ગતાંક થી ચાલુ
તો તે પરમાત્માને જાણવા માટે તો જેણે તે પરમાત્માને જાણ્યા છે જે બુદ્ધિથી જેણે અનુભવ લીધો છે તેવી બુદ્ધિ આપણે પણ જો તેને જાણવી હોય તો બનાવવી પડે. અને તો જ તે નવી વસ્તુ જાણી શકીએ. જે મહાપુરુષોએ તે પરમાત્માને જાણ્યા છે જે મન બુદ્ધિથી, તેવું મન કે બુદ્ધિ બનાવવા પડે પરંતુ તેટલું જ નહીં પણ પછી ઘણા જુના ખ્યાલો, વિચારો કે ટેવોને છોડવી પડે કે ભૂલવું પડે કારણ કે જે વસ્તુને જાણવી હોય તેવી બુદ્ધિ કરવી પડે, આવી ઉપયોગી બાબત ન સમજાતી હોય પછી તે માટે ઘણા વિવાદો કરતા હોય છે. કે ગુરુની શી જરૂર છે? કારણ કે દરેક માણસના મનમાં જે ખોટા ખ્યાલો તથા ખોટી માન્યતાઓ ઘુસી ગઈ છે તેને દુર કરવામાં જ ગુરુને, મહાત્માઓને મહેનત પડે છે અને ઘણા છોડવા પણ તૈયાર નથી હોતા. સામાન્ય બાબત સમજવામાં આવી હોય અને મિથ્યા દલીલો અનુભવી પાસે કરતા હોય છે અને મન માન્યું ચલાવવા પ્રયાસ કરતા હોય છે. અને તેથી જ જીવનમાં આપત્તિ, દુ:ખ ઇત્યાદિ પણ સહન કરતા હોય છે. છતાં પણ મહાત્માઓ તેના સંસ્કારો, તેના હું પણાના ખ્યાલો ઇત્યાદિક સઘળાનો વિચાર કરીને દૂર કરાવવાનો પ્રયત્ન કરતા જ હોય અને જે કોઈ બાહુલ્યપણે રહેતા રાગ દ્વેષના સંસ્કારોને વશ થઈને કે ખોટા ખ્યાલો ન છુટવાને લઈને કયારેક ન અહીંના ન તહીના તેવી સ્થિતિનો અનુભવ પણ કરતા હોય, તેથી મહાત્મા પુરુષોનો પણ સમય કે વખત તેના ખોટા ખ્યાલો તથા માન્યતાઓને દૂર કરવામાં જતો હોય છે. મહાત્મા પુરુષોનો પ્રયત્ન આવો હોવા છતાં અન્ય વખત કે કાલે અન્ય જ પ્રકારના સ્વભાવવાળા માણસો પણ જન્મતા હોય છે અને જન્મથી જ તેના થઈ ગયેલા નિશ્ચયોને ફરીથી નવા પ્રકારે બદલાવવા પડતા હોય છે. છતાં પણ જુદા જુદા ધર્મોએ અથવા ધર્માચાર્યોએ પોત પોતાની દૃષ્ટિ અથવા દૃષ્ટિકોણથી કેટલીક ઉપયોગી થઈ પડે તેવી બાબતોને સમજી તથા વિચારીને ધર્મ ગ્રંથો કે દર્શન શાસ્ત્રો રચ્યા છે. કે જે ઘણા પ્રમાણિક પુરુષો દ્વારા રચાયેલા છે.
છતાં ઘણા અન્ય કાલે કે બીજા વખતે જન્મનારા તેમ પણ કહેતા હોય છે કે કોઈને હજી સુધી સત્ય કે પરમાત્મા મળ્યા નથી. તેથી અમે કહીએ છીએ તેમાં મહેનત કરો અમારું માનો અમારી માન્યતાને માન આપો તો તમને સત્ય કે પરમાત્મા પ્રાપ્ત થશે. પરંતુ જ્યારે તેની જ માન્યતા પર વિચાર કરતા જણાય છે કે હજી સુધી કોઈને પરમાત્મા મળ્યા નથી તેમ કહેનાર ને જ પરમાત્મા મળ્યા નથી. કારણ કે મુખ્ય મુશ્કેલી તે હોય છે સમાન ભાવે સર્વ કાલે કે વખતે માનવ રહી શકતો નથી. ત્રીગુણાત્મક પ્રકૃતિને લઈને દરેક કાલે કે વખતે તેના ભાવ પણ બદલતા રહે છે. અને સ્થાન પણ બદલતું રહે. વખત અને સ્થાનના વહેણમાં વહેતો રહે છે. તેથી સઘળી જગ્યાએ એક જ વખતે રહી શકતો નથી. પછી પોતાના અનુભવો તથા બીજાના અનુભવોને સરખાવવા જાય છે મેળ કરવા જાય છે. અને વધુ ગોટાળામાં પડે છે. અને દરેક વખતે ખોટી માન્યતાઓ પણ ચાલુ હોય છે. કેટલીક વળી દુર થાય છે. પરંતુ વળી કેટલીક ઉત્પન્ન પણ થઈ જાય છે. તેથી સઘળાની સઘળી ભુલો દૂર થાય તેવો ઉપાય કોઈ મહાત્મા કે ગ્રંથકાર આપી શકતા નથી કારણ કે સત્ય કે પરમાત્મા એવા છે કે બધા માણસોની બધી લાગણીઓને સંપૂર્ણ પણે સંતોષી શકે તેમ નથી.
જગત સાથેના આપણા સબંધોથી એક લાગણી, વખત વિષે ઉત્પન્ન થાય છે. તેથી પરમાત્માને જાણવા માટે તે વિચાર બહુ જ ઉપયોગી છે. વખતને કે સમયને કે કાલને માપવા માટેના આપણે ત્યાં પહેલે બતાવ્યા તેવા સાધનનો ઉપયોગ થતો હતો. પહેલા ઘડીયાળો ન હતી, ત્યારે દિવસના સૂર્ય પૂર્વાચલથી કેટલો ઉંચે ચડયો તેમ માપ થતા. પ્રાત:કાલથી સૂર્ય માથે આવે તો કહે બપોર, બે પહોર થયા. આપણે જોઈ ગયા કે ત્રણ કલાકનો એક પહોર. તેમ બે પહોરનો બપોર, છ કલાક. વળી નવ કલાકનો રોંઢો. સૂર્ય અસ્તાચલમાં ઢળતો જાય તેમ તે સૂર્યની સાથે જે છાંયા પ્રકાશની પાછળ પાછળ ચાલે તેનું માપ થતું અને ચાર પહોર, બાર કલાક થાય તો કહે સાંજ પડી ગઈ, રાત્રી શરૂ થઈ તેમ ચાલે. રાત્રીથી પણ હવે સમી સાંજ થઈ, વાળુનું ટાંણું થયું. રાત્રીના નવ દશ વાગ્યા સુધી વાળુ ટાંણું મનાય છે. રાત્રી ચંદ્રથી નક્ષત્રોના માપથી ચંદ્રમાં આકાશમાં કયાં હતો? કેટલે તે ઉંચે હતો? ઉપર હતો કે ઉપરથી ઢળતો હતો? કે અસ્તચળમાં કયારે ગયો? અથવા ચંદ્ર ન હોય ત્યારે તારા મંડળ નક્ષત્રો કે કૃતિકા જેને કાંતી કાળો કહે. હરણ, નક્ષત્રો, સપ્તરૂષિ, ગુરુ કે શુક્રનો તારો ઇત્યાદિ રાત્રીના વખતને માપવાના સાધન. અડધી રાત્રીને અધરાત મધરાત કહે, તે પછીની રાત્રીના પહેલા પહોરમાં તો વાળુ ટાઈમ મનાય. બીજા પહોરે મધરાત મનાય. ત્રીજા પહોરે મળશકુ મનાય. અને ચોથા પહોરે બ્રાહ્મ મુહૂર્ત મનાય જેને પ્રભાત અથવા ભળકણું પણ કહે. તેમ વખતે માપવાના સાધન હતા.
તે પછી ઘડીયાળો આવી અને માપના સાધન ઘડીયાળ ઉપર આજે ચાલે છે. સૂર્ય ચંદ્રની ગતીથી અને પૃથ્વીની ગતીથી દિવસ રાત્રીનો અનુભવ થાય છે. અને તેની ગતીથી જ કે તે પ્રમાણે જ્યોતિષ શાસ્ત્રની પણ રચના થઈ અને જ્યોતિષ શાસ્ત્રના આધારથી જ ઘડીયાળ પણ રચવામાં આવ્યું હશે. આપણે પલને વિપલ ઇત્યાદિ માપો છે. આપણે જોઈ ગયા છીએ અને તેથી માણસનો વહેવાર ચાલે છે. પરંતુ ઘડીયાળ જે આપણને વખત બતાવે છે તે ઘણે ભાગે તે જગ્યાનો હોતો નથી. પ્રાંત પ્રાંતમાં વખતના માપ બદલાઈ જતા હોય છે. ગુજરાતમાં ગુજરાતનો, રાજસ્થાનમાં રાજસ્થાનનો, યુપીમાં યુપીનો, હિમાચલમાં હિમાચલનો, તેમ કલકત્તામાં કે કોઈ દેશમાં ત્યાંના માપ ચાલતા હોય છે. આપણે અહીંથી લંડનમાં પાંચ કલાકનો ફેર, અમેરીકામાં બાર કલાકનો ફેર, તેમ આપણે અહીં સાંજ પડે તો ત્યાં સવાર થાય. ત્યાં સવાર થાય એટલે આપણે સાંજ પડે. અને આપણે અહીં જે ટાણે કે વખતે રેડીયો વગાડવો હોય તે વખત લંડન કે અમેરીકામાં ન ચાલે. તેના વખત પ્રમાણે ઘડીયાળને બદલવી પડે. આપણે જ્યારે કોઈ પણ બનાવ બન્યો તેને આપણે જાણવો હોય તો તેની સાથેનો વખત જાણવો પડે. કયે દિવસે કયાં અને કયારે ઘડીયાળ હિસાબે કેટલા વાગ્યે તેમ વખત મેળવીએ ત્યારે ખબર પડે.
