વખત એટલે શું?


ગતાંક થી ચાલુ


ચોપાઈઃ-
આકર ચારી લક્ષ ચોરાશી – યોનિ ભ્રમત હે જીવ અવિનાશી
ફિરત સદા માયા કર પ્રેરા – કાલ કર્મ સ્વભાવ ગુન ઘેરા

અનંત યોનિયોમાં શા માટે ભ્રમણ છે તેનું કારણ તપાસવું જોઈએ અને જેનાથી ભ્રમણ છે અથવા જેનાથી પ્રેરાય છે અને જે પ્રેરાય છે તો શા માટે કયા પ્રયોજન માટે પ્રેરાય છે તે પણ જાણવું રહ્યું. એક તો જીવ પોતે અવિનાશી છે અને છતાં પોતાને વિનાશી માને છે. તે પણ માયા કહેવાય. કારણ કે જે વસ્તુની વાસ્તવિકતા હોય તેવું દર્શન ન કરતા તેથી ઉલટું દર્શન કરવું તે જ માયા કે ભ્રાંતિ, અવિદ્યા, અજ્ઞાન ઇત્યાદિ સઘળા પર્યાય શબ્દો છે. તો જે અવિનાશી છે, ચેતન તથા આનંદ જેનો સ્વભાવ છે તે સ્વભાવને ન સમજીને પોતાના સચ્ચિદાનંદ સ્વભાવને ભૂલીને ત્યાં માયાના સ્વભાવનો સ્વીકાર કરીને ચાલવું કે રહેવું તે પણ માયા છે. તો માયાના સ્વભાવમાં આવીને માયાના કાર્યરૂપ અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ગંધ છે. તે પદાર્થની ભાવનાવાળો થઈને તેમાં સુખની ભાવના કરીને તે પ્રયોજન ઊભું કરીને તે માટે પ્રવૃતિ કરવી તે પણ માયા છે. કારણ કે ચૈતન્ય જેનો સ્વભાવ છે, આનંદ જેનો સ્વભાવ છે, તેનું જડ પદાર્થો કઈ રીતે પ્રયોજન સિદ્ધ કરી શકશે? જે આનંદ સ્વભાવવાળો છે, તેને કોણ આનંદ આપી શકશે? તેને દુ:ખી પણ કોણ કરી શકશે?

તેથી આ સઘળી માયા અને આવી માયાને આધિન થવું તે જ જીવનું જીવપણું છે, બીજું કોઈ પણ જીવ પણું નથી. અને માયા કે પ્રકૃતિ ત્રિગુણાત્મક સ્વભાવવાળી છે. અને ગુણો ત્રણે બદલાતા રહે છે અને તે ગુણોના પ્રભાવ નીચે દબાઈને જીવ ચાલે છે. કયારેક સત્વગુણથી ક્યારેક રજોગુણથી કયારેક તમોગુણથી દબાઈને ચાલે છે. અને જે ગુણ નીચે દબાય તેવો તે થઈને ચાલે છે. અને તે ગુણોનો સંગ તેને સારી નરસી યોનિઓમાં ભ્રમણ કરાવે છે. કયારેક ઉપર તો કયારેક મધ્યમાં તો કયારેક નીચે અધોમાં, તેમ જીવાત્મા ભટકતો રહે છે. પછી જે ગુણથી પ્રભાવિત થાય તેના ગીત ગાયા કરે. કયારેક સત્વગુણથી પ્રભાવિત થઈને જ્ઞાન તથા સુખના ગીત ગાવે. રજોગુણથી પ્રભાવિત થઈને દુ:ખના રોદણાં રોયા કરે. તમોગુણથી દબાઈને પોતાને હલકો જ॰ પ્રકૃતિનો છે માયાનો છે ગુણનો છે તેમ કાલને નિમિત બનાવીને કર્મ કરતો રહે છે. આજે આ કામ કર્યું, કાલે તે કામ કરવાનું છે. પહેલે આટલા દિવસો પહેલા આ કામ કર્યું, તેમાં આવી ભૂલ કરી તેનું આ ફળ મળ્યું. પહેલું કામ બહુ સારું થયું ઇત્યાદિ ઇત્યાદિ કંઈક ભૂતકાલના સ્મરણો અને ભવિષ્યના આયોજનો પ્રયોજનો નો વિચાર કરીને કર્મ કરતો રહે છે અને જે જે કર્મ કરે છે તે તે કર્મ કોઈને કોઈ પ્રકારના સંજોગો કે પરિણામ ઊભું કરે છે. અને વસ્તુ પદાર્થ કે સંજોગોનો કડવો મીઠો અનુભવ આપે છે, તેનો સંસ્કાર પડે છે. અને તે તે સંસ્કારની સ્મૃતિઓ થયા કરે છે. તેમ ફરી સ્મૃતિથી ક્રિયા, ક્રિયાથી તે તે સંજોગોનું જ્ઞાન અનુભવ તેમ યંત્રવત જીવની યાત્રા માયા તથા કાલ, કર્મ અને સ્વભાવથી ચાલે છે. કર્મ કરવામાં કાલ નિમિત બને છે. કર્મથી સંસ્કારો સંચિત થાય છે. સંચિત સંસ્કારોથી સ્મરણ ચિંતન થયા કરે છે. અને જેનું અધિક રાત દિવસનું જે વસ્તુ પદાર્થનું ચિંતન હોય તેવી પ્રકૃતિ કે સ્વભાવ ઘડાય છે. પછી તે સ્વભાવથી વ્યક્તિ પરાધિનતા સ્વીકારી લે છે. જ્યાં સતત સતસંગ, સેવા, સ્મરણ, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ છે ત્યાં સત્વગુણ પ્રધાન બને છે અને સુખ તથા જ્ઞાનની સાથે જોડે છે.

