વખત એટલે શું? – (2)

 


ગતાંક થી ચાલુ


તો આપણે એક જ અધિષ્ઠાન વસ્તુને બે વિભાગે જોશું. એક પરમાર્થરૂપે અને બીજું વ્યવહારરૂપે. પરમાર્થરૂપે પરમ સત્ય તે પરમાત્મા છે અને વહેવારરૂપે આ અપર અને પરિણામી સંસાર છે કે જે વખત યા કાલની સતામાં સંસરણ જેનું થતું રહે છે. કે જે સંસાર છે અને જેની કાલ કે વખત પણ વશ છે તેવી સર્વોપરી સત્તા તે બ્રહ્મ પરમાત્માની છે. કે જે સત્તા સત્તારૂપે જ રહે છે. તેટલે જે તેને ત્રિકાલાબાધિત કહેવાય છે. તેવું એક બ્રહ્મ છે અને તે આપણું સ્વરૂપ છે. છતાં તેનો સર્વને અનુભવ થતો નથી. કોઈ કોઈને થાય છે. કેમ અનુભવ સર્વને થતો નથી તેનું કારણ આવરણ છે. અને તેની જ્ઞાનથી નિવૃતિ પણ થાય છે અને નિવૃતિ થાય છે માટે તે સાચું નથી. અને આવરણની નિવૃતિ કરીને સ્વરૂપને જાણવા માટેનો પ્રયત્ન કરવો તે પુરુષાર્થ કહે છે. તે આવરણને દુર કરવાની યુક્તિઓ પણ છે. અને તેની યુક્તિ શોધીને તે પ્રમાણે સ્વરૂપનો અનુભવ લેતા આવડે તો તે જ પુરુષનો સાચો પુરુષાર્થ છે. છતાં પણ કોઈ કોઈ પ્રારબ્ધવાદીઓ પ્રારબ્ધને જ બળ કે જોર આપે છે. અને તે જ કારણને લઈને કેટલાય જુદા જુદા મત મતાન્તર જોવામાં આવે છે.

તેટલા માટે જ કોઈ કહે છે કે કલીયુગનો પોરો વખત કઠણ છે. કોઈ કહે છે પંચમ આરો કઠણ છે. ઘણા ભજનોમાં પણ ગાય છે કે ગુરુજી આવ્યો છે જુઠડો જમાનો કઠણ કલીયુગ વારો રે. આમાં કેમ દીધો કીરતાર અવતાર અમારો રે. કંઈક આવા કે જેમાં સમાજમાં અનાચરણ થતા જોઈને સંતના મુખમાંથી અવાજ નીકળી જાય છે કે જ્યાં સમાજ વ્યવસ્થા માટે કે ધર્મ વ્યવસ્થા માટે સમાજની ઉન્નતિનો વિચાર કરીને કંઈક ધર્મ બંધારણ તથા મર્યાદાઓ બાંધી હોય છે અને જ્યારે તેથી કાંઈક વિપરીત આચરણ થવા લાગે જે કાલે ત્યારે કંઈક સંતોના અંતરમાંથી કાલને કે વખતને નિમિત બનાવતો અવાજ નીકળી આવતો હોય છે. તેથી અત્યારે સઘળા કલીયુગને જ દોષ દેતા હોય છે કે કલીયુગનો પોરો, વખત કઠણ છે. રામચરિત માનસમા પણ ગોસ્વામી તુલસીદાસજી કહે છે ‘કલી કરમ ન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ’ કે કલીયુગમાં કોઈ પણ ધર્મ, કર્મ પણ સારા ન બની શકે, સ્વભાવથી જ લાલચુ પ્રકૃતિના જીવ પેદા થતા હોય છે. જીવનમાં વાસનાનું જોર અધિક હોય છે તેથી બહાર જ દોડતા હોય છે. કર્મ ધર્મનો વિવેક ખોઈને અધિક પાપમાં, જેમ પાણીમાં માછલું ડુબ્યું રહે તેમ ડુબીને રહેતા હોય છે. અને પરિણામે અધિકથી પણ અધિક દુ:ખ ભોગવતા હોય છે. પીડા અને કલેશથી ધેરાયેલા રહે છે તેથી મુક્ત થવાનો ઉપાય શોધી શકતા નથી. અને જે ઉપાયો કરે તે પણ આખર દુ:ખ વૃદ્ધિ કરનારા હોય છે. પણ તેથી મુક્ત કેમ થવું તેના ઉપાયમાં આંધળા જ હોય છે અને તેથી ઉપાય પણ અનુપાય જ બનીને રહે છે.

