વખત વિત્યાની પહેલા શું?
માણસ પોતે અહંકૃત ભાવથી કાંઈક કરે છે. કરે છે શા માટે? કે તેને કંઈક જોઈએ છે એટલે. અને તેટલા માટે જુવે છે. સુણે છે જાણે છે અને અનુભવે છે. જીવનનો હેતુ શું? તો તે ખબર નથી બસ ક્રિયા થાય છે. જોવાય જાય છે, સંભળાઈ જાય છે, અને જે જાણે છે અનુભવે છે તેનું પરિણામ સુખ તથા દુ:ખ છે. તેથી માનવું જોઈએ કે આ સઘળી કૃતિનું પરિણામ જે સુખ કે દુ:ખના પડઘા હોય અને આથી વિશેષ કાંઈ પણ ન હોય તો પછી શું પશુ પક્ષી કે વૃક્ષો ઇત્યાદિ જીવનનો હેતુ શું તે જાણતા કે સમજતા નથી. બસ તેને તો તે જ જીવન યંત્રવત આગળ કોઈ પણ વિશેષતાનું દર્શન નહીં તેથી તે જીવન પણ જીવન ન કહેવાય, જડતા જ કહેવાય. અને તે પશુ પક્ષી તેવું કાંઈ પણ વિચારી પણ શકતા નથી. અને તેને માટે તો ત્યાં પ્રશ્નાર્થ જ મુકાઈ જાય છે પરંતુ માણસનું પણ જો એવું જ હોત તો પરમાર્થની વાતો કરનારા કે વેદ પુરાણ કે શાસ્ત્રો માનવ જીવ માટે છે પશુ પક્ષી ઇતર જીવો માટે નથી. અને અમારી સામે પરમાર્થની સીદ્ધિ કરનારા વેદ વચનો છે તે કોઈ સ્વાર્થ કે કોઈ ધુતારા ઠગારાની વાણીના વાક્યો નથી પરંતુ આપ્ત વાકયો છે. જે જીવનમાં નિસ્પૃહી થઈને એક પરમાત્મ તત્વને લક્ષ્ય બનાવીને જીવતા હોય કે તેમાં સ્થિતિ કરીને રહેતા હોય તેને જુઠી કે છેતરામણી વાતો કરવાની શું જરૂર? તેથી તે વાક્યો અવિશ્વાસુ તો ન કહેવાય અને તેમાં જેણે વિશ્વાસ કર્યો શ્રદ્ધા કરી આપ્ત વાકયો ને માન્યા તેના જીવનમાં આપણે રૂદનમાંથી હાસ્ય પ્રગટ થયેલું પણ અનુભવી શકીએ છીએ તેથી તે વિશેષતાના દર્શનથી પણ નિશ્ચિત થાય છે કે કાંઈક વેદ વાક્યો તે યથાર્થ વાકયો છે.
માટે કાંઈક એક કર્મ કે કર્તવ્ય થવું જોઈએ કે કરેલું અકરેલુ થાય, જોયેલું દર્શન કરેલુ અદર્શન થાય, શ્રુત થયેલુ અશ્રુત થાય અને અનુભવેલુ અનુભવરૂપ થાય તે શું? અને સઘળું માનેલુ અમાનેલું થાય એવું તત્ત્વ કયું? કારણ કે આજ દિવસ સુધી ઘણું કર્યું, ઘણું જોયું, ઘણું સાંભળ્યુ, ઘણું જાણ્યું અને ઘણું માન્યું અને ઘણું અનુભવ્યું, પરંતુ સઘળું નિરર્થક છે. કારણ કે તેનો અંત ન હોય તો કંઈપણ કર્યું નથી, કંઈપણ જોયું કે સાંભળ્યું નથી, કંઈ પણ જાણ્યું કે માન્યું નથી, અને કંઈ પણ અનુભવ્યું નથી. અને આ સઘળાની પાછળ કંઈક મેળવવાની ભાવના હોય તો કાંઈ પણ મળ્યું નથી. સાચુ કે સત્ય કર્મ તે પણ કર્માતિત દશા તરફ લઈ જાય છે.
