તો આપણે જોયું કે સંસારના જેટલાએ નામરૂપ પદાર્થો છે તે વખતની સાથે સાથે ચાલવાવાળા છે. કોઈ પણ દેશમાં સ્થાનીય પદાર્થનું સ્થાન અને વખત જેમ સરકતા રહે છે તેમ પદાર્થ પણ પરિણામ કે રૂપાન્તરને પ્રાપ્ત થતો રહે છે. વખત વખતની રીતે વર્તે છે. વખત કોઈને કાંઈ પણ કહેતો નથી કે હું વખત છું. અને વખતને જે આપણી સામે પરિસ્થિતિ કે ઘટના ઘટે છે કે આવે છે તેના પણ ખબર નથી કે શું પરિસ્થિતિ અને શું ઘટના કોના માટે ઘટી. વળી વખતને સંજોગોના પણ ખબર નથી કે કોના માટે કયો સંજોગ સારો કે ખરાબ. સંજોગ પણ સંજોગ બનીને રહે છે. સંજોગને પણ ખબર નથી કે હું કોનો છું. આ સઘળી માનવ વ્યક્તિ વિશેષના મનની માન્યતાઓ છે તે આપણે વખતના વિચારમાં જોયું.
હવે વખત તો વખતની રીતે વર્તે છે. આપણે એક અખંડકાલથી કે વખતથી લઈને ખંડકાલનું સ્વરૂપ એક નાના ત્રસરેણુંને સૂર્યનો પ્રકાશ પસાર કરે વહાવે અને જેટલો સમય કે વખત થાય તેને ત્રુટી કહે અને ત્યાંથી આપણે બ્રહ્માજીના પૂર્વાર્ધ તથા ઉતરાર્ધ સુધીના આયુની ગણના આપણા ઋષી મુનિઓએ કરી છે તે સૃષ્ટિના આરંભથી લઈને યુગાન્તરો વિતતા ચાલ્યા છે કે જેમાં યુગોના વિતવાની સાથે કંઈક નામરૂપવાળા પદાર્થો પણ વિતતા ગયા અને તે યુગોના વહેણમાં આજ દિવસ સુધી કેટલા પરિવર્તનો થયા. પહાડો હોય ત્યાં સમુદ્રો થઈ ગયા અને સમુદ્રની ખાઈઓ પુરાઈને ત્યાં પર્વતો થઈ ગયા. કંઈક પદાર્થો ધરતીના પેટાળમાં પુરાઈ ગયા પૂરાય છે અને પુરાતા રહેશે. કંઈક જલના પ્રવાહમાં તણાઈ ગયા કંઈક અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા કે કંઈકને વાયુએ વીંખી નાખ્યા અને વળી કાંઈક નવા નવા રૂપમાં પ્રગટ થવા લાગ્યા. તે સઘળાની પણ આખર તેજ દશા થતી રહે છે. તેમ સઘળા પાંચ ભૌતિક પદાર્થ તેના કારણમાં વ્યક્ત અવ્યક્ત થતા રહે છે. કયારેક દેખાય છે તો નવા રૂપમાં દેખાય છે વળી અવ્યક્તમાં ચાલ્યા જાય છે. જેને આપણે પુરાનું રૂપ આપીએ છીએ તેમ નવા જુનું થતું રહે છે.
