કમલ દલ દેખી દીલમાં, ભમરો મન ભરમાણો
પરાગ લેવા પુષ્પની, લાલચમાં લોભાણો –કમલ
જુઇ ચંપે કેવડે મોગરે, મરવે મુકાણો
સુગંધ લેવા ચિત્ત દેતાં, આસક્તિએ અટવાણો –કમલ
પુષ્પ રસમાં પાગલ થયો, જોયો ન ટાણો કટાણો
રજની આવી રાતી માતી, કમલ દલ કરમાણો –કમલ
આસક્તિમાં ઉડ્યો નહીંને, પુષ્પમાંહી પુરાણો
સુગંધ તણું સુખ લેતા, ગજબ માંહી ગોંધાણો –કમલ
કાષ્ટ કોરવાની શક્તિ ઘણી, તે ભીતરથી ભૂલાણો
કોમળ કમળમાં રહ્યો પૂરાઇ, મોહે કરી મુંજાણો –કમલ
આસક્તિનું એંધાણ મોટું, સુખ લેવા ચુકાણો
ભજનપ્રકાશ ભ્રમર કાલ કુંજરના, પગતળે કચરાણો –કમલ