Daily Archives: 17/10/2008

વખત એટલે શું? – (1)

તો વખત વિત્યાની પહેલા માં ત્રણ શબ્દો છે. વખત, તેનું વિતવું અને પછી તે પહેલાનું શું?

તેના પર વિચાર કરી શકાય. કે જે વ્યક્તિમાં જાગરણ આપે, આંખ ખુલે, સુતો હોય તો બેઠો થાય અને બેઠો હોય તો ઊભો થાય અને ઊભો હોય તો ચાલતો થાય અને ચાલતો થયો તો જ્યાં પોતાનું લક્ષ્ય ધ્યેય છે ત્યાં પહોંચતો થાય અને ત્યાં સ્થિર થાય, ઠીક થાય. તો જોઈએ પહેલા વખત તે શું છે? તો વખતના પર્યાય શબ્દો ઘણા છે. કોઈ વકત કહે, કોઈ સમય કહે, કોઈ અંગ્રેજીમાં ટાઈમ કહે, કોઈ કાલ કહે, કોઈ પોરો પણ કહે. તેવા તેવા શબ્દોનો પ્રયોગ વખત વિશે થાય છે. શ્રીમદ્ ભાગવતના ત્રીજા સ્કંધમાં મૈત્રેય તથા વિદુરના સંવાદમાં મૈત્રેય વિદુરને વખત કહીને કે કાલ કહીને તેનું સુક્ષ્મ તથા સ્થૂલરૂપનું વર્ણન બહુ જ સુંદર રીતે કરેલ છે. અને તે વખત કે કાલને આપણે એક અખંડ કાલના રૂપમાં જોશું. અને એક ખંડ કાલના રૂપમાં જોશું કે જેથી વખત કે કાલરૂપ અવયવી તથા તેનાં અવયવોથી પણ વખત કે કાલનું જ્ઞાન થાય અને વખત કે કાલનું જ્ઞાન થયા વગર સત્યનું પણ જ્ઞાન થાય નહીં. સત્ય કહીએ કે આપણો આત્મા કહીએ કે પરમાત્મા કહીએ કે જે આપણું સ્વરૂપ છે, પરંતુ તેનો અનુભવ સઘળાને થતો નથી તેથી કે જે વખત કે કાલની પક્કડમાં નથી અને તે નથી જણાતું માટે તેમાં કોઈ આવરણ છે અને તે આવરણ દુર થઈ શકે છે. માટે તે આવરણ સાચું નથી. પરંતુ મિથ્યા છે તેવું નિશ્ચિત થાય છે. અને તે આત્માને જાણવો કે તેને જાણવા માટેનો પ્રયત્ન કરવો તેને જ પુરુષાર્થ કહેવાય છે. તો તે કાલનું સૂક્ષ્મ સ્વરૂપ શું છે તે જાણવા માટે પ્રયત્ન કરશું.

તો જોઈએ વખત (કાલ) વિભાગનું સ્વરૂપ માનો કે જે આ પૃથ્વી આદિ જે પદાર્થ છે, કોઈ પણ તેને ફોડતા તોડતા કે પૃથ્થકરણ કરતા એટલું સૂક્ષ્મ બને કે જેનું પૃથ્થકરણ કે વિભાગ ન કરી શકાય તેટલી સૂક્ષ્મ વસ્તુને પરમાણુ કહેવાય. અને જેમ કે કોઈ મકાનની બારીના કાણામાંથી કે નળીયાવાળા મકાનના સૂક્ષ્મ કાણામાંથી સૂર્યનો પ્રકાશ અને તેના કિરણ ઘરમાં પ્રવેશતા હોય તે સમયે તે પ્રકાશના કિરણમાં જે ઝીણા ઝીણાં ઉડતાં ત્રસરેણું દેખાય તે છ પરમાણુની જોડનું બનેલું હોય છે. તે ત્રસરેણુને છ પ્રકારે વિભાગ કરો અને પછી જેટલું સૂક્ષ્મ થાય તે પરમાણું કહેવાય. અને તે સૂક્ષ્મ પરમાણુ બે બે પરમાણુ મળે ત્યારે અણુ કહેવાય. તેમ બે બે પરમાણુના મળેલ ત્રણ જોડને ત્રસરેણું કહેવાય. તેમ તેમાથી એક સૂક્ષ્મ અવયવી તથા અવયવની કલ્પના ઊભી થાય છે અને ત્રણ અણુ સમુદાયના જોડને કોઈ પદાર્થરૂપ કહી શકાય.

