Daily Archives: 28/10/2008

અહંકાર


વ્હાલા મિત્રો, દિપાવલીના શુભ પર્વ નિમિત્તે આપ સહુ સમક્ષ આ નાનકડી પુસ્તિકા મુકતાં હર્ષની લાગણી અનુભવુ છું. સહુને દિપાવલીની ખુબ ખુબ શુભ કામનાઓ.


પ્રવક્તાઃ બ્રહમચારિણી સુજાતા ચૈતન્ય   

સંકલનઃ ડો. ઉષા શ્રીનિવાસન

અનુવાદઃ શ્રી દિલીપભાઈ લુંભાણી

પ્રૂફ રીડીંગઃ શ્રી ચશુબેન હીરાણી


 

પ્રાક – કથન

લોકો ઉંચા બી.પી. (બ્લડ પ્રેસર) થી પીડાય છે. પરંતુ ઈ.પી. (ઈગો પ્રેસર) અહમના દબાણની પીડા તેના કરતાં વિશેષ હોય છે. આ અહંકારનું ઊર્ધ્વીકરણ એ સફળતા અને આનંદની ચાવીરૂપ આધ્યાત્મિકતાનું ધ્યેય છે. છતાં લોકો આ અહંકારની સમસ્યા પર વિજય મેળવવાની રીત તથા સાધનો જાણતા નથી. અહીં ચિન્મય મિશન સીડની, ઓસ્ટ્રેલીયાના બ્રહ્મચારીણી સુજાતા ચૈતન્યના વાર્તાલાપ અહંકાર પર નિર્દેશક પુસ્તિકા પ્રસ્તુત છે. આ પુસ્તિકા આધ્યાત્મિક માર્ગના બધા જ જિજ્ઞાસુઓને સહાયરૂપ થશે. આ વાર્તાલાપનું ડો. ઊમા શ્રીનિવાસન દ્વારા સુંદર રીતે સંકલન કરવામાં આવ્યું છે. હુ તેઓ બંનેને તેમના આ કાર્ય માટે અભિનંદન પાઠવું છું.

તે સર્વશ્રેષ્ઠ સત્યના સાક્ષાત્કારમાં ચાલો આપણે આપણા અહંકારને ઓગાળી દઈએ અને સુંદર તથા આનંદ-સભર જીવન જીવીએ.

સસ્નેહ સ્વામી તેજોમયાનંદ


૧..પ્રસ્તાવના

આપણે બધા ક્રિયાઓ અને બનાવોથી ભરપૂર આવેશપૂર્ણ જીવન જીવીએ છીએ. આપણી પરવૃત્તિઓ વચ્ચે જ્યારે આપણે કોઈ પ્રેરણાદાયક તથા આધ્યાત્મિક પ્રવચનમાં જઈએ છીએ ત્યારે વક્તાઓને સાંભળીને આપણે મગરીરી અનુભવીએ છીએ તથા તેમાં સક્રીય ભાગ લઈ ચર્ચાયેલ વિષયને સમજીએ છીએ. ઘણીવાર વક્તાઓ આપણને આધ્યાત્મિક ઉંચાઈઓ પર લઈ જાય છે. જે આપણને શાંતિ પ્રદાન કરે ચે. પરંતુ જ્યારે આપણે સભાગૃહ છોડી ઘરે પહોંચીએ છીએ ત્યારે પ્રાયઃ એવું બને છે કે આપણે આપણી સામાન્ય માનસિકતા ધારણ કરીને આપણી પ્રવૃતિઓમાં વળગી જઈએ છીએ. અને તરત જ આપણે ઉપદેશ ભૂલી જઈએ છીએ તથા આપણી ચિંતાઓ, ક્રોધ, દુઃખ અને ઈચ્છાઓમાં ગરક થઈ જઈએ છીએ. આપણને શું થઈ જાય છે? આપણે શા માટે જ્યારે આવશ્યકતા હોય ત્યારે આપણા આધ્યાત્મિક જ્ઞાનને આચરણમાં મૂકી શકતા નથી. જ્યારે આપણે ઈચ્છીએ તેમ થતું નથી ત્યારે આપણે શા માટે ચલિત થઈ ગુસ્સે થઈ જઈએ છીએ? એવું શું છે જે આપણને રોકે છે? જે આપણને રોકે છે, અંધ બનાવે છે. તથા બાંધે છે તે આ પુસ્તિકાનો વિષય છે જેને આપણે અહંકાર કહીએ છીએ.

તેથી આ અહંકાર શું છે? તે શા માટે આપણને સુખી તથા શાંત થવામાં વચ્ચે આવી આટલો વિક્ષેપ કરી આપણને રોકે છે? આ પુસ્તિકાના પ્રકરણોમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના નિકાલ શોધીશું. તપાસ અને પૃથ્થકરણ બાદ અમે આ અહંકાર નામના અવાસ્તવિક આવરણ સાથે કેમ કામ લેવું તેના સુચનો કર્યા છે. જેનાથી આપણે સત્યને સમજી શકીએ.

કેટલાક ભ્રાંતિજનક વિચારોના અર્થને સમજાવવાના હેતુથી અમે વાસ્તવિક જીવન તથા પુરાણોમાંથી રસપ્રદ વાર્તાઓ સાથે કેટલાક મહત્વના મુદ્દઓની છણાવટ કરી છે. જ્યાં આવશ્યકતા લાગી ત્યાં પ્રખ્યાત પુસ્તકોમાંથી સંસ્કૃત શ્લોકોનો ઉપયોગ કર્યો છે.

આ પુસ્તિકા આધ્યાત્મિક જિજ્ઞાસુઓ સહિત બધી જ ઉંમરના લોકો કે જેઓને દુઃખ, સંઘર્ષ અને ચિંતાઓથી મુક્ત એક સાર્થક સુખી જીવન જીવવામાં રસ છે, તેઓને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે. આ પુસ્તિકાનો હેતુ જેઓ ઉચ્ચ ધ્યેયની શોધમાં છે તેઓને શિક્ષિત કરવા તથા પ્રેરણા આપવાનો છે. અમે તેને નિર્દેશિકા કહી છે કારણ કે જ્યારે આવશ્યકતા પડે ત્યારે તેનો તત્કાલ સંદર્ભ તરીકે ઉપયોગ થઈ શકે તેમ છે. જેઓ સર્વશ્રેષ્ઠ ધ્યેય ‘સત્ય’ને પામવા પ્રયત્નશીલ છે તેઓને આ પુસ્તિકા મદદરૂપ બને તો અમારો પ્રયત્ન સાર્થક થશે.


૨. તપાસ – શું અહંકાર છે ?

અહંકાર પર ચર્ચા કરતા પહેલા, શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેમના એક શિષ્ય વચ્ચે થયેલ ચર્ચા પર એક નજર નાખવી યોગ્ય ગણાશે. શિષ્યે પૂછ્યું, “સ્વામીજી, આપણે હંમેશા કાંઈક ઈચ્છતા રહીએ છીએ. આવું શા માટે બને છે? આપણે શાશ્વત શાંતિને શા માટે જાણતા નથી?” શ્રી રામકૃષ્ણે ઉત્તર આપ્યો, “જ્યારે અહંકારનો નાશ થાય છે ત્યારે બધી જ સમસ્યાઓનો અંત આવે છે. ત્યાર બાદ શ્રી રામકૃષ્ણ બોલ્યા “જો ઈશ્વરની કૃપાથી માણસને સમજાઈ જાય કે તે પોતે કર્તા કે ભોક્તા નથી પરંતુ નિમિત્ત માત્ર છે. તો તરત જ તે માનવ દેહમાં રહેવા છતાં જીવન મુક્ત બની જાય છે.”

એક વાર એક માણસે તેનાથી દૂર રહેતા પોતાના જમાઈ રમેશને રજાઓમાં પોતાને ત્યાં આવવા આમંત્રણ આપ્યું. એક અજણ્યા માણસે આ પત્ર વાંચ્યો અને તેણે વિચાર્યું કે તેના માટે ફરવા જવાની આ એક સરસ તક હતી. તેથી જ્યારે રમેશ ટ્રેનમાં પ્રવેશ્યો ત્યારે આ અજાણ્યો માણસ પણ તે જ ટ્રેનમાં પ્રવેશ્યો અને તેઓ બંને એક જ નિશ્ચિત સ્થળે ઉતર્યા. રમેશનો સાળો રમેશને લેવા પોતાની કારમાં રેલ્વેસ્ટેશને આવ્યો હતો. આ અજાણ્યો માણસ રમેશની બાજુમાં ઉભો રહ્યો અને તેની સાથે જ કારમાં પ્રવેશ્યો. હવે રમેશને લાગ્યું કે આ માણસ તેના સસરાના પરિવારનો કોઈ મિત્ર હશે. તેના સાળાએ વિચાર્યું કે તે રમેશનો મિત્ર છે. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે બંને મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમના ઉતારા માટે સુંદર ઓરડઓ આપવામાં આવ્યા. ભોજન દરમિયાન આ થગ માણસ ખાવાની શરૂઆત પહેલા કરતો. કેટલીક વાર તે રસોડામાં પ્રવેશી પોતાની મન પસંદ વાનગીની ડીશ માટે મંગણી પણ કરતો. જો કે રમેશના સસરા આ માણસના વર્તનથી ખુશ ન હતાં. પરંતુ રમેશની લાગણી ન ઘવાય તે માટે ચૂપ રહેતાં અને માનતા કે આ માણસ રમેશનો ખાસ અંગત મિત્ર છે. આ માણ્સ રમેશના કપડા પણ તેને પૂછ્યા વિના વાપરતો. રમેશ તેના આવા વર્તનથી નારાજ હતો પરંતુ તે સસરાના પરિવારનો કોઈ સભ્ય છે તેમ માની કોઈ ફરીયાદ કરતો નહીં. આ રીતે સસરા તથા જમાઈ બંનેએ અજાણ્યા માણસને તેને ગમે તે રીતે વર્તવાની છૂટ આપી દીધી.

આવું થોડો સમય ચાલ્યું. પરંતુ થોડા સમયમાં સસરા તથા જમાઈ બંને આ માણસના વર્તનથી તંગ આવી ગયા અંતે જ્યારે સસરાથી આ સહન ન થયુ ત્યારે રમેશને આવા માણસને સાથે લાવવાનું કારણ પૂછ્યું. આ જ સમયે રમેશે પણ ફરીયાદ કરી કે આ માણસ તેની પોતાની વસ્તુઓનો ઉપયોગ તેની મંજુરી વિના કરતો હતો. જ્યારે અજાણ્યા માણસને ખબર પડી કે આ વાર્તાલાપનો વિષય તે પોતે છે. ત્યારે તે ધીમેથી તેઓના ઘરમાંથી અદ્રશ્ય થઈ ગયો.

આ જ રીતે, અહંકારની બાબતમાં, આપણે જાત-તપાસ કરીએ કે ‘હું કોણ છું?’ તો તે આ છદ્મ વેશધારી અહંકારને દૂર કરશે.


૩. અહંકારનો જન્મ

જ્યારે આપણે કહીએ છીએ “હું ચાલુ છું, હું બોલુ છું, હું બીમાર છું” ત્યારે આપણે તેનો શું અર્થ કરીએ છીએ? કોણ બીમાર છે? તે શરીર છે જે બીમાર છે. કોણ ચાલે છે? તે શરીર છે જે ચાલે છે. આ શરીર સાથે તાદાત્મ્ય ધરાવતો અહંકાર છે.

જ્યારે આપણે કહીએ છીએ કે “હું ખુશ છું, હું ભૂખ્યો છું, હું પરેશાન છું” ત્યારે કોણ ખુશ છે? કોણ પરેશાન છે? તે મન છે જે ખુશ છે. તે મન છે જે પરેશાન છે. અહીં અહંકારનું તાદાત્મ્ય મન સાથે છે.

ધારો કે આપણે કહીએ, “હું જાણું છું, હું સમજુ છું, હું નિર્ણય કરું છું” તો કોણ જાણે છે? કોણ નિર્ણય કરે છે? તે બુદ્ધિ છે જે – વિવેક દ્વારા જાણે છે અને નિર્ણય કરે છે. અહીં અહંકારનું તાદાત્મ્ય બુદ્ધિ સાથે છે.

આ ત્રણ પ્રકારના અહંકારને સમજવા માટે ચાલો, આપણે બુદ્ધિના કાર્યનું પૃથ્થકરણ કરવાનો પ્રયત્ન કરીએ. આપણે તે એક ઉદાહરણ દ્વારા સમજીએ.

ધારો કે કોઈ સાંજે આપણે બે માંથી એક પ્રવૃત્તિની પસંદગી કરવાની છે. જ્ઞાનચર્ચામાં જવું કે મનોરંજક કાર્યક્રમમાં જવું. બંને પ્રવૃત્તિઓ રસપ્રદ હોવાથી મન પોતે નિર્ણય નહીં કરે પરંતુ બુદ્ધિનો સંપર્ક કરશે. જે પરિણામે સ્મૃતિ અર્થાત ‘ચિત્ત’ નો સંપર્ક કરશે જે આ બંને પ્રવૃત્તિ વિષયક ભૂતકાળના બધા જ અનુભવોનું સંગ્રહસ્થાન છે. સ્મૃતિ દ્વારા મળેલ માહિતીના આધારે બુદ્ધિ બંને અનુભવો વચ્ચે વિવેકથી ભેદ કરે છે અને બુદ્ધિ દ્વારા લેવાયેલ અંતિમ નિર્ણય પ્રમાણે તે વર્તે છે. ચાલો, આપણે આપણી વિચાર પ્રક્રિયાના ત્રણ તબક્કાઓને જોઈએ. ‘હું (મન) નિર્ણય કરી શકતો નથી. ‘હું’ સ્મૃતિ દ્વારા ભૂતકાળના અનુભવોને યાદ કરું છું. ‘હું (બુદ્ધિ) ક્રિયા વિષયક નિર્ણય કરું છું. આ રીતે ‘હું’ (અહંકાર) આપણી વિચાર પ્રક્રિયાના ત્રણે તબક્કામાં સામાન્ય દર્શકવાચક નામ છું આ ‘હું’ – ‘અહંકાર’ એ જ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.

આ ‘હું’નો ચાલક કોણ છે? આ ‘હું’ને પ્રવૃત્ત કરનાર – સજીવન કરનાર ક્યું તત્વ છે? આ ‘હું’ ને સજીવન કરનાર તત્વને ચેતના કહેવામાં આવે છે.

આ ચેતનાને કારણે જ જડ ગતિ કરે છે. આંખો જુવે છે, કાન સાંભળે છે. બધી જ પ્રવૃત્તિઓનો સંચાલક – પ્રવર્તક આ ચેતના છે. વાસ્તવમાં તે “સભાનતા” છે. તે અનંત છે. તે સમયથી પરે છે. અર્થાત તેને ભૂત, વર્તમાન કે ભવિષ્ય નથી.

‘આત્મબોધ’ ના નીચેના શ્લોકો (શ્લોક નં. ૨૫ અને ૨૬) ચેતના અને બુદ્ધિ વચ્ચેનો સંબધ સ્પષ્ટ કરે છે જે આ ‘હું’ અહંકારનું પ્રવર્તક બળ છે.

આત્મનઃ સચ્ચિદંશ બુદ્ધેર્વૃત્તિરિતિ દ્વયમ્ |
સંયોજ્ય ચાવિવેકેન જાનામીતિ પ્રવર્તતે ||

“ચેતના અને બુદ્ધિ – આ બંનેના સંયોગથી અજ્ઞાનને કારણે અહંકાર – ‘હું’ જાણું છું તેવી વૃત્તિનો ઉદય થાય છે.”