તેથી સંસારની તે રચના જ એવી છે કે દેશ, કાલ, વ્યક્તિ, પરિસ્થિતિ કે ઘટના જ્યાં ત્યાં જે તે કાલે કે વખતમાં ઘટતી હોય છે, સંજોગોના જોડાણની સાથે. પછી જે તે સંજોગોના જોડાણની સાથેનો સબંધ પરિણામ કરતો હોય છે. સારું કે માઠું બસ પરિણામો પણ સારાં કે માઠા બે જ પ્રકારના મનાય છે. સારા કહેતા જેમ ધાર્યું થાય સુખ થાય અને માઠા કહેતા ધાર્યું ન થાય દુ:ખ થાય. બસ આ જ વખતની સાથે ચાલતો વહેવાર છે. અને સૃષ્ટિના સ્થાવર-જંગમ કે જડ-ચેતન જીવોમાં જે જડ છે તે તો દુ:ખ કે સુખનો અનુભવ કરી શકતા નથી. કારણ કે તેમાં અંતઃકરણ નથી જ્યાં અંત:કરણ હોય, પ્રાણની ક્રિયા ચાલતી હોય, શ્વાસોચ્છશ્વાસ લેતા હોય તે જ કરી શકે, તેથી જે સુખ દુ:ખનો અનુભવ કરી શકે છે તે જંગમ જીવ છે. અને સુખ દુ:ખનો અનુભવ નથી કરી શકતા તે સ્થાવર જીવ હોય છે. તેથી જડ ચેતન તેવા વિભાગ જીવોના કરીને કહેવાય છે, કે આ જડ છે, આ ચેતન છે. તેવા જંગમમાં પણ સંપૂર્ણ પણે ભોગને પ્રાપ્ત થયેલ જીવ તે મનુષ્ય યોનીથી ઇતરના છે. તેમાં એક મનુષ્ય યોની જ ભોગ તથા યોગનું કે કર્મ ધર્મનું ક્ષેત્ર છે. તેથી મનુષ્ય જન્મમાં જ ફલાશા ભાવથી કરેલ કર્મ કર્તાને ક્રિયમાણની સાથે જોડે છે. ક્રિયમાણ સંચિત થાય છે અને સંચિત પ્રારબ્ધરૂપમાં ફેરવાયને કોઈ જાતિમાં જન્મ આયુ તથા તેના ભોગને નિર્માણ કરે છે.

અંત:કરણમાં કોઈ પણ વિષય પદાર્થમાં ઇચ્છા થવી તે જ પ્રારબ્ધનો જન્મ છે. જ્યાં કિંચિત માત્ર પણ ઇચ્છા નથી ત્યાં વખત કાલ કે સંજોગ એક સરખો રહે છે. પરંતુ કોઈ પણ વસ્તુ પદાર્થમાં ઇચ્છાનું ઉત્પન્ન થવું તે જ વાસના છે. વાસના વસ્તુ પદાર્થમાં સુખ ઢુંઢે છે. અનુકૂળતા શોધે છે. પરંતુ કર્મ અશુભ વાસનાથી થયેલ કર્મ પણ પ્રતિકૂળતાના સંજોગો ઊભા કરે છે. અને ઠીક શુભ સારી વાસનાથી થયેલ કર્મ ઠીક અનુકૂળતાના સંજોગો ઊભા કરે છે. વાસ્તવિકતામાં સંજોગ કે સંજોગો તો સંજોગો છે વખત તે વખત છે, સમય તે સમય છે. તેથી તેને અનુકૂળતા કે પ્રતિકૂલતાની ખબર નથી. પરંતુ અમારી ઇચ્છા વાસના ઉદભવી અને જો ધાર્યું ન થયું તો સંજોગો કે વખત પ્રતિકૂલ લાગે છે અને જો ધાર્યું થયું તો સંજોગો તથા વખત અનુકૂલ લાગે છે. આ સઘળો ઇચ્છા, વાસના તથા મનનો ખેલ છે. પછી તેમાં ઘટનાને નિમિત બનાવીએ છીએ. સંજોગો ને નિમિત બનાવીએ છીએ. વખતને દોષ દઈએ છીએ. કોઈ પણ કર્તાને, કર્મ ફલ ભોગવવા માટે અથવા તે તે ઇચ્છિત ફલની પ્રાપ્તિ માટે કર્તા પાસે તેને પ્રાપ્ત કરવાના સાધન કરણ જોઈએ. અને તે કર્તાએ જે કરણ કે ઉપકરણો દ્વારા પ્રાપ્ત કરેલ ફલનો ભોગ કરવા માટે ભોગાયતન સ્થાન જોઈએ, શરીર જોઈએ તેમાં કર્તા ભોક્તા, અહંકારી જીવ પોતાના મન ઇત્યાદિક અંત:કરણ તથા ઇન્દ્રિયો બહિકરણ દ્વારા ફલ પ્રાપ્ત કરે છે અને શરીર ભોગવે છે. કર્તા ભોક્તા જીવ કડવો મીઠો અનુભવ લે છે. વાસ્તવિકતામાં તો કર્તા ભોક્તા અંહકારી ચિદાભાસ જીવ શરીરમાં થતા પરિણામોનો અનુભવ લે છે.