તેવું એક જે સૂક્ષ્મ ત્રસરેણું છે કે જે સૂર્યના પ્રકાશ કિરણમાં જ આંખથી જોઈ શકાય છે. તેવા ત્રસરેણુંને સૂર્યનો જે પ્રકાશ છે તેને પાર કરતા જેટલો સમય કે વખત લાગે તેને ત્રુટિનો વખત કહેવાય તે ત્રુટિના સો ગણા વખતને વેધ કહેવાય. અને તેવા ત્રણ વેધને એક લવ કહેવાય. તેવા ત્રણ લવનો એક નિમેષ કહેવાય. આંખનું મટકું મારવું તેવા ત્રણ નિમેષને એક ક્ષણ કહેવાય. તેવી પાંચ ક્ષણની એક કાષ્ઠા કહેવાય અને તેવી પંદર કાષ્ઠાનો એક લઘુ કહેવાય. તેવા પંદર લઘુનો એક દંડ અથવા નાડીકા પણ કહે. તેવી બે નાડીકાનું એક મુહૂર્ત કહેવાય. તો આવું કાંઈક તે વખતને માપવાનું સાધન હતું, મનાતું હતું. તેમ તેવી રીતે જ વખત ને માપવાનું સાધન એક શોધોયું તે જ આજની ઘડીયાળ છે કે જે સેકન્ડથી કાલ મપાય અને તેવી સાઈઠ સેકન્ડની એક મીનીટ અને સાઈઠ મીનીટની એક કલાક અને તેવા ત્રણ કલાકનો એક પહોર તેવા ચાર પહોરનો એક દિવસ અને આઠ પહોરના એક દિવસ રાત્રી. તેવું સાત દિવસનું એક સપ્તાહ. અને પંદર દિવસનું એક પખવાડીયું. તેવા બે પખવાડીયાનો એક માસ, તેવા બે માસની એક ઋતુ. તેવી ત્રણ ઋતુનું એક અયન. અને બે અયનનું એક વર્ષ થાય. તેના દિવસો ત્રણસો સાઈઠ. જેમાં એક વર્ષના બાર મહિના થાય તેમાં છ મહિના ઉતરાયણ સૂર્ય તે દેવતાનો દિવસ અને છ માસ દક્ષિણાયન તે દેવતાની રાત્રી અને એક માસના શુકલ પક્ષ તે પિતૃનો દિવસ અને કૃષ્ણપક્ષ તે પિતૃની રાત્રી મનાય. મનુષ્યને માટે એક માસ કે મહિનો ગણાય તેવું વખતનું માપ છે. તેવા મનુષ્યના વર્ષમાં કોઈ પણ સો શરદ ઋતુ જુવે તો પૂર્ણ આયુ ભોગવી કહેવાય.