જ્યારે જ્યોતિષો કોઈ પણ માણસનું ભવિષ્ય કે જન્મ પત્રિકા જોશે ત્યારે તે ગામનો વખત પહેલાં જુવે. છતાં ઘણા ગામ નાના મોટા હોય તો જે સ્થાને બાળકનો જન્મ થયો છે તે સ્થાનનો વખત બદલી પણ જતો હોય છે. મામીયા માતંગના પિતા પૂર્ણ ખ્યાત જ્યોતિષવિદ્યાના નિષ્ણાંત હતા. તેના જન્મ વખતે જે નક્ષત્ર થોડું દુર હતું અને જો તે વખતે જન્મ થાય તો ઘણું ભુત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકે તેથી તેણે તેના જન્મ વખતે તે જન્મને અટકાવવા માટે તેની માતાની યોનિદ્વારે ઘોડાનો તંગ બાંધ્યો હતો અને જન્મ અટકાવ્યો હતો. અને ઇચ્છિત નક્ષત્ર આવતા તંગ છોડયો અને જન્મ કરાવ્યો કે જેથી નામ તેનું મામૈયો માતંગ પાડયું. અને તે તેવો જ જાણનારો થયો. તેમ મામૈયા માતંગનો ઇતિહાસ કહે છે. તેથી તે તે વખતની ગણત્રી કરવી પડે છે. જે જગ્યાએ જન્મ થયો હોય તે જગ્યાની પણ ગણત્રી કરવી પડે. ઠીક જન્મ કુંડળી હોય તો જ જ્યોતિષ સાચું પડે નહીંતર જુઠું પડે.
જ્યારે જગ્યા કે સ્થાન ગતિમાં હોય ત્યારે વખતનું માપ કાઢવું મુશ્કેલ પડે છે. ખગોળ શાસ્ત્રીઓ કહે છે કે સૂર્ય ઉગતો પણ નથી અને આથમતો પણ નથી. પરંતુ આપણે કોઈ સો સવાસો કીલોમીટરની ગતીથી વાહન દોડતું હોય અને આપણે તે વાહનમાં બેઠા હોય ત્યારે વૃક્ષોને સ્થાન સઘળાં ફરતા લાગે છે. તેમ પૃથ્વી પણ સેકંન્ડમાં અઢાર માઈલની ગતીથી ફરતી હોવાથી સૂર્ય પણ ફરતો કે ઉગતો આથમતો લાગે છે. આપણને પૃથ્વી સ્થિર લાગે છે. આપણે ચાલતા હોઈએ અને આપણા માથામાં જૂ બેઠી હોય તેને આપણે ચાલીએ છીએ તેવું લાગતું નથી. ચંદ્રની કળાઓનું પણ તેવું લાગે છે. પૃથ્વીના ફરવાથી આપણે ટ્રેનમાં કે મોટરમાં બેઠા હોઈએ અને તેમાં રહેલી માખીને મોટર કે ટ્રેન ચાલતી લાગતી નથી. તેવી રીતે માણસને જેવી ગતી દેખાય છે તેવી માનીને વહેવાર ચાલે છે. જગ્યા પ્રમાણે બનાવ ફરવા લાગે છે. તેમ જોઈએ તો જ્યાં બોંબ ધડાકો થાય કે કોઈ તોપ કે બંદુકના કે ફટાકડાના અવાજને તેનો પ્રકાશનો ચમકારો અને અવાજ સાથે સંભળાશે. પરંતુ દુરનાને પહેલા પ્રકાશ દેખાશે અને અવાજ પાછળથી સંભળાશે. તેનું કારણ પણ તેજની ગતિ અને અવાજની ગતિનો ફેર પડે છે કારણ કે તેજની ગતિ અવાજની ગતિ કરતા અધિક છે. અને વળી જગ્યા અને ગતિના ફેરફારથી કેટલાક ઉલટા બનાવ જોવામાં આવે છે. આકાશમાં વિજળીનું તેજ પહેલા દેખાય છે ગડગડાટ પાછળથી સંભળાય છે. પરંતુ ત્યાં તો વીજળી તથા તેનો ધડાકો સાથે બન્યા છે. ત્યાં પણ તેજની ગતિ અધિક હોવાથી તેજ પહેલા દેખાયું અને શબ્દ કે અવાજની ગતિ ઘીમી હોવાથી અવાજ પાછળથી સંભળાયો. કોઈ પણ બનાવ બને છે તે જગ્યાએ તેમાં ત્યાં ઉભેલા માણસને તે એક સાથે બનાવ દેખે છે. પરંતુ દુર રહેલો માણશ જુદી જુદી વખતે બનાવ બનેલો હોય તેમ જાણે છે. પહેલો બનાવ છેલ્લે અનુભવમાં આવે છે. આપણી નજીક જે બનાવ બને છે તેનો વખત તુરત સમજાય છે. પણ આપણી નજીક જે વસ્તુ હોય તે ગતિમાં હોય અને બનાવ આપણાથી દુર બનતો હોય અને તેમાં પોતાની ગતિ હોય ત્યારે વખત સમજવો મુશ્કેલ પડે છે. કારણ કે આપણે બે જગ્યાએ હાજર રહી શકતા નથી. તેમ બે જગ્યાએ વખત એક હોતો નથી તેથી ઘણી મુશ્કેલી ઊભી થાય છે.
આજનું વિજ્ઞાન કે વિજ્ઞાનવાળા દુરની જગ્યાના બનાવો તેજની ગતિથી માપવાનો પ્રયત્ન કરતા હોય છે. યોગીઓ પણ અંતર આત્માના તેજની ગતિથી માપવાનો પ્રયત્ન કરે છે. અને અંતર આત્માના તેજથી દુરની જગ્યાએ જઈને ત્યાંનો બનાવ જાણે છે. જો જગતમાં કોઈ જ ન હોય અને માણસ એકલો હોય તો કોણ કોના બનાવને જાણે કે જુવે અને પોતે પણ તે કેટલો મોટો છે તે કહી શકે નહીં. જો કોઈ બનાવ જ ન બને તો વખતની પણ ખબર ન પડે અથવા બનાવ બને પણ કોઈના જાણવામાં ન આવે તોપણ વખતનો અનુભવ થાય નહીં. તેથી વખતના અનુભવ માટે દૃષ્ટાને દૃશ્યનો સબંધ જોઈએ અને સબંધ વખતે દૃષ્ટાની ગતિ અને દૃશ્યની ગતિ જાણવી જોઈએ અને માપ વખતે માપવાની વસ્તુ સ્થિર રહેવી જોઈએ. અથવા માપમાં ગતિ હોય તો તે માપ વખતે સ્થિર છે તેમ જાણુવું જોઈએ. ઘડીયાળના માપથી કેટલોક વહેવાર ઠીક ચાલે છે.
તેમાં સેકન્ડ, મીનીટ કે કલાકોથી દિવસ વર્ષોના પણ માપ કાઢી શકીએ પરંતુ ઘણી કેટલીક બાબતો એવી હોય છે કે ત્યાં આ માપ નકામું થઈ જાય છે. દુ:ખમાં પીડાતા માણસનો વખત બહુ જ લાંબો થઈ પડે છે. છતાં ઘડીયાળનો કાંટો તો ફરતો રહે છે. તેથી જણાય છે કે લાગણીથી પણ વખતમાં ફેરફાર થાય છે. માનો કે એક દૃષ્ટાંતમાં કોઈ એક પ્રેમી યુગલ જોડું છે. પછી તેણે મળવાનો સમય કોઈ એક નિશ્ચિત સ્થાન પર કર્યો હોય અને કહ્યું હોય કે ફલાણી ફલાણી જગ્યાએ આપણે એટલા કલાકે દિવસ કે રાત્રીના મળવાનું છે. અને પછી તેમાં એક તે સ્થાન પર બરાબર તેટલા જ વાગ્યે ત્યાં પહોંચી જાય અને પછી તેના પ્રેમીને ત્યાં પહોંચવામાં કોઈ કારણ સર વિલંબ થાય કે ન પણ પહોંચી શકે ત્યારે તેને જે એક એક સેકન્ડ કલાકોથી પણ અધિક લાગતી હોય છે. ત્યારે જે દશા હોય છે કે તેને પછી કલાકોથી પણ સમય યુગ યુગ સમાન વિતતો હોય છે. અને જે પહેલે જ કોઈ યુગલ પરણીને પહેલી રાત્રી હોય તો તેને થાય કે રાત્રી ન જાય તો સારું. રાત્રી ઘણી જ ટૂંકી લાગે સમય ઘણો જ નાનો લાગે કારણ કે આવા બનાવમાં પોતે પોતાની લાગણીથી વખત ઉત્પન્ન કર્યો છે. અને તે વખત પોતાની લાગણી સુધી ટકે છે. લાગણી પછી રહેતો નથી.
જે ભજનાનંદી છે અને જેને સવારે વહેલું ઉઠીને ભજન કરવું છે તેને તેમ થાય કે સવાર વહેલું પડે તો સારું. કાયમને માટે સંયોગનો વખત ઓછો થતો લાગે અને વિયોગનો વખત લાંબો થતો લાગે. છતાં જ્યારે કોઈ માણસને એમ લાગે કે મારો વખત જતો નથી તો જાણવું કે તેને કોઈ ઉપર પ્રેમ કરતા આવડતું જ નથી. અથવા પ્રેમનું સ્વરૂપ સમજ્યો નથી. આવી રીતે જો કોઈ પણ સંન્યાસી સાધુ કે ભક્ત એમ કહે કે મારો વખત જતો નથી ત્યારે સમજવું કે તેનો ભગવાન સાથેનો સબંધ થયો નથી અને તે જગત વસ્તુને પણ સમજી શકયો નથી. અને જગતના સબંધથી પણ વંચિત રહ્યો છે. માટે વખતનું માપ અને વખતનો સ્વભાવ તે બંને એક બાબત નથી. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ગતિ ઉપરથી તૈયાર કરેલ ઘડીયાળ દ્વારા વખતનું માપ સામાન્ય રીતે લેવામાં આવે છે. અને દુરના ગ્રહોની ગતિ તેજના કીરણથી મપાય છે. છતાં પણ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી કે ગ્રહોના ઉત્પન્ન થયા પહેલા ત્યાં શું થઈ રહ્યું હતુ તે માપથી જાણી શકાતું નથી. જગત ઉત્પન્ન થયું ત્યારે તે બનાવ કોઈએ જોયો જ ન હોય તો તે કેવી રીતે ઉત્પન્ન થયું છે તેની સાચી ખબર પડે નહીં.
કોઈ પણ બનાવનો વખત માપવો હોય ત્યારે માપનારને બનાવથી જુદું રહેવું જોઈએ અને જ્યારે માપનાર જુદો રહે ત્યારે બે જાતનો વખત ઉત્પન્ન થાય છે. એક દૃશ્યનો અને બીજો દૃષ્ટાનો વખત. દૃશ્યનો વખત તે પ્રકૃતિનો વખત છે. અને જેટલું દૃશ્ય છે તે એક સાથે જોઈ શકાતું નથી. તેથી માણસ થોડો વખત માપી તે વખતથી આખો વખત સમજવાનો પ્રયત્ન કરે છે. જ્યારે એક બનાવના વખતનું માપ કરવા જઈએ છીએ ત્યારે કલ્પિત માપ ઉત્પન્ન થાય છે. તે માપ વહેવારમાં ચાલે છે. વહેવારમાં પણ જો કોઈની લાગણી આપણી લાગણીથી વિરુદ્ધ પડે તો આપણી લાગણી ફરી બેસે છે. અને તેટલો વખત આપણો વખત પણ જુદી ગતિથી ચાલે છે. માં ના ઉદરમાં રહેલ બાળકને બહારના જેવી લાગણી હોઈ શકે નહીં. આપણા નવ મહિના તે તેને નવ મહિના લાગે નહીં. તેને જો ગર્ભવાસનું દુ:ખ અને તેનો જો અનુભવ થતો હોય તો નવ મહિના નવ વર્ષ જેવા પણ લાગે અને દેવતાના નવ વર્ષ જેવા પણ લાગે. પરંતુ શુકદેવજી જેવા તો ગર્ભમાં પણ આનંદની વાત કહેતા હોય છે. પિતા કહે શુકદેવજીને તને ગર્ભમાં સોળ વર્ષ થયા તું બહાર આવ. તારી માતાને વજન લાગતું હશે. ત્યારે શુકદેવજી કહે છે નહીં હું ફુલથી પણ હલકો થઈને માતાના ઉદરમાં રહ્યો છું. અને અહીં મારી પાસે માયા નથી. હું અહીં માયા રહિત તત્વની સ્થિતિમાં છું તેવો અનુભવ વ્યક્ત કરે છે. તેથી શુકદેવજી જેવાને સોળ વર્ષ પણ સોળ સેકન્ડ જેવા લાગે. પરંતુ વહેવાર માટે માના પેટમાંથી નીકળે છે. ત્યારથી તેના આયુના વર્ષ ગણાય છે.
કેટલાક બનાવ તો માણસ પોતે જ ઉત્પન્ન કરી શકે છે. અને કેટલાક ઉપર પોતાની સત્તા ચાલતી નથી. જે બનાવ ઉપર પોતાની સત્તા ચાલતી નથી તેમાં પણ કેટલાક બનાવ જે ઓછી શક્તિવાળા માણસ ઉત્પન્ન કરી શકતા નથી તે વધારે શક્તિવાળા ઉત્પન્ન કરી શકે છે. જ્યારે જ્યાં વખતનો આધાર માણસ ઉપર રહે છે. ત્યાં અનુભવનો અથવા લાગણીનો વખત રહે છે. લાગણીના વખતમાં યાદ શક્તિથી ભુતકાલ બને છે. કારણ કે ભોગવેલું છે તેને ખોવાયેલુ માનીએ છીએ. તેના વારંવારના સ્મરણ કે યાદશક્તિથી ભૂતકાલ બને છે. અને મને આ મળે મારે માટે આમ કે આવી રીતે થવું જોઈએ તેવી આશામાંથી ભવિષ્યકાલ બને છે. પરંતુ જો આપણી અંદર એક એવા જ પ્રકારની દશા ઉત્પન્ન થાય કે જ્યા ભુતકાલની સ્મૃતિ કે યાદ જ ન હોય, ભૂતકાલનો કોઈ પણ બનાવ યાદ જ ન કરીએ કે જરૂર જ ન રહે અને ભવિષ્યનું જે સુખ તેની આશા ન હોય કે તે સુખની જરૂર ન રહે તો આપણે માટે માત્ર એક જ વખત રહે.
દરેક યુગે જે તે વહેવારમાં વખતનું જે તે માપ ઉત્પન્ન થાય છે. માનો કે આપણે પહેલે જોઈ ગયા જે વખતને માપવાનું કે માપવાના સાધન હતા ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રો ઉપર ચાલતું હતું. પછી ઘડીયાળ તો પાછળ પાછળથી ઉત્પન્ન થઈ હવે ઘડીયાળથી વખતનું માપ ચાલે છે. તો જે સમયે જે વખતનું માપ ઉત્પન્ન થાય છે તે આખી વસ્તુને થોડા માપથી જોઈને સાચી બતાવવા પ્રયત્ન કરે છે. પરંતુ તેથી વખતનું માપ તે વહેવાર પૂરતું મળે છે. તેથી વખતનો સ્વભાવ શું છે કે સ્વરૂપ શું છે તેની ખબર પડતી નથી. આપણે માનીએ કે જ્યારથી સૂર્ય, ચંદ્ર અસ્તિત્વમાં આવ્યા હશે અને આ લોકો ઉત્પન્ન થયા પછી વખતનો માપ પણ ઉત્પન્ન થયો હશે. જ્યાં સૂર્યનું અસ્તિત્વ ન હોય ત્યાં વખતનું માપ શું? મતલબ કે ઇસવિસન એટલે કે ઇશુનો કાલ, વિક્રમ સવંત, યુધિષ્ઠીરની સાલ, શાલિવાહનની સાલ ઇત્યાદિ તે તે સંવત તે તેથી શરૂ થયા પરંતું તે પહેલા પણ વર્ષોની ગણતરી તે તે વખતના માપથી થતી હતી.