સાચું કે યથાર્થ દર્શન પણ જીવનમાં દૃશ્યનો સંતોષ આપે છે. સાચા સાંભળેલામાં પણ સંતોષ હોય છે. સાચી માન્યતામાં પણ વસ્તુ વાસ્તવિક ઠરે છે. અને સત્યનો અનુભવ પણ સઘલા અનુભવોને જુઠા ઠરાવે છે. અને અનુભવ અનુભવીને કે અનુભવ્ય વસ્તુને દુર હઠાવીને અનુભવરૂપ થઈને રહે છે. માટે આપણે તેવી માન્યતા તરફ ઢળવું જોઈએ કે આપણી માન્યતા સત્ય ઠરે. વાસ્તવિક ઠરે તો જોશું થોડુ માન્યતા વિશે….
માન્યતા
એક માન્યતા તો કાયમને માટે એવી છે કે માણસ પશુમાંથી આવ્યો છે. પશું જેવો તેનો સ્વભાવ છે કારણ કે તેના અંત:કરણમાં પાશવી વૃતિઓ જણાય છે. તેથી તે જલદી સુધરી શકે નહીં પણ ધીરે ધીરે તેમાં માનવતાના સંસ્કારોનું સિંચન કરવામાં આવે ત્યારે તેમાં માનવતાના ગુણોનો વિકાસ થાય છે, અને સાચો માણસ બને છે. અને આપણી મનુસ્મૃતિ કે અન્ય ગ્રંથો પણ કહે છે કે માણસ પહેલે તો જંગલી પશુ જેવું જ વર્તન કરતો હતો જેમ પશુને આહાર, નિંદ્રા, ભય તથા મૈથુન આ ચાર ધર્મ જ હોય છે તેમ માનવોમાં પણ આજ વર્તન કે વૃતિ હતી. ઠીક લાગે તેને પોતાનો આહાર બનાવી લેતો હતો માણસ માણસને ખાઈ જતો હતો. ત્યારે મનુ ભગવાને સૌને પોતાની નજીક કરીને તેમાં માનવતાના ગુણો રેડયા અને માણસ બનાવ્યો. અને ત્યાંથી સાચુ માણસ તરીકેનું માનસ ધરાવતો થયો.
હજી પણ ઘણાના જીવન તરફ નજર કરશું તો પશુ તથા માનવમાં કાંઈ પણ અંતર ન લાગે તેથી એક માન્યતા તે છે કે તે ધીરે ધીરે સુધરશે ત્યારે કેટલાક માને છે કે જે માનવામાં દોષ દેખાય છે તે અંતઃકરણના છે. માનવનું સાચુ આત્માનું સ્વરૂપ તો નિત્ય, શુદ્ધ, બુદ્ધ અને મુક્ત છે, આનંદમય છે અને તેના સ્વભાવમાં દોષ દેખાય છે તે અંતઃકરણના છે. આત્માના નથી. આત્માનું સ્વરૂપ કાયમને માટે કાલાતીત છે. તેથી અંતઃકરણના દોષો તેને સ્પર્શી શકે નહીં. તે પૂર્ણ નિર્દોષ તથા વિશુદ્ધ છે તેથી તેમાં તો સુધરવું કે બગડવું કશું પણ નથી. સુધરવું અને બગડવું તે અંતઃકરણનો ધર્મ છે. આત્માનો નથી. આત્માનું સ્વરૂપ વિશુદ્ધ છે તેથી તેને સમજવાની જરૂર રહે છે.