પરંતુ જ્યાં અર્થ સંપાદનની જ ભાવના છે મારી પાસે આટલું છે આટલું હોય તો ઠીક આ હોય તો ઠીક. પરંતુ આટલું આટલું કરતા આટલાનો જ અંત નથી. આટલું આટલું કરતા કેટલું જોઈએ તે પ્રશ્ન જ તેવો ને તેવો રહી જાય છે. અને રાત દિવસના અર્થ ચિંતનની પાછળ કાલ વ્યતિત કરે છે. કર્મ કરવામાં વિવેક રહેતો નથી. બસ ગતિ ગતિ અને ગતિ જ હોય છે. ત્યાં સુખની આશા કયાંથી? ત્યાં રુદન સિવાય કશું પણ હોતું નથી. આપત્તિ, પીડા તથા ક્લેશને વારંવાર તે નિમંત્રણ આપે છે. ત્યાં રજોગુણ પ્રધાન હોય છે અને જ્યાં વ્યક્તિને કર્તવ્ય અકર્તવ્યનું પણ ભાન જ્ઞાન રહેતું નથી અને આળસ તથા પ્રમાદનો આશ્રય લઈને જીવનારાને જડતા ઘેરી લે છે. અને અધિકથી અધિક નીચે નીચે જતો જાય છે. ત્યાં તમોગુણ પ્રધાન છે.

તો આ કાલ કર્મ તથા સ્વભાવને જીતવા જોઈએ. તેમ પહેલે પણ કીધું કે જીતી શકાય છે. તમોગુણને રજોગુણથી જીતી શકાય છે. રજોગુણને સત્વગુણથી જીતી શકાય છે. અને સત્વગુણને આત્માના સચ્ચિદાનંદ સ્વભાવથી જીતી શકાય છે. જ્યારે આપણે સચ્ચિદાનંદ સ્વભાવમાં જીવવા લાગીએ છીએ ત્યારે કાલ પણ અકાલ થઈ જાય છે. મતલબ કે એક સરખો રહે છે. કર્મ અકર્મ થઈ જાય છે. અને પ્રકૃતિનો ગુણ સ્વભાવ છે તે સચ્ચિદાનંદ સ્વભાવમાં એકરૂપ થઈ જાય છે. જેને ગુણાતિત અવસ્થા પણ કહે છે. નિષ્કામ થયા પહેલાના કર્મમાં પરિણામ પાછળથી આવે છે. નિષ્કામ થયા પછીના કર્મમાં પરિણામ શરૂઆતમાં આવે છે. પહેલામાં કર્મનું ફલ દેખાય છે. બીજી દશામાં કર્મનું કારણ દેખાય છે. કે આ કારણને લઈને કર્મ થાય છે. જેને અંતરમાં કોઈ પણ કામના નથી તેવા નિષ્કામી મહાત્મા પુરુષોની દૃષ્ટિમાં જેવું જગત છે તેવું બરાબર છે. પહેલે જેવું હતું તેવું બરાબર હતું. અને જેવું થશે તેવું બરાબર થશે. જગત સાથેનો જગત વહેવાર કરીને કોઈ વધારે સંતોષ લેવાનો હોતો નથી જે છે તેથી તેમાં સંતોષ રહે છે.