આપણા ભારતમાં કંઈ રાજા મહારાજાઓ કે બાદશાહો બદલાતા આવ્યા અને તેના ઇતિહાસો પણ આપણને નિશાળમાં ભણાવવામાં આવે છે. અને આપણે પણ તે તે પ્રમાણે તે તે વખતને માનતા આવીએ છીએ. પહેલા આપણે રામાયણ, મહાભારતનો ઇતિહાસ ચાલતો હતો. અને જે ઇતિહાસ ભણાવવામાં આવતો હતો તેને સંપૂર્ણપણે વહેવાર પક્ષે ખોટો પણ ન કહેવાય અને સાચો પણ ન કહેવાય. અંગ્રેજોએ આવીને પોતાના સંસ્કાર અહીં મૂક્યા, મુસલમાનોએ પોતાના સંસ્કારો મુક્યા અને તે પહેલા પણ અહીં તેવા જંગલી પણ વિચાર કરતા ન હતા. કારણ કે તે સમયે પણ વહેવારીક જ્ઞાન સાથે પારમાર્થિક જ્ઞાન પણ સમાયેલું હતું. છતાં પણ સૂર્ય ઇત્યાદિ વૃક્ષથી લઈને નદી સર્પ ઇત્યાદિની પણ પૂજા કરતા હતા. પૂર્વકાલમાં અહીં રામાયણ તથા મહાભારત જેવા અદભૂત ગ્રંથોને લખનારા પણ હતા. ત્યારે ભારતથી અન્ય દેશમાં અક્ષરજ્ઞાન વગરના જંગલી માણસો પણ હતા. એટલે જ તેઓ તે વખતનો પોતાનો ઇતિહાસ આપી શકતા નથી.
તે વખતે અહીના માણસો એટલા વિદ્વાન અને વિજ્ઞાની હતા કે જે અત્યારે થયેલું વિજ્ઞાન દ્વારા સંશોધન અને જીવનને સતત બહિર્મુખ કરવું તેવું ન હતું. તે વખતે પદાર્થના જ્ઞાન સાથે અંતર્મૂખતા તરફ લઈ જનારૂં વિજ્ઞાન પણ સાથે હતું. જ્યારે શ્રીમદ્ ભાગવત આદિ પુરાણોને સાંભળીએ ત્યારે ઘણું જ તેમાં હંબક અને જુઠ લાગે જેનો વિચાર કરતા પણ સમાધાન ન મળી શકે તેના પુરાવા આજનું વિજ્ઞાન આપી રહ્યું છે. પુરુષને ગર્ભ ન રહે તે
બાળકને જનમ ન આપી શકે કારણ કે તેને ગર્ભાશય નથી. છતાં શ્રીમદ ભાગવદમાં યુવનાશ્વરાજાની કથા આવે છે. યજ્ઞમાં અભિમંત્રીત કરેલું જલ પુત્ર પ્રાપ્તિ માટે જે કરાયેલું હતું જે પોતાની રાણીને પાવાનું હતું. યજ્ઞશાલામાં સુતા હતા અને રાત્રીના તૃષા લાગવાથી ઢુંઢવા છતાં પીવાનું પાણી ના મળ્યું અને અભિમંત્રીત પાણી પી ગયા. અને ગર્ભ રહ્યો અને સર્જરીથી માંધાતાને જન્મ આપ્યો. કથા પ્રચલિત છે કહેવાની જરૂર નથી. તેવા ઘણા ઘણા પૌરાણિક બાબતોને સિદ્ધ કરતા વિજ્ઞાનના પણ ઉદાહરણો પડયા છે. તેથી તે કાલનું તે વખતનું જ્ઞાન વિજ્ઞાન પણ હતું, એક માતા સો બાળકોને ક્રમ પૂર્વક જન્મ ન આપી શકે. જેવા કે કૌરવો અને સગર રાજાના સાઈઠ હજાર દિકરાઓ. પરંતુ આજના વિજ્ઞાનનો જન્મ થતા સૌ કોઈ તે વાતને સ્વીકારતા થઈ ગયા છે કે તે વખતનું વિજ્ઞાન હતું તેની રીત તે વખતની હતી. મુશ્કેલી હમારી ત્યાં થાય છે કે સતયુગની ભાષાને ત્રેતામાં સમજી શકતા નથી. ત્રેતાની ભાષાને દ્વાપરમાં સમજી શકતા નથી. તેથી ગોટાળામાં પડાય છે. પરંતુ યુગ યુગની ભાષા અને વહેવારની બલિહારી છે.