પહેલી માન્યતા તો આપણી બુદ્ધિમાં તુરત ઉતરી જાય તેવી છે પણ બીજી માન્યતા જલદીથી સમજાય તેવી નથી. અને તે માન્યતા સમજાતી નથી તેનું કારણ પણ તે છે કે આપણે જે બુદ્ધિથી વહેવાર કરીએ છીએ તે જ બુદ્ધિથી આત્માને સમજવા માટેનો તે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. વહેવારિક બુદ્ધિ તે માત્ર સામાન્ય વહેવારનું જ્ઞાન આપી શકે પરંતુ પરમાર્થ તત્વમાં તે બુદ્ધિ ઉપયોગી થતી નથી. સ્વરૂપની સમજણ માટે તે બુદ્ધિ તેની નિકટ પણ જઈ શકતી નથી. વહેવારમાં પણ એવું છે કે કયારેક કયારેક એક માણસ વાત કરતો હોય તેને બીજો માણસ સમજી શકતો ન હોય કે સમજી શકતા ન હોય. સતયુગની વાતો સતયુગના માણસો સમજી શકતા હોય યુગ યુગની પણ ભાષા હોય છે. અને યુગ યુગની ભાષામાં પણ એવી ભાષા હોય છે કે ઘણા ઘણા તેમાં પણ સમજી શકતા ન હોય. જેમ અત્યારે પ્રાંત પ્રાંતની ભાષામાં પણ ઘણી શબ્દ રચનામાં ફેર પડતો હોય છે વસ્તુ એક જ હોય છે પરંતુ તેને અલગ અલગ શબ્દની ભાષાથી કહેતા હોય છે. તેમ તત્વ સમજાવવામાં પણ જે સતયુગમાં ભાષા વપરાતી હોય કે તેનો ઉપયોગ થતો હોય તે પ્રાંતોમાં ન પણ હોય અને વખતે ત્રેતાના માણસો અને તે વખતની રૂઢિ તથા રીત રિવાજ પ્રમાણે ભાષાનો ઉપયોગ થતો હોય છે. તેમ દ્વાપરમાં ત્રેતાની ભાષા ન સમજાય તેમાં તે વખતના રીત રિવાજો તથા રુઢિ પ્રમાણે ભાષા બોલાય તેમ આજે કલીયુગમાં જે ભાષાનો ઉપયોગ થાય છે અને પદાર્થ શોધન માટે જે વર્તમાનિય સાયન્સ કે વિજ્ઞાનનો ઉપયોગ થાય છે તેમાં સઘળી અંગ્રેજોની ભાષા કે આપણા ભારતમાં તે રાજ્ય કરી ગયા અને અંગ્રેજી ભાષાને છોડતા ગયા. અને વ્યાપક પણે અત્યારે અંગ્રેજી ભાષાનો ઉપયોગ વહેવાર પક્ષે અધિક થઈ રહ્યો છે. તો સંભવ કે પાછળથી બસો વર્ષ પછીની પ્રજા તે ભાષાને પણ ન સમજી શકે, આજના પણ સઘળા સમજી શકતા નથી.
અને તત્વ સમજાવવું હોય તો સૌ સૌની પ્રાંતિય ભાષાથી સમજાવવું પડે અને મહાત્મા પુરુષોએ તેવા પ્રયત્નો કર્યા છે. આપણે સઘળા ધર્મગ્રંથો તો સંસ્કૃત ભાષામાં જ છે અને તે પુરાણી ભાષાની આજ સુધી જાળવણી થઈ છે. તે ધન્ય છે, આપણા ઋષિ મુનિઓને કે જે એક ગુરુ પરંપરા ઊભી કરીને તે વિદ્યાને જાળવી રાખી છે કારણ કે નવા યુગના જન્મનારા માણસને ટેવ પણ નવી નવી પડતી હોય છે તેનું કારણ નવી નવી જરૂરિયાતો પ્રમાણે ટેવ પડતી હોય છે. તેથી સમજણ શક્તિની પણ હદ કે મર્યાદા બંધાય છે. દરેક વખતે વહેવાર તથા પરમાર્થનો સબંધ બરાબર રાખવાનો પ્રયત્ન થાય છે. પરંતુ વહેવારનો જે સબંધ છે તે ફરતો રહે છે અને તે ફરવાના સ્વભાવવાળો છે તેથી તે સબંધ વહેવાર તથા પરમાર્થનો બરાબર રાખવા પ્રયાસ થવા છતાં પણ સબંધ વહેવારનો ફરતો રહેતો હોવાથી જે ઉપાયો પહેલાના વખતમાં લેવામાં આવ્યા હોય તે બીજા વખતમાં ચાલતા નથી.
