Daily Archives: 27/10/2008

વિતવું તે શું ? – (3)


ગતાંકથી આગળ


કવિ પીંગલ પણ એક છંદમાં કહે છે કેઃ-

મનુષ્ચ કો અવતાર દીયો,
પ્રભુ ભૂલી ગયો ઘર કાજ લુભાયો

કેફ કરી બકયો અરૂ બકયો,
બિન કારન એસ કરી ખુબ દ્વવ્ય ઉડાયો

રામ ઉચાર નહીં રસના પર,
દીનકું અન્ન કબુ ન દેવાયો

એ દૃષ્ટિ પર્યો જમદુત કે દંગલ,
પીંગલ અંત વહી પસ્તાયો

એક નિજ રચિત પદ જોઈએઃ-

જીવને ત્યારે પસ્તાવો થાશે, જ્યારે વા કાલના વાશે
પછી જમડા જીવ લઈ જાશે, જીવને ત્યારે પસ્તાવો થાશે.

જાગી ને ન જોયું વહેલા, વખત વિત્યાની પહેલા
પછી ગાણું નકામુ ગવાશે, જીવને ત્યારે પસ્તાવો થાશે.

ધરમ કરમમાં ઢીલ કરીને, આયુ ગવાઈ આળસ ધરીને
પછી નકામું ત્યાં રોવાશે, જીવને ત્યારે પસ્તાવો થાશે.

ધાતી ધુતિ ધન ભેગું કીધુ, દાનમાં દામ એક ન દીધુ
પછી અંતે સઘળું લુંટાશે, જીવને ત્યારે પસ્તાવો થાશે

કુટુંબ કબીલો છેટા રહેશે, સ્મશાને લઈ જવાનું કહેશે
પછી મારું કહેવાનું ન રહેશે, જીવને ત્યારે પસ્તાવો થાશે.

ભજનપ્રકાશ કહે કાંઈ ન કીધુ, પ્રભુ ભજનમાં મનડું ન દીધું
પછી લખ ચોરાશી ફરાશે, જીવને ત્યારે પસ્તાવો થાશે.

આ સઘળું વખતથી વિતતું ચાલે છે. સર્ગના પ્રારંભથી લઈને આજ દિવસ સુધી યુગો વિતાવતે વિતાવતે યુગોની વિતવાની સાથે સ્થાવર જંગમ કંઈક યોનિઓ પણ વિતાવી આ સૃષ્ટિમાં એવી કઈ યોનિ હશે કે જેમાંથી જીવ પસાર થયો ન હોય. સઘળી યોનિઓની છાયા આ જીવ લેતો આવ્યો છે. લે છે અને લેશે પરંતુ કયારે પણ તેવો વિચાર પ્રગટ થતો નથી કે બસ. શું આ આદિ તથા અંત જોયા જ કરવો? કે એવું કઈ તત્વ ખરું કે જેનો આદિ કે અંત ન હોય. અને જો તેવું તત્વ હોય તો તે શું? કેવું તેનું સ્વરૂપ? તે જાણવાનો પ્રયત્ન થવો જોઈએ. જે આપ્તકામ મહાપુરુષોના વાક્યો કે વચનો નિરર્થક હોતા નથી અને કહેતા પણ આવ્યા છે કે પરમાત્મા એવી વસ્તુ કે જે કાલાતિત છે, શાશ્વત છે, અખંડ છે, અભય છે, અમૃત છે અને તેનો અનુભવ પણ અંતરમાં કરવાનો છે. અને તે પણ હજી આ વર્તમાન જીવન જે મળ્યું છે અને સંપૂર્ણ પણે કાલથી ગ્રસ્ત થયું નથી ત્યાં સુધીમાં કે વખતે હજી તેને વિતાવ્યું નથી. વિતે છે અને વિતી જાશે કારણ કે જીવન બે પ્રકારના છે, એક છે શાશ્વત જીવન કે જેને કાલ વિતાવી શકતો નથી. પણ કાલને કે વખતને પણ તે વિતાવે છે અને બીજું જીવન અશાશ્વત છે અને તે કાલાધિન છે. વખતના વહેણમાં વિતવાના સ્વભાવવાળું છે કે જે આપણને શાશ્વત અખંડ જીવનને જાણવામાં તે ઉપયોગી બને છે. સાધનરૂપ બને છે તો ખંડ જીવનથી અખંડ જીવનને જાણવાનું છે માટે વખતના ભરોસા પર છોડવા જેવી આ વસ્તુ નથી.

વખત કોઈની સાથે સબંધ રાખતો નથી કે આપણી આજીજીથી રાજી થઈ જાય અને છોડી મૂકે. મૃત્યુ તે એક અનિવાર્ય સત્ય છે. જો મૃત્યુ ન હોય તો અમૃત કે શાશ્વત જીવનના ખબર કેમ પડત? મૃત્યુના જ્ઞાનથી જ અમૃતનું જ્ઞાન થાય છે માટે તેને ભવિષ્ય પર છોડાય નહીં કે વખતની પાછળ ચલાય નહીં. વખતની આગળ આગળ પગલું ભરતે જવાય જ્યારે શાશ્વત જીવનનો વિચાર આવ્યો કે વખત પાછળ પાછળ ચાલતો આવશે વહેવારમાં વખતને આગળ કરીને ચાલવું પડે છે પરંતુ પરમાર્થમાં તો વખત પાછળ રહી જાય છે. કારણ કે વખત ન હોય ત્યારે પણ તે હતું માટે તે પહેલું છે અને તે વિચાર પણ લઘુવયમાં થાય તો વખત વિત્યાની પહેલાં જે આપણે કરવાનું છે તે કરી શકીએ. મીરા, પ્રહલાદ ઇત્યાદિને લઘુવયમાં જ વિચાર આવ્યો તો તે વખત વિત્યાની પહેલા જે કરવાનું હતું તે કરી ગયા તો આપણે જોશું કે હવે વખત અને તેનું વિતવું તથા તે પહેલા શું? હવે જોશું

ૐ ૐ ૐ

Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

અંતર ઉભરા વિના અભ્યાસ ન જાગેને – (25)

અંતર ઉભરા વિના અભ્યાસ ન જાગેને
ન થાય સાધન સાચું
પ્રમાદ પંડમાં પ્રગટે ઘણોને,
જેનું માયલું મન હોય કાચું –1

કાયર મનને કબજે કરીને ભાઇ,
આદરવો અભ્યાસ
મનને મહાપદમાં મોહ પમાડવોને
છોડી દેવી અંતરની આશ –2

હિંમત કદી હૈયે ન હારવીને,
કાયરપણાથી રહેવું દૂર
ચિત્ત સાનંદે સાધન સાધવું ને,
મનને રાખી શૂર –3

કંટાળો ઉપજે અંતર માંહેને તો,
સમજાવવું માયલું મન
સાધન કદી ચુકવું નહીંને,
ભલે રહે કે જાય આ તન –4

શૂરવીર થઇને સાધન સાધવુંને,
જગાડવો અંતર અભ્યાસ
અભ્યાસ જાગ્યા પછી આનંદ પ્રગટે,
થાવે ભજનપ્રકાશ –5

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Blog at WordPress.com.