અને રામાયણ મહાભારતમાં આપેલા કેટલાક બનાવ આપણને માનવામાં ન આવે. રામ રાવણની લડાઈ વખતે આકાશમાં અદૃશ્યમાં રથને જોઈ ન શકે તેમ રહીને લડવું કે જે વખતના અસ્ત્રો શસ્ત્રો રથો કે જે યાનો હતા તે આજના વિજ્ઞાનનો વિકાસ થતા હવે બુદ્ધિમાં ઉતરવા લાગ્યું છે કે હોઈ શકે છે. ભીમનું નવતેરી રમવું, હાથીને ઉછાળવા, આકાશમાં ફેંકયા અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર પડતા તરતા રહે તે વાત આજે સમજાવા લાગી છે. ઇતિહાસો આત્માના અનુભવ સમજાવવાના હેતુથી લખેલા છે. તેની મુખ્ય ભાષા તથા પુરાણોની મુખ્ય ભાષા સમાધિ ભાષા કહેવાય છે. આજે તો તે બનાવો જેમ વહેવારિક પક્ષે પણ હવે સમજાવા લાગ્યા છે પરંતુ સમાધિ ભાષાને દૃઢ અને સિદ્ધ કરવા માટે જ લખાયા હોય છે. કારણ કે સમાધિ સુધી ન પહોંચેલી વ્યક્તિના જીવનમાં કાયમ દેવાસુર સંગ્રામ કે યુદ્ધ ચાલતું જ હોય છે. અને તેનું વર્ણન કરવા કોઈ વિદ્વાન બેસે તો તેમાંથી રામાયણ તથા મહાભારત તથા પુરાણની કથા ઉત્પન્ન થઈ શકે.
વાલ્મિકી ઋષિને પણ રામાયણ સમાધિમાંથી મળ્યું હતું. અને મહાભારત પણ વ્યાસ મુનિને સમાધિમાંથી મળ્યું. શ્રીમદ ભાગવત પણ સમાધિમાંથી મળ્યું હતું. ઇતિહાસ અને પુરાણોમાં માત્ર માણસના સામાન્ય જીવનનું વર્ણન નથી. પણ માણસનો ભગવાન સાથે કેવો સબંધ છે. જગત કેવી રીતે ઉત્પન્ન થયું છે. કેવી સ્થિતિમાં છે અને કયાં લય પામે છે વિગેરેનું પણ વર્ણન આપેલું છે. આપણે સઘળા પૃથ્વી ઉપર વિચરીએ છીએ. પોષાયે છીએ, જીવીએ છીએ. હરીએ છીએ ફરીએ છીએ. આ બધુ સમુદ્ર, પર્વતો, નદીઓ, આકાશમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્રો સઘળું જોઈએ છીએ તો આ પૃથ્વી પહેલા શું? તો કહે જલ હતું. જલ પહેલા શું? તો કહે અગ્નિ હતો. અગ્નિ પહેલા વાયુ હતો. વાયુ પહેલા આકાશ, આકાશ પહેલા તન્માત્રા હતી. તે પહેલા અહંકાર તે પહેલા મહતત્વ તે પહેલાં પ્રકૃતિ તે પહેલા બ્રહ્મ અને બ્રહ્મ પહેલા? અહીં બુદ્ધિ આપણી અટકી પડે છે. બ્રહ્મ પહેલા શું? તેને શાસ્ત્રમાં અતિ પ્રશ્ન કહે છે. કારણ કે જે માપથી બીજી વસ્તુનો વખત માપી શકાય છે તે માપથી બ્રહ્મનો વખત માપી શકાય નહીં.
જો બ્રહ્મ પહેલા કાંઈક હોય તો તે પહેલા પણ કાંઈક હોવું જોઈએ. અને તેને શાસ્ત્રમાં અનવસ્થા દોષ કહે છે કે તેનો અંત ન આવે તે પહેલાં તે પહેલાં તેમ જેનો અંત જ નહીં. પરંતુ વાસ્તવિકતા તે છે કે જે હોય તે નિત્ય હોવું જોઈએ. અને જે નિત્ય હોય તેને અત્યારે નથી એમ કહી શકાય નહીં. પહેલા હતું, અત્યારે છે અને પછી પણ હશે તેથી પુરાણોમાં કલ્પોના તથા પ્રલયોના પણ બહુ જ વર્ણનો આવે છે. મન્વંતરો તથા કલ્પો વિશે પણ ખુબ ખુબ વર્ણનો આવે છે. તે સઘળામાં અખંડ કાલ અને ખંડ કાલ આપણે જોઈ ગયા કે જે વહેવારમાં ઉપયોગી છે. કલ્પના વહેવાર પ્રમાણે એટલે જેવી કલ્પના કરી હોય તે પ્રમાણે જણાય છે. તેવી જ રીતે પુરાણોમાં જુદા જુદા લોકની કલ્પના કરેલ છે.