જેટલાએ ગ્રહ કે નક્ષત્ર છે, અથવા તારા મંડલ જેટલું છે તેના અધિષ્ઠાતા કાલ સ્વરૂપ ભગવાન સૂર્ય નારાયણ પરમાણુથી લઈને સંવત્સર સુધીનો જે વખત છે તેમાં બાર રાશીરૂપ સંપૂર્ણ ભુવનકોશની નિરંતર પરિક્રમા કરે છે. અહીં આપણે સૂર્યને જ ભ્રમણ કરતો જોઈ શકશું તેથી સૂર્યને સંપૂર્ણ ભુવનકોશની પરિક્રમા કરતો કહ્યો છે. વાસ્તવિકતામાં તો કોણ ભ્રમણ કરે છે? પૃથ્વી કે સૂર્ય કે ચંદ્ર તે નક્કી કરવું કઠણ છે. જ્યાં સાપેક્ષતા હોય ત્યાં એકની સ્થિરતા અને એકનું ભ્રમણ દેખાય. વાસ્તવમાં તો સઘળું ભ્રમણ કર્તા જ છે કોઈ સ્થિર પદાર્થ નથી તેવી જ રીતે આગળ પણ વખત સંખ્યા માપીએ તો ચાર યુગની કલ્પના કરવી પડે અને તેમાં સતયુગ, ત્રેતા, દ્વાપર, અને કલીયુગ. આ ચાર યુગની સંધ્યા અને સંધ્યાંશો સહિત દેવતાના બાર હજાર વર્ષ હોય, તે ચાર યુગોમાં ક્મશઃ ચાર, ત્રણ, બે અને એક હજાર દિવ્ય વર્ષ હોય છે. તે દરેકમાં જેટલા હજાર વર્ષ હોય તેથી બે ગણા સો વર્ષની સંધ્યા અને સંધ્યાંશો હોય છે. જેમ કે સતયુગના 4000 ચાર હજાર દિવ્ય વર્ષ તેના યુગના 800 સંધ્યા અને સંધ્યાંશો તેથી 4800 વર્ષ થાય. તેવી રીતે ત્રેતામાં 3600 હોય છે. દ્વાપરના 2400 હોય છે. તેમ કલીયુગના 1200 હોય છે. આ દિવ્ય વર્ષની ગણના છે. દેવતાઓનું એક વર્ષ મનુષ્યોના ત્રણસો સાઈઠ વર્ષ હોય છે. તેવી રીતે માનવીય માન્યતાથી કલીયુગના 43,32,000 હોય છે. તેથી બે ગુણા દ્વાપરના ત્રણ ગુણા ત્રેતાના અને ચાર ગુણા સતુયુગના હોય છે. તેમાં ત્રણલોકથી ઉપરના જે મહર્લોક લઈને બ્રહ્મલોક પર્યંત, અહીંના એક હજાર ચર્તુયુગીનો એક દિવસ અને પાછી તેવડી જ રાત્રી હોય છે. જેમાં સૃષ્ટિ રચયિતા બ્રહ્માજી શયન કરે છે. અને તેવી જ્યારે બ્રહ્માની રાત્રી પૂરી થાય ત્યારે કલ્પનો આરંભ હોય છે. એવી રીતે જે બ્રહ્માજીના દિવસનો ક્રમ છે તે ચાલતો રહે અને એક કલ્પમાં ચૌદ મનુ બદલાય જાય. તેવી રીતે પ્રત્યેક મનુ એકોતેર ચતુર્યુગીથી પણ કાંઈક વધારે અધિકાર ભોગવે છે. આવી કાંઈક વખતના માપની ગણના છે.


વધુ આપણે કાલે જોશું.


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

શ્યામ વિના ચેન નહીં ચિતમાં – (15)

રાગઃ- જગમાં વેરી એનું કોઇ નહી

શ્યામ વિના ચેન નહીં ચિતમાં, અંતર બેઠો આઠે પહોર રે   

બીજે મન હવે માને નહી, નિરખે છબીચંદ્ર ચકોર રે –1

વિસારૂં પણ સખી વિસરે નહી, નટવર નંદ કિશોર રે

વ્યાકુળ ચિત્તે સખી હું વિચરૂ, ચિત્તડું રહે નહીં ઠોર રે –2

અસુરી વેળાની બેની હું નીસરી, એકલી વન અતી અઘોર રે

અજાણી બેની ઘણું આથડી, જીવન જોવા મન હોર રે –3

હરિને મળવા હાલી હેતથી, ચહુ દિશે કરતી નિહોર રે

ઉભો તે કાલીંદીને કાંઠડે, ગોપીના ચિત્તડાનો ચોર રે –4

મોહન જોઇ બેની મારા મન ઠર્યા, કાનુડો કાળજાની કોર રે

ભજનપ્રકાશ ગોપી મળી જઇ ભાવથી,

દીલમાં ન લાગે દુજો દોર રે -5

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Create a free website or blog at WordPress.com.