Daily Archives: 20/10/2008

વખત એટલે શું?


ગતાંક થી ચાલુ


આ ઉપરથી તે પણ નિશ્ચિત થયા છે કે એક જ વખતે જે જે પ્રકૃતિના જે જે માણસો હોય છે. તેમને માટે તે તે યુગ લાગુ પડે છે. સાધુ પુરુષો કલીયુગમાં પણ સત્વગુણથી પોતાના વખતની દિશા ફેરવીને સતયુગનો અનુભવ કરી શકે છે. કારણ કે પુરા દિવસ રાત્રીમાં માણસ સવારે બે કલાક કે ત્રણ કલાક પ્રાર્થના ભજન ધ્યાન કરતો હોય તો તે વખતે ભક્ત થાય છે. દુકાને કે નોકરી કે વેપાર ધંધા માટે જાય કે બેસે ત્યારે નોકર થાય છે. સાંજે બાળકોને રમાડતો હોય છે ત્યારે પિતા થાય છે રાત્રે પતિ થાય છે. તેમ જે વખતે જેવી લાગણી તે વખતે તેને માટે તેવો વખત સમજવાનો છે. અને જે મહાત્માઓને વહેવારિક સબંધની જરૂર નથી પણ જેને એક નિત્ય પરમાત્મા સાથે સબંધ છે તેનો સબંધ ફરતો નથી. તેથી તેવા મહાપુરુષોની જીંદગીના કેટલા વર્ષ ગયા કેટલા રહ્યા કે કયો યુગ ચાલે છે તેનો હિસાબ કે ગણના કરવાની જરૂર રહેતી નથી. આ ઉપરથી પણ નક્કી થાય છે કે વખતની ગતિ માણસ પ્રમાણે એટલે કે જીવ પ્રમાણે અને તેની લાગણી પ્રમાણે ફરે છે. તેટલા માટે આપણને શું જોઈએ છે તે નક્કી કરવું જોશે. જ્યારે જે અનિત્ય વસ્તુ છે તે જો જોતી હશે તો અનિત્ય વસ્તુના વખતની અસર થશે. અને નિત્ય વસ્તુ જોતી હશે તો નિત્ય વસ્તુના વખતની અસર થશે.

જેટલા વખતમાં દૃશ્ય ફરે છે તેટલા વખતમાં દૃષ્ટા ફરતો નથી. દૃષ્ટા દૃષ્ટા રહે છે. તેથી દૃષ્ટાનો તથા દૃશ્યનો બંનેનો વખત એક નથી. જો કે જ્ઞાન થાય છે ત્યારે તો દૃષ્ટાના વખતનો અને દૃશ્યના વખતનો કોઈ પણ ભેદ રહેતો નથી. છતાં પણ માણસના અનુભવના વખતનો વિચાર કરવા માટે ભેદની જરૂર રહે છે. સૂર્ય ઉગે છે. ઘડિયાળ ચાલે છે. સ્ટેશન આવ્યું ઇત્યાદિ શબ્દોના આપણે પ્રયોગ કરીએ છીએ. પરંતુ ખરુ જોતા સૂર્ય ઉગતો નથી, ઘડીયાળ ચાલતી નથી સ્ટેશન કયાંયથી આવ્યું નથી. છતાં વહેવાર માટે વાણીનો ઉપયોગ થાય છે. તેમ આત્મા બંધાય છે અને મુક્ત થાય છે. તે સઘળું ગુણ દૃષ્ટિથી એટલે કે વહેવારિક દૃષ્ટિથી બોલાય છે. પુસ્તકના પાના ફાટીને ટુકડા થઈ ગયા બજારમાં ફેંકી દીધા પછી શું થાય છે તે કોઈ જોતું નથી અને જોવાની જરૂર પણ નથી. તેવી જ રીતે પુસ્તક બન્યું તે પહેલા તેની શી દશા હતી તેમાં કેવા કાગળ વપરાયા હતા તે કાગળ કેવા ચીથરામાંથી બન્યા હતા તે બાબત જાણવા પણ કોઈ મહેનત કરતું નથી. અને તેની જરૂર પણ નથી. બસ તેના ઉપયોગ વખતે તેનો વખત શરૂ થાય છે અને ઉપયોગ પૂરો થયે તેનો વખત પણ પૂરો થાય છે. પુરુષના વીર્યમાંથી અને સ્ત્રીના રજકમાંથી નવ મહિને બાળક ઉત્પન્ન થાય છે. અને બાળકમાંથી માણસ થાય છે. આ સમજવું સહેલું છે કારણ કે તેમાં સામાન્ય અનુભવની વાત છે. પરંતુ પુરુષના વીર્ય અને સ્ત્રીમાં રજ કયારે અને કેવી રીતે ઉત્પન્ન થાય છે અને બંનેમાં પ્રેમ કયારે અને કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તે પ્રેમને કોણ ગતિ આપે છે. અને ગતિ આપનારનો સ્વભાવ કેવો છે તેનો વખત કેવો છે વિગેરે બાબત સમજવી સહેલી નથી. નાની જગ્યાના ફેરફારનો કે નાની લાગણીના ફેરફારનો વિચાર સહેલાઈથી થઈ શકે છે. પરંતુ મોટી જગ્યાના ફેરફારનો વિચાર અને મોટી લાગણીના ફેરફારનો વિચાર સહેલાઈથી થઈ શકતો નથી. બહારની લાગણી જાણવી સહેલી છે. પણ જેમ જેમ અંદરની લાગણી જાણવા પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ મુશ્કેલી વધે છે. જો માણસમાં ઇચ્છા ઉત્પન્ન થતી જ ન હોય તો તેના વખતનું પણ કયાં ઠેકાણું રહે છે. ઇચ્છાનું પરિણામ જાણવું સહેલું છે ઇચ્છાનું કારણ જાણવું સહેલું નથી. જગત ચાલ્યા કરે છે. તે એક વખત છે. બસ ચાલે છે. આ એટલું જ જો સત્ય હોય તો વધારે વિચાર કરવાની જરૂર નથી. પણ કોઈ માણસને તે જગતનો ઉપયોગ દશ વર્ષ થયો કારણ કે દશ વર્ષની આયુ ભોગવી. કોઈને પંદર વીશ કોઈને પચીસ કે કોઈને પચાસ કોઈને પંચોતેર કે સો વર્ષ ઉપયોગ કર્યો પરંતુ જે જન્મથી જ અંધ છે તેને શું? તેને તો બિલકુલ ઉપયોગ નથી તેથી જ્યારે સામાન્ય વખતમાં ઉપયોગનો વિચાર ઉમેરવામાં આવે છે ત્યારે વખતનો સ્વભાવ સમજવો મુશ્કેલ પડે છે.