લુક એટલે જોવું થાય તે ઉપરથી લોક શબ્દ થયેલ છે. તેથી જેની જેવી દૃષ્ટિ તેવો લોક બને છે. ભોગીની દૃષ્ટિમાં ભોગનો લોક દેખાય છે. અને યોગીની દૃષ્ટિમાં યોગનો લોક દેખાય છે. આ પ્રમાણે પોતાની દૃષ્ટિથી પોતાનો લોક બને. મતલબ કે જગ્યા બને છે. અને પોતાની કલ્પનાથી પોતાનો વખત બને છે. જે વખત કલ્પનાથી ઉત્પન્ન થાય છે તેમાં માણસ વખતને ઉત્પન્ન કરે છે. વખત માણસને ઉત્પન્ન કરતો નથી. માનો કે વખતનો અનુભવ ઘણી વસ્તુ એક સાથે જોવાથી અથવા વારંવાર જોવાથી થાય છે. આ ક્રિયા બહારની વસ્તુમાંથી ઉત્પન્ન થતી નથી પરંતુ જોનારની દૃષ્ટિમાંથી ઉત્પન્ન થાય છે. તેથી વખત માણસના સ્વભાવમાંથી બને છે. એમ માનીએ કે જગતની બધી ક્રિયા બંધ થઈ જાય સૂર્ય અને પૃથ્વીની ગતિ બંધ થઈ જાય તો પણ જો માણસના મનમાં વિચાર આવ્યા કરશે તો વિચારથી વખત ઉત્પન્ન થશે. વખતની ગણના કરવા માટે વિચારની જરૂર છે. જે બની ગયું તે જ ફરીથી બનશે નહીં છતાં જે બની ગયું તે યાદ ન રહે તો ન બન્યા જેવું છે. તે યાદ કરવાનું કામ માણસના સ્વભાવમાં છે. બનાવ કે ઘટના કોઈ પણ પોતે કહેતી નથી કે હું કયારે બન્યો. જો યાદ શક્તિમાં ભૂલ હોય તો તે ભૂલથી ભૂતકાલના બનાવ સુધારી શકાતા નથી. કોઈ પણ માણસની દૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ અમુક વખત રહે ત્યારે તેનો અનુભવ થાય છે તે વખત દરમ્યાન ઘણો વિચાર આવે છે. તે વિચારને જરા પણ પરસ્પર સબંધ નથી પણ બધા વિચારને દૃષ્ટા જોનાર સાથે સબંધ છે. આ સબંધ પણ વખતથી ઉત્પન્ન થયા છે અને સ્વભાવની અંદર રહે છે. સામાન્ય રીતે તો વખતનો અંત જણાતો નથી. બહારના અનુભવથી તેની અનંતતાની ખાત્રી થતી નથી. તેથી કલ્પનાથી તેનું અનંતપણું જણાય છે. આ બધા પ્રમાણોથી જણાશે માણસની લાગણીથી માણસનો વખત ઉત્પન્ન થાય છે. બીજા પ્રાણીઓને તેના લાગણીના પ્રમાણમાં વખત રહે છે. માણસની લાગણીથી ઉત્પન્ન થયેલ વખત જ્યાં સુધી તેવી લાગણી રહે છે ત્યાં સુધી ટકે છે.
માણસની કલ્પનાનો વખત પરમાત્માનો અંત આણવાને સમર્થ નથી. પરંતુ જે દેહ અને ઘણા અભિમાનવાળા પ્રાણીઓનો સંહાર કરવા સમર્થ છે. એટલે કે જેની જેટલી કલ્પના રહે છે તેને માટે તેટલો વખત રહે છે. દુ:ખમાં વખત બહુ લાગે છે પણ ભગવાન સુખરૂપ હોવાથી માણસના દુ:ખનો વખત તેને નિમેષમાત્ર લાગે છે. આપણી ઇચ્છાઓની શરૂઆત છે અને તેનો અંત પણ છે પરંતુ આત્મા કે પરમાત્માનો અંત કે શરૂઆત નથી. આપણે યુગોમાં માનુષી કે દૈવી વર્ષોની કલ્પના કરી તેમ યુગોનું ચક્ર ફરતું રહે છે. પરંતુ તેમાં માણસના વર્ષ કયારથી ગણવા આપણે વિક્રમ સંવત કે શાલીવાહન ઇત્યાદિ જે માણસના વર્ષ ગણવામાં આવે છે અને તેમ આપણો વહેવાર ચાલે છે. પરંતુ માણસના વર્ષ ગણવા કયારથી? માણસ તો તે પહેલે પણ હતા તેથી તે વિચાર કરતા વિક્રમ સંવત કે ઇસવિસન ઇત્યાદિ તેમાં ગણત્રીમાં ચાલે તેમ નથી. પુરાણોમાં એક એવું પણ કથન આવે છે કે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ ત્રણે ગુણો ચિત વિશે ફર્યા કરે છે. જ્યારે આપણા મન બુદ્ધિ ઇન્દ્રિયોમાં સત્વગુણ રહે ત્યારે સતયુગ કહેવાય અથવા જાણવો કારણ કે તે વખતે જ્ઞાન વૈરાગ્યમાં રુચિ થાય છે. જ્યારે સકામ કર્મ ઉપર રુચિ થાય ત્યારે રજોગુણ વૃતિવાળો ત્રેતાયુગ જાણો. જ્યારે પ્રાણીઓમાં લોભ અસંતોષ માન, દંભ મત્સર થાય ત્યારે રજોગુણ તથા તમોગુણ મિશ્રિત દ્વાપરયુગ જાણવો. જ્યારે લોકોમાં કપટ મિથ્યાભાષણ આળસ, નિંદ્રા, હિંસા, દુ:ખ, શોક, મોહ, ભય વિગેરે આવે ત્યારે તમોગુણ જાણવો. જેમાં તમોગુણ મુખ્ય છે. કે કલીયુગ છે. અથવા કલીયુગ આવ્યો જાણવું. સત્વગુણની લાગણીથી જ્ઞાન પ્રમાણે વખતની દિશા નક્કી થાય છે. રજોગુણની લાગણીથી વાસના પ્રમાણે વખતની ગતિ ઉત્પન્ન થાય છે. અને તમોગુણની લાગણીથી જીવની સ્થિતિનો વખત બંધાય છે. આ ત્રણે ગુણો સાથે રહે છે. કોઈ વખતે એક ગુણનું જોર રહે છે. કોઈ વખતે બીજા ગુણનું જોર રહે છે.
વધુ આપણે કાલે જોશું.