સરળ રીતે કહીએ તો જ્યારે ચેતના બુદ્ધિમાં પ્રવેશે છે ત્યારે બુદ્ધિ સજીવન થાય છે અને આ સંયોગ ‘હું’ ને પ્રવૃત કરે છે. આ રીતે અહંકારનો જન્મ થાય છે.

બીજો શ્લોક તેને વધારે સ્પષ્ટ કરે છે.

આત્મનો વિક્રિયા નાસ્તિ બુદ્ધેર્બોધો ન જાત્વિતિ |
જીવઃ સર્વમલં જ્ઞાત્વા જ્ઞાતા દ્રષ્ટેતિ મુહ્યતિ ||

“આત્મા (સ્વરૂપ)માં કોઈ પરિવર્તન થતું નથી અને બુદ્ધિ જડ છે. છતાં જ્યારે આત્મા બુદ્ધિમાં પ્રવેશે છે ત્યારે વ્યક્તિ (જીવ) પોતાને મર્યાદીત અનુભવ કરતી હોવાથી એમ વિચારવા પ્રેરાય છે કે “હું જાણનાર છું, હું જ જ્ઞાતા છુ.”

આ બાબત એક ઉદાહરણ દ્વારા સારી રીતે સમજાય છે. ધારો કે આપણી પાસે એક બાજુ એક લોખંડનો ગોળૉ છે જે કાળો, ઠંડો, ગોળ અને વજનદાર છે અને બીજી બાજુ અગ્નિ છે, જે ગરમ, તેજસ્વી, દેખીતી રીતે આકારરહિત અને વજનરહિત છે. જ્યારે આ બંને એક બીજાના સંપર્કમાં આવે છે ત્યારે લોખંડનો ગોળો લાલ બની જાય છે. અર્થાત તે કેટલાંક મૂળભૂત ગુણોને જાળવી રાખે છે અને કેટલાક અગ્નિ પાસેથી ગ્રહણ કરી લે છે. આ રીતે અગ્નિ ગોળ, પ્રકાશિત તથા ગરમ દેખાય છે જાણે કે તેના ગુણો લોખંડના ગુણો સાથે પરસ્પર ભળી ગયા છે.

આ જ રીતે બુદ્ધિ જડ છે. પરિવર્તનશીલ છે, અજ્ઞાનસ્વરૂપ છે. જ્યારે ચેતના જ્ઞાનસ્વરૂપ તથા સર્વવ્યાપી છે. જ્યારે ચેતના બુદ્ધિમાં પ્રવેશ કરે છે ત્યારે બુદ્ધિ સજીવન થઈ જાય છે અને આ રીતે અહંકારનો જન્મ થાય છે. ચેતનાના બુદ્ધિમાં પ્રવેશને ચેતનાનું પ્રતિબિંબ અથવા ચિત છાયા કહે છે. ચેતનાના અહંકાર સાથેના તાદાત્મ્યથી આપણે આપણી જાતને સીમિત તથા મર્યાદિત અનુભવીએ છીએ. આપણા જીવનનું લક્ષ્ય પૂર્ણ થવું અને મર્યાદાઓથી પર થવું છે. આ પૂર્ણતાની આવશ્યકતા ઈચ્છાને જન્મ આપે છે અને ઈચ્છા ઉશ્કેરાટને જન્મ આપે છે. આ રીતે આપણે ઈચ્છાઓની પૂર્તિ માટે સંઘર્ષ કરીએ છીએ અને એમ માનીએ છીએ કે ઈચ્છાઓ પૂર્ણ થવાથી આપણે પૂર્ણ થશું. પરંતુ એક ઈચ્છાની પૂર્તિ અનેક ઈચ્છાઓને જન્મ આપે છે. આનો અર્થ એ થયો કે ઈચ્છાપૂર્તિથી પ્રાપ્ત થતો સંતોષ માત્ર મર્યાદિત અને ક્ષણિક છે. આ રીતે ઈચ્છા સાધનને બદલે સાધ્ય બની જાય છે અને આપણે ઈચ્છાઓની જાળમાં ફસાઈ જઈએ છીએ.

આ બાબતને શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના શ્લોક નં ૬૨ અને ૬૩ માં સ્પષ્ટ કરવામાં આવી છે.

ધ્યાયતો વિષયાન્પુંસઃ સંગસ્તેષૂપજાયતે |
સંગાત્સંજાયતે કામઃ કામાત્ક્રોધોઅભિજાયતે ||૬૨||
ક્રોધાદ્ભવતિ સમ્મોહઃ સમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ |
સ્મૃતિભ્રંશાદ્બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ||૬૩||

અહંકાર યુક્ત માનવી દુન્યવી પદાર્થોમાં રાચતો આ પદાર્થોમાં આસક્ત થાય છે. આસક્તિમાંથી કામના જન્મે છે. કામના ક્રોધને જન્મ આપે છે. ક્રોધથી ભ્રમ ઉત્પન્ન થાય છે. ભ્રમથી સ્મૃતિનો નાશ થાય છે. જેનાથી વિવેકબુદ્ધિ નાશ પામે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે બુદ્ધિનો નાશ કરે છે. બુદ્ધિનો નાશ થવાથી માનવી નાશ પામે છે.

એક ઝેન વાર્તા છે. જે અહંકારના પ્રભાવને સમજાવે છે. તાંગ દિનાસ્તીના પ્રધાનમંત્રી તેના રાજદ્વારી અને લશ્કરી નેતૃત્વની સફળતા માટે એક રાષ્ટ્રીય નાયક ગણાતા હતાં. તેમના ખ્યાતિ, સત્તા અને સંપત્તિ છતાં તેઓ પોતાને એક નમ્ર તથા સમર્પિત બુદ્ધિસ્ટ ગણતા. તે ઘણી વાર તેમના પ્રિય ઝેન ગુરુ પાસે અભ્યાસ માટે જતા. તે એક પ્રધાન મંત્રી હતા તે બાબત તેમના પૂજ્ય ગુરુ અને આજ્ઞાંકિત શિષ્યના સંબંધ વચ્ચે આવતી નહીં. એક વાર તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ગુરુને પુછ્યું, “હે પૂજ્યશ્રી, બૌદ્ધ ધર્મ પ્રમાણે અહંકાર શું છે ?” ગુરુએ ગુસ્સા સાથે તિરસ્કારયુક્ત અને અપમાનજનક અવાજમાં કહ્યું, આ તારો કેવો મૂર્ખતાભર્યો પ્રશ્ન છે ? આ અચાનક પ્રતિભાવથી પ્રધાનમંત્રીને એટલો આઘાત લાગ્યો કે તે ખૂબ જ નારાજ અને ગુસ્સે થયો. ઝેન ગુરુએ સસ્મિત ઉત્તર આપ્યો, “આ” આપ નામદાર, અહંકાર છે.


4.અહંકારનું પૃથક્કરણ

આદિ શંકરાચાર્ય દ્વારા રચિત દૃગ દ્રશ્ય વિવેક ગ્રંથના નીચે દર્શાવેલ શ્લોક નં.૮માં અહંકાર સાથેના તદાત્મ્યના ત્રણ પાસાઓને સમજાવવામાં આવ્યાં છે.

અહંકારસ્ય તાદાત્મ્યં ચિચ્છાયાદેહસાક્ષિભિઃ |
સહજં કર્મજં ભ્રાન્તિજન્યં ચ ત્રિવિધં ક્રમાત્ ||

અહંકારનું ચેતનાના પ્રતિબિંબ સાથેનું તાદાત્મ્ય સ્વાભાવિક (સહજમ્) છે. અહંકારનું શરીર સાથેનું તાદાત્મ્ય પૂર્વકર્મો (કર્મજમ્) ને કારણે હોય છે. અહંકારનું ચેતના સાથેનું તાદાત્મ્ય આપણા સાચા સ્વરૂપના અજ્ઞાન (ભ્રાન્તિજન્ય) ને કારણે હોય છે.