કેટલાક માણસો કહે છે કે પુરુષ બળવાન નથી. પણ વખત બળવાન છે. અને જ્યારે પણ ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામમાં ગયા તે પછી અર્જુન કૃષ્ણ ભગવાનની પટરાણીઓને લઈને હસ્તિનાપુર જતા હતા અને અર્જુનને કાબાઓએ લૂંટયા ત્યાં અર્જુન પાસે તે જ ગાંડીવ હતું કે જેનાથી સઘળી જગ્યાએ વિજય પ્રાપ્ત કર્યો હતો. અને અર્જુન પણ તે જ હતો પરંતુ સાથે શ્રીકૃષ્ણ ન હતા તેથી અર્જુનનો અવાજ નીકળી ગયો હશે કે તે દોહો પ્રચલિત છે.

સમય સમય બળવાન છે. – નહીં પુરુષ બળવાન
અર્જુનને કાબાએ લૂંટીયો – વહી ધનુષ વહી બાણ

કારણ કે વખત ત્યાં બળવાન છે. જે જ્યાં માણસને પોતાનું ધાર્યું કરવું હોય જ્યારે પોતાનું ધાર્યું થતું નથી અને સુખ જોઈએ છે તે સુખ માટે વખત પણ જોઈએ તે સુખ માટે વખતની પણ જરૂર પડે પછી તે વખત નીચે વ્યક્તિ દબાય જાય છે. ત્યારે તે વખતને બળવાન માનવા લાગે છે. પરંતુ જે વ્યક્તિ કે માણસને પોતાના સુખ માટે કોઈ પણ સંસારના નામરૂપ પદાર્થમાં કે વ્યક્તિ વિશેષમાં સુખ કે વખત જોતો નથી તેને માટે સમય કે વખત બળવાન નથી પરંતુ પુરુષ બળવાન છે. વખત વખત છે તે સર્વને માટે સામાન્ય છે તેને કોઈમાં રાગ દ્વેષ નથી પક્ષપાત પણ નથી કે તેની પાસે ધર્મ કરાવું તેની પાસે અધર્મ કરાવું દરેક વ્યક્તિ જેમ સૂર્યના પ્રકાશમાં સઘળો વહેવાર કરે છે તેમાં નિમિત સૂર્ય છે, સઘળાના વહેવારમાં. પરંતુ સૂર્યને તે ખબર નથી કે મારા પ્રકાશમાં કોણ શું શું કેવા કર્મ કે વહેવાર કરે છે? તે તો પ્રકાશ આપે છે. તેમ વખત કોઈને પાપમાં કે પુણ્યમાં ધર્મ કે અધર્મમાં પ્રેરતો નથી, કે કરાવતો નથી પરંતુ વખતની છાયામાં રહીને વ્યક્તિ, કર્મ પોતાની વાસનાના બળે કરે છે અને સર્વ કોઈ વખતને દોષ આપે છે કે શું જમાનો કઠણ આવ્યો છે, પુણ્ય કરો પાપથી અટકો. અધર્મથી અટકો, ધર્મ કરો. વાસ્તવિકતામાં ધર્મમાં કે પુણ્યમાં વૃતિ થવાથી વખતની પણ દિશા ફરી જાય છે. અને સાચી દિશા મળે છે તેથી તે દશામાં વખત કે કાલની ગતિ વિધ્ન કરતી નથી. પણ મદદ કરે છે. સહાયક થાય છે.

વાસ્તવિક રીતે કે ખરી રીતે જોતા તો આપણું શરીર છૂટી ગયા પછીનું જીવન આપણા સામાન્ય વખત કે કાલથી માપી શકાય નહીં. જે માણસને સુખ હોય આનંદ હોય તો આપણા સો વર્ષો સો કલાક જેવડા લાગે અને જો દુ:ખ હોય તો સો કલાક યુગાન્તરો વિતતા હોય તેવું લાગે છે. અને કાયમ પ્રાર્થના કરતા હોય છે કે હે ભગવાન હવે મને લઈ લે. મને સંભાળી લે. મારાથી હવે દિવસો જતા નથી હવે શરીર છૂટી જાય તો સારું. અને તેથી કયારેક કયારેક કોઈ આપધાતનો પણ આશ્રય કરે છે. તેથી એમ જણાય છે કે મરણમાં પણ સુખ છે.

આપણા જીવનમાં આપણે જે વખતને મીનીટ, કલાક, દિવસ, માસ, ઋતુ, અયન અને વર્ષથી માપીએ છીએ તે આપણો વખત કે કાલ છે. અને તે ખરો વખત કે કાલ નથી. કારણ કે તે કાલનો અંત જ્યારે આપણું શરીર છૂટે કે મૃત્યુ થાય ત્યારે તે વખતનો ત્યાં અંત મૃત્યુ પહેલાની દશાના વખતથી માપી શકાય નહીં. મૃત્યુ વખતે એક પ્રકારના વખતનો અંત આવે છે. અને મરણ પછી જેવી વાસના રહે છે અને જેવા સંસ્કાર રહે છે કે હોય છે તે પ્રમાણે જીવ પોતાનો વખત ફરીથી તૈયાર કરે છે. જીવનમાં જો બ્રહ્મજ્ઞાન થાય કે આત્મજ્ઞાન થાય અને કોઈ પણ પ્રકારની ઇચ્છા ન રહે તો ઇચ્છા જ નથી તો તેને પૂરી કરવાનો વખત પણ જોતો નથી. ત્યાં વખત કે કાલની જરૂર પડતી નથી.

કીડાને ભમરી પકડીને લઈ આવે પછી માટીના દરમાં પૂરીને રાખે અને વાંરવાર ડંખ મારે તે ડંખની વેદના અને ભમરીનું ચિંતન અને તે ચિંતનના પરિપાકે દૃઢતા થયે ઇયળમાં જે જાત્યંતર પરિણામ થાય છે કે તેને પાંખો ફૂટે છે અને ઉડવા લાગે છે. ઇયળ મટીને ભમરી થાય છે. આ અનુભવ કેટલાક માણસો જાણે છે. તો કીડાનો ઇયળનો વખત અને ભમરીનો વખત એક નથી. તે જીવ એક ચક્કરની ગતિ ઉપરથી ઉતરીને બીજા પ્રકારના ચક્કરની ઉપર પડે છે.

જેમ આપણા શરીરના અંગ જુદા જુદા હોય છે તેમ વખત, કાલ પણ જુદા જુદા પ્રકારની ગતિના હોય છે. જેમ ઘડીયાળના ચક્રો એક આ દિશામાં ફરતું હોય છે પહેલુ બીજી દિશામાં ફરતું હોય તેમ. શરીરનો વખત કે કાલ તે પ્રાણનો વખત કે કાલ નથી. કારણ કે શરીરનો એક નાનો ભાગ આંગળી કે હાથ કપાઈ જાય તો પણ પ્રાણને કાંઈ થતું નથી અને પ્રાણનો વખત કે કાલ તે મનનો વખત કે કાલ નથી. ઉંઘમાં મન ચાલતુ બંધ થઈ જાય છે. પ્રાણ ચાલતા હોય છે. મનનો કાલ કે વખત તે આત્માનો વખત કે કાલ નથી. મનના સંકલ્પથી સ્વપ્નમાં જીવ બીજે ગામ જાય છે. ત્યાં બે પાંચ દિવસ કામ કરે છે. પરંતુ જ્યારે ઉઠે છે ત્યારે તે પોતાના ઘરમાં પોતાના બિછાનામાં પથારીમાંથી ઉઠે છે તેથી જણાઈ આવશે કે આત્માને મનના સંકલ્પથી ઉઠતા દેશ તથા વખતની અસર થતી નથી. આત્માના કાલને કે વખતને શાસ્ત્રોમાં સ્વકાલ કહે છે.

આટલા પ્રકારના કાલ કે વખત હોવા છતાં માણસ વિચારની ટેવથી એક જ પ્રકારના વખતમાં ગુંથાયેલો રહે છે. આપણા સમાજમાં એક કહેવત છે કે શાક બગડયું તેનો દિવસ બગડયો અથાણું બગડયું તેનું વરસ બગડયું અને જેની ઘરવાળી બગડી તેનો ભવ બગડયો. પરંતુ જેને કોઈ પણ વસ્તુની ઇચ્છા નથી કે કોઈપણ વસ્તુ જોતી નથી તેનું કંઈ પણ બગડતું નથી. તેનો વખત પણ બગડતો નથી. આવી ભાવનાઓથી વખતના વિચાર રહે છે અને વખતની ખરી ગતિ કે વખતની ખરી દિશા અને વખતનો સ્વભાવ સમજાતા નથી.

આપણા સુખના ચાર ક્ષેત્ર છે. શરીરનું સુખ, પ્રાણનું સુખ, મનનું સુખ, અને આત્માનું સુખ. આ ચાર ક્ષેત્રમાંથી કયા ક્ષેત્રમાંથી કયુ સુખ જોઈએ છે જે આપણે પહેલે જોઈ ગયા છે. ત્રણ ક્ષેત્રના સુખ અર્થમય પુરુષાર્થનું સુખ, કામમય પુરુષાર્થનું સુખ અને ધર્મમય પુરુષાર્થનું સુખ અને ચોથું મોક્ષમય પુરુષાર્થનું સુખ. તો આ ચાર ક્ષેત્રમાંથી જે જે ક્ષેત્રનું વધારે પ્રમાણમાં સુખ જોઈતું હોય તો તે ક્ષેત્ર માટે તેવો વખત ગ્રહણ કરવો પડે છે. કાયમના માટે નિયમ છે કે જો નબળા તથા હલકા વિચાર આવે તો જીવનમાં નબળાઈ તથા હલકાપણું આવે. વિચાર કે ચિંતન તે જ માણસનું જીવન છે. અને પછી તે નબળા તથા હલકા વિચાર પ્રમાણે પરાણે પરવશ થઈને પણ તેવા કર્મ કરવા પડે તે જ ખરું મૃત્યુ છે. બીજું કયુ મૃત્યું છે? તે દશામાં પછી વખત પોતાનો પોતાની સ્વાધિનતામાં રહી શકતો નથી. તેને પછી વખતની પાછળ પાછળ ચાલવું પડે છે તે વખતની આગળ ચાલી શકતો નથી. માને છે વખત મારો હજી આવ્યો નથી વખત આવ્યે વખત વખતનું કામ કરશે તેમ વખતની પાછળ પાછળ ચાલનાર પોતે પોતાના પુરુષાર્થથી ઢીલો તથા શિથીલ થઈ જાય છે, કાયર થઈ જાય છે, પ્રારબ્ધવાદી થઈ જાય છે. અને વખતથી હારીને ચાલે છે. પરંતુ આપણે આપણા જીવનમાં જ્ઞાન તથા શક્તિ વધે તેવા કર્મ કરવા જોઈએ. અને તેવા કર્મ કરવાથી માણસ સઘળા ભયમાંથી મુક્ત થાય છે. કારણ કે આનંદ કે સુખ વધવાથી વખત પણ ટૂંકો થઈ જાય છે. તેથી કયાં કર્મ કરવા લાયક છે તે જાણવા કરતા કેવા જ્ઞાનથી કર્મ કરવા જોઈએ તે જાણવું વધારે જરૂરનું છે.

સૃષ્ટિમાં એક વખત નથી અને તેથી સૃષ્ટિની ઉત્પતિ થઈ છે કે નહીં અથવા કયારે થઈ તે નક્કી કરવું હોય તો કયા ભાવે? કયારે? કેવા જ્ઞાનથી? કયારે શું જોયું? તે નક્કી કરવું જોઈએ. તે રીતે જોતા જણાશે કે દરેકને પોતાની કલ્પનાની સૃષ્ટિ દેખાય છે. અને તે સૃષ્ટિ તેની કલ્પના સુધી જ હોય છે અથવા સ્વપ્નાને જ્યાં સુધી જુવો છો ત્યાં સુધી જ છે. બાદ અજ્ઞાત કાંઈ નથી વેદાંતને જ્ઞાન સૃષ્ટિ જ માન્ય છે. અને વિચારતા વાત પણ બિલકુલ સત્ય લાગે છે. તેથી દૃષ્ટિ વખતે જ સૃષ્ટિની પણ પ્રતીતિ છે. જે કોઈ પણ અભિનેતા નાટક ભજવનાર હોય તેને એક જ વખતે આખુ નાટક નજર સામે દેખાતું હોય છે. પણ જોનાર પ્રેક્ષકોમાં ત્રણ ભાગ પડી જાય છે, પાડી નાખે છે. તેને માટે કાંઈક જોયું તે ભૂતકાલ, કાંઈક જોવાય છે તે વર્તમાનકાલ અને હજી જોવાશે તે ભવિષ્યકાલ થયો. એવી વૃતિઓ ઉત્પન્ન થાય છે. તેવી વૃતિઓ નાટક ભજવાવનાર પરમાત્મા પણ એક મોટા નાટકકાર છે. તેથી તે નટવર સર્વ નટોમાં શ્રેષ્ઠ કહેવાય છે. આત્મા નૃતક તેની દૃષ્ટિમાં બધુ પોતાનું સ્વરૂપ છે. જેને બીજું દેખાય છે તે ત્રણકાલની કલ્પના કરી બેસે છે.

કોઈ જગ્યાએ સ્ટુલ ટેબલ ઉપર કીડીઓની હાર ચાલી જતી હોય પછી આપણે ત્યાં આપના હાથના પાંચ આંગળા જરા પહોળા કરીને મૂકીએ કે રાખીએ ત્યારે કીડી પાંચ વિભાગે ફરવા લાગશે. અને તેને પાંચ કુંડાળા કે વર્તુળ જેવું જણાશે થશે. અને ત્યારે તે કીડીઓ એવી રીતે પણ માને કે તેના જગતમાં પાંચ જીવ જન્મ્યા અને આપણે પાંચ આંગળા ઉપાડી લઈએ ત્યારે તે એમ પણ કદાય માને કે પાંચ મરી ગયા. પરંતુ આપણે જાણીએ છીએ કે તે કલ્પના ખોટી છે. તેવી જ રીતે અહીંથી જે મરી ગયા આપણને લાગે છે તે બીજી જગ્યાએ પોત પોતાના કર્મ પ્રમાણે જીવન ગાળતા હોય અથવા જેમ બ્રહ્મજ્ઞાનની દૃષ્ટિમાં લાગે છે તેમ બધુ એક બ્રહ્મમાં કલ્પિત છે. મતલબ કહેવાનું કે જે દ્વૈત બુદ્ધિથી જીવન જીવતા હોય છે તે જીવન બ્રહ્મજ્ઞાનથી બાધ પામે છે. અને બાધ પામે છે તેથી તે જીવનને સાચા જીવન તરીકે માની શકાય નહીં. જે ગામમાં બધા આંધળાને બહેરા હોય તો તે ગામ કેવું છે તેમ કોણ કહી શકે અને કોણ સાંભળી શકે. અને દુનિયામાં એક જ માણસ હોય અને બીજી કોઈ વસ્તુ જ ન હોય તો તે પોતે કેવડો મોટો કહેવાય અથવા કયારે ઉત્પન્ન થયો તે કોણ કહી શકે કે કહેવાય. આપણે ચોમાસામાં જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે એકી સાથે દેડકા ઉત્પન્ન થઈને ડ્રાઉં ડ્રાઉં કરતા હોય છે. અને પાછા મરી પણ જતા હોય છે તેથી માણસના પચાસ વર્ષમાં દેડકાના પચાસ જન્મ થયા કહેવાય. માણસના જીવનમાં પણ દુ:ખ હોય તો એક કલાક પણ લાંબો લાગે. ઘડીકમાં જતો નથી. અને જો સુખ હોય તો પાંચ કલાક પણ જતાં વાર લાગતી નથી કેમ જતા રહે તે ખબર પડતી નથી. તેથી જીવની લાગણી ઉપર વખત ફરે છે. અને એમ પણ બોલાય છે કે અમુક માણસના માથા ઉપર કાલ ફરે છે.

રવિવાર સોમવાર કે મંગળવાર ઇત્યાદિ વાર બાળકની દૃષ્ટિમાં નથી. મરેલાને પણ નથી ગાંડાને પણ નથી. ઉંઘતા માણસને માટે પણ નથી. પશુ પક્ષીને માટે પણ નથી. અને બ્રહ્મજ્ઞાનીને માટે પણ નથી. મુસલમાનો શુક્રવારને પવિત્ર માને છે. અંગ્રેજો રવિવારની રજા પાડે છે. અને હિંદુઓ સોમવારને પવિત્ર માને છે. તેથી માણસના વાર માણસની કલ્પનામાં છે.

એક માણસને સ્વપ્ન આવ્યું તેમાં તેણે પર્વતો નદીયો ઇત્યાદિ ઘણુ ઘણું જોયું તેણે માન્યું કે આ પર્વત ઇત્યાદિ ઘણા વખતથી અહીં છે. અને હું હમણાં અહીં આ જોવા આવ્યો છું. જોઉં છું હવે જાગીને જો વિચાર કરે તો ત્યાં તે સ્વપ્નાનો પર્વત ઇત્યાદિ જે કાંઈ હતું તે પહેલાં તે ઘણા વખતથી ન હતું. તે પર્વત ઇત્યાદિમાં જે સ્થિરતા માની હતી ઘણા વખતની તે ખોટી હતી. ત્યાં સ્વપ્નનો જીવ વાસ્તવિક રીતે પહેલો હતો. તેમ જાગૃતમાં પણ બધા એમ માને છે કે આ જગત મારી પહેલાનું છે કારણ કે સ્વપ્નનું જગત તેની પોતાની કલ્પનામાંથી નીકળેલ છે તેમ આ જાગૃત વખતે જણાતું જગત પણ આત્મા પહેલે ન હતું. આપણે તેમ માની બેસીએ છીએ કે મારો જન્મ હમણાં થયો છે. આ જગત તો કયારનું મારી પહેલાનું છે. ખરા અર્થમાં તો જન્મ દેહનો થાય છે. મૃત્યુ પણ દેહનું થાય છે. આત્મા જન્મતો પણ નથી મરતો પણ નથી. તેથી આપણે જેમ સ્વપ્ન જગત પહેલાના છીએ તેમ આ જાગૃતમાં જણાતા જગતની પણ પહેલાનું આપણું સ્વરૂપ છે આ જગત ન હતું ત્યારે પણ હું હતો. આ જગત છે તો પણ હું છું આ જગત નહીં હોય ત્યારે પણ હું હઈશ તેવું મારું ત્રિકાલાબાધિત સ્વરૂપ છે. જેમ ઘડામાં રહેલું ઘટાકાશ તેમાં આકાશને વખત કે કાલ નથી વખત કે કાલ ઘડાને છે તેમ દેહને વખત કે કાલ છે પરંતુ મારા આત્માને વખત કે કાલ નથી. તેવું મારું કાલાતિત સ્વરૂપ છે. આપણે અહીં વખતનો વિચાર પૂર્ણ કરીશું

ૐ ૐ ૐ

Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: