અંતર ઉભરા વિના અભ્યાસ ન જાગેને
ન થાય સાધન સાચું
પ્રમાદ પંડમાં પ્રગટે ઘણોને,
જેનું માયલું મન હોય કાચું –1
કાયર મનને કબજે કરીને ભાઇ,
આદરવો અભ્યાસ
મનને મહાપદમાં મોહ પમાડવોને
છોડી દેવી અંતરની આશ –2
હિંમત કદી હૈયે ન હારવીને,
કાયરપણાથી રહેવું દૂર
ચિત્ત સાનંદે સાધન સાધવું ને,
મનને રાખી શૂર –3
કંટાળો ઉપજે અંતર માંહેને તો,
સમજાવવું માયલું મન
સાધન કદી ચુકવું નહીંને,
ભલે રહે કે જાય આ તન –4
શૂરવીર થઇને સાધન સાધવુંને,
જગાડવો અંતર અભ્યાસ
અભ્યાસ જાગ્યા પછી આનંદ પ્રગટે,
થાવે ભજનપ્રકાશ –5