(તાદાત્મ્ય એટલે એવું માનવું કે હું તેના સ્વભાવનો બની ગયો છું.)

ચાલો, આપણે અહંકારની પ્રત્યેક અભિવ્યક્તિને વિશેષ વિસ્તારથી સમજીએ.

અહંકારનું ચેતનાના પ્રતિબિંબ સાથેનું તાદાત્મ્ય સ્વાભાવિક (સહજમ્) હોય છે.

વિભાગ-૩ માં સમજાવ્યા પ્રમાણે ચેતના શાશ્વત તથા સર્વવ્યાપી હોય છે. તેથી તેનું પ્રતિબિંબ પણ હંમેશા વિદ્યમાન હોય છે. તેથી અહંકારનું ચેતનાના પ્રતિબિંબ સાથે સ્વાભાવિક તાદાત્મ્ય હોય છે.

આ આરસીમાંના પ્રતિબિંબ જેવું છે. આરસી પ્રતિબિંબની ક્રિયાને મદદ કરતી નથી. આ તાદાત્મ્ય જ્ઞાતૃત્વ તરીકે ઓળખાય છે.

ઉદાહરણ તરીકે વાસણ (પોટ)ને જાણવા માટે મનમાં વાસણની પ્રતિકૃતિ દેખાવી જરુરી છે. આ અહંકાર વાસણના જ્ઞાનને કારણે સ્વયંસ્ફુરિત છે. જે વ્યક્તિએ ‘પોટ’ શબ્દને ક્યારે પણ સાંભળ્યો નથી તથા તેને અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ નથી તે વ્યક્તિ માટે ‘પોટ’ શબ્દ અર્થહીન અવાજ માત્ર છે.

અહંકારનું પૂર્વકર્મો (કર્મજમ્) ના કારણે શરીર સાથેનું તાદાત્મ્ય –

અહંકારનું દેહ સાથેનું તાદાત્મ્ય પૂર્વકર્મો (કર્મજમ્) ના કારણે હોય છે. આપણા બધા જ કર્મોને કાર્ય-કારણ સંબધ હોય છે. આ દુનિયામાં આપણા વર્તમાન કર્મો આપણા પૂર્વકર્મોથી પ્રભાવિત હોય છે. કોઈ પણ વ્યક્તિ કર્મ વિના જીવી શકે નહીં. કર્મો કરવા માટે એક શરીરની આવશ્યકતા હોય છે. કરેલા કર્મોને હંમેશા ફળ પ્રાપ્તિ થાય છે. માણસને આ ફળ ભોગવવા શરીરની આવશ્યકતા હોય છે. કર્મ અને કર્મનું ફળ અલગ અલગ સમયે અભિવ્યક્ત થતા હોવાથી એક જ શરીર તેમને ભોગવવાની સ્થિતિમાં ન પણ હોઈ શકે. દેહ સાથે તાદાત્મ્ય ધરાવતો અહંકાર પૂર્વકર્મોના કારણે કહે છે કે “હું એક છોકરી છું” અથવા “હું એક ડોક્ટર છું” વગેરે. વાસ્તવમાં અહંકાર પોતે ન તો છોકરો છે કે ન તો છોકરી છે કે ન તો બાળક છે. કારણ કે તે આ શરીર દ્વારા સીમિત નથી.

શરીર પંચ માહાભૂતોનું બનેલું છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વિ. આ શરીર પોતે જીવન વિના સંવેદના વિના, નિર્જીવ જડ છે. જ્યારે ચેતન બુદ્ધિમાં પ્રવેશે છે ત્યારે બુદ્ધિ શરીરને સજીવન કરે છે. જ્યારે કોઈ એમ વિચારે છે કે શરીર જીવંત છે અને તેનું કાર્ય કરી રહ્યું છે ત્યારે તેનો આ અહંકાર તેના શરીર અને જાતિ પર અદ્યસ્ત હોય છે અથવા શરીરના રંગ અહંકાર પર અધ્યસ્ત હોય છે.

ચેતનાનું પોતાના સાચા સ્વરૂપના અજ્ઞાન (ભ્રાંતિજન્યમ્) ના કારણે અહંકાર સાથેનું તાદાત્મ્ય –

જ્યારે આપણે કોઈ સુંદર કૃતિ જોઈએ છીએ ત્યારે આપણે તેના મર્યાદિત સ્વરૂપ (નામ અને રૂપ) ને જોઈએ છીએ અને આ કૃતિના સર્જકને જોવાનું ભૂલી જઈએ છીએ. આપણે કૃતિના સીમિત સ્વરૂપમાં અસીમિત તત્વને જોવાનું ભૂલી જઈએ છીએ. બીજુ, આપણને ઘણીવાર પદાર્થનું ખોટું જ્ઞાન હોય છે.

ઉદાહરણ તરીકે આપણે મોઝા, લહેર અને પરપોટાને જોઈએ છીએ પરંતુ પાણીને જોતા નથી. આ જ રીતે આપણે વાસણ, બરણી કે સિરોઈને જોઈએ છીએ પરંતુ માટીને જોતા નથી. આ પદાર્થ પરનું ખોટું તાદાત્મ્ય અથવા ગુણોનું અરોપણ આપણામાં તે પદાર્થની પ્રાપ્તિ માટેની ઈચ્છા જાગૃત કરે છે.

ઈચ્છા મનમાં ઉત્તેજના જન્માવે છે જે આપણને ઉત્તેજનાના શમન માટે ક્રિયા કરવા પ્રેરે છે. આ રીતે કર્મચક્ર આગળ વધે છે. આ રીતે ઈચ્છા કર્મને અને કર્મ વિશેષ ઇચ્છાઓને જન્મ આપે છે. જેનાથી એક ‘વિષચક્ર’ પેદા થાય છે.

જ્યારે કોઈ વ્યક્તિને આત્મ-સાક્ષાત્કાર થાય છે અથવા તે જીવનમુક્ત બને છે ત્યારે તેના અહંકારના આ બધા જ તાદાત્મ્યનો નાશ થાય છે. અંતે તો ચેતનાની વિચારરહિત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપણા બધા જ વિચારો અને વૃત્તિ શાંત થઈ જવા જોઈએ. આ જ કારણ છે કે સત્ય જેને આપણે બ્રહ્મ પણ કહીએ છીએ તેને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જાણી શકાતું નથી. જ્ઞાનેન્દ્રિયો પણ ઉત્પન્ન થયેલ પદાર્થ માત્ર છે. સર્જન પહેલા પણ બ્રહ્મનું અસ્તિત્વ હતું. જો ઉત્પન્ન થયેલ પદાર્થો પહેલા બ્રહ્મનું અસ્તિત્વ હોય તો આ ઉત્પન્ન થયેલ પદાર્થોથી આપણે બ્રહ્મને જાણી શકીએ નહીં.

બ્રહ્મને જાણવા માટે આપણે ઉત્પન્ન થયેલ પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. આપણે તે કેવી રીતે કરી શકીએ?


5.અહંકારની સારવાર

એકવાર એક યુવાન ભગવાન રમણ મહર્ષિ પાસે ગયો અને તેમને કહ્યુ, “ભગવાન,મેં વેદાંત પર ઘણા પુસ્તકો વાંચ્યા છે. તેઓ બધા મોક્ષ માટેના વિવિધ માર્ગોનું વર્ણન કરે છે. હું ઘણા વિદ્વાન લોકોને મળ્યો છું અને જ્યારે હું તેમને પુછું છું ત્યારે દરેક મને અલગ માર્ગની ભલામણ કરે છે.હું ખૂબ મુંઝાયેલો છું અને આપની પાસે આવ્યો છું. મહેરબાની કરીને મને કહો કે મારે ક્યો માર્ગ સ્વીકારવો? ભગવાને ચહેરા પર સ્મિત સાથે કહ્યું, “બરાબર છે, હવે તું જે માર્ગથી આવ્યો તે માર્ગ પર જા.”