તેમાં સ્થાવર જંગમ જીવો કે જે કાંઈક નામરૂપી સંજ્ઞા સાથે સંવેદના પણ ધરાવે છે. જે પાંચ ભુતના થતા પરિણામો અને રૂપાન્તરો તેની અસરોને અનુભવી શકે છે. સુખમાં કે દુ:ખમાં જે સુખમાં કે દુ:ખમાં અનુભવી શકે છે તેને આપણે જંગમ જીવો કીધા અને જે તે પરિણામોની અસરને અનુભવી શકાત નથી તેને સ્થાવર કે જડ કીધા. પહેલાને જંગમ કે ચેતન કીધા પરંતુ તે ચેતન કે જંગમ જીવોમાં પણ તે ભુતોથી થતી માઠી અસરોથી બચવા પ્રયાસ તો કરતા હોય છે. બચાવની પ્રક્રિયા તો દરેક જંગમ જીવ જીજીવિષાને કારણે ધરાવતો પણ હોય છે. અને બસ તે જીજીવિષા જ સઘળી પ્રવૃતિ કરાવતી હોય છે. તેમ કયારેક સારી અસરોનો પણ અનુભવ કરતા હોય છે અને તે કાયમ રહે તેમ ઇચ્છતા પણ હોય છે. જીવ પછી સ્થાવર હોય કે જંગમ, જડ હોય કે ચેતન પરંતુ દુ:ખ સર્વને ત્યાજ્ય તથા હેય છે. પરંતુ આ સઘળામાંથી મુક્ત થવા માટેનો ઉપાય કોઈ પણ નથી. એક મનુષ્ય પ્રાણી જ આ સઘળામાંથી મુક્તિનો ઉપાય શોધી શકે છે. વિચારી શકે છે. અને ઉપાય શોધીને મુક્ત પણ થઈ શકે છે. છતાં વ્યક્તિ ઉપર તે ઉપાયનો પણ આધાર છે. માણસને પરમાત્મા શું? તેનું સુખ શું? તે છે કે નહીં? અને હોય તો કેવો હશે? કયાં હશે? તેનું સ્વરૂપ શું હશે? ઇત્યાદિક સંશયમાં જ હોય છે. બહુજન સમાજ તો ઇશ્વર કે પરમાત્માનો ખ્યાલ છોડીને શરીર સુખ માટે, પ્રાણ સુખ માટે તથા મનના સુખ માટે પ્રયત્ન કરતો હોય છે. ચોથા સુખના તો ખબર પણ હોતા નથી.
વખત કોઈના પણ સુખનો વિચાર કરતો નથી. કે કોણે કયું શરીર સુખ લીધું કે ભોગવ્યું, પ્રાણ સુખ લીધું કે ભોગવ્યુ, મનનું સુખ લીધું કે ભોગવ્યું, વખત તો વખતમાં વર્તે છે. માનવના મનની ધારેલ ઇચ્છા પરિપૂર્ણ ન થઈ તો કહે છે મારે માટે વખત સારો નથી. અને જો ઇચ્છા ઠીક સંતોષાણી તો કહે છે મારે માટે વખત સારો છે. કોની ઇચ્છા સંતોષાય છે અને કોની ઇચ્છા સંતોષાતી નથી તેની વખતને ખબર નથી. પરંતુ સઘળા વખતને નિમિત બનાવીને ચાલે છે. આ સઘળું જો વખતથી નિયત હોત તો નિયત જ રહેત પણ તેમ સઘળું રહેતું નથી. તે આપણે વખતના વિચારમાં જોઈ ગયા. તે સઘળું વ્યક્તિની ઇચ્છા, ધારણા અને લાગણી ઉપર ફરતું રહે છે. જેને કોઈ પદાર્થની ઇચ્છા જ નથી કાંઈ મેળવવાની ધારણા જ નથી અને કશામાં પણ લાગણી ચોંટતી નથી તેને કંઈ ફરતું નથી. સઘળું એક સરખુ અને સમાન લાગે છે. તો આ સમષ્ટિ જગતના જીવો સઘળા વાસનાગત ઇચ્છા અને તેથી મળતા ફલોમાં દૃષ્ટિ રાખીને સઘળા શરીર સુખ, પ્રાણ સુખ તથા મનના સુખ માટે પુરુષાર્થ કરતા હોય છે. અને તેમાં વખતને નિમિત બનાવીને ચાલતા હોય છે કારણ કે સઘળા કાર્યોના જે નવ સાધારણ કારણ છે
1.ઇશ્વર,
2.તેની ઇચ્છા,
3.જ્ઞાન,
4.પ્રયત્ન,
5.દેશ,
6.કાલ,
7.અદૃષ્ટ,
8.પ્રાગભાવ અને
9.પ્રતિબંધનો અભાવ
આ નવ કારણ સર્વ જગતના કાર્યોના સાધારણ કારણ છે. પરંતુ ઇશ્વર જગતનું સાધારણ કારણ હોવા છતાં ઇશ્વર આનંદ સ્વરૂપ છે. તેથી તેને દુ:ખની ખબર જ નથી, સુખ દુ:ખ તો જીવની કલ્પના છે. તેમ વખત પણ વખત જ છે. પરંતુ ઇશ્વર ચેતન છે વખત જડ છે, તે ન ભૂલવું જોઈએ. પરમાર્થની અપેક્ષાએ તો સઘળું ચેતન છે કાંઈ પણ જડ નથી. પરંતુ વહેવારમાં જડ ચેતનનો વિભાગ કરીને વહેવાર કરવો પડે છે. તેથી ઇશ્વર ઇત્યાદિ નવ સાધારણ કારણ હોવાથી કોઈ ઇશ્વરને દોષ દેતા હોય છે, કોઈ વખતને. કોઈ કહે ઇશ્વરની ઇચ્છા છે તેમાં મારું શું ચાલે? કોઈ ઇશ્વરના પ્રયત્નને, સઘળું ઇશ્વર જ કરી રહ્યો છે, સઘળાને ઇશ્વર જાણે છે. આ સઘળું અદૃષ્ટરૂપ પાપ પુણ્ય જ કરાવે છે. ઇશ્વરને સઘળું કરવામાં કોઈ પ્રતિબંધ નથી. તે તો કર્તુ અકર્તુ અન્યથા કર્તુ ઇત્યાદિ ઇત્યાદિથી તે સઘળાને નિમિત બનાવી ને ચાલતા હોય છે.