કર્મને જ પ્રાધાન્ય આપનારા કર્મઠો કહે છે, કે નિષ્કામ કર્મ કરો તો સઘળું ઠીક થઈ જશે. કર્મથી જ બંધન થયું છે. કર્મથી જ સુખ દુ:ખ થાય છે. ક્રિયા કર્મ તે પ્રકૃતિનો સહજ સ્વભાવ છે. તેથી કર્મ તો થતું રહેવાનું પણ જે કર્મ ભલી બુરી વાસનાથી કે ફલની ઇચ્છાથી કરાયેલું કર્મ જ ભલુ બુરું ફલ આપે છે, તેથી ફલની આશા જ બંધન કરનારી છે. ફલની આશાનો પરિત્યાગ કરીને કર્મથી જ કર્મને કાપવું જેમ કાંટાથી કાંટો નીકળે. તેમ બંધને કર્મને કે પ્રારબ્ધને સત્ય માનનારાનું માનવું છે.

પરંતુ એક મત એવો છે કે જે ઇશ્વરનો તથા તેની સતાને માનનારા કહે છે કે સઘળું ઇશ્વરની સતાથી અને ઇચ્છાથી થયું છે. ઇશ્વર સ્વતંત્ર પણે સૃષ્ટી કરે છે. પાલે છે અને સંહાર પણ તે જ કરે છે. આ સૃષ્ટીની પહેલા પણ ઇશ્વર હતા, ઇશ્વરની ઇચ્છાથી સૃષ્ટી થઈ છે. તેની ઇચ્છાથી ચાલે છે અને ચાલતી રહેશે. માટે સઘળું જીવ કે જગત ઇશ્વરની સત્તામાં છે. તેથી માણસ માત્રનું કર્તવ્ય છે કે તે ઇશ્વરને શરણે થવું, તેની ભક્તિ કરવી, ભજન કરવુ, આ ભક્તિમાર્ગ વાળાનો મત છે. જીવ, જગત તથા જગદીશને સત્ય માનનારા તો કોઈનો મત છે કે કર્મ અથવા તો પ્રારબ્ધ જો સાચાં છે તો પછી ઇશ્વરની શું જરૂર છે? અથવા પુરુષાર્થની પણ શું જરૂર છે? કર્મ તથા પ્રારબ્ધ જ જો સઘળું ચલાવે છે તો ત્યાં ઇશ્વરની સત્તાની કંઈ કિંમત કે જરૂર પણ રહેતી નથી. અને જો ઇશ્વરની સત્તાથી જ જો સઘળું ચાલે છે તો પછી કર્મ કે પ્રારબ્ધ તે સત્ય નથી.

જ્ઞાન માર્ગ પર ચાલનારા કહે છે કે બંધન આત્માના કે સ્વરૂપના અજ્ઞાનથી થયું છે. સઘળા દુ:ખોનું કારણ સ્વરૂપનું અજ્ઞાન છે. અને જ્ઞાન થતાં અજ્ઞાનની નિવૃતિ થઈને મોક્ષ થશે. ઘણા ઘણાની તેવી માન્યતા પણ છે કે આ ક્ષણ ભંગુર, અલ્પ, અસ્થાયી, નાશવંત શરીરથી આત્માનો સાક્ષાત્કાર થવો કઠણ છે. તેમ માનનારાઓને પણ વખત નબળો લાગતો નથી. વખત પર જોર આપે છે.