અહંકારને ઓગાળવા માટે આપણા ઋષિઓએ આપણને ત્રણ પ્રખ્યાત માર્ગ બતાવ્યા છે.

1.કર્મ માર્ગઃ
આ માર્ગ ખૂબ ઉત્સાહી અને કાર્યમાં રુચિ ધરાવનાર વ્યક્તિ માટે છે. કર્મના ફળની આશા વિના નિઃસ્વાર્થ સેવા- જ્યાં અહંકાર નથી-તે મનની શુદ્ધિનો માર્ગ છે. જેને કર્મ માર્ગ કહે છે. કર્મ અથવા ક્રિયા કર્તૃત્વ ભાવ સાથે કોઈ વાંછિત ધ્યેયની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. આવા કર્મો સારા અથવા ખરાબ હોઈ શકે. જે અનુક્રમે સુખ અથવા દુઃખ આપી શકે. કર્મ કરતી વખતે ઈચ્છાઓથી પ્રભાવિત નહીં થવાની તથા વિવેક બુદ્ધિ વાપરવાની આપણને સ્વતંત્રતા છે. આપણી આજુબાજુ બનતી કોઈપણ ઘટના સાથે તદાત્મ્ય કેળવવાની કે નહીં કેળવવાની સ્વતંત્ર ઈચ્છાશક્તિ આપણને મળેલી છે. જો કોઈ વ્યક્તિ તેનાથી અનાસક્ત રહે તો બનાવ કે ઘટના પોતે સુખ અથવા દુઃખ ઉત્પન્ન કરવા અસમર્થ બની જાય છે.

શું માત્ર કર્મ આપણને શાશ્વત મુક્તિ અપાવી શકે કે જે આપણા બધા જ પ્રયત્નોનું એક માત્ર પ્રયોજન છે ? જો મન કર્મનું કેદી બની જાય તો તે વિભાગ ત્રણમાં બતાવ્યા પ્રમાણે કર્મ અને ફળની ઝાળમાં ફસાઈ જાય.

જો કોઈ કર્મના આ સિદ્ધાંતને ઓળંગી જવા ઈચ્છતું હોય તો તેના કર્મ, કર્મફળની ઈચ્છાથી રહિત હોવા જોઈએ. રમણ મહર્ષિ તેના ‘ઉપદેશ સારમ્ ‘ માં કહે છે કે જો કર્મ કોઈ ઉચ્ચ ધ્યેયને સમર્પિત કરી કોઈપણ પ્રકારના ફળની ઈચ્છા વિના કરવામાં આવે તો કર્તાનું મન શુદ્ધ થાય છે. અર્થાત કર્તૃત્વ ભાવનાનો ત્યાગ અને કર્મના ફળની અપેક્ષાનો ત્યાગ બંને મનને શુદ્ધ કરે છે. આ શુદ્ધિકરણ માટેની અથવા કર્મયોગ માટેની કર્મ કરવાની એક કળા છે. આવું શુદ્ધિકરણ એ મનને સ્વના ચુંબકીય ક્ષેત્રમાં ખેંચી લાવવા માટેનું આવશ્યક કદમ છે. આ રીતે મુખ્ય બે શરતો મહત્વની છે. ઈચ્છારહિતપણું અને ઉચ્ચ ધ્યેય પ્રતિ સમર્પણ જે મહત્વની બાબત છે તે મનનું વલણ છે.

ઈશ્વરાર્પિતં નેચ્છયા કૃતમ ।
ચિત્તશોધકમ મુક્તિ સાધકમ || (ઉપદેશ સારમ્ – ૩)

‘ઈશ્વરને સમર્પિત અને સ્વાર્થ રહિત કરેલ કર્મ મનને શુદ્ધ કરે છે. તે મુક્તિનું સાધન છે.’ આ સ્થિતિ સ્વયં આપણને સમર્પણ અર્થાત ભક્તિના માર્ગ પર લઈ જાય છે.

2.ભક્તિ માર્ગઃ-
આ માર્ગ સંવેદનશીલ વ્યક્તિ માટેનો છે. જે કર્મના ફળને ઈશ્વરના ચરણોમાં અર્પિત કરે છે. ભક્તિને માત્ર સંવેદનાના સ્તરે જ હોવાની ભૂલ કરવી જોઈએ નહીં. તે ખરેખર તો ભક્તની ઇચ્છા અને મન પરનો શિસ્તસહિત સંયમ છે. તે એક ભક્તના ઈશ્વર પ્રત્યેના તીવ્ર અને અહેતુક સ્નેહ અને પ્રેમ દ્વારા પોતાના અંતઃકરણમાં પરમાત્માના સાક્ષાત્કારનો સચોટ માર્ગ છે. તે સામાન્ય મૂર્તિપૂજાથી પ્રારંભ થતો અને સમષ્ટિ સ્તરે તે પરમાત્માના ઐક્ય તરફ દોરી જતો – અસ્તિત્વના સાચા તત્વજ્ઞાનને સમજાવતો એક માર્ગ છે.

આ શ્રી રામાનુજાચાર્યએ બતાવેલ અગીયાર મૂળભૂત બાબતોના પાલનથી પ્રાપ્ત થઈ શકે છે. તે આ પ્રમાણે છે. ૧.અભ્યાસ એટલે કે ઈશ્વર વિશે સતત વિચારવાની પ્રક્રિયા; ૨.વિવેક; ૩.વિમોક એટલે દરેક વસ્તુનો ત્યાગ અને માત્ર ઈશ્વર પ્રાપ્તિની ઝંખના; ૪.સત્ય; ૫.આર્જવ એટલે સરળતા; ૬.ક્રિયા એટલે બીજાનું ભલું કરવું; ૭,કલ્યાણ એટલે બધાનું શુભ ઈચ્છવું; ૮.દયા; ૯.અહિંસા; ૧૦.દાન; અને ૧૧.અનાવસાદ એટલે આનંદી અને આશાવાદી હોવું.

નારદ ભક્તિ સૂત્રમાં આપણને ભક્તિની વ્યાખ્યા મળે છે.
સા ત્વસ્મિન પરમપ્રેપરુપા ||

તે ભક્તિ પરમાત્મા પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રેમ સ્વભાવવાળી છે. દેવર્ષિ નારદના મતે ભક્તિ એ પરમાત્મા પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રેમનું નામ છે. તે અન્ય કોઈ વસ્તુ પર આધાર રાખતી નથી. પ્રેમમાં સંપૂર્ણ ઈશ્વરાભિમુખી મન જેની મુક્તિ સહિત કોઈ પણ ઈચ્છા નથી તેને ભક્તિથી સભર મન કહે છે. — પરમાત્મા તરફ પ્રેમમાં સતત વહેતા વિચાર પ્રવાહને ભક્તિ કહે છે.

દેવર્ષિ નારદ સામાન્ય પ્રેમ અને દિવ્ય પ્રેમ વચ્ચેનો ભેદ બતાવે છે. સામાન્ય પ્રેમમાં પ્રેમી અપેક્ષા રાખે છે. પરંતુ ભક્તિ એ પરમાત્મા પ્રત્યેનો અહેતુક પ્રેમ છે. — પ્રેમ એક એવો સંબધ છે જે પ્રેમી અને પ્રેમાસ્પદ વચ્ચે આનંદ અને પરમાનંદ સાથે વિકસે છે. ત્યારબાદ તે એક એવું બંધન બને છે જે બંનેને એક શાશ્વત ઐક્યમાં બાંધી પરમ સુખ તરફ લઈ જાય છે.

પ્રેમ એક કડી છે જે જોડે છે, એક પરિબળ છે જે આકર્ષે છે. એક મોહિની છે જે ખેંચે છે. એક આલિંગન છે જે પોતાનામાં સમાવી લે છે. તેથી જ્યારે કોઈ ભક્ત દિવ્ય સાથે ભક્તિનો સંબધ સ્થાપિત કરે છે ત્યારે પોતાની જ દુનિયામાં કદમ મૂકે છે જ્યા તેનો પોતાનો જ જાદુ અને પોતાના જ વ્યક્તિગત અનુભવ હોય છે.

દેવર્ષિ નારદ પછીના સૂત્રમાં ફરીવાર કહે છે. દિવ્ય ભક્તિ તરીકે ઓળખાતો પરમાત્મા પ્રત્યેનો ઉત્કૃષ્ટ પ્રેમ શાશ્વત સ્વભાવનો હોય છે. ભક્તિને “પરમાત્મા પ્રત્યેનો દિવ્ય પ્રેમ” કહ્યા બાદ આચાર્ય આગળ કહે છે કે “તે શાશ્વત સ્વાભાવવાળી પણ છે.” ઉત્કૃષ્ટ ભક્તિમાં જ્યારે કોઈ વ્યક્તિ આ પરિવર્તનશીલ જગતના પદાર્થોમાંથી પોતાનું તાદાત્મ્ય હટાવી તેને તે અપરિવર્તનશીલ નિત્ય પરમાત્માના ધ્યાનમાં લગાવે છે ત્યારે તેની સતત ઉત્તેજના શાંત થઈ જાય છે. અને તેથી નશ્વરતાનો ભાવ પણ તેના મનમાંથી અદ્રશ્ય થઈ જાય છે. આ અપરિવર્તનશીલ અનંતતાનો સતત અનુભવ અને પરિણામ સ્વરૂપ ભક્તનું સમતોલ જીવન એ શાશ્વતતાની સ્થિતિ છે.

જ્યારે તમે પરમાત્મા સાથે ઐક્ય અનુભવો છો ત્યારે જ્ઞાનની પરાકાષ્ટા એ ભક્તિ છે અને ભક્તિની પરાકાષ્ટાએ જ્ઞાન છે. જો જ્ઞાનથી ભક્તિ પ્રાપ્ત ન થાય તો તે અહંકાર છે અને ભક્તિથી જ્ઞાન પ્રાપ્તિ ન થાય તો તે ધર્મનું ઝનૂન છે. — શ્રીમદ્ ભાગવત પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે “મન કે જે ભોગ પદાર્થોનું સતત ચિંતન કર્યા કરે છે તે તેના ક્ષણિક આનંદમાં જ રમણ કર્યા કરે છે અને મન કે જે મારું સતત સ્મરણ કર્યા કરે છે તે મારામાં ઓગળી મારામાં જ રમણ કર્યા કરે છે.

જ્યારે ભક્ત દિવ્ય ઉત્કૃષ્ટ પ્રેમ દ્વારા પોતાનું સમસ્ત ધ્યાન પરમાત્મામાં કેન્દ્રિત કરે છે ત્યારે તે આ ક્ષણિક પરિવર્તનશીલ જગતમાં રહેતો નથી પરંતુ તે શાશ્વત અનંત પરમસુખનો સતત અનુભવ કરે છે.

આ સ્થિતિ આપણને ઉપનિષદોની એ ઘોષણાની યાદ અપાવે છે કે ‘બ્રહ્મવિત બ્રહ્મેવ ભવતિ’ જેનો અર્થ એ છે કે બ્રહ્મને જાણનાર બ્રહ્મ છે.” જાણવું તે શુદ્ધ ચૈતન્યના દિવ્ય સ્વભાવમાં પૂર્ણ રીતે જાગૃત રહેવાની અવસ્થા છે.

અહીં એક સંતની વાર્તા છે જે સંપૂર્ણ ભક્તિમય જીવન જીવ્યા.

યોન્ડાઈ જાન્દાલમમાં તિરુનિન્રાપુર ગામમાં પુસલર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે પરમાત્માની માનસિક પૂજામાં ઘણો આગળ વધેલો હતો. માનસિક પૂજા કઠીન, સૂક્ષ્મ તથા બાહ્ય ધાર્મિક વિધિપૂર્વકની પૂજા કરતા વિશેષ હોય છે. માનસિક પૂજાથી સમાધિ તથા આત્મસાક્ષાત્કાર સરળતાથી પ્રાપ્ત થાય છે.

પૂસલરને એક શિવમંદિર બાંધવાની તિવ્ર ઈચ્છા હતી. તે તેના માટે જરૂરી ધન એકત્રિત કરવા દૂર દૂર સુધી ભટક્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો. પછી તેને એક વિચાર આવ્યો. શા માટે મારા મનમાં જ એક મંદિરની સ્થાપના ન કરવી? તરત જ તેણે તેના માનસિક પ્રદેશમાં આવશ્યક સામગ્રી એકત્રિત કરવાની શરૂઆત કરી. તેણે માનસિક રીતે કારીગર, હથિયાર સાથે શિલ્પકારોને એકઠા કર્યા અને એક માંગલિક પવિત્ર દિવસે વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે પોતાના મન પ્રદેશમાં મંદિર શિલારોપણ વિધિ પણ કરી ખુબ જ પ્રેમ અને કાળજીથી તેણે દિવસ રાત ખૂબ જ મહેનત કરી પોતાના મન પ્રદેશમાં શિલ્પકામવાળા પથ્થરોથી સ્તંભ ઉભા કર્યા. તેણે મંદિરનો મુખ્ય ગુંબજ ‘ગોપુરમ’ પણ બનાવ્યો. તેણે અન્ય વિભાગો પણ તૈયાર કર્યા. જેમાં કોતરકામ કરેલ દિવાલો, સ્તંભો તથા કમાનનો સમાવેશ થતો હતો અને અંતે મંદિરના શિખર પર કળશ પણ સ્થાપિત કર્યો. હવે તેના મંદિરમાં એક સુંદર ગોપુરમ, ઉંચી દિવાલો, મંદિર માટે આવશ્યક ખંડ, વગેરે હતા. તેનું કામ સારી રીતે પૂર્ણ થયું હતું. તેણે ત્યારબાદ મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા માટે એક પવિત્ર માંગલિક દિવસ નક્કી કર્યો. હવે વાસ્તવમાં કાંચીવરમના કાદવ શાસક કે જે એક મહાન શિવભક્ત હતો તેણે ઈંટ તથા પથ્થરનું એક ભવ્ય મંદિર બાંધ્યું હતું. યોગાનુયોગ તેણે મૂર્તિપ્રતિષ્ઠા માટે તે જ દિવસ પસંદ કર્યો હતો. જે પૂસલરે માનસિક રીતે પસંદ કર્યો હતો.

ભગવાન રાજાને પૂસલરની ઉત્તમ ભક્તિની વિશેષતા બતાવવા ઈચ્છતા હતા. તેથી મૂર્તિ પ્રતિષ્ઠાની આગળની રાત્રે, ભગવાન રાજાના સ્વપ્નમાં આવી બોલ્યા, “આવતી કાલે હું તિરુનિન્રાવુરમાં મારા ભક્ત પૂસલરે બાંધેલ મંદિરમાં પ્રવેશવાનો છું. તેથી તું તારા મંદિરમાં સ્થાપના માટે અન્ય કોઈ દિવસ રાખ.” સ્વપ્નમાંથી જાગ્યા બાદ રાજાને ભગવાને બતાવેલ તે વિશેષ ભક્તના દર્શન કરવાની તથા તેણે બાંધેલ મહાન મંદિરને જોવાની ખૂબ આતુરતા થઈ.