માણસને જીવનનો હેતુ સમજાવવા માટે અને સમજાય તે માટે જીવનને કેળવવું પડે છે અને કેળવણી લેવી પડે છે. જન્મથી જ મા બાપ તેનું ઘડતર કરતા હોય છે કેળવણી આપતા હોય છે. પરંતુ જે માતા પિતા પોતે જીવનનો સાચો હેતુ સમજ્યા નથી તે જીવનની સાચી કેળવણી આપી શકે નહીં. વહેવારની આપે, ખાવા પીવાની, રહેવાની, અર્થ સંપાદન કરવાની ઇત્યાદિ ઇત્યાદિ અને જીવનનો સાચો આધાર કેળવણી ઉપર છે. અને કેળવણી પણ તે સાચી કહેવાય કે જે કેળવણીથી જીવનનો સાચો હેતુ સમજાય. આજે સ્કુલોમાં કે વિદ્યાલયોમાં પણ માત્ર વહેવાર લક્ષી કેળવણી આપવામાં આવે છે. જે રીતે માનવતાનું ઘડતર થવું જોઈએ તે રીતે થતું નથી. તેથી માનવ પશુ જેવો જ જીવન પર્યંત રહે છે. પરમાર્થના ખબર જ હોતા નથી પરંતુ જ્યાં વહેવાર કે પરમાર્થ એક થાય અથવા તો વહેવારનું પણ જ્ઞાન મળે અને પરમાર્થનું પણ જ્ઞાન મળે તેવા વિદ્યાલયો કયાં? અથવા જીવનની સાચી કેળવણી જીવનમાં કયારે શરૂ થાય તે પણ કહેવું મુશ્કેલ છે. અને આ જે કેળવણી છે કે જેમાં પરમાર્થનું જ્ઞાન સમાયેલું છે તે ઘણા અનપઢ અભણ માણસોમાં પણ જોવામાં આવે છે. અને તે પણ નાની ઉંમરમાં અને ઘણા ઘણા મોટી ઉંમરના વૃદ્ધ થયા હોવા છતાં પણ મુર્ખ રહી જતા હોય છે, અને જીવનમાં સાચી વિદ્યાનો અભાવ હોય છે. સત્ય કે પરમાત્મા શું છે અથવા કોને કહેવું તે આપણા પૂર્વના આર્ષ દૃષ્ટા ઋષિ મુનિઓએ નક્કી કરેલ છે. સત્યનો અથવા પરમાત્માનો અનુભવ કંઈક મહાપુરુષો લઈ ચુકયા છે. અને આપણા જ દેશમાં થઈ ગયેલ છે. પરંતુ દરેક વખતે નવી નવી પ્રકૃતિના માણસો જન્મતા હોવાથી તેજ સત્ય તે તે વખતના માણસોને સમજાવવા માટે નવી નવી પદ્ધતિની જરૂર રહે છે અને એક જ સત્ય કે તત્વ સમજાવવા માટે નવી નવી પદ્ધતિ જે અપનાવાય છે તેમાંથી ઘણા સંપ્રદાયો પેદા થયા છે, થાય છે અને થાશે.
