ગતાંકથી આગળ
આ સૃષ્ટિમાં ઘણી વસ્તુ એવી છે કે જેનો આરંભ જોઈ શકાતો નથી પણ અંત જોઈ શકાય છે. ઘણી વસ્તુનો આરંભ જોઈ શકાય છે પણ અંત જોઈ શકાતો નથી. ઘણી વસ્તુ એવી છે કે જેનો આરંભ પણ જોઈ શકાય છે અને અંત પણ જોઈ શકાય છે. તેમાં વેદાંત માન્યતા પ્રમાણે તો એક જ બ્રહ્મ જ અનાદિ તથા અનંત છે. બાકી તો માયાથી લઈને અનાદિ સાંત જેવા છે. મહાપ્રલયમાં માયા, જીવ તથા ઇશ્વરનો સબંધ કે તેનો ભેદ ઇત્યાદિ કશું પણ રહેતું નથી. એક બ્રહ્મ જ સતા સામાન્યરૂપે રહે છે તેથી સઘળું નામરૂપવાળું વખતના વહેણમાં તણાય જાય છે. અને અંતે વખત કે કાલ જેવું પણ કશું રહેતું નથી. વખત વખત રહેતો નથી. તેથી સઘળું વખતમાં વીતતું ચાલે છે. અને વખત પણ વખતથી અતીત તત્વમાં ઓગળી જાય છે. અનાદિકાલથી ઇતિનો હાસ થતો જોતા આવીએ છીએ. સૃષ્ટિના સર્ગારંભથી કંઈક મન્વન્તરો ચાલ્યા ગયા સઘળાને વખતે વિતાવી નાખ્યા, વિતાવે છે અને વિતાવશે. એક કવી પીંગળશીએ સુંદર કાવ્ય કહ્યું છે કે આ ધરામાં કંઈક કંઈક એવા કે જેને માથે છત્ર ચામર ઢળતા હતા. હાથીઓની અંબાડી ઉપર ફરતા હતા. છડીદારો છડી પોકારતા હતા તેવા તેવા મહિપતિ મનાતા ચાલ્યા ગયા. જોઈએ તે કાવ્ય.
1. ધરા બીચરાવ હુવા માંધાતા – ગંજ ગ્રામદાતા સબે શાસ્ત્ર જ્ઞાતા
નવ ખંડ કીનો ભૂમી કાજે સુહાગી – તથાપી રહ્યાના યથા દેહત્યાગી
2. ઉજૈની હુવા વીર વિક્રમ ઐસા -પરાર્થે લગાયા અહો કોટી પૈસા
સદા આનંદકારી વિહારી સુહાગી – તથાપી રહ્યાના યથા દેહત્યાગી
3. રતિવંત દેખ્યા હુવા ભોજરાજા – મતિવંશ દાનેશ્વરી વંશ માજા
રિદ્ધિ સમૃદ્ધિ દ્વારા વિદ્વાન રાગી – તથાપી રહ્યાના યથા દેહત્યાગી
4. પૃથુરાજ હુવા દિલ્હીપતિ મર્દપુરા – ચડે સોલ સામંત અરૂ સંત સુરા
લડયા સંગ ગૌરી ભૂમી કાજ લાગી – તથાપી રહ્યાના યથા દેહત્યાગી
5. હુવા અકબર દુશ્મન કું હઠાયા – જહાંગીરને હુકમ ઐસા જમાયા
મહાવીર ઠાઠે રહે માફ માગી – તથાપી રહ્યાના યથા દેહત્યાગી
6. શિવાજી ભયા કીના રાજ સિતારા – દીયા દામ હસ્તિ કવીકું હજારા
ઉમાનાથ જેસા ઝરે ક્રોધ આગી – તથાપી રહ્યાના યથા દેહત્યાગી
7.રહ્યાના કો અનાદિ અંબે કોના રહેગા-કવિલોગ સતકીર્તિ આગે કહેગા
પઢે કવી પીંગળ છંદ ગોવિંદ ગ્રાગી – વૃથા હે જગત સબ બનો વૈરાગી
તથાપી રહ્યાના યથા દેહત્યાગી
આવા આવા પણ સઘળા વખતના વહાણાં વીતી ગયા છે અને વિતતા રહેશે. વ્યક્તિ સતત બહિર્મુખ રહીને વહેવાર કરતો હોય, ઘર પરિવાર તેના પાલન પોષણમાં અને તેની ચિંતામાં તેને ખબર હોતા નથી કે વખત કેટલો વીતી ગયો. મને વખતે કેટલો વિતાવી નાખ્યો તે તેને ખ્યાલ જ હોતો નથી. જન્મથી લઈને બાલ્યાવસ્થા તરૂણવસ્થા યૌવનકાલ અને જુવાની પણ કેમ વખતમાં સરકી જાય છે અને કેમ વૃદ્ધાવસ્થા આવે છે તેના ખબર પડતા નથી. જ્યારે કાંઈક ગુડા ભાંગવા લાગે, ગોઠણથી પગ વળે નહીં, શરીર પર કરચલી પડી જાય, કાયમથી કાયમ શરીર કૃશ થતું ચાલે, શક્તિ હાલવા ચાલવાની જોવાની સઘળી ક્ષીણ થાય, દાંત પડવા લાગે, શરીર પર વાળ સફેદ થવા લાગે અને જ્યારે હાથમાં લાકડીનો ટેકો લેવો પડે ત્યારે ખબર પડે કે વખતે વિતાવ્યા. પછી તો મૃત્યુ પણ નજીક દેખાવા લાગે ત્યારે વિચારતો હોય કે ચાલો કયાંક વખત વિતાવી આવીએ. તે પણ ખબર હોતા નથી કે વખતે આટલા તો વિતાવી નાખ્યા હવે વખતને તું શું વિતાવીશ? દુ:ખના દિવસો જલદી પસાર થતા નથી. ચારે બાજુથી પરાધિનતા ઘેરી લે છે, કરેલા કાળા ધોળાનો પસ્તાવો થાય છે. પરિવારના કોઈ કહેવું માને નહીં પછી દુ:ખી દુ:ખી થઈ જાય છે. અને આખર પણ છેલ્લે પસ્તાવો તથા ધોખો લઈને જાય છે.
વધુ આપણે આવતીકાલે જોશું