તિરુનિન્રાવુર પહોંચ્યા બાદ રાજાએ મંદિર માટે બધી જગ્યાએ તપાસ કરી પરંતુ તેને મંદિર મળ્યું નહીં તેથી લોકોને પૂછ્યું કે “સંત પૂસલરનું મંદિર ક્યાં છે?” તેને આશ્ચર્ય સાથે જાણવા મળ્યું કે આવું કોઈ મંદિર નથી. આ મહાન રાજા તે સંતને શોધવા જાતે નીકળી પડ્યો. તે સંતને એક નાનકડી ઝુંપડીમાં જોઈ રાજાએ તેને નમ્રતાથી પૂછ્યું. “તમે બાંધેલ મહાન મંદિર ક્યાં છે? ત્રણ નેત્રવાળા ભગવાન શિવજીએ મને કહ્યું કે આજે મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ છે.” રાજાના સ્વપ્ન વિશે સાંભળી પૂસલર આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો. તેણે વિચાર્યુ કે ભગવાન કેટલા દયાળુ અને કૃપાળુ છે. હું એક શુદ્ર જીવ છું અને તે પરમાત્માએ મારા માનસિક મંદિરને પોતાના નિવાસ-સ્થાન તેરીકે સ્વીકાર્યું. હું ખરેખર તેમની કૃપાને પાત્ર બન્યો છું.” તેણે રાજાને કહ્યું કે મંદિર માત્ર તેના મનમાં હતું. રાજાને આ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું.

પૂસલરની ભક્તિને વખાણતા રાજાએ સાચી ભક્તિના તે અનુપમ ઉમદા તત્વને જાણ્યું. રાજાએ તેના ચરણોમાં પડી તેની પૂજા કરી. પૂસલરે પોતાના માનસિક મંદિરમાં ભગવાનની સ્થાપના કરી અને પોતાની સંપૂર્ણ શરણાગતિ તથા ઉત્કૃષ્ટ ભક્તિ દ્વારા અંતિમ સાક્ષાત્કારની પ્રાપ્તિ કરી.

3.જ્ઞાન માર્ગઃ-
જ્ઞાનમાર્ગ જિજ્ઞાસુ વ્યક્તિ માટે છે. રમણ મહર્ષિના માર્ગને અનુસરી આપણે આ પ્રશ્નને તપાસીએ. “હું કોણ છું?”

આ પ્રશ્નનો સામાન્ય જવાબ “હું શ્રી અને શ્રીમતિ ……… ની પુત્રી, હું …………. નો પિતા / માતા, હું અંધ છું, હું બિમાર છું વગેરે આવી શકે. જે પુત્ર અથવા પુત્રી છે, તે કોણ છે? તે શરીર છે. બીમાર અથવા અંધ કોણ છે? ફરી શરીર અથવા શરીરનો કોઈ ભાગ બીમાર છે. અહીં “હું” નો સંદર્ભ સ્થૂળ શરીરમાત્ર છે. વાસ્તવિક “હું” નહીં. બીજા સ્તરે આ જ પ્રશ્નનો ઉત્તર આ રીતે હોઈ શકે. હું એન્જીનીયર છું. હું બુદ્ધિશાળી વ્યક્તિ છું, હું સુખી વ્યક્તિ છું વગેરે. અહીં બધા જ ઉત્તર બુદ્ધિ અથવા મન (સિક્ષ્મ શરીર)ના સંદર્ભમાં છે. વાસ્તવિક ‘હું’ ના સંદર્ભમાં નહિં.

તેથી શું હું શરીર, મન અથવા બુદ્ધિ છું? જો હું શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી તો પછી હું કોણ છું?

ધારો કે હું શરીર છું – શરીર અન્નમાંથી ઉત્પન્ન થાય છે, અન્નથી તેનું પોષણ થાય છે અને અન્નમાં જ ભળી જાય છે. આ શરીર બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી સતત પરિવર્તનશીલ છે. આ સ્થૂળ શરીર છ પ્રકારના પરિવર્તનમાંથી પસાર થાય છે. તે આ પ્રમાણે છે. ૧.અસ્તિત્વ, ૨.જન્મ, ૩.વૃદ્ધિ, ૪.બીમારી, ૫.ક્ષય અને ૬.મૃત્યુ, આનો અર્થ એમ થાય કે જો ‘હું’ શરીર હોઉં તો તે ‘હું’ સતત પરિવર્તનશીલ અને નાશવાન છું. સાત વર્ષમાં શરીરના બધા જ કોષ બદલાઈ જાય છે. શું હું દર સાત વર્ષે બદલાઈ જાઉ છુ? જ્યારે હું મારી જાતને શારીરિક રીતે પરિવર્તન પામતી જોઉ છું ત્યારે હું શરીરથી અલગ છું. આ સ્થિતિમાં જ હું મારા શરીરમાં થતા પરિવર્તનોને જોઈ શકું. તેથી દેખીતી રીતે જ શરીર એ વાસ્તવિક ‘હું’ નથી. ધારો કે હું કહું છું કે આ મારું શરીર છે. તો દેખીતી રીતે જ હું મારા શરીરથી જુદો છું. જેવી રીતે હું એમ કહું કે આ મારું પુસ્તક છે તો હું પુસ્તકથી જુદો છું. તેથી હું કોણ છું? હું શરીર નથી.

ધારો કે હું મન અથવા બુદ્ધિ (સુક્ષ્મ શરીર) છું ચાલો, આપણે સુખી વ્યક્તિનું ઉદાહરણ લઈએ. આ સુખ ક્યાં છે? તે મનમાં છે. તેથી સુખ એ મનનો વિષય છે. જો તેમ હોય તો હું હંમેશા સુખી રહેવો જોઈએ. પરંતુ મારું સુખ શાશ્વત નથી. કારણ કે મન કે જે વિચારોનું બંડલ છે તે પરિસ્થિતિ પ્રમાણે સતત બદલાતુ રહે છે. જો હું મારા વિચારોથી દૂર ઉભો રહી મારા વિચારોમાં થતાં પરિવર્તનોને જોઈ શકું તો હું દેખીતી રીતે મારા વિચારો કે મારું મન ન હોઈ શકું. તો પછી હું કોણ છું?

જો હું આ અથવા તે ન હોઉં તો હું પરિવર્તન, પરિસ્થિતિ અને મર્યાદાઓથી પર હોવો જોઈએ. આનો અર્થ એ છે કે વાસ્તવિક ‘હું’ શરીર, મન અને બુદ્ધિની મર્યાદામાં બંધાયેલો નથી.

નિષિધ્ય નિખિલોપાધીન્ નેતિ નેતીતિ વાક્યતઃ |
વિદ્યાદૈક્યં મહાવાક્યૈઃ જીવાત્મપરમાત્મનોઃ ||૩૦||

‘નેતિ, નેતિ – આ નહીં, આ નહીં’ ની પ્રક્રિયા દ્વારા બધી જ ઉપાધિઓનો બાધ કર્યા બાદ વ્યક્તિગત આત્મા (જીવ) અને પરમાત્મા (બ્રહ્મ) વચ્ચે સામ્યતા – ઐક્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોના મહાવાક્ય પ્રમાણે આ જ અંતિમ સાક્ષાત્કાર છે.

