ઉડીજા ભમરા કમલ દલસે, ભુલીશ નહીં ભીતરથી
પરાગ લેવા પુષ્પ થકી, ડોલીશ નહીં તું દીલથી –1
જાઇ જુઇ કેવડે મરવે, ચંપે ચલીશ નહીં ચિત્તથી
પુષ્પરસનું પાન કરતાં, અટવાઇશ નહીં આસક્તિથી –2
કમલ દલ કરમાઇ જાશે, આવતાં આ રજનીથી
સુગંધ તણું સુખ ચાખતાં, પુરાઇશ નહીં મોહથી –3
તારાં ફૂલ તને વેડશે, છેતરાઇશ નહીં સુગંધથી
આવતી રજની પહેલાં ઉડીજા, માની સાચું મનથી –4
કાષ્ટ કોરવાની શક્તિ ભ્રમરને, સમજાણી સહજથી
કમળ કોરી કારજ કીધું, મુક્ત થયો બંધનથી –5
પાંખો પ્રસારી ભમરો પલમાં, કરતાં વિલંબ નહીં વાતથી
ભજનપ્રકાશ ભૂલ્યો નહીં ભીતર, ઉડી ગયો આકાશથી –6