પરંતુ ભાગ્યે જ કોઈ તેવું વિચારતા હશે કે હું જીવું છું શા માટે? મારા જીવનનો હેતુ શું? મારે શું જોઈએ છે? આનો કોઈ પણ વિચાર કરતું નથી. અને અધિકથી અધિક વખતને કર્મને તથા ઇશ્વરને દોષ દઈને જ ચાલતા હોય છે. પરંતુ વખત કે કાલ શું છે તેનો કે હું કામ શા માટે કરું છું? મારે શું જોઈએ છે? અને ઇશ્વર જો મારો કાંઈ પણ કશો આમાં હિસ્સો ન હોય તો મને નિર્દોષને શા માટે અનેક યાતનાઓ તથા ક્લેશોથી પીડીત કરે છે? અને તેમ પીડીત કરવામાં ઇશ્વરને શું રસ? આવી નિર્દયતા ઇશ્વર શા માટે કરે? કોઈને સુખ ને કોઈને દુ:ખ આપે. આ તો પક્ષપાતિ વલણ કહેવાય. અને તેમાં ઇશ્વરની ઇશ્વરતા શું? આ આવી કલ્પના કે તર્ક જ વ્યર્થ છે. કારણ કે ઇશ્વર સૃષ્ટિકર્તા જરૂર છે પરંતુ ઇશ્વર પણ નિરપેક્ષ થઈને સૃષ્ટિ કરતા નથી. જો જગતમાં કોઈ પણ જીવ કે કર્મનો કર્તા ન હોય તો ફલ દાતા ઇશ્વરનું શું? તેથી જીવોના અદૃષ્ટ જોઈને ઇશ્વર સૃષ્ટિ કરે છે. અને જીવોના અદૃષ્ટ પ્રમાણે સુખ દુ:ખ નિર્માણ થાય છે. તેમાં ઇશ્વર તો સાધારણ કારણ થાય છે. જેમ વરસાદ સઘળા બીજોને ઉગવામાં સાધારણ કારણ થાય છે અને પછી દરેક બીજોમાં રહેલું અસાધારણ સામર્થ્ય તે તે બીજનું કારણ થાય છે કોઈ જવ તો કોઈ ડાંગર તો કોઈ બાજરો, જુવાર ઘઉં ઇત્યાદિ ઇત્યાદિથી ભેદ પડે છે. તેમાં બીજનો સ્વભાવ પોત પોતાને રીતે અસાધારણ કારણ બનતો હોય છે. વરસાદ તો વરસી ગયો ભૂમિ ભીની કરી ગયો અને બીજો સઘળા પોત પોતાનો અસાધારણ સ્વભાવ કારણ લઈને પોત પોતાના ગુણધર્મ પ્રગટ કરવા લાગ્યા. તેમ ઇશ્વર પણ જગતના સ્થાવર જંગમ જીવોમાં સાધારણ કારણ છે તેથી ઇશ્વર સંપૂર્ણપણે તેમાં નિર્દોષ છે. તેથી આપણે જોશું કે ઇશ્વરની માફક વખત પણ સઘળા પદાર્થોનું સાધારણ કારણ છે.