી દિલમાં કદી ડગવું નહીને રે,
જો સમજાયું હોય સાચું ચિત્ત
વચન વિવેકી થઇ વરતવું ને
કરવા સદા સુક્રિત –વચન
વચનુમાં બ્રહ્મા વચનુમાં વિષ્ણુને,
વચનમાં શિવ શેષ સહીત
વચનમાં સૃષ્ટિ ઠીક થઇ ઠેરાણીને
વચનમાં સૂર્ય-ચંદ્ર નિત –વચન
વચનમાં સિધ્ધ ચોર્યાસી સિધ્યાને,
વચનમાં રહે નવનાથ નિત
વચન વિવેકમાં જનક વિદેહીને,
વચનમાં શુક સનકાદિક સહીત –વચન
વચનમાં જે નર પૂરા ઇ શુરાને,
જેણે પાળી વચનની રૂડી રીત
ભજનપ્રકાશ ભક્તિની યુક્તિ જેણે જાણીને,
એ પૂરણ અખંડ અજીત –વચન