અહીં એક રસપ્રદ વાર્તા છે જે રાજા જનકના જ્ઞાન માર્ગને સમજાવે છે. દરબારમાં આખા દિવસના અંતે એક સાંજે રાજા તેના ભવ્ય રજવાડી આસન ઉપર ઉંઘી ગયા. તેમને એક સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં તે દુશ્મનો દ્વારા પરાજિત થયા. તેમને પકડી લેવામાં આવ્યા અને તેમને તેમના રાજ્યની બહાર એક નગરમાં રાખવામાં આવ્યા. જ્યા તેમને કોઈ ઓળખતું ન હતું. તે ખોરાક અને પાણીની શોધમાં શેરીઓમાં રખડ્યા. દિવસના અંતે તે ભૂખ્યા, તરસ્યા અને ખૂબ જ થાકેલા હતા. તે ધ્યેયહીન ભટકતા હતા ત્યાં તેમણે એક આશ્રમ જોયો અને વિચારવા લાગ્યા કે ત્યાંથી કદાચ તેમને ખોરાક મળે. ખૂબ મોડુ થઈ ગયું હોવાથી ખોરાક મળી શક્યો નહીં. જનકની દયાજનક સ્થિતિ જોઈને આશ્રમના રસોઈયાઓએ વાસણમાં ચોંટેલા ખોરાકને ઉખેડી તેને એક વાસણમાં આપ્યો. તે જેવા આ બચેલા ખોરાકને ખાવા જતા હતાં ત્યા એક કાગડો ઉડતો આવ્યો અને વાસણને પાડી દીધું.

હવે જનક રાજાની સ્થિતિ એટલી દયાજનક હતી કે તે ભૂખથી ચીસ પાડી ઉઠ્યા. તેમની પોતાની ચીસથી તેઓ જાગી ગયા. સ્વપ્ન એટલું વાસ્તવિક હતું કે તેમને સમજતાં થોડી વાર લાગી કે તે બાજુના ગામમાં નહીં પરંતુ પોતાના મહેલમાં પોતાના ભવ્ય પલંગમાં હતા. જ્યારે જનક રાજાએ તેની સ્વપ્ન અવસ્થામાં એક ભિખારી તરીકે અને જાગ્રત અવસ્થામાં એક રાજા તરીકેના અનુભવો વચ્ચેનો ભેદ જોયો ત્યારે તે ખૂબ જ વ્યગ્ર બની ગયા અને દરેકને તે પુછવા લાગ્યા કે “આ સત્ય છે કે તે સત્ય હતું?” લોકો તે શું કહેવા માંગે છે તે સમજી શક્યા નહીં. તેમના પ્રધાનો તથા તેમના પત્નીએ રાજાના આ બબડાટની સારવાર માટે રાજ વૈદ્યને બોલાવ્યા. પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં.

એક દિવસ સંત અષ્ટાવક્ર તેમના દરબારમાં આવ્યા અને રાજાએ તેમને આ જ પ્રશ્ન પૂછ્યો કે “આ સત્ય છે કે ત સત્ય હતું?” તે સંત હતા તેથી જનક રાજાના મનને પામી સ્મિત સાથે સામો પ્રશ્ન કર્યો “જ્યારે તમે રાજા છો ત્યારે એ જ સમયે ભિખારી હોઈ શકો?” રાજાએ કહ્યું, “નહીં” તેમણે બીજો પ્રશ્ન કર્યો, “જ્યારે તમે ભિખારી હતા ત્યારે તે સમયે રાજા પણ હતા?” જનક રાજાએ કહ્યું “નહીં”.

ત્યારે સંત બોલ્યા, “જેવી રીતે તમે કહ્યું કે જ્યારે તમે રાજા છો ત્યારે ભિખારી ત્યાં નથી અને જ્યારે તમે ભિખારી છો ત્યારે રાજા ત્યાં નથી. આનો અર્થ એ થયો કે તમે રાજા પણ નથી અને ભિખારી પણ નથી.” ત્યારે રાજાએ પૂછ્યું કે “હું કોણ છું?” સંતે ત્યારે જવાબ આપ્યો કે બંને સ્થિતિમાં જે સામાન્ય છે તે ‘સ્વ’ છે. જે નિરપેક્ષ ‘હું’ છે. તે કોઈ રાજા અથવા ભિખારીના સ્વરૂપમાં સ્થૂળ અભિવ્યક્તિ નથી અને તે જ પરમ નિરપેક્ષ સત્ય છે.

એકીકૃત માર્ગઃ
ઉપર દર્શાવેલ ત્રણે માર્ગ સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી. રમણ મહર્ષિ કહે છે કે અંતે તેઓ એક બીજામાં મળી જાય છે. પોતાના મૂળ સ્ત્રોત સાથે સ્થિરતાથી જોડાયેલ મન સાથે કાર્ય કરવું તે ઉત્તમ માર્ગ છે.

ભગવાન રમણ મહર્ષિના ઉપદેશ સારમમાં શ્લોક ૯ આ પ્રમાણે છે.

ભાવશૂન્યસદ્ – ભાવસુસ્થિતિઃ |
ભાવનાબલાદ્ – ભક્તિરુત્તમા ||

“ઉત્કૃષ્ટ ભક્તિ દ્વારા તે હું છું.” (સોહમ)ની ભાવનાથી અસ્તિત્વનો સિદ્ધાંત (સત્ – ચિત – આનંદ) જે વૈચારિક પરિવર્તનથી પર છે તે સ્થિતિમાં દૃઢતા પ્રાપ્ત કરી શકાય છે. આ જ ઉત્તમ ભક્તિ છે.”

ભગવાન વારંવાર કહે છે કે ભક્તિ એ જ જ્ઞાન છે અને જ્ઞાન એ જ ભક્તિ છે. ભગવતપાદ આદિ શંકરાચાર્ય વિવેક ચુડામણિ ગ્રંથમાં શ્લોક ૩૨ અને ૩૩ માં કહે છે…

સ્વસ્વરુપાનુસંધાનં ભક્તિરિત્યભિધીયતે |
સ્વાત્મત્ત્વાનુસંધાનં ભક્તિરિત્યપરે જગુઃ ||

“સ્વ સ્વરૂપના ધ્યાનને કેટલાક ભક્તિ કહે છે. બીજા કેટલાક તે આત્મ તત્ત્વનું ધ્યાન છે તેમ કહે છે.”

ઉપસંહાર કરતાં એમ કહી શકાય કે અહંકાર રહિત સ્થિતિને પામવાના વિવિધ માર્ગો છે પરંતુ સાક્ષાત્કાર પામેલ વ્યક્તિ આ માર્ગો વચે ભેદ કરતો નથી અને સમજે છે કે દરેક માર્ગ અન્ય માર્ગ તરફ દોરી જાય છે.


The ending of Ego is the realisation of The Supreme State (સ્વામી ચિન્મયાનંદ)


Where ego asserts, Lord Vanishes, When Ego Vanishes, Lord Enters (સ્વામી તેજોમયાનંદ)


અહમનું વિસર્જન કરવાની સુંદર પદ્ધતિ સમજાવતો કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરનો લેખ વાંચવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
અહમનું વિસર્જન – રવીન્દ્રનાથ ટાગોર


Categories: ચિંતન | Tags: | 7 Comments

ભ્રમરની ભૂલ – (26)

કમલ દલ દેખી દીલમાં, ભમરો મન ભરમાણો
પરાગ લેવા પુષ્પની, લાલચમાં લોભાણો –કમલ

જુઇ ચંપે કેવડે મોગરે, મરવે મુકાણો
સુગંધ લેવા ચિત્ત દેતાં, આસક્તિએ અટવાણો –કમલ

પુષ્પ રસમાં પાગલ થયો, જોયો ન ટાણો કટાણો
રજની આવી રાતી માતી, કમલ દલ કરમાણો –કમલ

આસક્તિમાં ઉડ્યો નહીંને, પુષ્પમાંહી પુરાણો
સુગંધ તણું સુખ લેતા, ગજબ માંહી ગોંધાણો –કમલ

કાષ્ટ કોરવાની શક્તિ ઘણી, તે ભીતરથી ભૂલાણો
કોમળ કમળમાં રહ્યો પૂરાઇ, મોહે કરી મુંજાણો –કમલ

આસક્તિનું એંધાણ મોટું, સુખ લેવા ચુકાણો
ભજનપ્રકાશ ભ્રમર કાલ કુંજરના, પગતળે કચરાણો –કમલ

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Blog at WordPress.com.