જેને પરમાત્મ તત્વ કહીએ કે ભગવાન કહીએ તેને જો જાણવો જ હશે કે તત્વ સમજવું જ હશે તો કોઈ પણ માન્યતા લઈને ચાલવું પડશે, પડે છે. હું માણસ છું તે સિદ્ધ કયા આધારથી કરવું? હું માણસ છું તેવી પણ માન્યતા લેવી પડે છે. કોઈ પણ માન્યતા લીધા વગર પોતે માણસ છે તેમ પણ નક્કી થઈ શકતું નથી. શું માણસ એટલે જેને બે હાથ અને બે પગ હોય અને બે પગે ચાલે તે માણસ? પરંતુ તેવા ઘણા અન્ય પણ શરીરો ઇશ્વરની સૃષ્ટિમાં છે કે જે બે પગ અને બે હાથ હોય અને બે પગે ચાલતા હોય તો શું જેને એક જ માથું હોય તે માણસ? એક માથાવાળા પણ ઘણા આ સૃષ્ટિમાં પણ ઘણા પ્રાણી હોય છે. આવા આવા તર્ક કરીએ તો તેમાં તેવો કોઈ પ્રત્યુત્તર મળતો નથી, કે આને માણસ કહેવાય. ઊંચું માનસ ધરાવતો હોય તેવા માનસ શબ્દથી માણસ નામ પડયું હશે. મોટા મનવાળાને જ માણસ કહેવાય અને જેનું ઊંચું માનસ કે મન મોટું હોય તે જ મહાત્મા પણ કહેવાય છે. તેવી જ રીતે માણસે હું માણસ છું તેવી પણ માન્યતા સ્વીકારવી પડે છે કે હું માણસ છું અને પછી મોટું મન બનાવીને ઊંચું જીવન જીવીને પોતાને માણસ તરીકે સિદ્ધ કરી શકે છે.
તેવી રીતે પરમાત્મા કહીએ કે ભગવાન કહીએ તે છે કે નહીં તેવો તર્ક કર્યા વિના પરમાત્મા છે તેવી માન્યતાનો સ્વીકાર કરવો પડે છે અને જે પરમાત્મા કે સત્યની માન્યતાનો સ્વીકાર કર્યા વિના જે સત્યની કે ભગવાનની ખોજ કરવા નીકળે છે તે બહુ જ દુ:ખી થાય છે અવ્યક્તની ગતિ મુશ્કેલીથી તે મેળવે છે.. અને તેને ઘણું ઘણું દુ:ખ ભોગવવું પડે છે. જે જે આત્મા પરમાત્માની માન્યતાનો સ્વીકાર કર્યા વગર જે જે સત્યને શોધવા ગયા તેને તેના જીવનમાં ઘણું ઘણું કષ્ટ સહન કરવું પડયું છે. કષ્ટ બાદ અનુભૂતિ તે યથાર્થ છે કે અયથાર્થ છે? તેમાં પણ જ્યારે પ્રમાણ યુક્તિ અને અનુભવ સામે જ વસ્તુ ટકી ન શકતી હોય તેને યથાર્થ ન કહેવાય. કુતર્કથી મિથ્યા ધારણાને દૃઢ કરવી તે જ અયથાર્થપણું છે. માટે જ જે આપણા મહાપુરુષોએ વેદને પ્રમાણ માન્યા છે ઉપનિષદને પ્રમાણ માન્યા છે બ્રહ્મસુત્રને પ્રમાણ માન્યા છે. શ્રીમદ્ ભગવદ ગીતાને પ્રમાણ માન્યા છે કારણ કે તે પરંપરાથી જે મહાપરુષોએ સત્યનો અનુભવ લીધો અરણ્યમાં એકાંત બેસી સમાધિ કરી વિચારરૂપ મોટું તપ કર્યું અને સત્ય શોધ્યું કે જે ત્રિકાલાબાધિત છે તેનો અનુભવ લીધો પછી તેવા મહાપુરુષોએ અન્યને સંભળાવ્યું તે શ્રુત થયું ફરી તે સ્મૃતિરૂપે પ્રગટ થયું. તેમ શ્રુત સ્મૃત થતું આવ્યું તેને આપણે શ્રૃતિ સ્મૃતિ કીધી. તેમાં માન્યતા કીધી તેવા અનુભવી મહાપુરુષના વચનમાં વિશ્વાસ કર્યો. શ્રદ્ધા કરી માન્યતા કરી અને જે અનુભવી મહાપુરુષોએ બતાવેલા માર્ગ પર શ્રદ્ધા વિશ્વાસ કે માન્યતા રાખીને જે ઊંચ્ચ તથા દિવ્ય જીવન સર્વોત્તમ જીવી ગયા કે જીવે છે તેના કે તેના વચનમાં શ્રદ્ધા રાખવી જોઈએ.
વધુ આપણે કાલે જોઈશું…