જેવા પ્રકારની ઇચ્છા અને તે પુરી કરવા માટે જેવા પ્રકારનું શરીર ધારણ કર્યું હોય તે ઉપર તે માણસનો વખત બંધાય છે. આપણે માનીએ કે રાણા પ્રતાપને તથા શિવાજીને હિંદુ રાજ્ય સ્થાપવાની ઇચ્છા હતી પણ તે પૂર્ણ ન કરી શકયા. જીવનભર તે લડતા રહ્યા તેથી તેને ફરી જન્મ ધારણ કરીને ફરી વખત લેવો પડે અને આજે વર્તમાનમાં પણ ઘણા વિશ્વ હિંદુ પરિષદવાળા ઇત્યાદિ નામાંકિત અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે સરકાર સામે લડે છે. કાશીમાં તથા મથુરામાં પણ તેમ કરવા માગે છે. પરંતુ તે ઇચ્છા સાથે લડ?તા લ?॰તા જીવનનો અંત આવે છે. તે તો ફરી જન્મ ધારણ કરીને બીજો વખત લઈને આવશે. હજી લડે છે તેની પણ ઇચ્છા કયારે પૂરી થાય તે કહી ન શકાય અને ઇચ્છા પૂરી ન થાય તો ફરી ફરી તે ઇચ્છા પૂરી કરવા માટે તે તે વખત લેવાની જરૂર પડે પરંતુ જેને આત્મજ્ઞાન થઈ ચૂકયું છે જેને કોઈ પણ પ્રકારની ઇચ્છા નથી તેને વખતની પણ જરૂર નથી. અને શરીર ધારણ કરવાની પણ જરૂર નથી. છતાં જગત ચાલે છે. ફરતું રહે છે. ભવિષ્યમાં તેનું કાંઈક થશે પણ જે ચાલે છે ફરે છે બને છે તે આખુ જગત નથી. જે આખુ નથી તેને આખુ માનવાથી સત્ય મળશે નહીં. વખતની જગ્યા જગતના એક ભાગમાં રહે છે. આખુ જગત ફરતુ નથી. તેથી આખા જગતને વખત નથી આપણે જે જગત જોઈએ છીએ તે આપણું જગત છે. અને તે આખું નથી. વળી જગતનો અનુભવ જે પ્રમાણે માણસ લે છે તે પ્રમાણે જગત ઉત્પન્ન થતું નથી. બાળકના જન્મ વખતે બાળક ઉત્પન્ન થતું નથી. તેને ખબર નથી કે મારો જન્મ થયો. માનો કે આપણે ઇગ્લેંન્ડ અમેરીકા જઈએ ત્યારે ઇગ્લેન્ડ અમેરીકા ઉત્પન્ન થતું નથી. તે પહેલા પણ હતું અને તેવી જ રીતે જ્યારે આત્માનું જ્ઞાન થાય છે કે અનુભવ થાય છે તે વખતે આત્મા ઉત્પન્ન થતો નથી. જ્યાં સુધી આત્માનો અનુભવ થયો ન હોય ત્યાં સુધી બે પ્રકારનો વખત રહે છે. એક દૃશ્યનો વખત અને એક દૃષ્ટાનો વખત તે વખતના સ્વભાવ અમુક સ્થિતિમાં ફરતા રહે છે. તો જોશું કેમ ફરતા રહે છે.

1. જગ્યાની સ્થિતિ અને લાગણીની સ્થિતિ —> દૃશ્યનો વખત
2. જગ્યાની ગતિ અને લાગણીની ગતિ —> વખતની સ્થિતિ
3. ઉપયોગના ત્રણ પ્રકાર અર્થ,કામ,ધર્મ —> વખતની ગતિ
4. મોક્ષનો અથવા આત્માનો ઉપયોગ —> વખતની દિશા દૃશ્ટાનો વખત

જગ્યાની સાથે માણસનો જ્યારે સબંધ થાય છે ત્યારે જગ્યા જો ચાલતી ન હોય તો સમજણમાં ભૂલ થતી નથી. પરંતુ માનો કે બે ટ્રેન દોડતી હોય અને સાથે તે વખતે જગ્યાની ગતિની સાથે માણસને સબંધ થાય છે ત્યારે ગતિનો સાચો વખત જાણવો મુશ્કેલ પડે છે. એ જ પ્રમાણે આપણે પૃથ્વી ઉપર ફરીએ છીએ અને આપણને પૃથ્વી સ્થિર લાગે છે અને પૃથ્વીને સ્થિર માનીને આપણે વહેવાર કરીએ છીએ પણ આ પૃથ્વી સૂર્યની આસપાસ એક સેકન્ડમાં અઢાર માઈલની ઝડપે ફરે છે. છતા આપણને પૃથ્વી ફરતી જણાતી નથી. પરંતુ જ્યારે આપણે પૃથ્વીથી અલગ થઈને પૃથ્વીને જોઈએ ત્યારે જાણે સઘળું ચેતન હોય તેમ જણાય છે. પૃથ્વીનો સ્વભાવ જોતા સઘળું તેને ચેતન જણાય છે. એટલે કે આપણને જે જડ વસ્તુ લાગે છે તે પણ ચેતન જણાવા લાગે છે. અને તેની લાગણી પ્રમાણે વખતની ગણત્રી કરે. જગ્યાના સબંધ વિના માત્ર લાગણીથી પણ વખતનો સ્વભાવ ફરતો લાગે. સ્વપ્નમાં લાગણી ફરવાથી અને ઉઁઘમાં આઠ નવ કલાક કેમ જતા રહે છે તેની ખબર પડતી નથી. કારણ કે તે સુખની લાગણીનો વખત છે. સ્વપ્નમાં આપણી વાસનાથી વસ્તુ બની જાય છે. ત્યારે ત્યાં તે ક્રિયાનો વખત પણ જરૂર પડતો તેવી વાસનાથી બની જાય છે. જ્યારે લાગણી ઉપરાંત ઉપયોગ તેમાં ઉમેરાય છે ત્યારે જાગૃત અવસ્થામાં પણ જેવો જે માણસનો પુરુષાર્થ તે પ્રમાણે તેના વખત જાય છે.

કારણ કે આપણે જે પુરુષાર્થ કરીએ છીએ તેને મહાપુરુષોએ ચાર ભાગમાં વેચેલ છે. દરેકની પોત પોતાની ઇચ્છાનો વિષય અને તેને માટે થતો પ્રયત્ન તે પુરુષાર્થ કહેવાય. પુરુષની પ્રવૃતિ અર્થ પ્રાપ્તિ માટે હોય છે. અને તેની પાછળ મને સુખ મળે તેવી લાગણી હોય છે. તેમાં અર્થ, કામ ને ધર્મ અને તેથી થતું કે મળતું સુખ. અર્થથી મળતું દેહનું સુખ, કામથી મળતું પ્રાણનું સુખ અને ધર્મથી મળતું મનનું સુખ આ ત્રણે પુરુષાર્થથી જે અર્થમય પુરુષાર્થથી મળતું દેહસુખ, કામમય પુરુષાર્થથી મળતું પ્રાણનું સુખ અને ધર્મમય પુરુષાર્થથી મળતુ મનનું સુખ તે ત્રણે વહેવારિક તથા નાશવંત છે. માણસ અર્થની પાછળ પડે ત્યારે તેને રાત દિવસ અર્થ સિવાય કશું પણ જણાતું નથી. રાત દિવસ અર્થનું ચિંતન કરતો હોય છે સ્વપ્ન પણ તેના જોતો હોય છે. અને જીવનનું ધ્યેય જ પૈસો છે. તેવા માણસો રાત દિવસ ઉથલ પાથલ કરવામાં જ લાગી રહેતો હોય છે. અને પૈસાના વિચાર વગર એક ક્ષણ પણ જાય તે તેને ગમતું નથી. રાત્રે પણ ઉંઘ ઓછી લેતા હોય છે. આજે તો જોઈએ તો અર્થ પાછળ એટલી દોડ છે કે જાણે પૈસા પાછળનું જે મળતુ સુવિધાનું સુખ તે પણ જાણે પૂરું ન લઈ શકતા હોય તેમ પૂરું ભોજન કરી શકે નહીં. પૂરું ઉંઘી શકે નહીં. જમવા બેસે ત્યારે પણ બંને કાને ટેલીફોન, સુવે તો પણ બંને કાને ટેલીફોન રાખે છે. આ બધા અર્થ સંપાદનથી જરૂર સુવિધાનું સુખ, દેહસુખ મળી શકે છે. પરંતુ અર્થ સંપાદન કરતા કરતા શરીર સ્વાસ્થ્ય જ બગાડી નાખે છે પછી દેહસુખ પણ મળતું નથી. અને અર્થ સંપાદન કરેલ જે હોય તેનો પ્રવાહ દવાખાના તરફ વહેતો થાય છે. અને તે આધ્યાત્મિક તાપમાં સદા તપતો રહે છે. આધિભૌક્તિકમાં તો તપતો જ હોય છે અને જે કોઈ સાધુ મહાત્માઓ ભજનાનંદી જે હોય છે તેને સટોડિયા બજારમાં કે શેર બજારમાં એક ક્ષણ પણ ઉભવું ગમતું નથી. તેને ત્યાં એક મીનીટ પણ ભારે થઈ પડે છે.

તેવી જ રીતે નવા પરણેલામાં જેને કામમય પુરુષાર્થથી પ્રાણનું સુખ જોઈએ છે તેમાં પુરુષને સ્ત્રીમાં અને સ્ત્રીને પુરુષમાં એટલું સુખ દેખાય છે કે તેને એક ક્ષણ પણ લાગણી સંતોષાયા વગર જાય તો તેને યુગ યુગ કે યુગાન્તરો વિત્યા હોય તેવો અનુભવ થાય છે. અને પરસ્પરના મિલનના સુખથી પ્રાણ સુખથી અન્ય કશું પણ દેખાતું નથી. તે વગર રહી શકાતું નથી. અને સંત મહાત્મા ભજનાનંદી મહાપુરુષોને તેમાં રસ કે લાગણી ન હોવાથી તેવા માણસો સાથે બેસવાનું પણ ગમતું નથી. અને તેવા સાથે એક મીનીટ ગાળવી પણ મુશ્કેલ લાગે છે.

અને ત્રીજો ધર્મમય પુરુષાર્થથી થતું મનનું સુખ કે ઘણી વ્યક્તિઓ પરોપકારની ભાવનાવાળા હોય છે. સમાજની કલ્યાણ ભાવના રાખીને કોઈ દેશભક્ત બનીને સમાજ સેવા કરતા હોય છે. તેવા પરોપકારમાં દેશ ભક્તિનો પણ સમાવેશ થાય છે મલિન તથા ગંદા રાજકારણમાં પ્રવેશ કરીને પછી સંપૂર્ણ પણે પોતાની નૈતિકતાને ટકાવી રાખવી મુશ્કેલ હોય છે. આપણે મહાત્મા ગાંધીથી લઈને તેની સાથે જોડાનાર સઘળા દેશ ભક્ત કહેવાય કે જે દેશ માટે તન મન તથા ધનનું પણ બલિદાન આપતા હોય છે. અને તેને સમજનારો વર્ગ પણ તેની પાછળ પાછળ ચાલતો હોય છે. વાહ વાહ પણ કરતો હોય છે. માન હારતોરા પણ કરતો હોય છે. અને પ્રસંશાના ગીત પણ ખુબ ગાતો હોય છે અને તેથી તે ધર્મમય પુરુષાર્થથી સુખ થતું હોય છે. તે મનનું સુખ કહેવાય. આજે સમાજ કલ્યાણની ભાવના રાખીને કરતા પુરુષાર્થના છાપાઓમાં ખુબ જ ફોટા સહિત નામ તેનું કામ સઘળું તે બતાવતા હોય છે. અને તે પરોપકારી વ્યક્તિ પણ તે છાપા વાંચતા હોય છે. અને ઉત્સાહિત થતા હોય છે. અને તે પણ વિચારતા હોય છે કે આજે છાપામાં શું આવશે અને માણસોને પણ તેમ થયા કરે કે આ સમાજ સેવક સારો છે. આજે તેનું શું આવશે, તે વાંચવા કે જોવા ઉત્સુક હોય છે. અને તેવા માણસોને તે પરોપકારના વિચાર સિવાય અન્ય ક્ષણ જાય તે ગમતું નથી.

છતાં પણ કેટલાક માણસો એવા હોય છે કે તેનો સ્વભાવ અલગ હોવાથી તેમાં રસ કે લાગણી ધરાવતા નથી. રાજદ્વારી વિચારો જ એવા છે કે જીવનના સઘલા લાભોની કિંમત તે વિચારોથી માપી શકાય નહીં. પોતાના જીવનમાં લુખી અને ફીકી ક્ષણ જાય તે કોઈને ગમતું નથી. કારણ કે આપણે છાપા કે જે કાંઈ જાહેરાતો ઇત્યાદિ વાંચતા હોય તેમાં આપણા સ્વભાવનું ગમતું હોવું જોઈએ. તેવું ન હોય તો દુ:ખ થાય છે. પરંતુ તે દુ:ખ સાથે તે છાપા કે જાહેરાતો લખનાર છે તેના અધિપતિને કાંઈ પણ લેવા દેવા નથી. રેડીયામાં કે ટેલીવિઝનમાં જે ગાતો હોય તે તેનું ગાયન કોને પસંદ નથી તેની સાથે ગાનારને કોઈ સબંધ નથી. તેવી રીતે જગતમાં કોઈ પણ બનાવ પસંદ કોઈને ન આવે કે આવે તેની સાથે ભગવાનને કાંઈ પણ સબંધ નથી. ભગવાનના રાજ્યમાં નિરપેક્ષ વખત છે. તેને મહાકાલ કહેવાય છે. તે મહાકાલ છે તે માણસની વૃતિથી ત્રણ કાલરૂપ ભુત ભવિષ્ય અને વર્તમાનરૂપે જણાય છે. તેથી જે મહાકાલ છે તેનો અનુભવ જ્યાં સુધી વૃતિ નિરોધ ન થયો હોય ત્યાં સુધી થાય નહીં કે માપી શકે નહીં. વૃતિ તો એક ભાગનો જ પરિચય આપી શકે છે. અને તેથી તે દૃશ્યનો વખત બતાવે છે. પણ જે સત્તાથી દૃશ્ય બન્યું છે તે તો આખી વસ્તુ છે. આખી વસ્તુનો સ્વભાવ સામાન્ય વૃતિથી જાણી શકાય નહીં. એમ ન કહી શકાય કે આખી વસ્તુ અમુક ભાગમાં જ સમાઈ ગઈ છે. અથવા અમુક વખતે જ પૂરી થઈ ગઈ છે. માણસ પોતાના નખમાં કે વાળમાં સમાઈ શકતો નથી. નખ કે વાળને માણસનું નામ આપવામાં આવ્યું નથી. ખરી રીતે માણસના હાથ પગ મોઢું નાક જીભ કાન પેટ ઇત્યાદિ તપાસવામાં આવે અને ચીરીને જોવામાં આવે તો ખરો માણસ મળશે નહીં. સંસારી વૃતિઓથી ગાયન સંભળાય છે. પરંતુ ગાનારો કયાંય દેખાતો નથી.

પારમાર્થિક સતાના કાલમાં દૃષ્ટા પહેલો છે. અને જે પહેલો છે તેના પાછળથી જગત ઉત્પન્ન થયું છે. તેમાં રહેલું છે. અને અંતે તેમાંજ સમાશે તે દૃષ્ટા પુરુષનું શરીર માણસ જેવું હોય નહીં. બ્રાહ્મણો એટલે બ્રહ્મજ્ઞાન તે પુરુષના મુખમાંથી નીકળેલ છે. ક્ષત્રિયો અથવા રક્ષણશક્તિ અથવા સત્વગુણ તે પુરુષના હાથમાંથી નીકળેલ છે. વૈશ્યો અથવા રજોગુણ તે પુરુષના પેટમાંથી નીકળેલા છે. અને શુદ્રો અથવા તમોગુણ તે પુરુષના પગમાંથી નીકળેલ છે. ચંદ્ર તે પુરુષનું મન છે. સુર્ય તેની આંખ છે. પ્રાણમાંથી વાયુ નાભીમાંથી અંતરિક્ષ મસ્તકમાંથી ધ્રુલોક પગમાંથી ભુલોક કાનમાંથી દિશાઓ થઈ છે. તેવી જ રીતે જુદા જુદા લોકની ઉત્પત્તિની કલ્પના વેદના કાલના ઋષિઓએ કરેલ છે. આ બધી ક્લ્પનાઓ બધા ધર્મવાળાને બધા પ્રકારે સાચી લાગે નહીં. તે તો સંભવિત છે. પરંતુ આત્મા કાલથી અતીત છે. તેથી સૌથી પહેલો છે. અને જે પહેલો હોય તેમાંથી બીજું ઉત્પન્ન થાય તે બાબત તો સમજી શકાય તેવી છે. વળી આત્માના સબંધથી બીજી વસ્તુ જોવામાં આવે ત્યારે તે વસ્તુઓના નવા અર્થ કરવા પડે છે પણ જગતમાંથી અથવા માણસમાંથી આત્મા ઉત્પન્ન થશે, તે વાત સમજી શકાય તેવી નથી છતાં વિજ્ઞાનવાળા તેમ માને છે કે જેમ પદાર્થ શોધીએ છીએ તેમ આત્મા પણ શોધી શકાશે. વિજ્ઞાનવાળા બહાર શોધે છે યોગીઓ અંદર શોધે છે. આત્મા ક્રિયાથી પ્રાપ્ત થાય તેમ નથી કે તે ક્રિયાનું ફળ નથી. તે જાણવાની વસ્તુ છે. પ્રસિદ્ધ વસ્તુ છે. તે ક્રિયા કરનાર ખોજનારનું સ્વરૂપ છે. છતાં ઘણા ઘણા માનતા હોય છે કે જેમ ભવિષ્યમાં વસ્તુ મળે છે તેમ આત્મા પણ મળશે. આત્મા તે મેળવવાની વસ્તુ નથી. મળેલ છે. મળેલ છે તેમ પણ કહી શકાય નહીં. તે સ્વરૂપ છે આપણું. છતાં સર્વ મોક્ષ માટેની સુવિધા શોધતો હોય છે.