જ્યારે આપણે આ નામ રૂપાત્મક પ્રપંચ જગત સામે જોઈએ છીએ ત્યારે જરૂર આપણને તેમ થાય છે અને મનમાં વિચાર ઉદભવે છે કે આ કેવી રીતે ઉત્પન્ન થયું હશે? આ કેવી રીતે ચાલે છે? અને અંતે કેમ ચાલશે? શું આ જગતનો કોઈ પણ રચયિતા હશે? કર્તા હશે? અને હોય તો કેવો હશે? તેનું સ્વરૂપ શું હશે અને કઈ કલ્પનાથી આવી રચના કરતો હશે? કે શું અકસ્માત કાકતાલિય ન્યાયે બની ગયું હશે? જગત ચાલે છે અને તેની વ્યવસ્થાનો વિચાર કરતા તો જરૂર અજાયબી ઉત્પન્ન થાય છે કે જરૂર કોઈ વ્યવસ્થાપક વગર વ્યવસ્થા ન ચાલે. તો આ શું છે તેના પર વિદ્વાનોએ બહુ વિચાર કર્યા છે, કરે છે અને કરતા રહેશે. છતાં સઘળાને પરમાત્મા મળી ગયા છે તેમ તો કહેવાય નહીં. અને કોઈને મળ્યા નથી તેમ પણ કહેવાય નહીં. દરેક જીવાત્માની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. તેથી સઘળાની માન્યતાઓ કે ખ્યાલો પણ જુદા જુદા હોય છે. આ પૃથ્વી પર વિચરનારા માણસના મનમાં શરૂઆતમાં તો ઘણી ખોટી માન્યતાઓ તથા ખોટા ખ્યાલો પ્રવેશ કરી ગયા હોય છે કે જે પૂર્ણ ગ્રંથીરૂપે બંધાય ગયા હોય છે. તેવી એક જુઠી માન્યતા વખતના સંબંધમાં પણ હોય છે. કારણ કે માણસ જ્યારે આ જગત સામે જુવે છે ત્યારે તેને બે જ વસ્તુ દેખાય છે. એક પોતે અને બીજું જગત. પણ જગદીશ દેખાતા નથી. પરંતુ પોતે કોણ છે તેની તેને ખબર જ નથી. અને જગત શું છે તે પણ જાણતો નથી તેને માટે તો તે માને છે કે સઘળું જગતમાં સમાઈ ગયું છે. પરંતુ તેને તે ખબર હોતા નથી કે આ તો મારી માન્યતાનું સાંકડું જગત હોય છે. જેવું હું માનું છું તેવું હોતું નથી. ભગવાન શ્રીકૃષ્ણ પણ અર્જુનને કહે છે અર્જુન તું જે આ જગતને જુવે છે તેવું નથી. તે તું તારી માન્યતાનું જગત જુવે છે. તેથી સઘળું જગતમાં સમાઈ જતું નથી. ત્યારે જગત શું છે? પ્રપંચ શું છે? કારણ કે જગતને જોતી વખતે આપણે આપણા વિચારો જગત તરફ છોડીએ છીએ કે જગતના કોઈ પણ પદાર્થ સાથે અંત:કરણ વિશિષ્ટ પ્રમાતા વૃતિ બહાર પદાર્થ સાથે સંયોગ કરે છે. વૃતિનું પદાર્થમાં વ્યાપવું થાય છે. આવરણ ભંગ કરે છે અને પછી અનુકૂલતા કે પ્રતિકૂલતાનો વિચાર કે અનુભવ લઈને અનુભવેલો વિચાર તે અંતઃકરણમાં સંસ્કારરૂપે સ્થાપિત કરે છે. પછી વળી તે સંસ્કારરૂપે સ્થાપિત કરેલો વિચાર ફરી વિચાર થઈને બહાર જગતને દેખે છે. પરંતુ આપણી બુદ્ધિ એવી છે કે તેથી પરમાત્મા જાણી જ ન શકાય. સંસારી બુદ્ધિ પરમાત્માને જાણી જ શકતી નથી. તેથી બુદ્ધિ બદલાવવાની જરૂર પડે છે. આવી બદલાવ વગરની જે બુદ્ધિ છે તે તો બસ સંસારના પદાર્થ પરત્વેના જ અનુકૂલ કે પ્રતિકૂલ અનુભવો આપ્યા કરશે. અને સુખ દુ:ખની પરંપરા સર્જાતી રહેશે. આ ખાસ ઉપયોગી પ્રશ્ન છે કે આપણા તથા જગતના સબંધથી ઉત્પન્ન થાય છે તો પછી જે આપણે કોઈ નવીન વસ્તુ બાબતમાં કે તેના ખ્યાલમાં આપણે વિચારવું હશે કે જાણવું હશે જેને આપણે આત્મા પરમાત્મા કહીએ તે જ નવીન વસ્તુ છે અને તેનો જ કયારે પણ વિચાર કરતા નથી. બાકી તો જુના જગતને તો જાણવામાં પણ ઘણા ખોટા ખ્લાયો બાંધ્યા છે અને તેને પણ પૂરું સમજી શકયા નથી. આજનું વિજ્ઞાન પણ પ્રયત્ન કરે છે. પણ પાર પામ્યું નથી. પામશે કે નહીં તે કહેવું કઠણ છે.


વધુ આપણે કાલે જોશું.


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: