ગતાંકથી આગળ
પરંતુ ત્યાં પણ પ્રશ્ન થાય કે ભાઈ મહાત્મા કહેવા કોને? શું ચમત્કાર બતાવી શકે તેને? પરંતુ ચમત્કારથી પણ આ બાબતનો નિર્ણય થઈ શકતો નથી. મદારી પણ ચમત્કાર તો બતાવે છે તેથી શું તે મહાત્મા મનાય? તો શું જેનું સાદુ જીવન હોય સાદો પોશાક હોય સાદુ ખાન પાન હોય અને જેનું સઘળું સાદું હોય તેને મહાત્મા કહેવા? આવું જીવન પણ ઘણા ગરીબ માણસો જીવતા હોય છે. તેથી પણ તેને મહાત્મા ન કહેવાય. સાદુ જીવન જીવતા હોય ચમત્કાર પણ બતાવતા હોય અને જીવનમાં ઘણી અનીતિઓ તથા બદીઓ પણ હોય છે. વળી ઘણા ઘણા મહાત્માઓ પણ ખુબ સારી ટેવથી રહેતા હોય છે. અને તેના આત્માની શક્તિથી જેમાં ચમત્કાર સહજ દેખાઈ આવે છે કરતા ન હોય છે દેખાઈ આવતો હોય છે. પરંતુ આ કોઈ સમાધાન પૂર્ણ પ્રત્યુતર કહી શકાય નહીં. માટે એટલું જરૂર માની શકાય કે જે માણસની પાસે આપણે બેસીએ અથવા જેના સબંધથી આપણું જીવન ઊંચ્ચ દિવ્ય તથા આનંદમય સ્થિતિમાં આવે પરમ શાંતિ અનુભવાય તે માણસને આપણે માટે તે ગુરુ માની શકાય તેથી એમ જ મનાય કે આ પ્રમાણે આપણા જીવનથી જે માણસો પોતાનું જીવન સુધારતા હોય તે આપણને ગુરુ પણ કહેશે.
આ ઉપરથી જડ તથા ચેતનનો પણ નિર્ણય થઈ શકે છે. માત્ર આપણે જ સ્થિતિ એક જગ્યાએ જેની છે એની જેમ હલન ચલનથી થતા નથી તેને આપણે જડ કહીએ છીએ અને જેમાં હલન ચલન છે તેને ચેનત કહીએ છીએ. પરંતુ અહીં થોડું ઉલટું જણાય કારણ કે જે વસ્તુ અથવા માણસના સબંધથી આપણામાં ઊંચા તથા મોટા વિચારો આવે અને ઊંચું તથા મોટું જીવન જીવી શકીએ તે ચેતન અને જે વસ્તુ કે માણસના સબંધથી હલકા કે નકામાં વિચારો આવે અને હલકું કે નીચ જીવન જીવાય તેને જડ કહેવામાં પણ કાંઈ ખોટું નથી. માનો કે આપણે આકાશ તરફ દૃષ્ટિ કરીએ કે તુરત વિશાળતાનું દર્શન થાય છે. આપણે હિમાલય જેવા પહાડોમાં બેઠા હોય અને જ્યારે તે પ્રકૃતિ સૌંદર્ય નિહાળતા હોઈએ ત્યારે પણ વિશાળતાનું દર્શન થાય છે. અને ત્યાં વિચાર પણ મોટા ચાલે છે કે આ કોણે બનાવ્યા હશે. જે એનો બનાવનાર છે તે મોટો છે. તેનાથી મોટું કોઈ નથી. કારણ કે બ્રહ્મ શબ્દ પણ બ્રુહત જે મોટું છે તે બ્રહ્મ છે. ત્યારે આકાશ ભલે જડ લાગતું હોય સમદ્ર ભલે જડ દેખાય પર્વત ભલે જડ દેખાય પરંતુ વિચાર મોટા આપે છે. તેથી તે ચેતન છે. જડ નથી. પરંતુ એક હાલતું ચાલતું માણસ છે ચેતન મનાય છે પરંતુ તેના સબંધથી કે પાસે બેસવાથી જો આસુરી વિચારો હલકા કે નબળા નીચ આવતા હોય તો તે ચેતન નથી પણ જડ છે. તે આપણને જડ બનાવશે. અહીં જડ ચેતન ફરી જાય છે. જડ તે ચેતન લાગે છે ચેતન તે જડ લાગે છે.
ખાસ કરીને તો માણસને તમોગુણ હલકો તથા જડ બનાવે છે. નાના બનાવે છે. તેની અપેક્ષાએ વિચાર કરીએ તો રજોગુણ ચેતન છે. પરંતુ જેને રજોગુણ પણ જડ બનાવે છે તે અપેક્ષાએ સત્વગુણ ચેતન છે. અને સત્વગુણ પણ અભિમાન ઊંભુ કરીને જડ બનાવે છે. તેની અપેક્ષાએ નિરાભિમાનપણું ચેતન છે અને નિરાભિમાનપણું તે ચેતનનો માર્ગ છે. કયારેક કયારેક આપણને મૃત્યુને જોઈને પણ મોટા જીવનનો માર્ગ ખુલો થતો હોય છે. તેમને માટે તે ચેતન છે. અને ઘણા એમ માને છે મૃત્યુથી પોતાના જીવનને ટૂંકું અલ્પ માને છે તેથી તે પણ જડ ભાવ છે.
એટલા માટે તે જરૂરનું છે કે સત્ય પરમાત્મા કે ભગવાનના જ્ઞાન માટે પોતે જે માન્યતાઓમાં કે શ્રદ્ધામાં જીવે છે અને કાંઈક સમાજ તરફથી લદાયેલી ચાલુ માન્યતાઓ કે શ્રદ્ધા અને કાંઈક એવા બિન અનુભવીના લખાયેલા પુસ્તકો પરથી સ્વીકારેલી માન્યતા કે શ્રદ્ધા અથવા બિન અનુભવીના કહેલા વાક્યો કે ભાષણો પરથી સ્વીકારેલી માન્યતા કે શ્રદ્ધા તેવી માન્યતાઓને કે શ્રદ્ધાને શંકાથી જોવી જોઈએ અને જે ફેરવવા જેવી કે તોડવા જેવી હોય તેને તોડવી કે ફેરવવી પડે. જે સાચી માન્યતાને જ શ્રદ્ધા કહે છે ખોટી માન્યતાને વહેમ કહે છે. સાચી માન્યતાને ઘડવામાં કે દૃઢ કરવામાં અને ખોટી માન્યાતને દુર કરવામાં પણ કાંઈક વિચાર માગી લે છે. અને તે માટે વિચારવું તે પણ જરૂરનું છે. તો આજે વર્તમાનીય યુગમાં વિજ્ઞાનની ખુબ શોધ થઈ છે અને તેથી તે શોધ ખોળથી ભૌતિક સુવિધા સગવડો પણ ખુબ વધી ગઈ છે વેપાર ઉદ્યોગ ધંધા પણ અનેક પ્રકારના ભિન્ન ભિન્ન વિકસ્યા છે અને દેશ વિદેશના રાજ્યતંત્રમાં પણ ખુબ ફેરફારો થયા છે. આજે ગ્રામ્યજીવન પર ઘણાને અણગમો થયો છે અને શહેરી જીવન જીવવા તરફ સમાજ ધસી રહ્યો છે. તે પણ સુખ સગવડોને શોધે છે અને માને છે કે માત્ર ગ્રામ્ય જીવન જીવવાથી અને એક ઠેકાણે બેસીને આત્મ ચિંતન કરવાથી સુખ મળશે નહીં. પરંતુ જેમ વિદેશમાં ધંધા ઉદ્યોગ વેપાર હુન્નરો જેમ વિકસ્યા છે તેમ અહીં પણ વિકાસ થાય તો જ સુખ મળશે. માટે ભૌતિકતા વધારવી જોઈએ ધંધા હુન્નર ઉદ્યોગની વૃદ્ધિ કરવી જોઈએ. આ માન્યતાપણ જો તે પ્રકારનું સુખ જોઈતું હોય તો સ્વીકારી શકાય. આજે ભૌતિક સુવિધાની સુખ સગવડવાળાને પરમ સુખી તો ન જ કહી શકાય. કારણ કે સાથે અશાંતિ પણ એટલી વધી છે તેથી સુવિધાનું સુખ કહેવાય. તે સુખ જેને જોઈએ તે તે માન્યતા સ્વીકારીને ચાલે છે. તે રીતે તેની માન્યતા પણ ખોટી નથી.
તો વળી બીજા કેટલાક એમ કહે છે કે ઉતમ જીવન તો તે છે કે બીજાનું ભલું કરવું. માણસ પણ ભગવાનનું રૂપ છે. અને ગરીબ માણસોની સેવા કરવી તે ભગવાનની સેવા બરોબર છે. પરંતુ વ્યક્તિ તે ભૂલી જતી હોય છે કે ભગવાન ગરીબ નથી. અને ગરીબોની સેવા કરતી વખતે ગરીબોમાં ભગવાન દેખાતો નથી કે ભગવાનરૂપે તેને જોઈ શકાતા નથી. જે કન્યા કુંવારી જ છે પતિ મળ્યો નથી કોઈ પતિની પત્નિ થઈ નથી અને પતિની સેવા કઈ રીતે કરી શકશે? ભગવાન મળ્યા વગર ભગવાનની સેવા કઈ રીતે કરી શકશે? ભગવદ ભાવ જ જાગ્યો નથી ત્યાં સુધી ભગવાનની સેવા થઈ શકે નહીં. કારણ કે આપણે ભગવાન અને સંસાર બે વસ્તુ માનીએ છીએ. જ્યાં સુધી સંસાર દૃષ્ટિ છે ત્યાં સુધી સંસારની સેવા કે સેવન થાય છે. ભગવાનની સેવા નહીં. જ્યારે ભગવાન મળે ત્યારે ભગવદભાવ દૃઢ થાય છે. પછી સંસારમાં સંસાર દૃષ્ટિ રહેતી નથી. ભગવદ દૃષ્ટિ દૃઢ થઈ જાય છે. ત્યારે સઘળું પોતાનું લાગે છે. અને ત્યારે ભગવાનની સેવા થાય છે. જ્યાં સુધી ભગવાનમાં સંસાર જોઈ શકશું નહીં ત્યાં સુધી ભગવાન પણ મળશે નહીં.
વધુ આપણે કાલે જોઈશું…