ભવિષ્યનો વિચાર કરીએ ત્યારે દૃશ્યનો વખતનો સ્વભાવ આવે તે વખતને ચોક્કસ ગતિ નથી. કારણ કે તેમાં ઉપયોગનો વિચાર સમાયેલો રહે છે. અત્યારે બે હજાર ત્રણ કે ચારમાં સૂર્ય ગ્રહણ કે ચંદ્રગ્રહણ કયારે થવાનું છે તે નક્કી કરી શકાય છે. આગળથી કહી શકાય છે. કારણ કે સૂર્ય ચંદ્ર તથા પૃથ્વીની ગતિના માપ નીકળી શકે છે. અને આપણી દૃષ્ટિએ તે માપ ફરતા નથી પરંતુ બે હજાર ત્રણ કે ચારમાં બધુ શુ શું બનશે તે સઘળું કહી શકાય તેમ નથી. કારણ કે બધુ નક્કી કરવામાં ઉપયોગનો વિચાર આવી જાય છે. અને ઉપયોગના વિચારમાં વખતનો સ્વભાવ તે માણસ પ્રત્યે ફરી જાય છે. ઘણા ઘણા ભવિષ્ય જીવનનું કહેતા હોય છે પરંતુ સંપૂર્ણપણે તે સાચું હોતું નથી. સઘળી બાબતો સાચી પડતી નથી. તેમની સત્તા તેમની શક્તિના બંધાયેલા ક્ષેત્ર પર ચાલે છે. વિજ્ઞાનવાળા સ્થુલ તેજની મદદથી અને યોગીઓ અંદરના સૂક્ષ્મ તેજની મદદથી બહારની અને અંદરની કેટલીક ક્રિયાઓનું ભવિષ્ય જાણી શકે છે. પણ જ્યાં સુધી જે શક્તિની મદદથી બહારનું અને અંદરનું તેજ ચાલે છે તે શક્તિનો અનુભવ ન થાય ત્યાં સુધી ખરા કાલની કે વખતની ખબર પડતી નથી. તેજથી કાલનું માપ થાય છે. પણ કાલનો સ્વભાવ તેનાથી અનુભવમાં આવતો નથી. આગલા વખતમાં વિદ્વાનો કેટલાક ભગવાનને આપણી ઉપર બતાવતા હતા. હાલના કેટલાક વિદ્વાનો ભવિષ્યમાં બતાવે છે. ઉપર કહ્યું તેમ વખતનો સ્વભાવ લાગણીથી ફરે છે. લાગણી ઉપયોગ પ્રમાણે ફરે છે. અને ઉપયોગ ભગવાન તરફ વળે છે ત્યારે વખતનો આધાર ભક્તિ ઉપર રહે છે. જગતમાં ઉત્પન્ન થયેલ વસ્તુઓ જે ક્રમ પ્રમાણે ઉત્પન્ન થઈ હોય તે ક્રમ તે માણસ માટે ચાલતો નથી. એક માણસને પાંચ દિકરા હોય અને તેને છેલ્લા દીકરા ઉપર વધારે સ્નેહ હોય તો તેમાં તેના સ્મરણમાં પાંચમો પુત્ર પહેલો રહેશે. મા અને દીકરાના સબંધમાં દીકરો માને ભૂલી જાય છે તોય દીકરાને મા ભૂલતી નથી. અને દીકરાના દોષો ગ્રહણ કરતી નથી.

જેના ઉપર આપણને પ્રેમ હોય તેના દોષ આપણે ગ્રહણ કરી શકતા નથી. એટલું જ નહીં પણ આપણે તેને સૌથી પહેલા યાદ કરીએ છીએ. પ્રેમમાં કઈ વસ્તુ પહેલી ઉત્પન્ન થઈ તે જોવાતું નથી પણ કઈ વસ્તુ પર કેટલો સ્નેહ છે તે જોવાય છે. તેથી વાત્સલ્ય પ્રેમમાં નિરપેક્ષભાવ કાંઈક અંશે જોવામાં આવે છે. એ પ્રેમ જ્યારે ભગવાન ઉપર ઉતરે એટલે કે જ્યારે ભક્ત ભગવાનને મા તરીકે માને છે ત્યારે બાળક જેમ પોતાના ભવિષ્યની ચિંતા છોડે છે બાળકનું રક્ષણ કરવું તે માની ફરજ છે અને તેવો ભાવ હોય ત્યારે ભગવાન પણ તે પ્રમાણે પ્રત્યુત્તર આપે છે. એટલે કે બાળકની માફક ભક્ત પણ કોઈ વખત ભૂલ કરે તો એ માની માફક ભગવાન પણ તેનો દોષ ધ્યાનમાં લીધા વગર તેની સંભાળ લીયે છે. આ સબંધમાં જેટલો પ્રેમ હોય તેટલા પ્રમાણમાં ફલ નથી કારણ કે બાળકના પ્રેમના પ્રમાણમાં મા ફલ આપતી નથી. આ સબંધમાં પ્રેમનું માપ જોવાનું નથી કે મારો પ્રેમ કેટલો છે? પણ પ્રેમનો પ્રકાર જોવાનો છે કે મારો પ્રેમ કેવા પ્રકારનો છે.

જગતના નિયમનના કાયદા જગતમાંથી ઉત્પન્ન થતા નથી. પણ જીવમાંથી ઉત્પન્ન થાય છે. આપણે કોઈ મકાન કે બિંલ્ડીંગ ઊભી કરીએ કે બનાવીએ ત્યારે જે ઇજનેર તેનું પ્લાન નક્કી કરે છે પછી તે નકશા તથા પ્લાન પ્રમાણે મકાન તૈયાર થાય છે. સોસાયટી તૈયાર થાય છે તે બતાવે છે કે તે મકાન કે સોસાયટીનું પ્લાન કરનાર ઇજનેર પહેલો છે. મકાન કે સોસાયટી પછી બની છે. વાવાઝોડાથી મકાન પડી જશે પરંતુ તે વાવાઝોડું લાકડા, પત્થર, ઇંટો ઇત્યાદિ સઘળાને ભેગા કરીને મકાન બનાવી નહીં શકે. માનો કે આપણે એક નાટક કે સિનેમાં જોવા બેઠા છીએ તેમાં પહેલો, બીજો અંક તો ચાલ્યો ગયો છે જોયા વિના, અને પછીનું જોઈએ છીએ તેથી પહેલાના અંકના તો ખબર નથી મૂળના. તેથી નાટકનું રહસ્ય બરાબર સમજાતું નથી. ત્યારે આપણે પણ જગતને એવી રીતે જોઈએ છીએ કે પહેલા શું તેનો તો ખ્યાલ હોતો નથી. કે જે જગત જોઈએ છીએ તે પહેલાનું શું? કે કોણ કે જે ઉત્પન્ન કરનાર છે? તેના પહેલા ઉત્પન્ન થયું ન હોય ત્યારે ઉપયોગનો અર્થ બરાબર સમજાવો જોઈએ. કારણ કે જગતનો કોઈ એક ભાગ કે જે ઉપયોગી નથી તેને માટે તેની દૃષ્ટિમાં તે કાંઈ ઉત્પન્ન જ થયું નથી.

તો જેમ દીકરો પોતાના મા-બાપના વિવાહ કે લગ્ન જોઈ શકે નહીં તેમ જગતની ઉત્પતિનો વિચાર પણ થઈ શકે તેવો નથી. પણ જે જગત ઉત્પન્ન થયું છે તેના ઉપયોગનો વિચાર થઈ શકે તેમ છે કે જગતનું મારે માટે પ્રયોજન શું? કેટલું કામમાં લાગે અને મારે શું જોઈએ છે જગતમાંથી અને શું મળે તેમ છે. તેનો વિચાર જરૂર થઈ શકે તેમ છે. તો પહેલા વિચારમાં વખતના માપનો વિચાર સમાયેલો છે. વખતની ગતિ માટે કાંઈક માપ લેવું જોઈએ. માપ લાગણી અને ઉપયોગ પ્રમાણે ફરે છે. તે વખતે વખતના સ્વભાવની ખબર પડે છે. જ્યારે પ્રેમ ઉત્પન્ન થાય છે તે જાણવાની પ્રેમી માણસને પરવા નથી પણ શું જોઈએ છે તે નક્કી કરવાની જરૂર રહે છે. સામાન્ય માણસ જગતમાં જેવા વિષયો દેખે છે, તે પ્રમાણે ઇચ્છા ઉત્પન્ન કરે છે. અને આજ દૃષ્ટિએ કાર્ય કારણ ભાવ આપણને નિયત લાગે છે. પરંતુ કોઈ મહાત્માને વિષયો જોવા છતાં પણ ઇચ્છા જ ઉત્પન્ન ન થાય તો એમ ન કહેવાય કે વિષયોનું કામ હંમેશા ઇચ્છા જ ઉત્પન્ન કરવાનું છે. તે બનાવમાં હંમેશા નો અર્થ ફરી જાય છે. તો નિયતિ ઉડી જાય છે. અને હંમેશાનો કોઈ અર્થ રહેતો નથી. તેજસ્વી કે મહાત્મા પુરુષો હંમેશા કાર્ય કારણ ભાવ માનતા નથી. એટલે કે વિષયો હંમેશા માણસને દબાવી શકે છે, તે વાત માનતા નથી. સતા પરિવર્તન માટે ઘણાને તે વાત મુશ્કેલ જેવી લાગતી હોય છે. પરંતુ જેનું જીવન આત્મા કે પરમાત્મા સત્ય તરફ ઢળેલું છે તેને કશું પણ મુશ્કેલ લાગતું નથી. તેવી જ રીતે જેને ભગવાન જોઈએ છે કે જેને આત્મ સાક્ષાત્કાર કરવો છે તે બીજાને માટે ઘણું જ મુશ્કેલ લાગે છે પરંતુ જેની પાસે વાત્સલ્ય છે પ્રેમ છે, સદગુરુ પાસેથી પ્રેમની દીક્ષા મળેલી છે જેના જીવનમાં માધુર્ય છે, તેવા પ્રેમી મહાત્માઓને તે સરળ લાગે છે.

એક કામ મજુરી કરીને કરવું હોય તો તેને મહિનો કે બે મહિના લાગે કે વર્ષ લાગે તે કામ બુદ્ધિશાળી માણસો વિજ્ઞાનની કે બુદ્ધિની સમજથી એક દિવસમાં કરી શકે છે. તે આપણે આજના યુગમાં અનુભવીએ છીએ. કિસાનો ને ખેતર સુધારવા માટે બળદોથી આખું વર્ષ લાગતું તે આજે ટ્રેક્ટરની સહાયથી બે કલાકમાં સુધારી નાખે છે. તેથી વખતની ગતિ કે કાલની ગતિ નિયત છે તેમ કહી શકાય નહીં. ત્યાં નિયતિ ઉડી જાય છે. જો નિયત હોય તો સઘળું કામ નિયત જ રહે. પરંતુ અમુક કાર્ય માટે અમુક અમુક સમય લાગવો જ જોઈએ તેમ નક્કી માની શકાય નહીં. નિશ્ચય અને પ્રેમથી કાલની કે વખતની ગતિ અને દિશામાં ફેરફાર થાય છે. ભગવાનના દર્શન કે સાક્ષાત્કારમાં ભગવાન તરફથી વખતની કે સમયની જરૂર નથી. તે પરમાત્મા નિરપેક્ષ સ્વભાવવાળો છે. તે અત્યારે પણ મળી શકે છે. અહીં પણ મળી શકે છે. અને તે પરમાત્માનો અનુગ્રહ સઘળા ઉપર કાયમ રહે છે. કારણ કે પ્રેમ સ્વભાવવાળા તે છે, કરુણ છે. પરંતુ જે માણસને ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તેને પોતાને પોતાના સ્વભાવ પ્રમાણે વખત લાગે છે. પરમાત્મા તરફથી કોઈ પ્રતિબંધ નથી તેને માટે તો કાયમ સઘળાને માટે દ્વાર ત્યાં ખુલ્લા જ રહે છે. ત્યાં પ્રવેશ અપ્રવેશ કે મિલન તે તો આપણા સ્વભાવને કારણે છે. સાધારણ વસ્તુના ઉપયોગમાં દુરની વસ્તુ કે નજીકની વસ્તુ તેમ થોડા વખત પછી મળવાની તેવી કિંમત રહે છે. પરંતુ જ્યાં આત્માનો અનુભવ કરવામાં નજીકની વસ્તુ અને હમણાં હોય તેની કિંમત રહે છે કારણ કે આત્મા આપણું સ્વરૂપ હોવાથી ખુબજ નિકટની વસ્તુ છે. વળી તે ભૂતકાલ કે ભવિષ્યમાં થનાર નથી તેથી હમણાની વસ્તુ છે. તેથી તેની કિંમત નિકટની કે હમણાની ઉપર રહે છે. કારણ કે તેમાં સુખ છે આનંદ સ્વરૂપ છે તે સુખ આપી શકે છે કે લઈ શકાય તેમ છે. સ્વભાવથી સંજોગોને જીતવાના છે. અને તે જીતથી વખત કે કાલ પણ જીતી શકાય. આત્માના સ્વભાવથી સઘળાને જીતી શકાય છે. રામ ચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસે કીધું છે કે આ સંસારમાં જીવાત્મા અવિનાશી છે. અને લક્ષ ચૌર્યાશી યોનિમાં ભ્રમણ કરે છે તેનું કારણ કાલ કર્મ તથા સ્વભાવ છે.


વધુ આપણે કાલે જોશું.


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

તપો તિતિક્ષા તનમાં સંતો – (18)

રાગઃ- રામ ભજન વિણ નહીં વિસ્તારા

તપો તિતિક્ષા તનમાં સંતો, સંયમસે સુખ સવાયું
તપ વિણ તન દીસે તૈસા, જ્યોં શશિકર અમાસ હરાયું –તપો

ક્ષુધા પિપાસા મનને સતાવે, સો મિતાહારસે મનાયું
સુખ દુઃખસે વ્યથા ભોગવે, તો સમતાસે સધાયુ –તપો

વિકાર વાસના વલોવે મનને, જો તાસે મન તવાયું
શમ દમસે બનો શૂરા, તો ઘાયલ થઇ ઘવાયું –તપો

કામ વિના વસ્તુ કરે નહીં, જેની કાચી કૂડી કમાયું
વજ્ર કછોડે મનડાં જેના, જેનું સાધન હોય સવાયું –તપો

સંયમ વિના શક્તિ નહીં, તેજપણું ન આવ્યું
ભજનપ્રકાશ સંયમ સાધો, જીવન દિવ્યતા લાવ્યું –તપો

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Create a free website or blog at WordPress.com.